લોહી કાઢીને બ્લડ પેઇન્ટિંગ્સ ગિફ્ટ કરે છે લોકો:તામિલનાડુ સરકારે પ્રતિબંધ લાદ્યો; જાણો કેમ એનો ક્રેઝ વધી રહ્યો છે?

23 દિવસ પહેલા

તામિલનાડુ સરકારે લોહીથી બનેલાં પેઇન્ટિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે. એનું કારણ રાજ્યમાં 'બ્લડ આર્ટ'ના ચલણમાં થયેલા વધારાને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે સેફ્ટી કન્સર્નના કારણે આ નિર્ણય લીધો છે.

ચેન્નઈનાં 20 વર્ષના ગણેશનની ગર્લફ્રેન્ડનો ગયા વર્ષે ડિસેમ્બર 10ના રોજ બર્થડે હતો. ગણેશન પોતાની ગર્લફ્રેન્ડને કોઈ યુનિક ગિફ્ટ આપવા માગતો હતો, જેનાથી તેનો પ્રેમ અલગ દેખાય. આ દરમિયાન તેના એક મિત્રએ તેને 'બ્લડ આર્ટ' વિશે કહ્યું. એક એવું પેઇન્ટિંગ, જેનાથી તમે તમારા લોહીથી તમારી ખાસ વ્યક્તિની તસવીર બનાવી શકો.

ગણેશનને આ આઈડિયા યુનિક લાગ્યો. તે ચેન્નઈના એક એવા સ્ટુડિયોમાં ગયો. જ્યાં ગણેશને A4 સાઈઝની પેઇન્ટિંગ બનાવવા માટે 5 મિલી લટર લોહી આપ્યું. તામિલનાડુમાં ગણેશનની જેવા જ ઘણા કેસ સામે આવ્યા છે, જેમાં લોકો પોતાના લોહીથી પેઇન્ટિંગ બનાવી રહ્યા છે.

તામિલનાડુ સરકારે 'બલ્ડ આર્ટ' પર કેમ પ્રતિબંધ લગાવ્યો?
28 ડિસેમ્બર 2022ના રોજ તામિલનાડુના હેલ્થ મિનિસ્ટર એમએ સુબ્રહ્મણ્યમ અચાનક લોહીથી પેઇન્ટિંગ બનાવી આપતા એક સ્ટુડિયોમાં જાય છે. ત્યાં પેઇન્ટિંગ માટે રાખવામાં આવેલી ઘણી બ્લડની બોટલ્સ અને નીડલ્સ જોઈને આશ્ચર્ય થયું. એ સમયથી જ લોહીથી પેઇન્ટિંગ બનાવી આપનાર સ્ટુડિયો પર તેમણે પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યું.

મંત્રી સુબ્રહ્મણ્યમે કહ્યું હતું કે જે પણ વ્યક્તિ કે સંસ્થા લોહીથી પેઇન્ટિંગ કરતી જોવા મળશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બ્લડ આર્ટ સજાપાત્ર છે. રક્તદાન એ પવિત્ર કાર્ય છે, પરંતુ આવા હેતુઓ માટે લોહી નીકાળવું સ્વીકાર્ય નથી. પ્રેમ અને સ્નેહ દર્શાવવાની બીજી ઘણી રીતો છે. આમાં બ્લડ આર્ટનો સમાવેશ ન કરવો જોઈએ.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સ્ટુડિયોમાં લોહી લેવાની પ્રક્રિયા નિર્ધારિત પ્રોટોકોલ મુજબ કરવામાં આવી ન હતી. અહીં એક જ સોયનો ઉપયોગ ઘણા લોકોનું લોહી ખેંચવા માટે થાય છે, જેને કારણે સામાન્ય લોકોમાં સંક્રમણ ફેલાવાનો ભય રહે છે.

'સામાન્ય લોકોને લોહી કાઢવાની પરવાનગી નથી'
હેલ્થ એક્સપર્ટ એમ વેંકટચલમના મતે તામિલનાડુમાં આ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. માત્ર લેબ ટેક્નિશિયન, ફ્લેબોટોમિસ્ટ, નર્સ અથવા ડોક્ટર્સને માણસના શરીરમાંથી લોહી કાઢવાની મંજૂરી છે.

તેમણે કહ્યું હતું કે એ સમજની બહાર છે કે લોકો જોખમ ઉઠાવી રહ્યા છે અને આવા સ્ટુડિયોમાં તેમનું લોહી કાઢી રહ્યા છે, જેને કારણે અનેક બીમારીઓ ફેલાવાની આશંકા છે. જેમ કે-

  • હિપેટાઇટિસ બી
  • હિપેટાઇટિસ સી
  • H.I.V.

દિલ્હીમાં એક સંસ્થા લોહીથી દેશભક્તોનાં ચિત્રો બનાવે છે
દિલ્હી સ્થિત એક સંસ્થા 'શહીદ સ્મૃતિ ચેતના સમિતિ' તેના સભ્યો દ્વારા દાન કરવામાં આવેલા રક્તનો ઉપયોગ દેશભક્તોનાં ચિત્રો બનાવવા માટે કરી રહી છે. આ સંસ્થા રવિ ચંદ્ર ગુપ્તા નામના નિવૃત્ત શાળાના આચાર્ય દ્વારા શરૂ કરવામાં આવી હતી.

