તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • There Will Be 50 Modular Hospitals In The Country, Ready In 3 Weeks; Learn How This Happens And What Will Be Its Role In Fighting Corona?

ભાસ્કર એક્સપ્લેનર:દેશમાં બનશે 50 મોડ્યુલર હોસ્પિટલ, 3 સપ્તાહમાં થઈ શકશે તૈયાર; જાણો કેવી રીતે થાય છે આ અને કોરોનાથી લડવામાં શું હશે તેનો રોલ?

3 મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે સરકારે તેનો સામનો કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. વેક્સિનેશનની ઝડપ વધારવાની સાથે હવે સમગ્ર દેશમાં 50 મોડ્યુલર હોસ્પિટલ ખોલવાની તૈયારી છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ICU, ઓક્સિજન બેડ અને આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા થશે. હાલમાં સમગ્ર દેશમાં પસંદગીના સ્થળોએ આ હોસ્પિટલ્સ ખોલવામાં આવશે. આશા છે કે આવનારા 2-3 મહિનામાં આ હોસ્પિટલો બનીને તૈયાર થઈ જશે.

આવો, સમજીએ મોડ્યુલર હોસ્પિટલ હોય છે શું, કઈ રીતે બનાવાય છે, આ હોસ્પિટલના શું ફાયદા છે અને ભારતને કોરોના સામે લડવા માટે આવી હોસ્પિટલની કેટલી જરૂર છે...

પ્રથમ સમજીએ મોડ્યુલર કન્સ્ટ્રક્શન શું હોય છે?
મોડ્યુલર કન્સ્ટ્રક્શનમાં વપરાતી તમામ ચીજોને કોઈ અન્ય જગ્યાએ અગાઉથી બનાવી લેવામાં આવે છે. જેમ કે એક રૂમ બનાવવા માટે બારી, દિવાલ, દરવાજા, છત અને અન્ય ચીજો અગાઉથી તૈયાર કરી લેવાય છે. હવે જ્યાં પણ રૂમની આવશ્યકતા હશે, ત્યાં આ આઈટેમ્સને લઈ જઈને માત્ર એસેમ્બલ કરી દેવાય છે અને રૂમ બનીને તૈયાર થઈ જાય છે. એટલે કે સાઈટ પર તમારે માત્ર એસેમ્બ્લિંગનું કામ કરવાનું છે. આ અલગ-અલગ હિસ્સાઓને મોડ્યુલ્સ કહે છે અને આ સમગ્ર પ્રક્રિયાને મોડ્યુલર કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે.

મોડ્યુલર હોસ્પિટલ શું છે?
આ જ અલગ-અલગ મોડ્યુલ્સ દ્વારા બનનારી હોસ્પિટલ, મોડ્યુલર હોસ્પિટલ કહેવાય છે. મોડ્યુલક હોસ્પિટલમાં પણ લાગતી તમામ ચીજોને અગાઉથી તૈયાર કરી લેવામાં આવે છે. જ્યાં પણ હોસ્પિટલ બનાવવાની આવશ્યકતા હોય છે, ત્યાં આ ચીજોને લઈ જઈને એસેમ્બલ કરી દેવાય છે.

કઈ કઈ જગ્યાએ આ હોસ્પિટલો બનશે?
હાલમાં દેશભરમાં પસંદગીના સ્થળોએ આ હોસ્પિટલ બનાવવાની તૈયારી છે. છત્તીસગઢના બિલાસપુર, મહારાષ્ટ્રના પૂણે, અમરાવતી અને જાલના, પંજાબના મોહાલીમાં આ હોસ્પિટલ બનાવવામાં આવશે. આ ઉપરાંત છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પણ આવી 20 બેડની હોસ્પિટલ બનશે. કર્ણાટકના બેંગલુરુમાં પ્રથમ તબક્કામાં 20, 50 અને 100 બેડવાળી હોસ્પિટલ બનાવવામાં આવશે. આ સાથે જ સરકાર આ હોસ્પિટલ્સને એવી સરકારી હોસ્પિટલની નજીક બનાવશે જ્યાં વીજળી, ઓક્સિજન અને પાણીની વ્યવસ્થા હશે.

શું દેશમાં અગાઉ પણ ક્યાંય આવી હોસ્પિટલ કામ કરી રહી છે?
હા, ટાટા ગ્રૂપ દેશભરમાં આવી મોડ્યુલર હોસ્પિટલ બનાવી ચૂક્યું છે. જેમાં કોરોનાના દર્દીઓનો ઈલાજ થયો છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશામાં રેકોર્ડ ટાઈમમાં કોરોના ગાઈડલાઈન અંતર્ગત આ હોસ્પિટલ્સ બનાવવામાં આવી છે. અનેક સ્થળે હોસ્પિટલ આખી બનાવાઈ તો કેટલાક સ્થળે આઈસોલેશન વોર્ડ અને કોવિડ ગાઈડલાઈનના હિસાબે ફેરફાર કરવામાં આવ્યા.

આ હોસ્પિટલ ક્યાં સુધીમાં બનીને તૈયાર થઈ જશે?
આગામી 2-3 મહિનામાં દેશભરમાં 50 હોસ્પિટલો બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ માટે ટાટા ગ્રૂપ અને IIT મદ્રાસના એક સ્ટાર્ટઅપ મોડ્યુલ્સ હાઉસિંગે કામ પણ શરૂ કરી દીધું છે. આવી એક હોસ્પિટલ બનાવવામાં 3 કરોડ રૂપિયા ખર્ચ થશે અને 6થી 7 સપ્તાહમાં એ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.

