ભાસ્કર એક્સ્પ્લેનર:પેટ્રોલ-ડીઝલની કિંમત કાબૂ કરનાર સ્ટ્રેટેજિક રિઝર્વ શું છે? કઈ રીતે ભારત માનવસર્જિત ગુફામાં છુપાવીને સ્ટોર કરે છે ક્રુડ?

9 દિવસ પહેલાલેખક: આબિદ ખાન

ભારત સરકારે જાહેરાત કરી છે કે તેઓ પોતાના સ્ટ્રેટેજિક (ઈમરજન્સી) પેટ્રોલિયમ રિઝર્વમાંથી 50 લાખ બેરલ ક્રુડ રિલીઝ કરશે. આશા છે કે તેનાથી દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો આવી શકે છે. ભારત પહેલાં અમેરિકાએ પણ આ પ્રકારનો નિર્ણય લીધો છે. આવનારા દિવસોમાં અનેક દેશ આ પ્રકારનો નિર્ણય લઈ શકે છે.

ભારતીય રિઝર્વ ક્યાં ક્યાં છે? આ રિઝર્વમાં ક્રુડ ઓઈલ કઈ રીતે સ્ટોર કરવામાં આવે છે? અને શું આ નિર્ણયથી તમારા ખિસ્સાને રાહત મળી શકે છે?...

સ્ટ્રેટેજિક રિઝર્વ શું હોય છે?
સરળ ભાષામાં સમજીએ તો કટોકટી સમયે દેશની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્રુડ ઓઈલનો જે સ્ટોક હોય છે તે સ્ટ્રેટેજિક રિઝર્વ કહેવાય. યુદ્ધ કે કોઈ અન્ય કારણથી ક્રુડ ઓઈલની આપૂર્તિ પ્રભાવિત થતા આ રિઝર્વમાંથી દેશની ઉર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં આવે છે. કટોકટીની સ્થિતિ ઉપરાંત આ રિઝર્વ્સનો ઉપયોગ ઓઈલની કિંમતને કંટ્રોલ કરવા માટે પણ કરવામાં આવે છે.

ભારત પોતાની જરૂરિયાતનો 83% ક્રુડ ઓઈલ બીજા દેશમાંથી ઈમ્પોર્ટ કરે છે તેથી કોઈ પણ કટોકટીના સમયમાં તેનો સમામનો કરવા માટે ભારતે પણ ક્રુડ ઓઈલને રિઝર્વ રાખ્યું છે. આ રિઝર્વનો ઉપયોગ માત્ર ઈમરજન્સી સિચ્યુએશનમાં જ કરવામાં આવે છે.

ભારતમાં સ્ટ્રેટેજિક રિઝર્વ ક્યાં ક્યાં છે?
ભારતે ફર્સ્ટ ફેઝ અંતર્ગત વિશાખાપટ્ટનમ, મેંગ્લોર અને ઉડ્ડુપીની પાસે પાદુરમાં સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવ્યા હતા. આ ત્રણેય રિઝર્વમાં 50 લાખ મેટ્રિક ટન ક્રુડ ઓઈલ સ્ટોર કરી શકાય છે. આ રિઝર્વને ઓપરેટ કરવાની જવાબદારી ઈન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (ISPR)ને આપવામાં આવી છે, જે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી અંતર્ગત જ કામ કરે છે.

નાણાંકીય વર્ષ 2017-18માં સેકન્ડ ફેઝ અંતર્ગત ભારતે ઓરિસ્સાના ચંડીખોલ અને રાજસ્થાનના બીકાનેરમાં વધુ બે સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવવાનો નિર્ણય લીધો હતો. ભારતના સ્ટ્રેટેજિક રિઝર્વ્સના સ્ટોકથી લગભગ 10 દિવસ સુધી દેશની ઉર્જા જરૂરિયાતોને પુરી કરી શકાય છે.

ભારતે પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વને આ જગ્યાએ જ કેમ બનાવ્યા?
ભારતના તમામ સ્ટ્રેટેજિક રિઝર્વને એક રણનીતિ અંતર્ગત પૂર્વી અને પશ્ચિમી સમુદ્ર કિનારે બનાવવામાં આવ્યા છે.

  • પાડોશી દેશ સાથે યુદ્ધની સ્થિતિમાં પૂર્વી અને પશ્ચિમી વિસ્તાર, ઉત્તરી વિસ્તારોની તુલનાએ વધુ સુરક્ષિત છે.
  • મોટા ભાગની ઓઈલ રિફાઈનરી પણ પૂર્વી અને પશ્ચિમી વિસ્તારમાં દરિયા કાંઠે જ છે, કેમકે ઓઈલ રિફાઈનરી અને સ્ટ્રેટેજિક રિઝર્વને એકબીજા સાથે કનેક્ટ રાખવામાં આવે છે તેથી પણ રિઝર્વને આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે.
  • ક્રુડ ઓઈલને સ્ટોર કરવા માટે દરિયાઈ વિસ્તાર વધુ અનુકુળ હોય છે કેમકે ત્યાં પાણીના કારણે જમીનની અંદરનું તાપમાન ઓછું હોય છે.

