ભાસ્કર એક્સપ્લેનર:સ્કૂલનાં છોકરા-છોકરીઓ પહેરશે એક સરખો ડ્રેસ; શું છે કેરળનો જેન્ડર ન્યૂટ્રલ યુનિફોર્મ, કેવો હશે છોકરીનો ડ્રેસ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

‘આ શું છોકરા જેવાં કપડાં પહેરી લીધાં?” જો તમે એક છોકરી છો તો જીન્સ-શર્ટ પહેરવા પર આ શબ્દો તમે ક્યારેકને ક્યારેક સાંભળ્યા હશે. ઘણીવાર ‘છોકરીઓ જેવાં’ કપડાં પહેરવા પર છોકરાઓને પણ આ પ્રકારના શબ્દો સાંભળવા મળે છે.

પરંતુ કેરળની એક સ્કૂલનાં છોકરા અને છોકરીઓ માટે આ શબ્દોનો ઉપયોગ કોઈ નહીં કરી શકે, કેમ કે આ સ્કૂલે છોકરા અને છોકરીઓ બંને માટે એક જેવો ડ્રેસ લાગુ કરી દીધો છે. સ્કૂલના આ નિર્ણયને દેશભરમાં આવકારવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે આ પહેલથી બાળકોમાં સ્કૂલ દરમિયાન જ જેન્ડર ઈક્વાલિટી, એટલે કે તમામ જેન્ડરને બરાબર સમજવાનો વિચાર વિકસિત હશે.

સમજીએ સમગ્ર મામલો શું છે? સ્કૂલે આ પગલું કેમ ઉઠાવ્યું છે? આખરે જેન્ડર ન્યૂટ્રલ યુનિફોર્મ શું હોય છે? અને દુનિયાભરની સ્કૂલોમાં જેન્ડર ઈક્વાલિટી વધારવા માટે અન્ય કઈ કઈ પહેલ થઈ રહી છે?...

સૌપ્રથમ જાણો મામલો શું છે?
કેરળના અર્નાકુલમ જિલ્લાની વલયાંચિરંગરામાં એક સરકારી સ્કૂલ છે. આ સ્કૂલે પોતાના સ્ટુડન્ટ્સ માટે જેન્ડર ન્યૂટ્રલ યુનિફોર્મ ઈન્ટ્રોડ્યુસ કર્યો છે. જેન્ડર ન્યૂટ્રલ યુનિફોર્મ એટલે કે એવા યુનિફોર્મ, જેને છોકરા-છોકરીઓ બંને પહેરી શકે. સ્કૂલે પોતાના તમામ સ્ટુડન્ટ્સ માટે શર્ટ અને 3/4 શોર્ટ્સ યુનિફોર્મ નિર્ધારિત કર્યા છે, એટલે કે છોકરા હોય કે છોકરી, બંને હવે શર્ટ અને શોર્ટ્સ પહેરીને સ્કૂલે આવશે.

આ પગલાની પાછળની સમગ્ર કહાની પણ જાણી લો
કેરળની આ સ્કૂલે 2018માં પ્રી-પ્રાઈમરીના લગભગ 200 સ્ટુડન્ટ્સ માટે જેન્ડર ન્યૂટ્રલ ડ્રેસકોડ લાગુ કર્યો હતો. આગામી વર્ષે આ ડ્રેસકોડને સ્કૂલના તમામ સ્ટુડન્ટ્સ માટે લાગુ કરવાની યોજના હતી, પરંતુ કોરોનાને કારણે સ્કૂલ બંધ થઈ અને એ કામ ન થઈ શક્યું. લોકડાઉન પછી જેવી સ્કૂલો ફરી ખૂલી તો આ ડ્રેસકોડ તમામ સ્ટુડન્ટ્સ માટે લાગુ કરી દેવાયો.

હાલ સ્કૂલમાં કુલ 746 સ્ટુડન્ટ્સ છે. આ નિર્ણય લેતાં પહેલાં સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સની સહમતી લેવામાં આવી. સ્કૂલ મેનેજમેન્ટ કહે છે કે આ નિર્ણયથી સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ બંને ખુશ છે.

હાલમાં જ કેરળની એક કોલેજે એક મહિલા પ્રોફેસરને સાડી પહેરીને કોલેજ આવવા કહ્યું હતું. પ્રોફેસરે એવું કરવાનો ઈનકાર કરી દીધો હતો. વિવાદ વધ્યા પછી કેરળના ઉચ્ચ શિક્ષણ વિભાગે સર્ક્યુલર જારી કરીને કહ્યું હતું કે મહિલાઓને વર્કપ્લેસ પર પોતાની પસંદગીનાં વસ્ત્રો પહેરવાની આઝાદી છે.

હવે સમજીએ, સ્કૂલે આ નિર્ણય કેમ લીધો છે?

