SCએ પણ શાહનવાઝ હુસૈનની વાત ન સાંભળી:શું છે ફાર્મહાઉસમાં મહિલા સાથે બળાત્કારનો સમગ્ર મામલો, જેમાં હવે નોંધાશે FIR

20 દિવસ પહેલા

ચાર વર્ષ જૂના રેપ કેસમાં ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટ તરફથી પણ આંચકો લાગ્યો છે. શાહનવાઝે સુપ્રીમ કોર્ટમાં FIRની નોંધણી પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આ મામલાની યોગ્ય તપાસ થવી જોઈએ. અમને આમાં દખલ કરવાનું કોઈ કારણ દેખાતું નથી. જો તમે સાચા હશો તો બચી જશો. તેથી હવે શાહનવાઝ સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવશે.

શાહનવાઝ પર 2018માં એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ મામલો ચાર વર્ષથી કોર્ટમાં છે, પરંતુ પોલીસ FIR નોંધતી નથી. આજના ભાસ્કર એક્સપ્લેનરમાં આપણે જાણીશું શાહનવાઝ હુસૈન પરના આ આરોપની સમગ્ર કહાની…

નોંધ:- અમે 17 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હી હાઈકોર્ટના 14 પાનાંના નિર્ણયમાંથી આ બાબત વિશે સંપૂર્ણ માહિતી એકત્ર કરી છે.

કેસ 26 એપ્રિલ 2018થી શરૂ થાય છે. એક મહિલાએ દિલ્હી પોલીસને લેખિત ફરિયાદ આપી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે બીજેપી નેતા શાહનવાઝ હુસૈને તેની સાથે બળાત્કાર કર્યો હતો.

ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે 12 એપ્રિલ 2018ના રોજ શાહનવાઝ હુસૈને તેને છતરપુર સ્થિત ફાર્મહાઉસમાં બોલાવી હતી. ત્યાં તેણે નશીલો પદાર્થ પીવડાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

મહિલાએ મહેરૌલી પોલીસ સ્ટેશનના SHOને લેખિત ફરિયાદ પણ કરી હતી, જે તેમણે રિસીવ કરી નહોતી. આ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે મહિલા પર દબાણ હતું, પરંતુ તે આ દબાણોમાં આવી નહોતી.

જ્યારે પોલીસે FIR ન લખી તો મહિલા કોર્ટમાં પહોંચી
મહિલાએ 21 જૂન 2018ના રોજ નવી દિલ્હીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, સાકેત કોર્ટમાં શાહનવાઝ હુસૈન વિરુદ્ધ IPCની કલમ 376, 328, 120B, 506 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. CRPCની કલમ 156(3) હેઠળ શાહનવાઝ સામે FIR નોંધવા માટે પોલીસને આદેશ આપવા કોર્ટને પણ અપીલ કરી.

આ મામલો 25 જૂન 2018ના રોજ સાકેત કોર્ટ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. કોર્ટે આ મામલે મહેરૌલીના SHO પાસેથી એક્શન ટેકન રિપોર્ટ (ATR) માગ્યો હતો. 4 જુલાઈ, 2018ના રોજ પોલીસે કોર્ટને કહ્યું હતું કે તેમની તપાસ અનુસાર, અરજદારની ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપો સાચા નથી.

પોલીસે કહ્યું હતું - આરોપ ખોટા છે, કોઈ પુરાવા મળ્યા નથી
પોલીસે કોર્ટમાં દાખલ ATRમાં આરોપોને નકલી ગણાવ્યા હતા. પોલીસે કહ્યું- શાહનવાઝ કથિત ઘટનાના દિવસે રાત્રે 9.15 વાગ્યા પછી ઘરની બહાર નીકળ્યા નહોતા. આવી સ્થિતિમાં મહિલાનો આરોપ કે તે રાત્રે 10:30 વાગ્યે છતરપુરમાં હતી, એ સાચો હોઈ શકે નહીં.

