રેલવેએ જાહેર કરી ગાઇડલાઇન્સ:દિવાળીમાં ફરવા કે વતન જતા મુસાફરો આટલું ધ્યાન રાખે, સામાન્ય લાગતો સામાન પણ દંડ કે જેલ કરાવી શકે છે

4 મહિનો પહેલા

દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. તેવામાં આ તહેવારની પોતાના પરિવારજનો અને સગાસંબંધીઓ સાથે ઉજવણી કરવા લોકો પોતાના વતન તરફ જતા હોય છે. તેવામાં હાલ રેલ્વે સ્ટેશન પર કિડિયારું ઉભરાયું હોય તેવો માહોલ બની ગયો છે. પરંતું જો તમે તમારા પરિવાર સાથે વધુ માલ-સામાન લઈને સફર કરવા જઈ રહ્યાં છો તો આ સમાચાર જરૂરથી વાંચી લેજો. નહીં તો તમને દંડથી લઈને જેલ પણ થઈ શકે છે.

ભારતીય રેલ્વેએ દિવાળી અને ધનતેરસ દરમિયાન મુસાફરોની સંખ્યામાં અપેક્ષિત વધારાને ધ્યાનમાં રાખીને મુસાફરોની સલામતીની ખાતરી માટે ઘણા નવા નિયમો લાગુ કર્યા છે. રેલ્વેએ સ્પષ્ટપણે કહ્યું છે કે ટ્રેનની મુસાફરી દરમિયાન મુસાફરો પોતાની સાથે કોઈપણ જ્વલનશીલ સામગ્રી લઈ જશે નહીં. આ માટે પ્રતિબંધિત ઉત્પાદનોની યાદી પણ જારી કરવામાં આવી છે. જો કોઈ મુસાફર આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેને જેલ પણ ભોગવવી પડી શકે છે.

ફટાકડા કે આ વસ્તુઓ ના લઈ જતા.....
રેલ્વેએ એક ટ્વિટમાં કહ્યું છે કે જો કોઈ યાત્રી ફટાકડા, પેટ્રોલ-ડીઝલ અથવા અન્ય જ્વલનશીલ પદાર્થો સાથે ટ્રેનમાં મુસાફરી કરે છે, તો તેને સજાપાત્ર ગુનો ગણવામાં આવશે. આ સિવાય ટ્રેનમાં સ્ટવ અને ગેસ લઈ જવા પર પણ પ્રતિબંધ છે. રેલ્વેએ કહ્યું છે કે ટ્રેનમાં ફટાકડા લઈ જવું એ મુસાફરોના જીવ જોખમમાં મૂકવા જેવું છે અને આવું કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ કામ ટ્રેનના કોચ કે પરિસરમાં ના કરો.........
રેલવેએ સૂચના આપી છે કે કોઈ પણ મુસાફર ટ્રેનના ડબ્બામાં કે રેલવે પરિસરમાં ફટાકડા, ગેસ સિલિન્ડર અને ગન પાઉડર જેવી ચીજવસ્તુઓ સાથે ન રાખે, તેમજ ડબ્બામાં કે પરિસરમાં લાઇટ સિગારેટ ન રાખે. ઘણીવાર કેટલાક મુસાફરો રેલ્વે પરિસરમાં સ્ટવ લાઇટ કરીને ભોજન રાંધે છે. તેના પર રેલવેએ સ્પષ્ટ કહ્યું છે કે રેલવે પરિસરમાં ગેસ કે સ્ટવ સળગાવવાની મનાઈ છે. કેરોસીન અને પેટ્રોલ જેવી જ્વલનશીલ સામગ્રી સાથે ટ્રેનમાં મુસાફરી કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તમને પણ થઈ શકે છે આ દંડ કે જેલ.....
રેલ્વે એક્ટ 1989ની કલમ 164 અને 165 હેઠળ, જો કોઈ મુસાફર ફટાકડા, સ્ટવ, ગેસ, પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થો સાથે ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળે છે, તો તેના પર 1,000 રૂપિયાનો દંડ થઈ શકે છે . આ સિવાય મુસાફરને ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે. રેલવે આવા મુસાફરો પર દંડ અને જેલની કાર્યવાહી એક સાથે કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...