ભાસ્કર એક્સપ્લેનર:નવા પ્રેગનન્સી ટર્મિનેશન કાયદાથી મહિલાઓને મળશે સુરક્ષિત અબોર્શનના વિકલ્પ; જાણો શું કહે છે વિશેષજ્ઞ

8 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક
 • સંસદે ગત સપ્તાહે અબોર્શન કાયદામાં બદલાવને મંજૂરી આપી દીધી છે

સંસદે ગત સપ્તાહે અબોર્શન કાયદામાં બદલાવને મંજૂરી આપી દીધી છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી (એમેન્ડમેન્ટ) બિલ 2020 એટલે કે નવું MTP બિલ મહિલાઓને 20 સપ્તાહના ગર્ભને એક ડોક્ટરની સલાહ પર ખતમ કરવાની અનુમતિ આપે છે. વિશેષ કેટેગરીવાળી મહિલાઓ માટે બે ડોક્ટરોની સલાહ પર પ્રથમ 20 સપ્તાહ સુધી અબોર્શનની અનુમતિ હતી, જેને વધારીને 24 સપ્તાહ કરવામાં આવી છે. જો ગર્ભ 24 સપ્તાહથી વધુનો છે તો પ્રથમ અબોર્શનની અનુમતિ નહોતી પરંતુ નવા કાયદા અંતર્ગત મેડિકલ બોર્ડની અનુમતિથી એમ કરી શકાશે. આ બિલને સંસદની મંજૂરી મળ્યા પછી કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને સોશિયલ મીડિયા પર કહ્યું કે આ બિલ મહિલાઓની ગરિમા અને અધિકારોની રક્ષા કરશે.

આવો જાણીએ કે આ પ્રસ્તાવિત કાયદાથી શું બદલાઈ જશે? તેની આવશ્યકતા કેમ હતી અને એક્સપર્ટ શું કહી રહ્યા છે?

મહિલાઓની પ્રાઈવસીને લઈને કાયદો શું કહે છે?
-સુપ્રીમ કોર્ટના વકીલ આશુતોષ શેખર પારચા કહે છે કે કાયદામાં મહિલાઓની પ્રાઈવસીની વાત કરવામાં આવી છે. સરકારે અપરિણીત મહિલાઓને પણ કાયદાકીય રીતે અબોર્શનની મંજૂરી આપી છે. નહીંતર, અસુરક્ષિત રીતે અબોર્શન થતું હતું અને મહિલાઓનું જીવન જોખમમાં મૂકાઈ જતું હતું. અબોર્શનની અનુમતિના મામલે મહિલાઓનાં આરોગ્યને સૌથી ઉપર માનવામાં આવ્યું છે, જેમાં ડોક્ટરની સલાહ મહત્વપૂર્ણ સાબિત થશે.

 • જ્યારે, મુંબઈમાં જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિભાગમાં કન્સલ્ટન્ટ ડો. સુદેશના રે કહે છે કે કાયદાકીય રીતે અબોર્શન કરાવનારી મહિલાઓની પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવશે. તેનો અર્થ એ છે કે 18 વર્ષથી વધુની વયની મહિલાઓ જો ઈચ્છે તો પોતાના માતા-પિતા કે ગાર્જિયન સાથે જ પાર્ટનરને પણ જણાવ્યા વિના અબોર્શન કરાવી શકે છે. સગીરાના કેસમાં માતા-પિતા કે કાયદાકીય ગાર્જિયનને પ્રક્રિયામાં સામેલ કરવાના રહેશે. બિલમાં ‘વિવાહિત મહિલા કે તેના પતિ’ના સ્થાને ‘મહિલા કે તેના પાર્ટનર’ લખાયું છે.

ગર્ભ જો 20 સપ્તાહથી વધુનો હોય તો શું થશે?

 • ડો. રે કહે છે કે મહિલાઓ હવે એક ડોક્ટરની સલાહથી 20 સપ્તાહના ગર્ભને ટર્મિનેટ કરાવી શકશે. વિશેષ કેટેગરીવાળી મહિલાઓ માટે કાયદાકીય રીતે ગર્ભપાત માટે ગર્ભની વયને 20થી વધારીને 24 સપ્તાહ કરવામાં આવી છે.
 • નવા બિલ અનુસાર જો ગર્ભ 20 સપ્તાહથી વધુનો છે તો અબોર્શન કરી શકાશે. પરંતુ તેની શરતો છે-ગર્ભવતી મહિલાના જીવનને જોખમ હોય કે તેના શારીરિક કે માનસિક આરોગ્યને ઊંડો આઘાત લાગવાનો ડર હોય. આ કેટેગરીમાં આ પરિસ્થિતિઓ મહત્વપૂર્ણ હશે-

1. જો વણજોઈતો ગર્ભ રહ્યો હોય. મહિલા કે તેના પાર્ટનરે ગર્ભાવસ્થાથી બચવા માટે જે ઉપાયો અજમાવ્યા હોય, એ ફેઈલ થયા હોય.
2. જો મહિલા આરોપ લગાવે કે દુષ્કર્મના કારણે ગર્ભ રહ્યો છે. આ પ્રકારની પ્રેગનન્સી એ મહિલા માટે માનસિક રીતે યોગ્ય નહીં હોય.
3. જ્યાં ભ્રૂણમાં વિકૃતિ હોય અથવા તેની જાણ 24 સપ્તાહ પછી થાય તો મેડિકલ બોર્ડની સલાહ પછી ગર્ભપાત કરી શકાશે.
નવા કાયદા અંગે વિવાદ શું છે?

 • પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના અનુસાર ભારતીય પીનલ કોડ 1860માં સ્વૈચ્છાથી ગર્ભપાત કરાવવો અપરાધ છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ 1971 અમુક શરતો પર મેડિકલ ડોક્ટરો પાસે અબોર્શનની અનુમતિ આપે છે. નવા બિલમાં કહેવાયું છે કે અબોર્શન માત્ર ગાયનેકોલોજી કે ઓબ્સ્ટેટ્રિક્સમાં વિશેષજ્ઞતાવાળા ડોક્ટરો જ કરી શકશે. પરંતુ ગ્રામીણ ક્ષેત્રોમાં એવા ડોક્ટરોનો 75% અભાવ છે. એવામાં સુરક્ષિત ગર્ભપાત માટે આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચવામાં ગ્રામીણ મહિલાઓને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
 • ડો. રેના અનુસાર સ્પેશિયલ કેટેગરીની મહિલાઓમાં કોને સામેલ કરવામાં આવશે, એ વિશે કાયદામાં કંઈ જણાવાયું નથી. પરંતુ રેપપીડિતા, દિવ્યાંગ મહિલાઓ અને સગીરાઓને તેમાં જરૂર સામેલ કરાશે. ઘણીવાર આ કેસોમાં તેમને શરીરમાં થતા ફેરફાર સમજાતા નથી અને ડર, શરમ કે દોષિત હોવાના કારણે ગાર્જિયનને જણાવવાથી દૂર રહે છે. જો કે, 20થી 24 સપ્તાહ વચ્ચે અબોર્શન માટે બે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સની સહમતિની આવશ્યકતા હશે.

જો ન જન્મેલા બાળકમાં કોઈ પ્રકારનો દોષ દેખાય તો શું થશે?

 • ભારતમાં મહિલાઓને સુરક્ષિત અબોર્શન ઉપલબ્ધ કરાવવા માટે પ્રયાસરત નેટવર્ક-પ્રતિજ્ઞા કેમ્પેન ફોર જેન્ડર ઈક્વાલિટી એન્ડ સેફ અબોર્શનનો એક રિપોર્ટ કહે છે કે 2016થી 2019 વચ્ચે 194 અરજીઓ હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ. મહિલાઓએ અલગ-અલગ કારણોથી અબોર્શનની અનુમતિ માગી હતી. સુપ્રીમ કોર્ટે પણ ટેકનોલોજીમાં થયેલી પ્રગતિને જોતા અબોર્શનના નિયમોમાં ફેરફાર અંગે ટિપ્પણી કરી હતી.
 • ડો. રે કહે છે કે આ મામલે નવું બિલ સ્પષ્ટ છે. વિકૃતિ હોવા પર અબોર્શન માટે ભ્રૂણની વયમર્યાદા નક્કી કરાઈ નથી. પરંતુ દરેક રાજ્યમાં બનેલું મેડિકલ બોર્ડ જ નક્કી કરશે કે ભ્રૂણમાં વિકૃતિના કારણથી અબોર્શન ઉચિત રહેશે કે નહીં.
 • સામાન્ય રીતે ગર્ભાવસ્થાના અનેક તબક્કામાં ભ્રૂણમાં વિકૃતિની ભાળ મેળવી શકાય છે. મોટાભાગની વિકૃતિઓ 4 મહિનામાં સામે આવી જાય છે. કેટલીક જેનેટિક વિકૃતિઓ સાડા 4 મહિના પછી સામે આવે છે. આ માટે જેનેટિક ટેસ્ટિંગ જેવા ટેસ્ટ વધારવા પડશે. ઘણીવાર જ્યાં સુધી આ પ્રકારના ટેસ્ટના પરિણામ આવે છે, ભ્રૂણની વય 20 સપ્તાહથી વધુની થઈ ચૂકી હોય છે.
 • ડો. રેના અનુસાર કાર્ડિયાક અને ફેશિયલ ડિફેક્ટ્સ ઘણીવાર 20 સપ્તાહ કે તેના પછી થનારા અલ્ટ્રાસાઉન્ડ (યુએસજી)માં જાણવા મળે છે. MTP બિલમાં આ બદલાવ વિકૃતિની જાણ થયા પછી માતા-પિતાને અબોર્શનની અનુમતિ આપે છે. અત્યાર સુધી તો આવા બાળકોને જન્મ આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. ઘણીવાર ફૂલ ટર્મમાં પેદા થતા જ એવા બાળકો જીવ ગુમાવી દે છે.