ભાસ્કર એક્સપ્લેનર:કોણ છે રોહિંગ્યા મુસ્લિમ, જેના પર લાગી રહ્યા છે જહાંગીરપુરીમાં હનુમાનજયંતીની શોભાયાત્રા પર હુમલાના આરોપ?

એક મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે
 • કૉપી લિંક

દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હનુમાનજયંતીની શોભાયાત્રા પર પથ્થરમારા પછી વિસ્તારમાં તણાવ ફેલાયો છે. બે પક્ષ વચ્ચે થયેલી હિંસક બબાલમાં 8 પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થઈ ગયા. હિંસા પર ઊતરેલી ભીડે ઘરો અને દુકાનોમાં તોડફોડ કરીને અનેક વાહનોને આગચંપી કરી હતી.

પોલીસે આ મામલે અત્યારસુધીમાં 2 કિશોર સહિત 23 લોકોની ધરપકડ કરી છે. જ્યારે આ મામલે નિષ્પક્ષ તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન ભાજપાએ જહાંગીરપુરી હિંસા માટે રોહિંગ્યા મુસ્લિમોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

ચાલો, જાણીએ કે કોણ છે રોહિંગ્યા મુસ્લિમ? કેમ તેમના પર લાગી રહ્યા છે જહાંગીરપુરીમાં હિંસાના આરોપ? ભારતમાં છે રોહિંગ્યા મુસ્લિમોની કેટલી વસતિ? હિંસામાં રોહિંગ્યા સામેલ હોવાની વાત કેટલી સાચી?

કેમ આવ્યું જહાંગીરપુરી હિંસામાં રોહિંગ્યા મુસ્લિમોનું નામ?
જહાંગીરપુરીમાં હનુમાનજયંતીની શોભાયાત્રા પર પથ્થરમારા પછી થયેલી હિંસા માટે ભાજપાએ રોહિંગ્યા મુસ્લિમો અને ગેરકાયદે બાંગ્લાદેશી અપ્રવાસીઓને જવાબદાર ઠેરવ્યા.

દિલ્હી ભાજપ-અધ્યક્ષ આદેશ ગુપ્તાએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકાર પર દિલ્હીમાં ગેરકાયદે રહેનારા રોહિંગ્યા મુસ્લિમોને વીજળી અને પાણીની સુવિધાઓ આપવાનો આરોપ લગાવ્યો.

તેના જવાબમાં AAPના ધારાસભ્ય નરેશ બાલિયાને ભાજપને કહ્યું હતું કે જ્યારે પોલીસ, સીબીઆઈ બધુ AAPનું છે, તો રોહિંગ્યા અને બાંગ્લાદેશી દેશની અંદર આવ્યા કેવી રીતે?

જહાંગીરપુરીમાં શું વાસ્તવમાં છે રોહિંગ્યા મુસ્લિમ?
જહાંગીરપુરી દિલ્હીના ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં વસેલું છે. આ એશિયાની સૌથી મોટી ફળ અને સબ્જી મંડી આઝાદપુરની નજીક સ્થિત છે. જહાંગીરપુરી અત્યંત સઘન વસાહત છે અને અહીં હિન્દુ-મુસ્લિમ અને પંજાબી સમુદાયના લોકો રહે છે.

આઝાદપુર મંડી પાસે હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં ફળ-શાકભાજીનાં કામ સાથે સંકળાયેલા છે. જહાંગીરપુરીમાં નિમ્ન મધ્યમ આવક ધરાવતા વર્ગની સંખ્યા સારીએવી છે. તેથી અહીં ઝૂંપડપટ્ટીઓ પણ બનેલી છે. જહાંગીરપુરી વિસ્તારને Aથી લઈને H બ્લોક સહિત આઠ બ્લોકમાં વહેંચવામાં આવ્યો છે.

જહાંગીરપુરીના બ્લોક C અને બ્લોક H-2માં મુસ્લિમોની વસતિ વધુ છે. રિપોર્ટ્સ અનુસાર, બ્લોક C અને બ્લોક H-2માં બાંગ્લાદેશી મુસ્લિમોની વસતિ સૌથી વધુ છે, જેમાંથી અનેક રોહિંગ્યા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. જોકે તેમની સંખ્યા કેટલી છે એની અધિકૃત જાણકારી નથી. શનિવારે હનુમાનજયંતી વખતે થયેલી હિંસા જહાંગીરપુરીના C બ્લોકમાં જ થઈ હતી.

