ભાસ્કર એક્સપ્લેનર:ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે બાળકોનું વેક્સિનેશન, જાણો બાળકોને વેક્સિન લગાવવી કેટલું સુરક્ષિત છે અને શું કહે છે ટ્રાયલનાં પરિણામો

6 મહિનો પહેલાલેખક: આબિદ ખાન

દેશમાં ટૂંક સમયમાં 18 વર્ષથી ઓછી વયનાં બાળકોને પણ કોરોનાની વેક્સિન લગાવવાનું શરૂ થઈ શકે છે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ હાલમાં જ એ અંગે ઘોષણા કરી છે. માંડવિયાએ ભાજપાની સંસદીય દળની બેઠકમાં આવતા મહિને, એટલે કે ઓગસ્ટથી બાળકોને કોરોનાની રસી લગાવાશે એવી આશા વ્યક્ત કરી છે.

માંડવિયાએ આ જાણકારી ગત મંગળવારે આપી હતી. તેમના નિવેદન પછી આ જાણકારી પણ સામે આવી છે કે ઝાયડસ કેડિલાએ બાળકો પર પોતાની વેક્સિનની ટ્રાયલનો એડિશનલ ડેટા ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે સબમિટ કરી દીધો છે. DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી આ ડેટાનો અભ્યાસ કરીને વેક્સિનની ઈમર્જન્સી અપ્રૂવલ પર નિર્ણય લેશે. જો વેક્સિનને અપ્રૂવલ મળે છે તો દેશમાં આ ચોથી વેક્સિન હશે.

એક તરફ જ્યાં અનેક રાજ્યોમાં સ્કૂલ ખૂલી ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં જ સ્કૂલ ખોલવાની તૈયારી કરી રહ્યાં છે. એવામાં બાળકોની વેક્સિનને લઈને આવેલા આ સમાચારનું શું મહત્ત્વ છે? દેશમાં બાળકો માટે કેટલી વેક્સિન આવવાની છે? બાળકો માટે કોરોના વેક્સિન કેટલી સુરક્ષિત છે? બાળકોની વેક્સિન કેટલી જરૂરી છે? દુનિયામાં બાળકોના વેક્સિનેશનનું શું સ્ટેટસ છે? આવો સમજીએ...

ભારતમાં બાળકો માટે વેક્સિનનું શું સ્ટેટસ છે?
અત્યારે દેશમાં પુખ્તોને ત્રણ વેક્સિન લગાવાય છે. કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પુતનિક V. એમાંથી ભારત બાયોટેકની કોવેક્સિનની બાળકો પર ટ્રાયલ ચાલી રહી છે. કોવિશીલ્ડ બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ પણ બાળકોની વેક્સિન કોવોવેક્સ બનાવવાની તૈયારીમાં છે. જ્યારે ઝાયડસ કેડિલાની વેક્સિન ઝાયકોવ-ડીની ક્લિનિકલ ટ્રાયલ પૂરી થઈ ગઈ છે. એને મંજૂરીની રાહ છે. એ પુખ્તોની સાથે બાળકોને પણ લગાવી શકાશે.

દેશમાં બાળકોની વેક્સિન અને તેનું સ્ટેટસ
ઝાયકોવ-ડીઃ ઝાયડસ કેડિલાની DNA બેઝ્ડ વેક્સિન ઝાયડસ-ડીની 12થી 18 વર્ષ સુધીનાં બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ પૂરી થઈ ચૂકી છે. કંપની ટ્રાયલનો ડેટા DCGIને આપી ચૂકી છે. બાળકો માટે વેક્સિનની રેસમાં સૌથી આગળ આ જ વેક્સિન છે. કંપની 5 વર્ષ સુધીનાં બાળકો પર પણ વેક્સિનની ટ્રાયલની તૈયારી કરી રહી છે.

કોવેક્સિનઃ ભારત બાયોટેકની કોવેક્સિનની બાળકો પર ટ્રાયલ દેશભરમાં અલગ-અલગ સ્થળોએ ચાલી રહી છે. સપ્ટેમ્બર સુધીમાં ટ્રાયલનાં ફાઈનલ પરિણામો આવવાની આશા છે. ટ્રાયલ દરમિયાન 12થી 18, 6થી 12 અને 2થી 6 વર્ષ સુધીનાં બાળકોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં છે.

કોવોવેક્સઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને પોતાની કોરોના વેક્સિન ‘કોવોવેક્સ’ના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલને મંજૂરી મળી ચૂકી છે. દેશભરમાં 10 સ્થળે 12થી 17 વર્ષ અને 2થી 11 વર્ષનાં 920 બાળકો પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા આ વેક્સિનને અમેરિકન કંપની નોવાવેક્સ સાથે મળીને બનાવી રહી છે.

