ભાસ્કર એક્સપ્લેનર:ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાની શરૂઆત; શું તમને મળશે લાભ? કેવી રીતે કરી શકાશે અરજી અને કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર?

2 વર્ષ પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જવલા યોજનાના બીજા તબક્કા(PMUY 2.0)ની શરૂઆત કરશે. ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લામાં વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા યોજનાની શરૂઆત થશે. આ દરમિયાન ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે વાત પણ કરશે.

વર્ષ 2016માં ઉત્તરપ્રદેશથી જ યોજનાના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ હતી. આ વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારામને ઉજ્જવલા યોજના અંતર્ગત 1 કરોડ વધારાના LPG કનેક્શન માટે પણ ફંડ જારી કર્યું હતું. આ વધારાના કનેક્શન એ ગરીબ પરિવારોને અપાશે, જેઓ ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં સામેલ થઈ શક્યા નહોતા.

આવો સમજીએ, ઉજ્જવલા યોજના શું છે? પ્રથમ અને બીજા તબક્કામાં શું બદલાયું છે? શું તમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે? અરજી કેવી રીતે કરી શકાય છે? અને જરૂરી ડોક્યુમેન્ટ્સ શું છે? પ્રથમ ઉજ્જવલા યોજના વિશે જાણી લો.

‘સ્વચ્છ ઈંધણ, ઉત્તમ જીવન’ના નારા સાથે 1 મે 2016ના રોજ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લામાંથી ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ હતી. એના અંતર્ગત 5 કરોડ ગરીબ પરિવારની મહિલાઓને ગેસ-કનેક્શન વહેંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. યોજનાને લાવવાનો ઉદ્દેશ મહિલાઓને ચૂલાના ધુમાડાથી બચાવીને તેમના આરોગ્યને સારું બનાવવું અને LPGનો ઉપયોગ વધારીને પ્રદૂષણને ઓછું કરવાનું હતું.

એપ્રિલ 2018માં સરકારે યોજનાના લાભાર્થીઓનો વ્યાપ વધારીને વધુ 7 કેટેગરીની મહિલાઓને પણ યોજનામાં સામેલ કરી હતી. એમાં અનુસૂચિત જનજાતિ, અંત્યોદય અન્ન યોજના, અતિ પછાત વર્ગ, ચાના બગીચાના કામદારો, વનવાસી અને દ્વીપોમાં રહેતા લોકો સામેલ છે. એના પછી લાભાર્થીઓની સંખ્યા વધીને 8 કરોડ થઈ ગઈ.

બીજા તબક્કામાં શું બદલાયું છે?
ઉજ્જવલાના પ્રથમ તબક્કામાં સરકાર LPG કનેક્શન માટે 1600 રૂપિયા (ડિપોઝિટ મની)ની આર્થિક સહાય આપશે. આ યોજના અંતર્ગત ગેસ-કનેક્શન મેળવનારા પરિવાર સ્ટવ અને સિલિન્ડર માટે વ્યાજ વિનાની લોન પણ લઈ શકે છે. બીજા તબક્કામાં LPG કનેક્શન ઉપરાંત પ્રથમ સિલિન્ડરનું રિફિલિંગ પણ ફ્રી હશે. આ ઉપરાંત ગેસ ચૂલો પણ મફત આપવામાં આવશે.

બીજા તબક્કામાં અરજી માટે જરૂરી પેપરવર્ક અને ડોક્યુમેન્ટ પણ ઘટાડવામાં આવ્યા છે. કેવાયસી માટે કોઈ નોટરી કે એફિડેવિટની જરૂર નથી. આ સાથે જ બીજા સ્થાને રહેતા લોકો પાસે જો રહેઠાણનો પુરાવો નથી તો તેમને સેલ્ફ ડિક્લેરેશનનો ઓપ્શન પણ મળશે. નોકરી કરતા લોકો અને પ્રવાસી મજૂરોને આ કદમથી મોટી રાહત મળશે.

યોજના અંતર્ગત કોને મળશે ગેસ-કનેક્શન?
18 વર્ષથી વધુ વયની મહિલાઓને.

મહિલા નીચે આપેલી કોઈ એક કેટેગરીમાંથી હોવી જોઈએ

  • એસસી, એસટી, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), અતિપછાત વર્ગ (એમબીસી), અંત્યોદય અન્ન યોજના (એએવાય), ચા અને પૂર્વ ચાના બગીચા જનજાતિ, વન નિવાસી, 14 સૂત્રીય ઘોષણા અનુસાર, SECC પરિવારો કે આઇલેન્ડ કે રિવર આઇલેન્ડમાં રહેતા લોકો. ઘરમાં કોઈપણ કંપનીનું બીજું કોઈ ગેસ-કનેક્શન હોવું ન જોઈએ.

જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે પણ જાણી લો.

  • આસામ અને મેઘાલયને છોડીને તમામ રાજ્યો માટે ઈકેવાયસી હોવું જરૂરી છે.
  • ઓળખ અને સરનામાના પુરાવા માટે આધારકાર્ડ. (આસામ અને મેઘાલય માટે જરૂરી નહીં)
  • રાશન કાર્ડ કે એવું ડોક્યુમેન્ટ, જેમાં પરિવારના સભ્યોનાં નામ હોય.
  • લાભાર્થી અને પરિવારના પુખ્ત સભ્યોના આધારકાર્ડ
  • બેંક એકાઉન્ટ નંબર અને IFSC.
  • પાસપોર્ટ સાઈઝ ફોટો.

આધારકાર્ડમાં બીજા સ્થળનું સરનામું હોય તો તમે વોટરકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, બેંક સ્ટેટમેન્ટ, રાશનકાર્ડ, વીજળી/ટેલિફોન બિલ (છેલ્લા ત્રણ મહિના સુધીનું), પાણીનું બિલ, ફ્લેટ, અલોટમેન્ટ/પઝેશન લેટર, એલઆઈસી પોલિસી, હાઉસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ, લીઝ એગ્રીમેન્ટનો ઉપયોગ પણ એડ્રેસ પ્રૂફ તરીકે આપી શકો છો.

તમે કેવી રીતે કરી શકો છો અરજી?

  • સૌપ્રથમ https://www.pmuy.gov.in/ujjwala2.html વેબસાઈટ ઓપન કરો.
  • અહીં તમને 3 અલગ-અલગ ગેસ કંપનીના ઓપ્શન દેખાશે-ઈન્ડેન, એચપી અને ભારત ગેસ. પોતાની સુવિધાના હિસાબે તમારા ઘરની નજીક જે કંપનીના ડિસ્ટ્રિબ્યુટર હોય તેમની સામે Apply પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા પછી તમે એક કંપનીની વેબસાઈટ પર રિડાયરેક્ટ કરી દેવામાં આવશે. ત્યાં પોતાના ડોક્યુમેન્ટના આધારે સમગ્ર ડિટેલ એન્ટર કરો.

ઓનલાઈન અરજી પૂરી થયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થશે. તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ કંપનીના ડિસ્ટ્રિબ્યુટર પાસે લઈ જાઓ. ધ્યાન રાખો, તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ હોવા જોઈએ. ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિના વેરિફિકેશન નહીં થાય.