ભાસ્કર એક્સપ્લેનર:જે રોડ રેજ કેસમાં સિદ્ધુને 1 વર્ષની સજા થઈ એને લઈને દેશમાં કોઈ કાયદો જ નથી; જાણો રોડ રેજ શું છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રોડ રેજના 34 વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 1 વર્ષની સજા સંભળાવી છે. 1988માં પંજાબમાં થયેલી રોડ રેજની એક ઘટનામાં સિદ્ધુના મુક્કાને કારણે એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલા સિદ્ધુને અજાણતા થયેલી હત્યાના કેસમાં માત્ર એક હજારનો દંડ ફટકારીને છોડી દીધો હતો, પરંતુ આ મામલે રિવ્યૂ પિટિશન પર થયેલી સુનાવણીમાં હવે સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી છે.

ચાલો, જાણીએ અંતે શું હોય છે આ રોડ રેજ? ભારતમાં રોડ રેજને લઈને શું છે કાયદો? દુનિયાના અન્ય દેશમાં કેવો છે કાયદો? સિદ્ધુને કયા કેસમાં સજા થઈ?

રોડ રેજ શું છે?
રોડ રેજનો અર્થ થાય ગાડીના ડ્રાઈવર દ્વારા આક્રમક, જબરદસ્તી કે ગુસ્સે થાય કે તેવો વ્યવહાર કરે. સીધા શબ્દોમાં કહીએ તો રોડ રેજ ગાડી ચલાવતા સમયે અચાનક થયેલી હિંસા કે ગુસ્સો છે. જે ગાડી ચલાવતા સમયે ગુસ્સા અને હતાશાના કારણે ઊભો થાય છે. પરાણે કે એગ્રેસિવ ડ્રાઈવિંગને રોડ રેજનું કારણ ગણાવવામાં આવે છે.

રોડ રેજમાં અસભ્ય વર્તન, અપમાન કરવું, બૂમો પાડવી, ધમકીઓ આપવી, મારામારી કરવી કે અન્ય ડ્રાઈવર, પગપાળા ચાલતા કે સાયકલ ચાલકને ડરાવવા-ધમકાવવાના પ્રયાસમાં ખતરનાક ડ્રાઈવિંગ કરવું જેવી બાબત સામેલ છે.

રોડ રેજથી વિવાદ, સંપત્તિને નુકસાન, હુમલા અને ટકરાવ થઈ શકે છે, જેમાં ગંભીર ઈજા થઈ શકે છે કે મોત પણ થઈ શકે છે.

રોડ રેજની ઘટનાઓ વધવાનું કારણ શું છે?
એક્સપર્ટ્સનું કહેવું છે કે ઝડપથી વધતી વસતિ, ગામડામાંથી શહેરોમાં થનારું વિસ્થાપન, વાહનોની સંખ્યામાં વૃદ્ધિ, રસ્તાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ તેમજ ડ્રાઈવરમાં વધતી ઈન્ટોલરન્સ કે સબ રોડ રેજ વધવાના મુખ્ય કારણ છે. ઈન્ટોલરન્સની સ્થિતિ એવી છે કે વાહનમાં સામાન્ય ટક્કરમાં પણ મારામારી શરૂ થઈ જાય છે.

દેશમાં રસ્તાની લંબાઈની તુલનાએ ગાડીઓની વધતી સંખ્યા આ સમસ્યાને વધુ ગંભીર બનાવી છે. ઉદાહરણ તરીકે દિલ્હીમાં છેલ્લાં બે દશકામાં ગોડીઓની સંખ્યામાં જ્યાં 212%નો વધારો નોંધાયો છે. તો રસ્તાની લંબાઈ માત્ર 17% વધી છે. આ કારણે લોકોને રસ્તા પર પહેલાંની તુલનાએ મોડે સુધી રહેવું પડે છે. તેનાથી તેમનામાં નારાજગી અને હતાશા વધી રહી છે. એવામાં વારંવાર સામાન્ય વાતે તૂતૂ મેંમેં અંતે હિંસામાં બદલાય જાય છે.

