• Gujarati News
 • Dvb original
 • Explainer
 • What Is The Word MSP That Creates Mistrust Between The Farmers And The Government? Why Is It And Since When? This Is The Perfect Answer ...

ભાસ્કર એક્સ્પ્લેનર:કિસાનો અને સરકાર વચ્ચે અવિશ્વાસ ઊભો કરતો શબ્દ MSP શું છે? શા માટે છે અને ક્યારથી છે? આ છે સંપૂર્ણ જવાબ...

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • MSPની વ્યવસ્થા મુઘલ અને રાજપૂત શાસનમાં પણ હતી, આઝાદી પછી એ પરંપરાગત રીતે સ્વીકૃત છે, પણ એને કોઈ કાનૂની બાંયધરી નથી
 • શાંતાકુમાર પંચના અહેવાલ અનુસાર, દેશના 6% ખેડૂતો જ MSP મુજબ ખેતઊપજ વેચે છે, એટલે શાંતાકુમાર પંચે આ વ્યવસ્થા નાબૂદ કરવાની ભલામણ કરી છે

કૃષિ સુધારા તરીકે ઓળખાયેલા ત્રણ કાયદા સામે કિસાનોનું દેશવ્યાપી આંદોલન ઠરવાનું નામ નથી લેતું. સરકાર દ્વારા થયેલી સમજાવટના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. મંગળવારે ભારત બંધનું એલાન આપનારા ખેડૂતોના મનમાં સૌથી મોટી શંકા MSP યાને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ સંબંધિત છે. તેમને એવો ડર છે કે નવા કાયદાથી MSP બંધ થઈ જશે. કૃષિ રાજ્યમંત્રી નરેન્દ્રસિંહ તોમરે MSP બંધ નહિ થાય એવી ખાતરી આપી હોવા છતાં કિસાનો MSPની જોગવાઈને કાનૂની સ્વીકૃતિ આપીને નવા કાયદા રદ કરવાની માગણી પર અડગ છે. MSP શું છે, એ કોણ નક્કી કરે, શેના આધારે નક્કી કરે, ક્યા ખેતઉત્પાદનનો કેટલો MSP છે એ વિશે ખેડૂતોને કંઈ ખબર હોય છે ખરી?

શું છે MSP? શા માટે હોય છે?

 • ભારતની અડધાથી પણ વધુ વસતિ ખેતી આધારિત રોજગારી મેળવતી હોવાથી ભારતીય અર્થતંત્ર બહુધા ખેતીપ્રધાન મનાય છે, આથી ખેડૂતોને ખેતઊપજના પોષણક્ષમ ભાવ મળે એ સરકારની પ્રાથમિકતા બની રહે છે.
 • ખેડૂતોને નુકસાન ન જાય એ માટે સરકાર દ્વારા રચાયેલ પંચ વર્ષમાં બે વખત (રવી પાક અને ખરીફ પાકની સીઝન વખતે) મિનિમમ સપોર્ટ પ્રાઈઝ જાહેર કરે છે અને ખુલ્લા બજારમાં કોઈ આ ભાવે ખેતઊપજ ખરીદતું ન હોય તો સરકાર પોતે જ ખરીદી કરીને ખેડૂતોને નુકસાન જતું રોકે છે.
 • આમ કરવાનો હેતુ બજારને સંગઠિત થઈને ઓછા ભાવ આપીને ખેડૂતોનું શોષણ કરતું રોકવાનો હોય છે અથવા કોઈ ખેત ઉત્પાદનનું બમ્પર ઉત્પાદન થાય અને ભાવ ગગડી જાય ત્યારે ખેડૂતને નુકસાન થતું રોકવાની નેમ હોય છે.
શેરશાહ સૂરીના સમયથી ખેડૂતોને નુકસાન ન જાય એની કાળજી લેવાતી હતી, જે રાજપૂત શાસનમાં પણ પ્રચલિત હતી.
શેરશાહ સૂરીના સમયથી ખેડૂતોને નુકસાન ન જાય એની કાળજી લેવાતી હતી, જે રાજપૂત શાસનમાં પણ પ્રચલિત હતી.

