• Gujarati News
  • Dvb original
  • Explainer
  • There Is A Big Change In The Storage Policy Of Google Account From June 1, Know Its Effect On You And All The Things Related To The Change

ભાસ્કર એક્સપ્લેનર:ગૂગલ અકાઉન્ટની સ્ટોરેજ પોલિસીમાં 1 જૂનથી મોટો ફેરફાર, જાણો તમારા પર એની અસર અને નવી પોલિસી વિશે બધું જ

આબિદ ખાન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અત્યારસુધી ફોટોઝ પર હાઇ ક્વોલિટીમાં બેક-અપ માટે ગૂગલ અનલિમિટેડ સ્ટોરેજની સુવિધા મળતી હતી
  • હવે 15GB કરતાં એક્સ્ટ્રા સ્પેસ માટે તમારે ગૂગલને પૈસા આપવા પડશે

1 જૂનથી ગૂગલની સ્ટોરેજ પોલિસીમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગૂગલ ફોટોઝ પર બેક-અપ ફાઈલ હવે ગૂગલના 15GB ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ થશે. અત્યારસુધી ફોટોઝ પર હાઇ ક્વોલિટીમાં બેક-અપ માટે ગૂગલ અનલિમિટેડ સ્ટોરેજની સુવિધા મળતી હતી અર્થાત ફોટોઝના સ્ટોરેજ સિવાય 15GBનું સ્ટોરેજ મળતું હતું.

આ પોલિસી લાગુ થતાં કેવી રીતે ગૂગલનો ઉપયોગ બદલાઈ જશે? કેવી રીતે તમે ગૂગલ સ્પેસ મેનેજ કરી શકશો? એક્સ્ટ્રા સ્પેસ માટે તમારે ગૂગલને કેટલા પૈસા આપવા પડશે? આ તમામ સવાલોના જવાબ વિસ્તારથી જાણીએ...

પોલિસીમાં શું ફેરફાર થઈ રહ્યા છે?
ગૂગલ હવે તમને ડેટા સ્ટોરેજ માટે કુલ 15GBનું જ ફ્રી સ્ટોરેજ આપશે. એક અકાઉન્ટથી તમે જીમેલ, ડ્રાઈવ, ફોટોઝ અને ગૂગલની અન્ય સર્વિસનો લાભ મેળવી શકો છે. હાલ ગૂગલ ફોટોઝ પર જે પણ કન્ટેન્ટ અપલોડ થાય છે એને 15GBના ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ કરવામાં આવતું નહોતું. 1 જૂનથી ફોટોઝ પર બેક-અપ કરેલા હાઈ ક્વોલિટી ફોટો અને વીડિયોને પણ ગૂગલ 15GB ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ કરશે. જીમેલ, ડ્રાઈવ, ફોટોઝ અને અન્ય ગૂગલ સર્વિસ મળી એક અકાઉન્ટ પર કુલ 15GB ડેટા જ સ્ટોર કરવાની સુવિધા મળશે.

આ સાથે જ 1 જૂન 2021 પછી જો તમે સતત 2 વર્ષ સુધી ગૂગલનો ઉપયોગ નહિ કરો તો અથવા 2 વર્ષ સુધી ડેટા લિમિટ પૂરી થયા બાદ અપગ્રેડ ન કરવામાં આવે તો ગૂગલ તમારા ડેટાને ડિલિટ કરી શકે છે.

ઉદાહરણ તરીકે જો તમે સતત 2 વર્ષ સુધી ગૂગલ ફોટોઝનો ઉપયોગ નહિ કર્યો, પરંતુ ડ્રાઈવ અને જીમેલનો ઉપયોગ કર્યો છે તોપણ તમારા ફોટોઝનો ડેટા ડિલિટ થઈ જશે અર્થાત ગૂગલની જે પ્રોડક્ટ પર તમે એક્ટિવ રહેશો એનો ડેટા સુરક્ષિત રહેશે.

ગૂગલ ફોટોઝથી સ્ટોરેજ ખાલી કરવા માટે શું કરવું જોઈએ?

