ભાસ્કર એક્સપ્લેનર:શું છે ન્યૂક્લિયર ટ્રાયડ, જેને પુતિને એલર્ટ પર રાખ્યું, એને અમેરિકા પર પરમાણુ હુમલાની ધમકી કેમ માનવામાં આવે છે

5 મહિનો પહેલાલેખક: નીરજ સિંહ
 • કૉપી લિંક

રશિયન સેનાએ યુક્રેનની રાજધાનીને ઘેરી લીધી છે તો બીજી તરફ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના ન્યૂક્લિયર ટ્રાયડને એલર્ટ કરી દીધું છે. પુતિને પરમાણુ હુમલાની પણ ધમકી આપી છે. એવામાં બે મોટા સવાલ સૌની સામે છે. પ્રથમ-ન્યૂક્લિયર બોમ્બ તો સાંભળ્યું છે, આ ન્યૂક્લિયર ટ્રાયડ શું છે? અને બીજો-પરમાણુ હુમલાની પુતિનની ધમકીમાં કેટલો દમ છે?

તો આવો, ભારત-પાકિસ્તાનના ઉદાહરણથી સમજીએ કે ન્યૂક્લિયર ટ્રાયડ શું હોય છે? કેટલા દેશ ન્યૂક્લિયર વેપનથી સજ્જ છે? જાણીએ કે પુતિનની ધમકી અત્યારસુધીમાં કેટલીવાર સાચી ઠરી છે?

આ તમામ વાતોને સમજવા માટે સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે પરમાણુ હથિયારો અને બાકીનાં હથિયારોમાં અંતર શું છે? તો પરમાણુ હથિયાર બાકી પરંપરાગત હથિયારોના મુકાબલે એટલાં તાકાતવર હોય છે કે જે પણ વિસ્તારમાં એનો ઉપયોગ થશે એ સંપૂર્ણપણે તબાહ થઈ જશે. જાપાનના હિરોશિમા અને નાગાસાકીની તબાહી એનાં ઉદાહરણો છે.

1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે આ બે શહેર પર એક-એક પરમાણુ બોમ્બ ફેંક્યા હતા, ત્યારે માત્ર અમેરિકા પાસે તેની ક્ષમતા હતી, પરંતુ આજે દુનિયાના 7 દેશની પાસે ઘોષિત રીતે અને 9 દેશ પાસે અઘોષિત રીતે પરમાણુ હથિયારો છે.

હવે વારો છે બાકીના સવાલોના જવાબો જાણવાનો, પરંતુ એની પહેલાં આ મામલે નીચે આપેલા એક પોલમાં હિસ્સો લઈ લઈએ...

સવાલઃ ન્યૂક્લિયર ટ્રાયડ શું હોય છે, જેને પુતિને એલર્ટ પર રહેવા કહ્યું છે?