ફાઈઝરઃ ફાઈઝર વેક્સિનને અમેરિકા અને યુરોપના અનેક દેશોમાં 12 વર્ષથી વધુ વયનાં બાળકોને આપવામાં આવી રહી છે, પરંતુ આ વેક્સિન હજુ ભારતમાં આવી નથી. ભારતમાં મંજૂરી મળ્યા પછી બાળકો માટે ફાઈઝર વેક્સિનનો વિકલ્પ આપણી પાસે હશે.

મોડર્નાઃ મોડર્નાની mRNA વેક્સિન પણ 12 વર્ષ સુધીનાં બાળકોને આપવામાં આવે છે, પણ ભારતમાં એ પણ ઉપલબ્ધ નથી. ભારતમાં મંજૂરી મળ્યા પછી આ વેક્સિન પણ બાળકોને લગાવી શકાશે. ફાઈઝર અને મોડર્ના બંને વેક્સિનની 5-11 વર્ષ સુધીનાં બાળકો પર પણ ટ્રાયલ ચાલી રહી છે. સપ્ટેમ્બર સુધી આ ટ્રાયલનાં પરિણામો આવવાની આશા છે.

સ્પુતનિકઃ રશિયામાં બાળકો પર સ્પુતનિકની ટ્રાયલ કરવામાં આવી રહી છે. મોસ્કોમાં 100 બાળકો પર વેક્સિનની ટ્રાયલ જારી છે. ભારતમાં આ વેક્સિન ઉપલબ્ધ છે, પરંતુ બાળકો પર એની ટ્રાયલનાં પરિણામોની રાહ છે.

બાળકોમાં વેક્સિનેશન અંગે શું કહે છે ટ્રાયલ્સનાં પરિણામો?

 • ઝાયડસ કેડિલાએ જાન્યુઆરીમાં ત્રીજા ફેઝની ટ્રાયલ શરૂ કરી હતી. દેશભરમાં 28 હજાર લોકો પર વેક્સિનની ટ્રાયલ કરવામાં આવી, એમાંથી 1 હજાર કેન્ડિડેટ્સની વય 12થી 18 વર્ષ છે. કંપનીએ આ જ ટ્રાયલના ડેટાને સરકાર પાસે રિવ્યૂ માટે સબમિટ કર્યા છે.
 • યુરોપમાં મોડર્નાની વેક્સિનને બાળકો માટે અપ્રૂવ કરતાં પહેલાં 12થી 17 વર્ષનાં 3732 બાળકો પર ટ્રાયલ કરવામાં આવી. ટ્રાયલનાં પરિણામો સામે આવ્યાં હતાં કે વેક્સિને બાળકોમાં પણ પુખ્તોની જેમ એન્ટિબોડી પ્રોડ્યુસ કરી છે. ટ્રાયલ દરમિયાન 2163 બાળકોને કોરોના વેક્સિન અપાઈ હતી અને 1073ને પ્લાસબો. જે 2163 બાળકોને વેક્સિન આપવામાં આવી હતી તેમાંથી કોઈને ન તો કોરોના થયો કે ન તો કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ.
 • ચાઈનીઝ વેક્સિન કોરોનાવેક પણ 3થી 17 વર્ષનાં બાળકો પર અસરકારક જોવા મળી. કંપનીએ બે ફેઝમાં 550થી વધુ બાળકો પર વેક્સિનની ટ્રાયલ કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ટ્રાયલમાં સામેલ માત્ર બે બાળકોને જ વેક્સિનેશન પછી ભારે તાવ આવ્યો હતો, બાકી કોઈને પણ સાઈડ ઈફેક્ટ થઈ નહોતી. વેક્સિનેશન પછી 98% બાળકોમાં એન્ટિબોડી પણ પ્રોડ્યુસ થઈ છે.
 • ફાઈઝરે બાળકો પર પોતાની વેક્સિનની ઈફેક્ટિવનેસ જાણવા માટે 12થી 15 વર્ષનાં 2260 બાળકો પર ટ્રાયલ કરી હતી, તેમાંથી 1131ને વેક્સિન અને બાકી 1129ને પ્લાસબો આપ્યા. વેક્સિન લેનારાં 1131 બાળકમાં કોઈને પણ કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ જોવા મળી નહોતી. ટ્રાયલનાં પરિણામો પછી ફાઈઝરે કહ્યું હતું કે તેની વેક્સિન બાળકોમાં 100% ઈફેક્ટિવ છે.

શું ઓગસ્ટ સુધી શરૂ થઈ શકે છે બાળકોનું વેક્સિનેશન?
ઝાયડસ કેડિલા કહે છે કે ઓગસ્ટથી દર મહિને 1 કરોડ ડોઝ અને ડિસેમ્બર સુધીમાં 5 કરોડ ડોઝના પ્રોડક્શનની આશા છે. કંપનીએ એક વર્ષમાં 10 કરોડ ડોઝ તૈયાર કરવાનો ટાર્ગેટ સેટ કર્યો છે.