રોશન ટેન્ટ હાઉસમાં શાહનવાઝને મળવાના મહિલાના આરોપોને ખોટા ગણાવતાં પોલીસે કહ્યું હતું કે "ત્યાં હાજર સાક્ષીઓએ આ દાવાને સમર્થન આપ્યું નથી અને CCTV ફૂટેજ પણ આ દાવાઓને સમર્થન આપતા નથી."

પોલીસના જણાવ્યા અનુસાર, ફાર્મહાઉસના સાક્ષીઓએ 12 એપ્રિલ, 2018ના રોજ છતરપુર ફાર્મહાઉસમાં મહિલા શાહનવાઝ હુસૈન સાથે હોવાના દાવાને પણ નકારી કાઢ્યો છે. મહિલાના કોલ ડિટેઈલ રેકોર્ડમાં જાણવા મળ્યું હતું કે એ દિવસે રાત્રે 10:45 વાગ્યા સુધી તે દ્વારકામાં હતી. આમ, તપાસમાં તેનો સમગ્ર કેસ નકલી હોવાનું જાણવા મળ્યું છે.

દિલ્હીની સાકેત કોર્ટે દિલ્હી પોલીસને જુલાઈ 2018માં એક મહિલાની અરજી પર શાહનવાઝ હુસૈન વિરુદ્ધ FIR નોંધવા કહ્યું હતું.
દિલ્હીની સાકેત કોર્ટે દિલ્હી પોલીસને જુલાઈ 2018માં એક મહિલાની અરજી પર શાહનવાઝ હુસૈન વિરુદ્ધ FIR નોંધવા કહ્યું હતું.

પોલીસ રિપોર્ટ છતાં કોર્ટે FIR નોંધવાનો આદેશ આપ્યો હતો
પોલીસ રિપોર્ટ હોવા છતાં 7 જુલાઈ 2018ના રોજ સાકેત કોર્ટે પોલીસને આ મામલે FIR નોંધવાનો આદેશ આપ્યો. આ સાથે કોર્ટે સીઆરપીસીની કલમ 164 હેઠળ પીડિતાનું નિવેદન રેકોર્ડ કરવાનો અને પીડિતા તથા કથિત આરોપીની મેડિકલ તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે.

નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ શાહનવાઝે સાકેત કોર્ટના વિશેષ ન્યાયાધીશ સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી હતી. પોલીસની ATR હોવા છતાં હુસૈને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના FIRના આદેશને પડકાર્યો હતો. કોર્ટે 12 જુલાઈના રોજ હુસૈનની રિવિઝન અરજી ફગાવી દીધી હતી.

કોર્ટે કહ્યું, "ક્રિમિનલ એમેન્ડમેન્ટ એક્ટ 2013 હેઠળ પોલીસ માટે IPCની કલમ 376 (બળાત્કાર) હેઠળ સજાપાત્ર કેસોમાં CRPCની કલમ 164 હેઠળ પીડિતાનું નિવેદન નોંધવું ફરજિયાત છે."

FIRની નોંધણી અંગે કોર્ટે કહ્યું હતું કે 'પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ માત્ર પ્રાથમિક તપાસ હતી અને ટ્રાયલ કોર્ટે એને કેન્સલેશન રિપોર્ટ ન માનીને પોલીસના ATRને માન્ય રાખ્યો હતો. મામલાની યોગ્ય તપાસ માટે FIR નોંધવામાં આવે છે અને વિગતવાર તપાસ પછી, જો પોલીસ એવા નિષ્કર્ષ પર આવે છે કે ગુનો આચરવામાં આવ્યો નથી, તો એ કેન્સલેશન રિપોર્ટ દાખલ કરી શકે છે.