 • આને આપણે ભારત અને પાકિસ્તાનના ઉદાહરણથી સમજીએ. માનીએ કે ભારત અને પાકિસ્તાન કાશ્મીરમાં આતંકના મુદ્દે યુદ્ધની તૈયાર કરવા લાગે છે.
 • પરમાણુ હથિયારોને છોડી દઈએ તો સૈનિક શક્તિના મામલે ભારત પાકિસ્તાન પર ખૂબ ભારે છે, એટલે કે યુદ્ધ થયું તો ભારતની જીત લગભગ નક્કી છે.
 • આવી સ્થિતિમાં પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરવાનો પ્લાન બનાવવામાં લાગી જાય છે. હવે સવાલ એ છે કે પાકિસ્તાન સૌપ્રથમ શું વિચારશે?
 • એનો જવાબ છે કે એવામાં પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા હશે કે જો તે પરમાણુ હુમલો કરે છે તો ભારત પણ જવાબમાં એના પર પરમાણુ હથિયારનો ઉપયોગ કરશે. આ રીતે પાકિસ્તાન ખુદ પણ તબાહ થઈ જશે.
 • એવામાં પાકિસ્તાન ભારત પર એટલા વધુ પરમાણુ બોમ્બ ફેંકવાનો પ્લાન બનાવશે કે ભારતની જમીન સંપૂર્ણપણે તબાહ થઈ જાય અને તે પાકિસ્તાન પર જવાબી હુમલો કરવાની સ્થિતિમાં ન રહે. એવામાં ભારત એવા કોઈ પરમાણુ હુમલાના જવાબમાં પરમાણુ હુમલો કરવાની ક્ષમતા જાળવી રાખવા ઈચ્છશે. એના બે ઉપાય છે.
 • પ્રથમ- પરમાણુ બોમ્બથી સજ્જ મિસાઈલ અને લડાકુ વિમાનોને એવી જગ્યાએ તહેનાત રાખવા, જે પરમાણુ હુમલા છતાં પાકિસ્તાનને જવાબ આપી શકે. એવી જગ્યાઓમાં ઊંચા પહાડી વિસ્તાર, દૂરના આંદામાન-નિકોબાર જેવા દ્વીપ અને મિસાઈલ છુપાવીને છોડવા માટે અંડરગ્રાઉન્ડ સાઈલોસ એટલે કે ભૂમિગત સ્થળો સામેલ છે.
 • બીજો ઉપાય છે- જમીની મિસાઈલો અને વિમાનોથી પરમાણુ બોમ્બ ફેંકવાની ક્ષમતા સાથે સમુદ્રમાં યુદ્ધજહાજ અને સબમરીનોથી પરમાણુ હથિયારોથી સજ્જ મિસાઈલ છોડવાની તાકાત પણ ડેવલપ કરવાની છે. તેમાં ખાસ ધ્યાન પરમાણુ ઈંધણથી ચાલનારી સબમરીનો પર આપવામાં આવે છે, કેમ કે યુદ્ધજહાજોને શોધીને ડુબાડી શકાય છે, પરંતુ ઊંડા સમુદ્રમાં ડૂબકી લગાવી રહેલી સબમરીનને શોધવી આસાન નથી.
 • આ રીતે સ્પષ્ટ છે કે પરમાણુ હથિયારોને જમીનથી મિસાઈલો દ્વારા, હવાથી યુદ્ધવિમાનો દ્વારા અને સમુદ્રથી સબમરીનો દ્વારા છોડવાની ક્ષમતાને જ ન્યૂક્લિયર ટ્રાયડ કહે છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ ટ્રાયડ કે તાકાતને તૈયાર રાખવાનો આદેશ આપ્યો છે.
 • ન્યૂક્લિયર ટ્રાયડથી થતો ન્યૂક્લિયર ડેટરન્ટ એટલે કે બચાવ
 • ભારત આ ક્ષમતા વિકસિત કરી ચૂક્યું છે. એવામાં પાકિસ્તાન સામે હંમેશાં એ ચિંતા રહેશે કે એ ભારત પર ભલે ગમે તેટલો મોટો પરમાણુ હુમલો કરી લે, પણ ભારત ગુપચુપ વિશાળ સમુદ્રમાં ફરતી પોતાની સબમરીનો દ્વારા હંમેશાં જવાબી પરમાણુ હુમલો કરીને તેને તબાહ કરવાની સ્થિતિમાં રહેશે.
 • આ ભયથી તે ક્યારેય ભારત પર પરમાણુ હુમલો નહીં કરે. ન્યૂક્લિયર ટ્રાયડ દ્વારા પરમાણુ હથિયારોના આ સંતુલનને જ ન્યૂક્લિયર ડેટરન્ટ એટલે કે ન્યૂક્લિયર બચાવ ડેવલપ કરવું એમ કહે છે.

હવે જાણીએ કે પુતિનની ન્યૂક્લિયર ધમકીમાં કેટલો દમ છે?
અહીં પ્રથમ સવાલ એ છે કે યુક્રેનની પાસે પરમાણુ હથિયારો નથી તોપણ પુતિને ધમકી કેમ આપી. વાસ્તવમાં પુતિન યુક્રેનને નહીં, પણ અમેરિકાની આગેવાનીમાં રહેલા નાટોને આ ધમકી આપી રહ્યા છે.

એક્સપર્ટ્સ માને છે કે તેમનો મકસદ પોતાની પરમાણુ તાકાત દર્શાવીને અમેરિકા કે નાટોને યુક્રેનના યુદ્ધથી દૂર રાખવું એ છે. જોકે કેટલાક એક્સપર્ટ્સ માને છે કે જો રશિયા પોતાની પરંપરાગત સૈન્ય તાકાતના જોરે યુક્રેનને કાબૂમાં નહીં કરી શકે તોપણ તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.

