તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Explainer
  • The First Solar Eclipse Of The Year Will Be On June 10, How Long Will The Eclipse Last And Will It Appear In India Or Not, Find Out Everything

ભાસ્કર એક્સપ્લેનર:વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 10 જૂને, ક્યાંથી ક્યાં સુધી રહેશે ગ્રહણ અને એ ભારતમાં દેખાશે કે નહીં, જાણો બધુ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

10 જૂને વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે. વેબસાઈટ ટાઈમ એન્ડ ડેટના અનુસાર, આ વર્ષે 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ જોવા મળશે. 26 મેના રોજ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હતું. આ દરમિયાન અનેક જગ્યાએ સુપર બ્લડમૂન પણ જોવા મળ્યો. સૂર્યગ્રહણ 10 જૂને થવાનું છે. જાણો સૂર્યગ્રહણ હોય છે શું, શા માટે થાય છે, ભારતમાં દેખાશે કે નહીં અને તેની તમારા પર શું અસર થશે...

સૂર્યગ્રહણ હોય છે શું?
જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય છે તો તેને સૂર્યગ્રહણ કહે છે. આ દરમિયાન સૂર્યમાંથી આવતો પ્રકાશ ચંદ્ર વચ્ચે આવી જવાના કારણે ધરતી સુધી પહોંચી શકતો નથી અને ચંદ્રની છાયા પૃથ્વી પર પડે છે. વાસ્તવમાં સૂર્યની આસપાસ પૃથ્વી ઘૂમતી રહે છે અને પૃથ્વીની આસપાસ ચંદ્ર. આ કારણે ત્રણેય ક્યારેક એકબીજાની સીધી રેખામાં આવી જાય છે. આ જ કારણથી સૂર્ય અને ચંદ્રગ્રહણ થાય છે.

શું ભારતમાં દેખાશે?
ના. ભારતના લોકો આ ગ્રહણને જોઈ શકશે નહીં. ઉત્તરીય અમેરિકા, યુરોપ અને એશિયામાં આ સૂર્યગ્રહણ આંશિક રીતે નજરે પડશે. જ્યારે ઉત્તરીય કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયામાં પૂર્ણ સ્વરૂપે જોવા મળશે. જ્યારે સૂર્યગ્રહણ પીક પર હશે ત્યારે ગ્રીનલેન્ડના લોકોના રિંગ ઓફ ફાયર પણ નજરે પડી શકે છે.

રિંગ ઓફ ફાયર શું હોય છે?
ચંદ્ર પૃથ્વીની આસપાસ એક અંડાકાર કક્ષામાં ચક્કર લગાવે છે. આ કારણથી પૃથ્વીથી ચંદ્રનું અંતર હંમેશા ઘટતું-વધતું રહે છે. જ્યારે ચંદ્ર પૃથ્વીથી સૌથી વધુ દૂર હોય છે, તેને એપોજી કહે છે અને જ્યારે સૌથી નજીક હોય ત્યારે તેને પેરિજી કહે છે.

10 જૂને જ્યારે સૂર્યગ્રહણ થશે ત્યારે ચંદ્ર લગભગ એપોજી પર હશે. એટલે કે પૃથ્વીથી સૌથી વધુ દૂર. આ કારણથી ચંદ્રનો આકાર સામાન્યના મુકાબલે થોડો નાનો દેખાશે. પોતાના આ નાના આકારના કારણે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી નહીં શકે અને ચંદ્રની સપાટીના કિનારાઓથી થોડો પ્રકાશ ધરતી પર આવતો રહેશે. ધરતી પરથી જોવાથી તે લાલ ગોળા જેવો દેખાશે. તેને જ રિંગ ઓફ ફાયર કહે છે.

ક્યાંથી ક્યાં સુધી રહેશે ગ્રહણ?
વેબસાઈટ ટાઈમ એન્ડ ડેટના અનુસાર ભારતીય સમય અનુસાર બપોરે 1.42 વાગ્યાથી લઈને સાંજે 6.41 મિનિટ સુધી સૂર્યગ્રહણનો સમય રહેશે. ભારતમાં સૂર્યગ્રહણની કુલ અવધિ લગભગ 5 કલાકની હશે.

શું સૂતક કાળ લાગશે?
ના. જો ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાયું હોત તો સૂતક કાળ લાગ્યું હોત પણ આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય એથઈ ન તો ત્યાં સૂતક કાળ માન્ય હશે અને ન તો ધાર્મિક આયોજનોમાં કોઈ પ્રકારનો અવરોધ આવે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યગ્રહણ લાગવાના 12 કલાક અગાઉથી સૂતક કાળની ગણના કરવામાં આવે છે. આ દરમિયાન કોઈપણ શુભ કામ કરાતું નથી. આ દરમિયાન ભોજન બનાવવું અને ખાવું પણ સારૂં મનાતું નથી. એટલે સુધી કે સૂતક કાળ દરમિયાન મંદિરોના કપાટ પણ બંધ કરી દેવાય છે.

એક વર્ષમાં કેટલીવાર સૂર્યગ્રહણ થઈ શકે છે?
મોટાભાગે એક વર્ષમાં બે વાર સૂર્યગ્રહણ થાય છે. વધુમાં વધુ આ સંખ્યા 5 સુધી જઈ શકે છે, પરંતુ એવું ખૂબ ઓછું બને છે. નાસાના અનુસાર, છેલ્લા 5000 વર્ષમાં માત્ર 25 વર્ષ એવા રહ્યા છે જ્યારે 5 વખત સૂર્યગ્રહણ થયું. હવે પછી આવું 2206માં બનશે. કોઈપણ સૂર્યગ્રહણ પૃથ્વીના માત્ર કેટલાક વિસ્તારોમાં જ દેખાય છે.

આ વર્ષે બીજા અને અંતિમ સૂર્યગ્રહણની વાત કરીએ તો 4 ડિસેમ્બરે તે દેખાશે. તેની શરૂઆત સવારે 10.59 વાગ્યાથી થશે અને બપોરે 3.07 વાગ્યે ખતમ થશે. આ સૂર્યગ્રહણ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને એન્ટાર્કટિકામાં દેખાશે.

સૂર્યગ્રહણ જોતી વખતે કેવી કેવી સાવધાની રાખવી જરૂરી છે?
જો કે ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાશે નહીં પરંતુ આમ છતાં ક્યારેય પણ સૂર્યગ્રહણ જૂઓ તો આ વાતોનો ખાસ ખ્યાલ રાખો.

  • નરી આંખે સૂર્યગ્રહણ ન જૂઓ. સૂર્યના કિરણો તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે.
  • સૂર્યગ્રહણ જોવા માટે ખાસ રીતે બનેલા ચશ્માનો જ ઉપયોગ કરો. સાધારણ ચશ્માથી સૂર્યગ્રહણ ક્યારેય ન જૂઓ.
  • કેમેરા, દૂરબીન કે ટેલિસ્કોપની મદદથી પણ સૂર્યગ્રહણ જોવાની કોશિશ ન કરો.
  • તમે પિનહોલ પ્રોજેક્ટરની મદદથી સુરક્ષિત રીતે સૂર્યગ્રહણ જોઈ શકો છો. ઈન્ટરનેટ પર પિનહોલ પ્રોજેક્ટર બનાવવાની આસાન રીતો તમને મળી જશે.