  • તમારા અકાઉન્ટ પર બિનજરૂરી ફોટો, વીડિયો તમે સિલેક્ટ કરી ડિલિટ કરી શકો છે. https://one.google.com/storage/management આ મેનેજમેન્ટ ટૂલની તમે મદદ લઈ શકો છો.
  • અહીં તમે જીમેલ, ફોટો અને ડ્રાઈવની મોટી ફાઈલ્સ ડિલિટ કરી શકો છો.
  • સ્ટોરેજ મેનેજર બેક-અપ ફ્રિક્વન્સી અને ફાઈલ સાઈઝ પ્રમાણે તમારા સ્ટોરેજની લિમિટ જણાવશે.
  • તમે ફોટોઝ માટે ફોનના કયા ફોલ્ડરનું બેકઅપ સિલેક્ટ કરવા માગો છો એ પણ મેનેજ કરી શકો છો.
  • ફોટો, વીડિયોની અપલોડ ક્વોલિટી પણ તમે ઘટાડી શકો છે, જેથી ઓછું સ્ટોરેજ કન્ઝ્યુમ થાય.

કંપનીનું કહેવું છે કે એવરેજ ગૂગલ યુઝરની સ્ટોરેજ લિમિટ પૂરી થવા પર આશરે 3 વર્ષનો સમય લાગશે.

સ્ટોરેજ કેપિસિટી કેવી રીતે વધારી શકાશે?
બિનજરૂરી ફાઈલ્સ, ફોટો ડિલિટ કર્યા બાદ પણ જો તમારે વધારે સ્ટોરેજની જરૂર હોય તો તમે ગૂગલ પાસેથી સ્ટોરેજની ખરીદી કરી શકો છો. ગૂગલે એના માટે ગૂગલ વન નામની અલગ એપ લોન્ચ કરી છે. તમે જરૂરિયાત પ્રમાણે મંથલી અને એન્યુઅલ પ્લાન ખરીદી શકો છો.

હાલ ગૂગલ ફોટોઝ પર જે કન્ટેન્ટ છે એનું શું થશે?
ગૂગલે સ્પષ્ટ કર્યું કે 1 જૂન પહેલાંના ડેટાને ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ નહિ કરવામાં આવે અર્થાત 1 જૂન પહેલાં ગૂગલ ફોટોઝ પર જે બેક-અપ રાખ્યું છે તેને 15GB ફ્રી સ્ટોરેજમાં કાઉન્ટ નહિ કરવામાં આવે. તમે આ ફાઈલ્સને ડાઉનલોડ કરી શકો છે. જોકે સ્ટોરેજ ફુલ થયા બાદ તમે આ ફાઈલ્સ એડિટ કરશો તો એડિટેડ ફાઈલ ડાઉનલોડ નહિ કરી શકાય.

કયા યુઝર્સ પર આ નવી પોલિસીની અસર નહિ થાય

  • ગૂગલ પિક્સલ ફોનનો ઉપયોગ કરતા યુઝર્સ
  • પહેલાંથી જ ગૂગલ વન અપગ્રેડ કરેલા યુઝર્સ
  • ગૂગલની બિઝનેસ સર્વિસીઝ ઉપયોગ કરતા યુઝર્સ

હાલ ગૂગલના ફ્રી સ્ટોરેજમાં શું કાઉન્ટ થાય છે?
એમાં ગૂગલ ડ્રાઈવ, જીમેલ અને ગૂગલ ફોટોઝમાં સ્ટોર થતી ફાઈલ્સ સામેલ છે.

ગૂગલ ડ્રાઈવ

  • ડ્રાઈવના “My Drive” સેક્શનમાં ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ્સ.
  • ડ્રાઈવના “Trash” સેક્શનની અંદર ડિલિટ કરેલી ફાઈલ્સ.

જીમેલ

  • મેલ અને મેલના અટેચમેન્ટ.
  • Spam અને Trash ફોલ્ડરની અંદરના મેલ અને ફાઇલ્સ.