હોસ્પિટલમાં સ્ટાફ ક્યાંથી આવશે?
મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલયમાં ઈન્ડસ્ટ્રી-એકેડેમિયા કોલેબરેશનના સભ્ય અદિતિ લેલેના અનુસાર, આ હોસ્પિટલને અગાઉથી રહેલી કોઈ સરકારી હોસ્પિટલ નજીક જ ખોલવામાં આવશે. એવામાં એ સરકારી હોસ્પિટલનો જે સ્ટાફ હશે, તેમની જ ડ્યુટી આ હોસ્પિટલમાં પણ લગાવવામાં આવશે. એટલે કે આ હોસ્પિટલ માટે અલગથી સ્ટાફની ભરતી કરાશે નહીં.

આ હોસ્પિટલો બનાવવાના પૈસા ક્યાંથી આવશે?
પૈસા માટે અલગ-અલગ ઈન્ડસ્ટ્રીઝ સાથે પાર્ટનરશીપ કરવામાં આવી છે. સરકાર તરફથી પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારનું કોઈ ફંડ આપવામાં આવ્યું નથી.

જ્યારે સરકાર પૈસા આપી રહી નથી તો તેનો રોલ શું છે?
આ સમગ્ર પ્રોજેક્ટની જવાબદારી ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવન અને તેમની ટીમ સંભાળી રહી છે. આ ટીમનું કામ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્ટાર્ટઅપ અને બીજા ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનર્સ વચ્ચે સમન્વય બનાવવાનું છે. હોસ્પિટલ માટે ફંડ, જગ્યા, ડોક્ટર અને બાકી તમામ સુવિધાઓ પ્રાપ્ત કરવાનું કામ આ ટીમ સંભાળી રહી છે.

કેરળના કાસરગોડમાં બનાવાયેલી મોડ્યુલર હોસ્પિટલ.
કેરળના કાસરગોડમાં બનાવાયેલી મોડ્યુલર હોસ્પિટલ.

શું કોરોના સિવાય બીજા દર્દીઓનો ઈલાજ પણ આ હોસ્પિટલમાં થશે?
બિલકુલ. આવશ્યકતા પ્રમાણે આ હોસ્પિટલમાં કોરોના ઉપરાંત બીજી બીમારીઓના દર્દીઓનો ઈલાજ પણ કરી શકાશે. કોરોનાના દર્દીઓ માટે બિહારના મુઝફ્ફરપુરમાં આ પ્રકારની એક હોસ્પિટલ બનાવવામાં આવી હતી જેને કોરોના દર્દી ઓછા થયા પછી કેન્સર દર્દીઓનાં ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારતને આ હોસ્પિટલ્સની કેટલી આવશ્યકતા?

  • કોરોનાના દર્દીઓની સારવાર માટે આ હોસ્પિટલ અત્યંત કારગત સાબિત થઈ શકે છે. આ હોસ્પિટલ્સમાં ICU બેડ અને ઓક્સિજનની સુવિધા પણ હશે. બીજી લહેરમાં ઓક્સિજન અને બેડની મારામારીનો હાલ તો સૌ જાણે જ છે.
  • આને ઓછા સમયમાં બનાવી કે શિફ્ટ કરી શકાય છે. તેનો ફાયદો એ થશે કે કોરોનાના કેસીસના હિસાબે આ હોસ્પિટલને બનાવી શકાશે. જ્યાં કેસ ઓછા હશે, ત્યાંથી હટાવીને વધુ કેસવાળા વિસ્તારોમાં તેમને શિફ્ટ કરી શકાશે.
  • કોરોનાની બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારોમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચકની મોટી ખામી નજરે આવી છે. આ હોસ્પિટલ્સને ગ્રામીણ વિસ્તારોમાં પણ ખોલી શકાશે.
  • વાસ્તવમાં બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની અછતને જોઈને આ હોસ્પિટલને બનાવવામાં આવી રહી છે. આ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ, ઓક્સિજન અને ICUની સુવિધા હશે, જે કોરોનાના દર્દીઓનાં ઈલાજમાં ઉપયોગ લઈ શકાશે. આ સાથે જ તેમને બનાવવા અને શિફ્ટ કરવામાં લાગતા ઓછા ખર્ચ અને સમયના કારણે આ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે એક ઉત્તમ વિકલ્પ છે.

એક્સપર્ટ્સ આ પહેલને કેવી ગણાવી રહ્યા છે?
મહામારી વિશેષજ્ઞ ડોક્ટર ચંદ્રકાંત લહારિયા કહે છે કે મોડ્યુલર હોસ્પિટલનો કન્સેપ્ટ એક ટેમ્પરરી સમાધાન જેવો છે. આપણે જે હોસ્પિટલો પાસે તેમને બનાવવા અને તેમના ડોક્ટરો દ્વારા આ હોસ્પિટલ્સને ચલાવવાની વાત કરી રહ્યા છે, તેઓ પહેલાથી જ ડોક્ટર અને હેલ્થ વર્કર્સની અછતનો સામનો કરી રહ્યા છે.

એવામાં સરકારે લોંગ ટર્મ સસ્ટેનેબલ રોડમેપ બનાવવો જોઈએ. તેમાં પણ સૌપ્રથમ હાલ હેલ્થ સિસ્ટમમાં ખાલી પડેલી જગ્યાઓ, દવાઓ વગેરેની અછત છે, તેની ભરપાઈ કરવી જોઈએ. તેના પછી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાનું કામ કરવું જોઈએ. આ મોડ્યુલર હોસ્પિટલ જેવા ટેમ્પરરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પણ કાયમી ઉપાય હોવો જોઈએ. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કર્યા પછી આપણે તેના માટે જરૂરી હ્યુમન રિસોર્સ વધારવા પર કામ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...