ભારત સરકાર ફાઈઝર અને મોડર્નાની વેક્સિનને પણ ટૂંક સમયમાં લાવવાની કોશિશમાં છે, પરંતુ લીગલ ઈન્ડેમ્નિટી પર મામલો અટકેલો છે. જ્યાં તેમને મંજૂરી મળી છે ત્યાં આ બંને વેક્સિન બાળકોને આપવામાં આવી રહી છે. જો એ ભારતમાં આવે છે તો એનો ઉપયોગ બાળકો પર પણ કરી શકાશે.

શું બાળકો માટે વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે?

 • જૂનમાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ જણાવ્યું હતું કે અમેરિકામાં 1200 લોકોમાં ફાઈઝર કે મોડર્નાની વેક્સિન લગાવ્યા પછી હૃદયની માંસપેશીઓમાં સોજો આવી ગયો હતો. એમાંથી 500 લોકો એવા હતા, જેમની વય 30 વર્ષથી ઓછી હતી. વેક્સિન લગાવ્યાનાં બે સપ્તાહ પછી મોટા ભાગના યુવાનોમાં આ પ્રકારની ફરિયાદો આવવા લાગી હતી.
 • ઈઝરાયેલમાં ફાઈઝરની વેક્સિન લગાવ્યા પછી અનેક બાળકોના હૃદયની માંસપેશીઓમાં સોજો આવ્યાની ફરિયાદો આવી હતી.
 • જોકે આ તમામ લોકોમાં કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ જોવા મળતી નથી. આ સાથે જ વેક્સિનને કારણે જ સોજો આવ્યો, એ પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. એક્સપર્ટસના કહેવા પ્રમાણે, આ પ્રકારના મામલાઓની સંખ્યા અત્યંત ઓછી છે. 12થી 17 વર્ષના યંગ પોપ્યુલેશનમાં દર 10 લાખ પર 70થી પણ ઓછા લોકોમાં આ સમસ્યા સામે આવી છે.

કયા દેશોમાં બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે?

 • અમેરિકા મે મહિનાથી ફાઈઝરની વેક્સિન 12 વર્ષથી વધુ વયનાં તમામ બાળકોને લગાવવાનું શરૂ કરી ચૂક્યું છે. આગામી વર્ષ સુધીમાં ત્યાં 12 વર્ષથી ઓછી વયનાં બાળકોને પણ વેક્સિનેશનની શરૂઆત થઈ શકે છે.
 • યુરોપિયન યુનિયને 23 જુલાઈએ મોડર્નાની વેક્સિનને બાળકો માટે અપ્રૂવ કરી છે. 12થી 17 વર્ષ સુધીનાં બાળકોને યુરોપિયન યુનિયનમાં મોડર્નાની વેક્સિન લગાવવામાં આવશે.
 • 19 જુલાઈએ યુકેએ 12 વર્ષ સુધીનાં બાળકોને ફાઈઝર વેક્સિન લગાવવાની અનુમતિ આપી છે. જોકે અત્યારે માત્ર મોર્બિડિટીવાળાં બાળકોને જ વેક્સિન આપવામાં આવી રહી છે. સપ્ટેમ્બર સુધી મોડર્નાની વેક્સિનને પણ અપ્રૂવલ મળવાની સંભાવના છે.
 • ઈઝરાયેલ પણ 12 વર્ષ સુધીનાં તમામ બાળકોને વેક્સિનેટ કરવાનું શરૂ કરી ચૂક્યું છે. ઈઝરાયેલે જાન્યુઆરીમાં 16 વર્ષ સુધીના બાળકોનું વેક્સિનેશન શરૂ કર્યુ હતું. જૂનમાં વેક્સિનેશનનો વ્યાપ વધારવા માટે 12 વર્ષ સુધીના બાળકોને પણ વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી.
 • કેનેડા એ દેશોમાંથી છે જ્યાં સૌપ્રથમ બાળકોને વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી. કેનેડાએ ડિસેમ્બર 2020માં જ 16 વર્ષ સુધઈના તમામ લોકો માટે ફાઈઝરની વેક્સિનને અપ્રૂવલ આપી દીધી હતી. મે મહિનામાં વેક્સિનેશનનો વ્યાપ વધારીને 12 વર્ષ સુધીના બાળકોને પણ તેમાં સામેલ કરાયા.
 • આ ઉપરાંત માલ્ટા, ચિલી જેવા અનેક નાના દેશોએ પણ બાળકોને વેક્સિનેટ કરવાનું શરૂ કરી દીધું છે. આ દેશોએ પોતાની વસતીના એક મોટા હિસ્સાને વેક્સિનેટ કર્યો છે અને હવે સમગ્ર વસતીને વેક્સિનેટ કરવા માટે બાળકોને પણ વેક્સિનેશન પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.