કોણ છે રોહિંગ્યા મુસ્લિમો?
રોહિંગ્યા એક સ્ટેટલેસ કે રાજ્યવિહીન જાતિય સમુદાય છે, જે ઈસ્લામને માને છે અને મ્યાંમારના રખાઈન પ્રાંતમાંથી આવે છે. 1982માં બૌદ્ધ બહુમતીવાળા દેશ મ્યાંમારે રોહિંગ્યાને નાગરિકતાથી વંચિત કરી દીધા હતા.

એનાથી તેમણે શિક્ષણ, સરકારી નોકરી સહિત અનેક અધિકારોથી વંચિત થવું પડ્યું. ત્યારથી મ્યાંમારમાં રોહિંગ્યા વિરુદ્ધ હિંસા જારી છે. 2017માં થયેલા રોહિંગ્યા નરસંહાર અગાઉ મ્યાંમારમાં તેમની વસતિ લગભગ 14 લાખ હતી.

2015 પછીથી મ્યાંમારથી 9 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થી ભાગીને બાંગ્લાદેશ અને ભારત સહિત આસપાસના અન્ય દેશોમાં જઈ ચૂક્યા છે. એકલા બાંગ્લાદેશમાં રોહિંગ્યાની સંખ્યા 13 લાખથી વધુ છે.

દિલ્હીમાં રોહિંગ્યાની અનેક વસાહતો

 • યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ એટલે કે UNHRC અનુસાર, દિલ્હીમાં 1000 રોહિંગ્યા શરણાર્થીઓ રજિસ્ટર્ડ છે, જોકે તેમની વાસ્તવિક સંખ્યા આનાથી વધુ હોવાનું અનુમાન છે.
 • ભારતમાં રોહિંગ્યાની વસતિના મામલે દિલ્હી મુખ્ય સ્થાનોમાંથી એક છે. દિલ્હીમાં ઓછામાં ઓછી પાંચ એવી અનૌપચારિક શિબિર છે, જ્યાં રોહિંગ્યાની વસતિ મોટી સંખ્યામાં છે.
 • અહીં જસોલા, યમુના નદીના કિનારે, શ્રમ વિહાર, કંચન વિહાર અને સાઉથ દિલ્હી સ્થિત મદનપુર ખાદર સહિત પાંચ એવા વિસ્તારો છે, જ્યાં રોહિંગ્યા મુસ્લિમોની વસતિ છે.
 • એક રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં રોહિંગ્યા મુસ્લિમ પોતાનો ધર્મ પણ બદલવા લાગ્યા છે.

ભારતમાં છે કેટલા રોહિંગ્યા મુસ્લિમો?
ભારતમાં 2012 પછીથી રોહિંગ્યા મુસ્લિમોની સંખ્યા ઝડપથી વધી છે. ગૃહ મંત્રાલયના અનુસાર, UNHRCના પ્રમાણે, ભારતમાં ડિસેમ્બર 2021 સુધી 18 હજાર રોહિંગ્યા મુસ્લિમો હોવાની જાણકારી ઉપલબ્ધ છે.

 • 2017માં મોદી સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ભારતમાં લગભગ 40 હજાર રોહિંગ્યા વસતિ ગેરકાયદે રહે છે.
 • સરકારે કહ્યું હતું કે માત્ર 2 વર્ષમાં જ દેશમાં રોહિંગ્યાની વસતિ 4 ગણી વધી ગઈ.
 • સરકારના અનુસાર, દેશમાં રોહિંગ્યા મુખ્યત્વે જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, દિલ્હી-એનસીઆર, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મણિપુરમાં છે.
 • સરકારે સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા માટે કોઈ શરણાર્થી કેમ્પ નથી.
 • સરકાર સંબંધિત રાજ્ય સરકારોની સાથે મળીને ગેરકાયદે રોહિંગ્યાને તેમના દેશમાં પરત મોકલવાની તૈયારી કરી રહી છે.
 • હ્યુમન રાઈટ્સ વોચ એટલે કે HRW અનુસાર, ભારતમાં લગભગ 40 હજાર રોહિંગ્યા દેશના અલગ અલગ હિસ્સામાં કેમ્પો અને ઝૂંપડપટ્ટીઓમાં રહે છે.
 • એક અનુમાન અનુસાર, લગભગ 5 હજાર રોહિંગ્યા મુસ્લિમો જમ્મુ-કાશ્મીરની આસપાસના વિસ્તારોમાં રહે છે, જોકે રિપોર્ટ્સ અનુસાર, તેમની અસલી સંખ્યા 10 હજાર જેટલી છે.