આ સંસ્થાએ અત્યારસુધીમાં 250થી વધુ બ્લડ પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે. અહીં બનાવેલા બ્લડ પેઈન્ટિંગ્સને દેશભરના મ્યુઝિયમમાં લઈ જવામાં આવે છે. આ સંસ્થાના વડા પ્રેમ શુક્લાનું કહેવું છે કે તેઓ સંસ્થાના સભ્યો પાસેથી લોહી એકત્ર કરવા માટે તમામ નિયમો અને ધોરણોનું પાલન કરે છે. તેમનું કહેવું છે કે લોકોમાં દેશભક્તિ જગાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. પ્રેમ શુક્લાએ કહ્યું કે જો ચિત્ર લોહીથી બનેલું હોય તો લોકો તેમાં વધુ રસ લે છે. આ એટલા માટે છે, કારણ કે લોહી લાગણીઓ બનાવે છે.

'લોહી લોકોનું ધ્યાન ખેંચવાનું અને વફાદારીનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ'
એક ઈન્ટરવ્યૂમાં સમાજશાસ્ત્રી સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે લોહી લોકોનું ધ્યાન આકર્ષવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. લોહીને ભારતમાં વફાદારીનું શ્રેષ્ઠ ધોરણ પણ માનવામાં આવે છે. આટલું જ નહીં, મહિલાઓએ માસિક વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેમના લોહીનો ઉપયોગ કર્યો છે.

આ એક ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. વાસ્તવમાં 2004માં ચેન્નઈના કરાટે ટીચર શિહાન હુસૈનીએ જયલલિતાના લોહીથી અનેક ચિત્રો બનાવ્યા હતા. જયલલિતા આ પેઇન્ટિંગથી એટલાં ખુશ થયાં કે તેમણે હુસૈનીને પોતાના ઘરે બોલાવ્યા અને જમીનનો પ્લોટ ખરીદવા માટે 80 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું.

'હેમેટોલોજીઃ બેઝિક પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસ' પુસ્તકના લેખક જોન અનાસ્તાસી MDના જણાવ્યા અનુસાર, 'બ્લડ આર્ટ'નો ઉપયોગ એક રીતે પ્રચાર માધ્યમ તરીકે કરવામાં આવ્યો છે. તે સત્તાની ટોચ પર બેઠેલી શક્તિશાળી વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતાને પણ બદલી શકે છે.

34 વર્ષ પહેલાં બંગાળ સરકારે જનતા પાસે કરી હતી લોહી વેચવાની અપીલ
34 વર્ષ પહેલાં એટલે કે 1988ની વાત છે. પશ્ચિમ બંગાળમાં એ સમયે માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર હતી. રાજ્યમાં પાવર પ્લાન્ટ લગાવવા કેન્દ્ર સરકારે રાજ્યને પૈસા આપવા મનાઈ કરી હતી. આ પછી બંગાળની કોમ્યુનિસ્ટ સરકારે પોતાના સમર્થકો પાસે પાવર પ્લાન્ટ બનાવવા લોહી વેચી પૈસા ભેગા કરવા અપીલ કરી હતી.

જોતજોતાંમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરોએ વેચવા માટે લોહી એકઠું કર્યું. જોકે લોહીને સુરક્ષિત રાખવા એ સમયે રાજ્યમાં મશીનરી ન હતી. આથી જમા કરવામાં આવેલા લોહીને નષ્ટ કરવામાં આવ્યું હતું. આ પાવર પ્લાન્ટને બંગાળ સરકારે જાપાન પાસેથી લોન લઈ પૂરો કર્યો.

માત્ર પ્રેમ જ નહીં, આંદોલનનું પણ પ્રતીક છે લોહી
1980માં આસામમાં એક આંદોલન શરૂ થયું હતું, જેનો ઉદ્દેશ રાજ્યમાં તેલ ભંડાર પર કેન્દ્ર સરકારના અધિકારનો વિરોધ કરવો. લોકોનું કહેવું હતું કે તેલ બીજા રાજ્યમાં ન જવું જોઈએ. આ આંદોલનને મજબૂતી લોહીથી લખેલા એક નારાએ આપી હતી. વાસ્તવમાં 22 વર્ષીય એક યુવાને ગુવાહાટીના રસ્તા પર પોતાના લોહીથી લખ્યું હતું-અમે લોહી આપીશું, તેલ નહીં. ત્યાર પછી આંદોલનમાં સામેલ લોકાના મોઢે આ નારો ચઢી ગયો.

આ એક માત્ર ઉદાહરણ નથી, જ્યારે લોહી આંદોલનનું પ્રતીક બન્યું હોય. આ પહેલાં 1841માં અંગ્રેજો વિરુદ્ધ લડાઈમાં લાલા હુકુમચંદે લોહીથી પત્ર લખી દિલ્હીના મુગલ સમ્રાટ પાસે મદદ માગી. લાલા હુકુમચંદ હરિયાણાના હાંસીના રહેવાસી હતી. જોકે થોડા જ સમયમાં અંગ્રેજોએ દિલ્હી પર કબજો મેળવી લીધો હતો. 15 નવેમ્બર 1857નો આ પત્ર અંગ્રજોના હાથમાં આવ્યો હતો. ત્યાર પછી હુકુમ ચંદને ફાંસી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...