સાકેત કોર્ટના નિર્ણય સામે શાહનવાઝ હાઈકોર્ટ પહોંચ્યા હતા
શાહનવાઝ હુસૈન તેમની સામે FIR નોંધવાના નીચલી અદાલતના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા. 17 ઓગસ્ટ, 2022ના રોજ જારી કરાયેલા તેમના આદેશમાં દિલ્હી હાઈકોર્ટે શાહનવાઝની અરજીને ફગાવીને FIR નોંધવાના નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ આશા મેનને દિલ્હી પોલીસને આ મામલે FIR નોંધવા, વિગતવાર તપાસ કરવા અને CrPCની કલમ 173 હેઠળ ત્રણ મહિનાની અંદર સાકેત કોર્ટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ સંપૂર્ણ વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

હાઈકોર્ટે કહ્યું હતું કે પોલીસ કેસનો રિપોર્ટ સબ્મિટ કરે એ પછી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કાયદા અનુસાર નિર્ણય લેશે કે અંતિમ રિપોર્ટ સ્વીકારીને કેસ આગળ ચલાવવો કે FIR રદ કરવી.

આ તસવીર દિલ્હી હાઈકોર્ટની જજ આશા મેનનની છે. તેમણે બળાત્કારના આરોપના કેસમાં શાહનવાઝ હુસૈનની અરજીને ફગાવી દેતાં દિલ્હી પોલીસને FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.
આ તસવીર દિલ્હી હાઈકોર્ટની જજ આશા મેનનની છે. તેમણે બળાત્કારના આરોપના કેસમાં શાહનવાઝ હુસૈનની અરજીને ફગાવી દેતાં દિલ્હી પોલીસને FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટે દિલ્હી પોલીસની પણ ઝાટકણી કાઢી

પોલીસ પર સવાલો ઉઠાવતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે પોલીસ કમિશનરને મોકલવામાં આવેલી ફરિયાદમાં બળાત્કારના ગુનાનો સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે. જ્યારે આ ફરિયાદ SHOને મોકલવામાં આવી ત્યારે તેઓ નિયમો હેઠળ FIR નોંધવા માટે બંધાયેલા હતા, પરંતુ આવું થયું નહીં. પોલીસ અંગે કોર્ટની કેટલીક ટિપ્પણીઓ...

  • કમિશનરની કચેરી દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટે સ્પષ્ટ રીતે નિર્દેશો જારી કર્યા ત્યાં સુધી કોઈ તપાસ હાથ ધરવામાં આવી ન હતી.
  • કોર્ટમાં દાખલ કરાયેલા સ્ટેટસ રિપોર્ટમાં ચાર વખત પીડિતાનાં નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ FIR કેમ નોંધવામાં આવી નથી એ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
  • FIR ફરિયાદ કરાયેલા ગુનાની તપાસનો આ આધાર છે. તપાસ બાદ જ પોલીસ એ તારણ પર આવી શકે છે કે ગુનો કોના દ્વારા આચરવામાં આવ્યો છે કે કેમ.
  • હાલના કિસ્સામાં એવું લાગે છે કે પોલીસ FIR નોંધવા પણ તૈયાર ન હતી. FIRની ગેરહાજરીમાં પોલીસ માત્ર પ્રાથમિક તપાસ કરી શકી હતી. એ (તપાસ) માત્ર નીચલી અદાલતમાં દાખલ કરાયેલ પોલીસનો જવાબ હતો, જે સાબિત કરે છે કે તે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ અંતિમ અહેવાલ નથી.

શાહનવાઝ FIRથી બચવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
ઓગસ્ટ 2022માં શાહનવાઝે તેમની સામે બળાત્કારના આરોપમાં FIR નોંધવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 18 ઓગસ્ટના રોજ, આ મામલો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના, જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ હિમા કોહલીની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો.

શાહનવાઝની 'પ્રતિષ્ઠા' દાવ પર લાગેલી હોવાનો ઉલ્લેખ કરીને આ બાબતની તાત્કાલિક સુનાવણી માટે અપીલ કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આ કેસમાં શાહનવાઝ વિરુદ્ધ કેસની નોંધણી પર સુનાવણી પૂરી થાય ત્યાં સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે 16 જાન્યુઆરી 2023ના રોજ સુનાવણી પૂર્ણ થયા બાદ સુપ્રીમ કોર્ટે કેસ નોંધવાની મંજૂરી આપી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...