સરકાર ગણાવી ચૂકી છે રોહિંગ્યાને દેશની સુરક્ષા માટે જોખમી

 • સરકાર ભારતમાં આવનારા રોહિંગ્યાને ‘ગેરકાયદે અપ્રવાસી’ અને ‘રાષ્ટ્રીય સુરક્ષા’ માટે જોખમી ગણાવી ચૂકી છે.
 • આથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રોહિંગ્યાને શરણાર્થી દરજ્જો આપ્યા પછી પણ ભારત સરકાર તેમને ગેરકાયદે અપ્રવાસીની શ્રેણીમાં રાખે છે.
 • ભારત યુએન શરણાર્થી સંધિ 1951 કે તેના 1967 પ્રોટોકોલનો હસ્તાક્ષરકર્તા દેશ નથી. તેથી રોહિંગ્યા શરણાર્થીઓ અંગે યુએનના નિયમો માનવા બાધ્ય નથી.
 • ભારત વિદેશથી આવનારાઓને પ્રતિ કેસના આધારે શરણાર્થીઓનો દરજ્જો આપે છે.
 • 2016માં મોદી સરકારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈન, પારસી, ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા મેળવવાની અનુમતિ આપી હતી.
 • સરકારની લગભગ 40 હજાર ગેરકાયદે રોહિંગ્યાને પરત મ્યાંમાર ડિપોર્ટ કરવાની યોજના છે.
 • સરકારના આ નિર્ણયની વિરુદ્ધ 2021માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટે રોહિંગ્યાના પ્રત્યાર્પણને રોકવાનો ઈનકાર કરી દીધો હતો.
 • રોહિંગ્યા મુસ્લિમોનો આ મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.
જહાંગીરપુરીમાં થયેલી કોમી હિંસા પછી મોટી સંખ્યામાં તહેનાત સુરક્ષાદળો.
જહાંગીરપુરીમાં થયેલી કોમી હિંસા પછી મોટી સંખ્યામાં તહેનાત સુરક્ષાદળો.

ભારતમાં રોહિંગ્યાને ગેરકાયદે પ્રવેશ કરાવે છે ગેંગ

 • આ વર્ષે માર્ચમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ એક માનવ તસ્કરીનો ભાંડો ફોડ્યો જેમાં 6 લોકોની ધરપકડ કરી હતી. આ ગેંગ નકલી દસ્તાવેજો દ્વારા રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં પ્રવેશ કરવામાં અને વસવાટમાં મદદ કરતી હતી.
 • આ ગેંગ આસામ, બંગાળ, મેઘાલય અને દેશના અન્ય હિસ્સાઓની સરહદ પર સક્રિય હતી. NIAએ આ મામલે આસામ, મેઘાલય અને કર્ણાટકના પણ અનેક હિસ્સાઓ પર દરોડા પાડ્યા હતા.
 • રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં એવી અનેક ગેંગ પકડાઈ છે, જે નકલી દસ્તાવેજોની મદદથી રોહિંગ્યાને બાંગ્લાદેશથઈ ભારત લાવવાનું કામ કરે છે.
 • ભારતની સરહદમાં લાવ્યા પછી તેમનું UNHRCમાં રજિસ્ટ્રેશન કરાવાય છે અને પછી તેમને અલગ-અલગ રાજ્યોમાં ઓળખ બદલીને આશરો આપવામાં આવે છે.