પુતિને અત્યારસુધી જે કહ્યું છે એ કરી બતાવ્યું છે

 • એક્સપર્ટ્સ કહે છે કે પુતિને અત્યારસુધી જે કહ્યું છે એ કરી બતાવ્યું છે. 2014માં જ્યારે દુનિયાભરના દેશોને લાગી રહ્યું છે કે પુતિન ક્રિમિયા પર કબજો નહીં કરે, પણ તેમણે કર્યો.
 • એના પછી પણ દુનિયાને લાગ્યું કે પુતિન હવે ડોનબાસમાં યુદ્ધ નહીં છેડે. આ વખતે ફરી પુતિને ચોંકાવ્યા અને ડોનબાસમાં યુદ્ધ છેડ્યું.
 • 2001માં પુતિન યુક્રેનને નાટોમાં સામેલ ન થવા માટે ચેતવણી આપતા રહ્યા. લગભગ તમામ મોટા દેશે તેને હળવી ધમકી માનતા રહ્યા, પરંતુ પુતિને ફરી ચોંકાવ્યા અને 21 ફેબ્રુઆરીએ યુક્રેનના બે પ્રાંતો, લુહાન્સ્ક અને ડોનેત્સ્કને અલગ દેશ તરીકે માન્યતા આપી દીધી.
 • એતેના પછી પણ યુરોપના મોટા ભાગના દેશો માની રહ્યા હતા કે રશિયા યુક્રેન પર હુમલો નહીં કરે. પુતિને 24 ફેબ્રુઆરીએ UN સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન જ યુક્રેન પર હુમલાનો આદેશ આપી દીધો.

પુતિનની ધમકી પર એક્સપર્ટ શું કહે છે?

 • “પુતિન પશ્ચિમને ડરાવીને અમુક રાહત હાંસલ કરવા માગે છે. આ તેમની ટિપિકલ બ્રિંકમેનશિપ છે. રાજનીતિની ભાષામાં બ્રિંકમેનશિપનો અર્થ એવી રણનીતિથી છે, જેમાં ટક્કરને એટલી વધારી દેવામાં આવે કે બંને પક્ષ સમાધાન શોધવા માટે મજબૂર થઈ જાય કે પછી એક પક્ષ બિલકુલ સમર્પણ કરી દે.”-હેન્સ ક્રિસ્ટનસન, ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટમાં ન્યૂક્લિયર ઈન્ફોર્મેશન પ્રોજેક્ટના ડાયરેક્ટર
 • “પુતિને યુક્રેનમાં જે રીતે સૈન્ય સ્થિતિની કલ્પના કરી હતી, હકીકત એવી નથી. કદાચ આ જ કારણ છે કે રશિયન રાષ્ટ્રપતિને પોતાના દેશની પરમાણુ તાકાત પ્રદર્શિત કરવાની જરૂર પડી. જોકે આપણે જોયું છે કે થોડા દિવસોમાં જ પુતિને કઈ રીતે એક પછી એક લાલ લકીરો પાર કરી છે. દર વખતે આપણે વિચારતા રહ્યા કે તેઓ તેની આગળ નહીં જાય, પરંતુ એવું ન બન્યું. તેથી અત્યારે એ કલ્પના કરવી ઘણી મુશ્કેલ છે કે તેઓ ક્યાં અટકશે.” -માર્ક ફિનૌડ, સ્વિટ્ઝર્લેન્ડમાં જીનિવા સેન્ટર ફોર સિક્યોરિટી પોલિસીના પ્રમુખ

2020માં પુતિને 4 સ્થિતિમાં પરમાણુ હુમલાની વાત કહી હતી...
ન્યૂક્લિયર કમાન્ડને કોમ્બેટ સર્વિસના સ્પેશિયલ મોડ પર રાખવાનો અર્થ એ છે કે રશિયા પરમાણુ હુમલો કરવાથી માત્ર એક કદમ દૂર છે. જોકે 2020માં પુતિને આ ચાર સિચ્યુએશન થવા પર ન્યૂક્લિયર હુમલો કરવાની વાત કરી હતી. આ 4 સિચ્યુએશન છે...
1.રશિયા કે તેના સહયોગીના પ્રદેશમાં મિસાઈલથી હુમલો.
2. દુશ્મન પરમાણુ હથિયારોનો ઉપયોગ કરે.
3. રશિયાના પરમાણુ હથિયારોનાં સ્થાનો પર હુમલા.
4. એવો હુમલો, જે રશિયાના અસ્તિત્વને જોખમમાં નાખી દે.