ગૂગલ ફોટોઝ

  • ઓરિજિલ ક્વોલિટીમાં બેક-અપ કરેલા ફોટો અને વીડિયો.

ગૂગલ સ્ટોરેજમાં શું કાઉન્ટ નહિ થાય

  • ગૂગલ ડ્રાઈવ પર તમારી સાથે શેર કરવામાં આવેલી અન્ય યુઝર્સની ફાઈલ્સ.
  • ગૂગલ સાઈટ્સનો ડેટા.
  • ગૂગલ ડોક્સ, શીટ્સ, સ્લાઈડ્સ, ફોર્મ્સ, જેમબોર્ડ અને ડ્રોઈંગ ડેટા.

ગૂગલ ડ્રાઈવ અને ગૂગલ ફોટોઝમાં શું તફાવત છે?
ગૂગલની આ બંને સર્વિસ બેકઅપ માટે ઉપયોગ કરવામાં આવે છે. ફોટોઝને ફોટો અને વીડિયો માટે ખાસ ડેવલપ કરાઈ છે. તો ગૂગલ ડ્રાઈવમાં તમે તમામ પ્રકારની ફાઈલ્સનું બેક-અપ લઈ શકો છો. ડ્રાઈવમાં pdf,word ફાઈલ્સ સાથે વીડિયો અને ફોટોઝ પણ અપલોડ કરી શકાય છે, પરંતુ ફોટોઝની જેમ ડ્રાઈવના કન્ટેન્ટને એડિટ કે મેનેજ નથી કરી શકાતા.

ગૂગલ ફોટોઝ કેવી રીતે કામ કરે છે?
તમારા ફોનમાં જે પણ ફોટો, વીડિયો હોય છે એની ડિજિટલ કોપી બનાવી ક્લાઉડમાં સ્ટોર કરે છે. આ ફાઈલ્સને તમે ગૂગલ અકાઉન્ટનાં માધ્યમથી કોઈપણ જગ્યાએથી એક્સેસ કરી શકો છો, સાથે જ ડાઉનલોડ, એડિટ, મેનેજ અને શેર પણ કરી શકાય છે.

તમારો ડેટા ક્યાં સેવ થાય છે?
ગૂગલે ડેટા સ્ટોરેજ માટે દુનિયાભરમાં ડેટા સેન્ટર બનાવી રાખ્યા છે. તે એક પ્રકારે ઈન્ટરનેટનું મગજ છે. આ ડેટા સેન્ટરમાં યુઝરનો ડેટા સ્ટોર રહે છે.

ગૂગલ બધું જ ફ્રીમાં આપે છે તો તે કમાણી ક્યાંથી કરે છે?
ગૂગલની બધી સર્વિસ એક લિમિટ સુધી ફ્રી હોય છે. ત્યાર બાદ ગૂગલ તેની સર્વિસના ઉપયોગ માટે પૈસા લે છે. ગૂગલ ફોટોઝમાં હાલ જે સ્ટોરેજ પોલિસી ચેન્જ કરવામાં આવી એ ગૂગલના પેઈડ સબ્સ્ક્રિપ્શન મોડેલનો ભાગ છે. 15GBના ફ્રી સ્ટોરેજના ઉપયોગ પછી ગૂગલ તમારી પાસેથી પૈસા માગશે. આ જ રીતે ગૂગલની બીજી સર્વિસ પણ કામ કરે છે.

ગૂગલની ઈન્કમનો સૌથી મોટો સોર્સ એડવર્ટાઈઝમેન્ટ છે. ગૂગલ પોતાની અને અન્ય વેબસાઈટ તથા એપ પર એડ આપવા માટે પૈસા લે છે. એના માટે ગૂગલનો એડસેન્સ પ્રોગ્રામ છે. આ સિવાય ગૂગલ બિઝનેસને ઘણા પ્રકારની સર્વિસ આપે છે. તેમાં સ્ટોરેજ, બુક્સ, ગૂગલ એપ્સ, વેબ હોસ્ટિંગ અને ક્લાઉડ પ્લેટફોર્મ સહિતની સર્વિસ સામેલ છે.