અંતે આટલા મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલ સ્ટોર કઈ રીતે કરવામાં આવે છે?
તમારા મનમાં વિચાર આવી રહ્યો હશે કે આટલા મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલને કઈ રીતે સ્ટોર કરવામાં આવે છે. તો આવો જાણીએ, ભારત અને દુનિયાભરના દેશ કઈ રીતે પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વ્સને સ્ટોર કરે છે....

  • ભારત પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વ્સને રોક કેવર્ન્સમાં સ્ટોર કરે છે. રોક કેવર્ન્સ એટલે મોટી મોટી ખડકની પાછળ ગુફા જેવું સ્ટોરેજ બનાવીને. જેમાં ખડકો તોડીને ગુફા જેવો સ્ટોરેજ બનાવવામાં આવે છે, જેમાં ક્રુડ ઓઈલ સ્ટોર કરાય છે. ક્રુડ ઓઈલને સ્ટોર કરવાની આ પદ્ધતિ દુનિયાભરમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.
  • અમેરિકા પોતાના સ્ટ્રેટેજિક રિઝર્વ્સના ક્રુડ ઓઈલને સોલ્ટ ડોમમાં સ્ટોર કરે છે. સોલ્ટ ડોમ એટલે કે જમીનથી 2-4 હજાર ફુટ નીચે ખડકની વચ્ચે મીઠું કાઢીને ખાલી જગ્યાએ ક્રુડ ઓઈલ સ્ટોર કરાય છે. ખડકોની વચ્ચે 'સોલ્યૂશન માઈનિંગ' નામની પ્રોસેસથી પહેલાં મીઠુંને બહાર કાઢવામાં આવે છે. જે બાદ ખાલી જગ્યાને ફ્રેશ વોટરથી સંપૂર્ણપણે સાફ કરવામાં આવે છે. ક્રુડ ઓઈલ મજબૂત ખડકની વચ્ચે સ્ટોર રાખવામાં આવે છે. જમીનની નીચે હોવાને કારણે ત્યાંનુ તાપમાન પણ ઘણું જ ઓછું હોય છે. અમેરિકાના મોટાભાગના સ્ટ્રેટેજિક રિઝર્વ્સ મેક્સિકોની ખાડીની આસપાસ છે.
  • લાયોનિંગ, શેંડોંગ અને જેઝિયાંગમાં ચીનના સ્ટ્રેટેજિક રિઝર્વ છે. આ બધાં પણ દરિયાઈ કાંઠે છે. ચીન પોતાના રિઝર્વ ક્રુડ ઓઈલને સમુદ્ર સાથેના વિસ્તારોમાં જમીનની નીચે સ્ટોર કરે છે. ક્રુડ ઓઈલને ખડકની વચ્ચે ભરીને રાખવામાં આવે છે.

આ નિર્ણયથી શું સસ્તું થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ?
કેડિયા કોમોડિટીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા મુજબ જો ક્રુડ ઓઈલની ઘટતી કિંમતનો ફાયદો પેટ્રોલિયમ કંપનીઓ સામાન્ય લોકોને આપે છે તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પ્રતિ લીટરે 2થી 3 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જો કે આવનારા દિવસોમાં ડોલરની તુલનાએ રૂપિયો નબળો પડશે તો કિંમત ઘટવી ઘણું જ મુશ્કેલ બની જશે. ક્રુડ ઓઈલ હાલ 80 ડોલર પ્રતિ બેરલની આસપાસ જોવા મળે છે.

સ્ટ્રેટેજિક રિઝર્વમાંથી કાઢી ક્રુડ ઓઈલ ક્યાં જશે?
ભારતની પાસે હાલ લગભગ 3.8 કરોડ બેરલ ક્રુડ ઓઈલનો સ્ટોક છે. આ સ્ટોકમાંથી 50 લાખ બેરલ રિલિઝ કરવામાં આવશે. આ સ્ટોકને મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ (HPCL)ને વેચવામાં આવશે. આ બંને રિફાઈનરી પાઈપલાઈનથી સ્ટ્રેટેજિક રિઝર્વ સાથે જોડાયેલી છે. આ રિફાઈનરી ક્રુડ ઓઈલને રિફાઈન કરીને માર્કેટમાં લઈ આવશે.

અટલ બિહારી વાજપેયીનો હતો આઈડિયા
1990ના દશકામાં ખાડી યુદ્ધ દરમિયાન ભારત પર દેવું વધી ગયું હતું. તે સમયે ઓઈલના ભાવ આકાશને આંબી રહ્યાં હતા. તેમાં પેમેન્ટ સંકટ પણ ઊભું થઈ ગયું. ભારતની પાસે માત્ર ત્રણ સપ્તાહ સુધીનો જ સ્ટોક વધ્યો હતો. ત્યારે આ સમસ્યાના સમાધાન માટે 1998માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ બનાવવાનો નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...