વાસ્તવમાં આ જેન્ડર ઈક્વાલિટી અંતર્ગત કરાતા પ્રયાસોનો એક નાનો હિસ્સો છે. જેન્ડર ઈક્વાલિટી એટલે કે લૈંગિક સમાનતા. આ પહેલ અંતર્ગત મહિલા-પુરુષો વચ્ચે લિંગના આધારે થઈ રહેલા ભેદભાવને સમાપ્ત કરવા માટે છે.

અત્યારે સ્કૂલોમાં છોકરા અને છોકરીઓ અલગ-અલગ ડ્રેસ પહેરે છે. અલગ-અલગ ડ્રેસ પહેરવા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, પરંતુ શારીરિક બનાવટ છે.

છોકરીઓના અલગ ડ્રેસ કોડથી તેમને ચાલવામાં, કામ કરવામાં પરેશાની થાય છે. આ સાથે જ એ લૈંગિક અસમાનતાનું પ્રતીક છે. આ કારણથી લાંબા સમયથી જેન્ડર ન્યૂટ્રલ ડ્રેસ કોડની માગ કરવામાં આવી રહી છે. આ પહેલને આગળ વધારતાં સ્કૂલે આ નિર્ણય લીધો છે. નિર્ણયની પ્રશંસા કરતાં કેરળના શિક્ષણમંત્રી વી. સિવાકુટ્ટીએ કહ્યું છે કે જેન્ડર ઈક્વાલિટીના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે આ પ્રકારના પ્રયાસોની વધુ જરૂર છે.

જેન્ડર ઈક્વાલિટી પ્રમોટ કરવા માટે સ્કૂલ્સમાં અન્ય કઈ કઈ પહેલ થઈ રહી છે?

વિશેષજ્ઞોના મતે જેન્ડર ઈક્વાલિટીની સૂઝબૂઝ બાળકોમાં સ્કૂલથી જ હોવી જોઈએ, આથી દુનિયાભરની અલગ-અલગ સ્કૂલોમાં જેન્ડર ઈક્વાલિટીને પ્રમોટ કરવા માટે અલગ-અલગ ઈનિશિયેટિવ લેવામાં આવી રહ્યા છે.

જેન્ડર ન્યૂટ્રલ ટોઈલેટ્સ
દુનિયાભરની સ્કૂલ્સમાં જેન્ડર ન્યૂટ્રલ ટોઈલેટ્સ પણ ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવી રહ્યાં છે. જેન્ડર ન્યૂટ્રલ ટોઈલેટ્સ એટલે એવાં ટોઈલેટ્સ જેનો ઉપયોગ ત્રણેય જેન્ડરનાં બાળકો કરી શકે છે. સ્કૂલ્સ ઉપરાંત પબ્લિક પ્લેસીસ પર પણ આ પ્રકારનાં ટોઈલેટ્સ ઈન્સ્ટોલ કરવામાં આવી રહ્યાં છે.

જેન્ડર સેન્સિટિવિ સિલેબસ

અનેક દેશો પોતાની સ્કૂલ અને કોલેજ સિલેબસને મોડિફાઈ કરીને એને જેન્ડર સેન્સિટિવ બનાવવા પર કામ કરી રહ્યા છે. એમાં સિલેબસમાં ફેરફારથી લઈને ટીચર્સની ટ્રેનિંગ સુધીના પ્રોગ્રામ સામેલ છે. કેરળના શિક્ષણમંત્રીએ પણ કહ્યું છે કે જેન્ડર ઈક્વાલિટી વિશે જાગ્રત કરવા માટે સિલેબસમાં પણ ફેરફાર કરવામાં આવશે.

પિરિયડ બોક્સ
ભલે આ ઈનિશિયેટિવને ભારતની કેટલીક સ્કૂલોએ જ ફોલો કર્યો હતો, પરંતુ એને સફળ ઈનિશિયેટિવ માનવામાં આવે છે, જેના અંતર્ગત સ્કૂલોમાં પિરિયડ બોક્સ લગાવવામાં આવ્યાં. આ બોક્સમાં પિરિયડના સમયે ઉપયોગમાં લેવાનારા સેનિટરી પેડ અને નેપ્કિન રાખવામાં આવતાં હતાં. આ સાથે જ પિરિયડ અને તેની સાથે જોડાયેલા સવાલો પર સ્કૂલ્સમાં ક્વેશ્ચન-આન્સર સેશન ઓર્ગેનાઈઝ કરવામાં આવતું હતું.

કન્સેન્ટ ક્લાસીસ
સૌપ્રથમ કેન્યામાં સ્ટુડન્ટ્સ માટે કન્સેન્ટ ક્લાસીસ ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યા. એ પછી અનેક દેશોએ આ પહેલને આગળ વધારી. આ પ્રકારના ક્લાસીસમાં ફિમેલ સ્ટુડન્ટ્સને કન્સેન્ટનો અર્થ બતાવવાની સાથે જ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પણ આપવામાં આવી.