રોહિંગ્યાના મામલે ગરમાવો આવે છે રાજનીતિમાં

 • છેલ્લા કેટલાક વર્ષોથી રોહિંગ્યાનો મુદ્દો ભારતીય રાજનીતિમાં ખૂબ ગરમ રહ્યો છે. ભાજપા રોહિંગ્યા અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને દેશમાંથી કાઢવાની માગણી કરી રહી છે.
 • 2019ની ચૂંટણી દરમિયાન ભાજપાએ કેજરીવાલ સરકાર પર વોટ બેંકની રાજનીતિ કરીને રોહિંગ્યા મુસ્લિમોને રાશન કાર્ડ ઉપલબ્ધ કરાવ્યાનો આરોપ લગાવ્યો હતો.
 • 2021માં દિલ્હી હાઈકોર્ટમાં રોહિંગ્યા મામલે એક અરજી પર સુનાવણી દરમિયાન દિલ્હી સરકારે કહ્યું હતું કે તે રોહિંગ્યા શરણાર્થીઓના ખાનપાનની વ્યવસ્થા કરી રહી છે.
 • કેન્દ્ર સરકાર ભલે રોહિંગ્યાના કોઈ અધિકૃત કેમ્પનો ઈનકાર કરે પરંતુ દિલ્હીમાં રોહિંગ્યાની અનેક અનૌપચારિક વસાહતો અને કેમ્પ બનેલા છે.
જહાંગીરપુરીમાં તોફાનીઓએ અનેક વાહનોને આગના હવાલે કરી દીધા હતા, ચોતરફ દેખાય છે તબાહીનો માહોલ.
જહાંગીરપુરીમાં તોફાનીઓએ અનેક વાહનોને આગના હવાલે કરી દીધા હતા, ચોતરફ દેખાય છે તબાહીનો માહોલ.

શું રોહિંગ્યાનું છે આતંકવાદ સાથે કનેક્શન?

 • બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFના DG કે કે શર્માએ 2018માં કહ્યું હતું કે દેશમાં ગેરકાયદે રોહિંગ્યાની મોટી સંખ્યામાં આવવું દેશની સુરક્ષા માટે જોખમ છે.
 • તેમણે કહ્યું હતું કે રોહિંગ્યાના આતંકી સંગઠનો સાથે લિન્કની સંભાવનાને નકારી શકાય નહીં.
 • અત્યારસુધીમાં ભારતમાં આતંકી હુમલામાં કોઈ રોહિંગ્યા રેફ્યુજીનો હાથ હોવા અંગે કોઈ અધિકૃત રેકોર્ડ નથી.

શું જહાંગીરપુરી હિંસા પાછળ રોહિંગ્યા મુસ્લિમોનો હાથ હતો?
હનુમાનજયંતીની શોભાયાત્રા પર પથ્થરમારા પછી જહાંગીરપુરીમાં થયેલી હિંસા દરમિયાન તોફાનીઓએ દિલ્હી પોલીસના સબ-ઈન્સ્પેક્ટર મેધા લાલ મીણા પર ગોળી ચલાવી હતી.

મેધા લાલ કહે છે કે જેવી શોભાયાત્રા C- બ્લોકમાં મસ્જિદ પાસે પહોંચી, તેના પર પથ્થરમારો શરૂ થઈ ગયો. તેમણે કહ્યું હતું કે તોફાનીઓ નારા લગાવી રહ્યા હતા અને તેમની બોલી ઘણાખરા અંશે બાંગ્લાદેશીઓ જેવી હતી.

રિપોર્ટસ અનુસાર, જહાંગીરપુરીના જે C બ્લોકમાં આ હિંસા થઈ, ત્યાં બાંગ્લાદેશી મુસ્લિમોની વસતિ સૌથી વધુ છે અને ત્યાં કથિત રીતે રોહિંગ્યા પણ રહે છે.

હવે સવાલ એ છે કે શું જહાંગીરપુરીમાં હનુમાનજયંતી દરમિયાન થયેલી હિંસામાં રોહિંગ્યા મુસ્લિમોનો હાથ હતો? તેનો જવાબ આગામી કેટલાક દિવસોમાં આવનારા દિલ્હી પોલીસના તપાસ રિપોર્ટમાં સામે આવી જશે.