મુઘલ અને રાજપૂત શાસનમાં પણ હતી MSP

 • ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેતી પાયમાલ ન થાય એવી લાગણી ભારતમાં પરંપરાગત રીતે શાસકોની રહી છે.
 • શેરશાહ સૂરીના શાસનમાં ખેડૂતોની ખેતઊપજનો કેટલોક હિસ્સો રાજ્ય દ્વારા ખરીદવાની પ્રથા હતી. મુઘલ શહેનાશાહોએ પણ એ પ્રથા ચાલુ રાખી હતી.
 • જોધપુર, જયપુર અને બિકાનેરનાં રજવાડાંઓ મબલખ પાક થાય ત્યારે અનાજ-કઠોળ ખરીદીને એનો સંગ્રહ કરી રાખતાં હતાં, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને દુષ્કાળના વખતમાં એ જ અનાજનું વિતરણ કરતાં હતાં. એ પણ એક પ્રકારે આજની MSP જ હતી.
 • આઝાદી પછી દરેક સરકારોએ MSPની વ્યવસ્થા જરૂરી સુધારા સાથે વધુ સંગીન બનાવી છે. વર્તમાન NDA સરકાર પણ આ વ્યવસ્થા ચાલુ જ રહેશે એવું સતત કહી રહી છે.

કોણ નક્કી કરે છે MSP?

 • ખેતઊપજના ભાવ નક્કી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈઝીસ (CACP)ની રચના કરવામાં આવી છે.
 • CACPમાં ચેરમેન, સેક્રેટરી, સરકાર નિયુક્ત કૃષિઅર્થશાસ્ત્રી અને ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા બે ખેડૂતો સામેલ હોય છે. રસપ્રદ વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી CACPમાં ખેડૂતોના ભાગની બંને જગ્યાઓ ખાલી છે. મતલબ કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ ખેડૂતોની ગેરહાજરીમાં અધિકારીઓ જ નક્કી કરી રહ્યા છે.

કેવી રીતે નક્કી થાય છે MSP?

 • પંચે નક્કી કરેલા ધોરણ મુજબ કુલ 23 પ્રકારનાં ખેત ઉત્પાદનો પર MSP નક્કી થાય છે, જેમાં 7 અનાજ, 5 કઠોળ, 7 તેલીબિયાં અને 4 રોકડિયા પાક સામેલ છે.
 • આ દરેક પાકના દેશભરમાં થયેલા વાવેતર, ઊપજ, માગ અને પુરવઠો એ દરેક પરિબળોને ધ્યાનમાં રાખીને પંચ દ્વારા વર્ષમાં બે વખત MSPની જાહેરાત થાય છે.
 • પંચ દ્વારા જાહેર થયેલી MSP મુજબ ખેડૂતોને ભાવ મળે એ માટે રાજ્ય સરકારો દ્વારા કિસાન મંડળી અને માર્કેટ યાર્ડની વ્યવસ્થાઓ અસ્તિત્વમાં છે.
શાંતાકુમાર પંચે આપેલા અહેવાલમાં MSP નાબૂદ કરવાની ભલામણ થઈ હોવાનો કિસાનોને ભય છે.
શાંતાકુમાર પંચે આપેલા અહેવાલમાં MSP નાબૂદ કરવાની ભલામણ થઈ હોવાનો કિસાનોને ભય છે.

તો ફિર પ્રોબ્લેમ કહાં હૈ ભાઈ?

 • MSPની વ્યવસ્થા કે એ નક્કી કરતા પંચને કોઈ કાયદાનો કે બંધારણનો આધાર નથી. મતલબ કે એ 'આગે સે ચલી આતી હૈ' પ્રકારની પરંપરાગત, પરંતુ મરજિયાત વ્યવસ્થા છે.
 • મરજિયાત છે એનો બીજો અર્થ એ થાય કે કોઈક સરકાર એ વ્યવસ્થા બંધ પણ કરી શકે.
 • વર્તમાન સરકાર જ એ વ્યવસ્થા બંધ કરશે એવો ખેડૂતોને ડર છે, એનું કારણ છે શાંતાકુમાર પંચ. 2014માં કેન્દ્ર સરકારે કૃષિ સુધારા લાગુ કરતા પૂર્વે શાંતાકુમારની અધ્યક્ષતામાં પંચની રચના કરી હતી.
 • આ પંચે આપેલાં વિવિધ તારણોમાં એક તારણ એવું પણ હતું કે 9 કરોડ કિસાન પરિવારો પૈકી ફક્ત 6%એ પોતાની ખેતઊપજ MSP પર વેચી હતી અર્થાત્ 94% એ ખુલ્લા બજારમાં કે આડતિયાઓ મારફત વેચાણ કર્યું હતું.
 • શાંતાકુમાર પંચનાં તારણોના આધાર પર સરકારે 3 કૃષિ વિધેયક પસાર કર્યાં હતાં. શાંતાકુમાર પંચે MSP નાબૂદ કરવાનું પણ સૂચન કર્યું હતું, જેનો સરકારે અમલ કર્યો નથી, પરંતુ ત્રણ વિવાદાસ્પદ કાયદાની જોગવાઈઓ જોતાં આગામી સમયમાં સરકાર MSP પણ રદ કરે એવો કિસાનોને ભય છે.