ભાસ્કર એક્સપ્લેનર:વેક્સિન લગાવવા માટે ક્યાં અને કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું, કયા લોકો ટોપ પ્રાયોરિટીમાં હશે? વાંચો રિપોર્ટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના રસીકરણની તૈયારીઓ માટે બોલાયેલી ઉચ્ચ-સ્તરની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારત બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિનની સાથે માનવતાનું રક્ષણ કરવા તૈયાર છે. પહેલા તબક્કામાં 1 કરોડ હેલ્થકેર વર્કર્સ અને 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને ફ્રીમાં વેક્સિન લગાવવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધુની ઉંમરના 26 કરોડ અને 50 વર્ષથી ઓછી ઉંમરના એક કરોડ લોકો જેમને ગંભીર બીમારી છે તેમને રસી આપવામાં આવશે.

આગામી 1-2 દિવસમાં વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે કરાર થશે. બંને કંપનીઓ વેક્સિન કયા દરે આપશે તે હજી સ્પષ્ટ નથી. સીરમે 200 રૂપિયા પ્રતિ ડોઝ કિંમત રાખી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 12 જાન્યુઆરી સુધી રાજ્યોના કોલ્ડ ચેન સેન્ટર સુધી વેક્સિન પહોંચાડવામાં આવશે. જેથી રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જિલ્લા અને વેક્સિનેશન સેન્ટર સુધી વેક્સિન સમયસર પહોંચે.

5 સવાલ, જેનો જવાબ તમે જાણવા માગો છો

1. મને વેક્સિન ક્યારે મળશે?
અત્યારે 50 વર્ષથી ઉપરની બે કેટેગરી છે. એક જેમની ઉંમર 60 વર્ષ અથવા તેનાથી વધારે હશે, તેમને વેક્સિન આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ 50થી 60 વર્ષની ઉંમરના લોકોને વેક્સિન મળશે. એક જાન્યુઆરી 1971થી પહેલાં જેમનો જન્મ થયો છે તે લોકોને આ સમૂહમાં સામેલ કરવામાં આવશે. સરકાર વેક્સિનની ઉપલબ્ધતાના આધારે નક્કી કરશે કે અન્ય લોકોને વેક્સિન ક્યારે મળશે.

2. આપણે વેક્સિન લગાવવા માટે શું કરવું પડશે?
કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરવું પડશે. સરકારે હાલ આ એપ લોન્ચ કરી નથી. પ્રધાનમંત્રી મોદીએ શનિવારે કોવિન વેક્સિન ડિલિવરી મેનેજમેન્ટ સિસ્ટમની સમીક્ષા કરી છે. રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન સમયે સરકારી ફોટો આઈડી બતાવવી પડશે. જોકે 1 કરોડ હેલ્થ વર્કર્સ અને 2 કરોડ ફ્રન્ટ લાઈન વર્કર્સનો ડેટા કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે છે. તેમાં સફાઈકામદારો પણ છે. સરકાર કોવિન એપમાં 79 લાખ આવા લોકોના ડેટા સબમિટ કરી ચૂકી છે. તેથી આ 3 કરોડ લોકોએ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત નથી.

3. મને ગંભીર બીમારી છે, સરકાર તે કેવી રીતે નક્કી કરશે?
50 વર્ષથી ઓછી ઉંમરના લોકો જેમને ગંભીર બીમારી હશે તેમને પ્રાયોરિટીમાં મળશે. આવા દર્દીઓને બીમારીનું પ્રમાણ આપવું પડશે અને તે જ આધારે તેમનું કોવિન પર રજિસ્ટ્રેશન થશે.

4. આપણને કઈ કંપનીની વેક્સિન લગાવવામાં આવશે?
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, પ્રથમ રાઉન્ડમાં સિરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ વેક્સિન રાજ્ય સરકારને મોકલવામાં આવશે કારણકે હજુ સુધી ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિન હિમાચલના કસૌલી સ્થિત સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીમાંથી તપાસ થઈને આવી નથી. કોવેકિસનના 25 લાખ ડોઝ તપાસ માટે મોકલવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછો 14 દિવસનો સમય લાગે છે. જો થોડો પણ સમય વેડફ્યા વગર વેક્સિન ચેક કરી ઉપયોગ માટે પરમિશન આપવામાં આવે તો પણ 11થી 12 જાન્યુઆરી સુધીનો સમય લાગી શકે છે. એ પછી કેન્દ્ર સુધી પહોંચવામાં એકથી બે દિવસ વધુ મોડું થઈ શકે છે.

5. શું માર્કેટમાંથી વેક્સિન ખરીદીને લગાવી શકાશે?
હજુ સરકારે આ વાતની કોઈ ચોખવટ કરી નથી. ભવિષ્યમાં આ વિશે સરકાર કોઈ નિર્ણય લઇ શકે છે. હાલ સિરમની કોવિશીલ્ડ વેક્સિનના આશરે 3 કરોડ ડોઝ બધી પ્રોસેસ પૂરી કરી રાજ્યોમાં મોકલવા માટે તૈયાર છે. વેક્સિનની શીશી પર નોટ ફોર સેલ અને ઈમ્યુનાઈઝેશન કાર્યક્રમના રેપર લાગેલા છે, જેથી વેક્સિન માર્કેટમાં ના મળી શકે અને તેનું કાળું બજાર પણ રોકવામાં આવે. બે કરોડથી વધારે ડોઝ સિરમની ફેક્ટરીમાં બની ગયા છે. આ બેચને ટૂંક સમયમાં તપાસ માટે CDL મોકલવામાં આવશે. મંજૂરી મળી ગયા પછી રાજ્યોને મોકલવામાં આવશે.