ભારતમાં શું છે રોડ રેજને લઈને કાયદો?
ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષથી રોડ રેજની ઘટનાઓમાં ઘણો વધારો થયો છે, પરંતુ ભારતીય કાયદા અંતર્ગત હજુ પણ રોડ રેજ ગુનાકીય અપરાધ નથી. જો કે મોટર વ્હીકલ એક્ટમાં એવો કોઈ સેક્શન છે જો રોડ ઈન્જરી અને રેશ ડ્રાઈવિંગના મામાલા સાથે જોડાયેલા છે, પરંતુ આ એક્ટમાં એવો કોઈ સેક્સન નથી જે રોડ રેજથી સંબંધિત હોય. એટલે કે મોટર વ્હીકલ એક્ટમાં એવી કોઈ વિશેષ જોગવાઈ નથી જે રોડ રેજને ગુનાકીય અપરાધ ગણાવે છે.

પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા ગૃહમાં રજૂ થયેલા આંકડા મુજબ 2021માં દેશમાં રોડ રેજ અને રેશ ડ્રાઈવિંગને 2.15 લાખ મામલા સામે આવ્યા હતા.

દુનિયાના અન્ય દેશમાં રોડ રેજને લઈને શું છે કાયદો?
ઓસ્ટ્રેલિયાઃ 5 વર્ષ સુધીની જેલ અને 54 લાખનો દંડ

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રોડ રેજને ઘણો જ ગંભીર ગુનો ગણાવવામાં આવે છે. અહીંના રસ્તા પર કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવા કે ધમકી આપવા પર 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. સાથે જ 54 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે અને ડ્રાઈવિંગ લાયસન્ય કેન્સલ પણ થઈ શકે છે.

સિંગાપોરઃ 2 વર્ષની જેલ
સિંગાપોરમાં પણ રોડ રેજને એક ગંભીર ગુનો માનવામાં આવે છે. રોડ રેજના મામલે દોષી સાબિત થાય તો 2 વર્ષની જેલ કે 3.88 લાખ સુધીનો દંડ લગાડવામાં આવી શકે છે.

બ્રિટનઃ 2.5 લાખ રૂપિયા સુધીનો દંડ
બ્રિટનમાં પબ્લિક ઓર્ડર એક્ટ 1986 રોડ રેજના કેસમાં લાગુ થાય છે. રોડ રેજના મામલે દોષી સાબિત થાય તો 10 હજારથી લઈને અઢી લાખ રૂપિયા સુધીનો દંડ લગાડવામાં આવી શકે છે.

શું છે સિદ્ધુનો રોડ રેજ કેસ?
1988માં પંજાબના પટિયાલામાં ગાડી પાર્કિંગને લઈને 65 વર્ષના ગુરનામ સિંહ સાથે સિદ્ધુનો વિવાદ થઈ ગયો. આ વિવાદમાં સિદ્ધુએ ગુરનામ સિંહને મુક્કાઓ માર્યા, જે પછી ગુરનામ સિંહનું મોત થઈ ગયું. મૃતક ગુરનામ સિંહના પરિવારે 2010માં એક ચેનલ શોમાં સિદ્ધૂ દ્વારા ગુરનામને મારવાની વાતનો સ્વીકાર કરવાની સીડી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી.

રોડ રેજ કેસમાં સિદ્ધુની સાથે ક્યારે શું થયું?
રોડ રેજ સાથે જોડાયેલા કેસમાં સપ્ટેમ્બર 1999માં પંજાબની નીચલી કોર્ટે સિદ્ધૂને નિર્દોષ જાહેર કર્યો હતો, પરંતુ ડિસેમ્બર 2006માં પંજાબ-હરિયાણા હાઈકોર્ટે IPCના સેક્શન 304II અંતર્ગત સિદ્ધૂ અને એક અન્યને અજાણતા થયેલી હત્યાના દોષી જાહેર કરી 3-3 વર્ષની સજા સંભળાવી હતી.

આ સજા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી. 2018માં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને અજાણતા થયેલી હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કરતાં IPCના સેક્શન 323 અંતર્ગત પીડિતને ઈજા પહોંચાડવાના દોષી જાહેર કરી એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ ચુકાદાને લઈને સુપ્રીમ કોર્ટમાં ગુરનામ સિંહના પરિવારે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. હવે આ રિવ્યૂ પિટિશનની સુનાવણી થતાં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી છે.