ચંદીગઢ યુનિવર્સિટીના લીક MMSનું શું થશે:શું તમામ સોશિયલ મીડિયામાંથી વીડિયો ડિલિટ થઈ શકે છે, દોષિતોને કેટલી સજા થશે?

5 દિવસ પહેલાલેખક: નીરજ સિંહ
  • કૉપી લિંક

તારીખ 16 સપ્ટેમ્બર 2022, ચંદીગઢ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ. ઘણી વિદ્યાર્થિનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કારણ- આ વિદ્યાર્થીનીઓનો નાહતી વખતનો વીડિયો તેમની સાથે રહેતી એક વિદ્યાર્થિનીએ લીક કર્યો હતો.

જ્યારે હોસ્ટેલ વોર્ડને પૂછપરછ કરી તો આરોપી યુવતીએ આ વીડિયો તેના મિત્રને મોકલ્યો હોવાનું કબૂલ્યું. હાલ પોલીસે વીડિયો લીક કરનારી યુવતીની ધરપકડ કરી છે તેમજ આ વીડિયો વાઇરલ કરનાર બે યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે. મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.

આવી સ્થિતિમાં આજે અમે એક્સ્પ્લેનરમાં જણાવીશું કે પોલીસ કેવી રીતે વાંધાજનક વીડિયોને શેર થતાં અટકાવે છે, વીડિયો વાઇરલ કરનારને કેટલી સજા થઈ શકે છે, શું કોઈ વ્યક્તિ પોતે આવા વીડિયોને સોશિયલ મીડિયા પરથી હટાવી શકે છે.

જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓ અને વોર્ડન દ્વારા આરોપી વિદ્યાર્થિનીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબૂલાત કરી હતી કે મેં વીડિયો બનાવીને શિમલાના સનીને મોકલ્યો હતો.

પ્રશ્ન-1: ચંદીગઢ યુનિવર્સિટી વીડિયો લીક જેવા મામલામાં પોલીસ પ્રથમ શું કરે છે?

જવાબઃ તપાસ એજન્સી, એટલે કે પોલીસનું પહેલું કામ છોકરીઓના આ વીડિયોને કોઈપણ પ્લેટફોર્મ પર વાઇરલ થતા બચાવવાનું છે. આવી સામગ્રીને વાંધાજનક સામગ્રી કહેવામાં આવે છે. વાંધાજનક સામગ્રીમાં વાંધાજનક વીડિયો, ફોટા, વૉઇસ રેકોર્ડિંગ જેવી સામગ્રીનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 2: સોશિયલ મીડિયા વિશાળ છે. એમાં બહુવિધ પ્લેટફોર્મ છે, તો પોલીસ એ પ્લેટફોર્મને કેવી રીતે ઓળખે છે?

જવાબ: પોલીસ પહેલા એ પ્લેટફોર્મને ઓળખે છે, જ્યાંથી વાંધાજનક સામગ્રી શેર કરવામાં આવી છે. આ માટે તેનો પહેલો સોર્સ આરોપી છે, જેણે એ ફોટો કે વીડિયો શેર કર્યો છે.

જો તે સામગ્રી બહુવિધ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવે છે, તો પોલીસ ફેસબુક, વ્હોટ્સએપ, ટ્વિટર જેવાં પ્લેટફોર્મનો સંપર્ક કરે છે.

પ્રશ્ન-3: જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાઇરલ થયો છે એની ઓળખ કર્યા પછી પોલીસ શું કરે છે?

જવાબ: આ પછી પોલીસ આવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના રેગ્યુલેટિંગ ઓથોરિટી/હેડક્વાર્ટરનો સંપર્ક કરે છે. આ માટે તે બે પદ્ધતિ અપનાવે છે-

પ્રથમ- ઇમર્જન્સી ડિસ્ક્લોઝર- આ અંતર્ગત પોલીસ રેગ્યુલેટિંગ ઓથોરિટીને એ ઉપકરણના ફોનનંબર અને IP એડ્રેસ માટે પૂછે છે, જેના દ્વારા વાંધાજનક સામગ્રી બનાવવામાં આવી છે અને શેર કરવામાં આવી છે. સામાન્ય રીતે કોઈ કટોકટી ન હોય તેવા કિસ્સામાં પોલીસ દ્વારા આ પ્રક્રિયા અપનાવવામાં આવે છે.

બીજું- ઇમર્જન્સી રિસ્પોન્સ- આવા કિસ્સામાં સોશિયલ મીડિયા રેગ્યુલેટિંગ ઓથોરિટીએ વાંધાજનક સામગ્રીને તાત્કાલિક દૂર કરવી પડશે. આમાં રાષ્ટ્રીય સુરક્ષા, માનવજીવન માટે ખતરો અને બાળ શોષણના કેસનો સમાવેશ થાય છે.

જોકે આ માટે પોલીસે રેગ્યુલેટિંગ ઓથોરિટીને સમજાવવું પડશે કે આવી સામગ્રીને તાત્કાલિક દૂર કરવી જરૂરી છે. આ પછી તેઓ તરત જ તેમના પ્લેટફોર્મ પરથી વાંધાજનક સામગ્રી હટાવી દે છે.

પ્રશ્ન-4: શું કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર સીધી વાત કરીને કોઈપણ વાંધાજનક સામગ્રી દૂર કરી શકે છે?

જવાબ: હા, કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે સીધો સંપર્ક કરી શકે છે. IT નિયમો 2021 અનુસાર, Facebook, WhatsApp, Twitter સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ભારતમાં તેમના ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવી પડશે.

આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મે 24 કલાકની અંદર કેસ સ્વીકારવો પડશે તેમજ 15 દિવસમાં મામલાનો નિકાલ કરવાનો રહેશે. આ કિસ્સામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તપાસ કરે છે કે સામગ્રી વાંધાજનક છે કે નહીં, તે કોઈના જીવનને નુકસાન પહોંચાડી રહી છે કે નહીં. જો ફરિયાદ સાચી હોવાનું જણાય છે, તો તે તેના પ્લેટફોર્મ પરથી એ સામગ્રીને દૂર કરે છે.

અનેક વિદ્યાર્થિનીએ દાવો કર્યો છે કે 60થી વધુ વિદ્યાર્થિનીના વાંધાજનક વીડિયો લીક થયા છે.

પ્રશ્ન-5: શું તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વાંધાજનક સામગ્રી દૂર કરી શકાય છે?

જવાબ: ના, કેટલાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સામગ્રી સરળતાથી દૂર કરી શકાતી નથી. સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે ફેસબુક અને ટ્વિટર પરથી વાંધાજનક કન્ટેન્ટ હટાવવાનું બહુ મુશ્કેલ નથી. પોલીસ અથવા તપાસ એજન્સી તેના એકાઉન્ટ દ્વારા ગુનેગારની ઓળખ કરી શકે છે, ભલે તે નકલી હોય. તેના પછી તે સામગ્રીને દૂર કરી શકે છે.

પરંતુ વ્હોટ્સએપ અને ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપમાંથી કન્ટેન્ટ ડિલિટ કરવું મુશ્કેલ કામ છે. અહીં વીડિયો કે ફોટો કે વોઈસ મેસેજ એકસાથે અનેક લોકો સુધી પહોંચે છે. આ કિસ્સામાં, જો પોલીસ મૂળ સ્ત્રોતને શોધી કાઢે છે અને ત્યાંથી સામગ્રી દૂર કરે છે તોપણ આ ઘણા લોકોના મોબાઇલમાં સેવ થઈ જાય છે.

પ્રશ્ન-6: ચંદીગઢ યુનિવર્સિટી MMS લીક કેસમાં પોલીસ કયા કાયદા હેઠળ કાર્યવાહી કરી રહી છે?

જવાબ: ચંદીગઢ યુનિવર્સિટીના વીડિયો લીક કેસમાં વીડિયો બનાવનાર યુવતી વિરુદ્ધ IPCની કલમ 354-C અને IT એક્ટની કલમ 66E હેઠળ FIR નોંધવામાં આવી છે. આ અંતર્ગત ગેરકાયદે મહિલા કે બાળકીના ફોટોગ્રાફ લેવા કે વીડિયો બનાવવાને ગુનો ગણવામાં આવે છે.

પ્રશ્ન-7: જો આરોપી ફોનમાંથી વીડિયો ડિલિટ કરી દેશે તો ગુનો કેવી રીતે સાબિત થશે?
જવાબઃ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વિરાગ ગુપ્તા કહે છે કે ગુનો સાબિત કરવા માટે વીડિયો હોવો જરૂરી છે. આ માટે ફોરેન્સિક તપાસ કરવી પડશે તેમજ વ્હોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા કંપનીઓની મદદ લેવી પડશે. નવા IT એક્ટ અનુસાર, ભારતમાં તેમની ઓફિસ આમાં તપાસ એજન્સીઓને મદદ કરશે.

જો આનાથી પણ મામલો નહીં થાળે તો વિદેશી કંપનીની મદદ લેવી પડી શકે છે. આવી સ્થિતિમાં પોલીસે ગૃહ મંત્રાલય અથવા વિદેશ મંત્રાલય સમક્ષ વિનંતી કરવી પડશે.

વીડિયો લીકની ઘટના સામે આવ્યા બાદ 8 યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીઓએ આ દાવો કર્યો છે. જ્યારે યુનિવર્સિટી મેનેજમેન્ટ અને પોલીસે આને અફવા ગણાવી છે.

પ્રશ્ન-8: વાંધાજનક વીડિયો વાઇરલ કરવા પર કેટલા વર્ષની સજા થઈ શકે?

જવાબ: જો કોઈ વાંધાજનક સામગ્રી દ્વારા કોઈ મહિલા અથવા છોકરીની ગરિમાને ગંભીર ઠેસ પહોંચે છે, તો આવા કિસ્સાઓમાં IPCની કલમ 354 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. તેને 1 થી 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે તેમજ દંડ પણ થઈ શકે છે.

કોઈ વ્યક્તિની સંમતિ વિના તેનો અંગત ફોટો કે વીડિયો લેવો, એને બીજાને મોકલવો, એને વાઇરલ કરવો એ નવા IT એક્ટની કલમ 66E હેઠળ આવે છે. જો તે દોષી સાબિત થાય તો તેને 3 વર્ષની જેલ અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

પ્રશ્ન-9: શું પોતાનો નગ્ન વીડિયો મોકલવો એ પણ ગુનો છે?

જવાબ: બે પુખ્ત વ્યક્તિ એકબીજાને પોતાનો નગ્ન ફોટો અથવા વીડિયો મોકલી શકે છે. આ માટે બંનેની સંમતિ જરૂરી છે. જો આમાંથી કોઈ તે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરશે તો તેને ગુનો ગણવામાં આવશે.

ચાલો... હવે આ પોલમાં ભાગ લઈએ...