ગુજરાતમાં આ વખતે ઠંડીની શરૂઆત થોડી મોડે થઈ, પરંતુ હવે ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થયા બાદ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહીમાં દર વખતની જેમ આ સીઝનમાં પણ કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે અને આવનારા સમયમાં પણ હજુ નલિયાના તાપમાનમાં ઘટાડો થશે. ત્યારે ઘણા લોકોને સવાલ થતો હશે કે ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં જ કેમ પડે છે?, એવાં તો કયાં કારણો છે, જેને લીધે દર વખતે નલિયાનું તાપમાન અન્ય પ્રદેશનોની તુલનામાં સૌથી વધુ ઝડપે નીચે જાય છે?, એક સવાલ એ પણ થાય કે અત્યારસુધીના ઈતિહાસમાં નલિયામાં સૌથી ઓછું તપમાન ક્યારે અને કેટલું નોંધાયું?, દિવ્ય ભાસ્કરે નલિયાની ભૌગોલિક સ્થિતિ અંગે રિસર્ચ કરીને ડેટા એનાલિસિસ કર્યું, આ ઉપરાંત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી સાથે પણ વાતચીત કરીને આવા સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો.
નલિયામાં સૌથી વધુ ઠંડી ક્યારે પડી?
દર વખતે શિયાળાની ઋતુમાં નલિયાનું તાપમાન ગુજરાતના અન્ય વિસ્તારોની તુલનામાં નીચે જ જતું રહેતું હોય છે, પરંતુ ભૂતકાળમાં બે વખતે એવો પણ સમય આવી ચૂક્યો છે, જ્યારે નલિયાએ પોતાના જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ચાલુ સીઝનમાં 25 ડિસેમ્બર 2022ના રોજ નલિયામાં 4.2 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે આ વખતનો રેકોર્ડ છે. આ પહેલાં 8 ફેબ્રુઆરી 2012ના રોજ નલિયામાં 0.8 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે છેલ્લાં 10 વર્ષનો સૌથી ઓછા તાપમાનનો રેકોર્ડ છે.
કચ્છનો ભૌગોલિક વિસ્તાર બીજા જિલ્લા કરતાં ઘણો અલગ છે, જેને કારણે નલિયામાં ઠંડી અને ગરમી તેમજ ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળે છે. કચ્છનો વિસ્તાર 45,674 સ્ક્વેર કિલોમીટર છે, એટલે હરિયાણા, કેરળ અને પૂર્વોત્તરનાં કેટલાંક રાજ્યો કરતાં પણ વિસ્તારની દૃષ્ટિએ કચ્છ મોટો પ્રદેશ છે. કચ્છની ખાસ વિશેષતા એ છે કે ત્યાં નાનું અને મોટું રણ આવેલ છે. ઉપરાંત બન્નીનું ઘાસિયું મેદાન પણ છે.
મોસમી પવનોની દિશા મુખ્ય કારણ
શિયાળામાં મોસમી પવનો અરવલ્લી પર્વતમાળાની સમાંતર ઉત્તરથી દક્ષિણ દિશા તરફ ગતિ કરે છે. આ ઠંડા પવનો હિમાલય તરફથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન થઈને ગુજરાત પહોંચે છે અને રાજ્યના પશ્ચિમ ભાગમાં તાપમાન ઘટવા લાગે છે.
નલિયાની ભૌગોલિક સ્થિતિ વધુ ઠંડી માટે કારણભૂત
હવામાન વિભાગે જણાવ્યા મુજબ, નલિયાની આસપાસ મોટાં તળાવ છે. કોઈ વિશાળ બાંધકામ નથી, આસપાસ જંગલ અને રણ વિસ્તાર છે, એટલે અહીં તાપમાન ઘટતું જાય છે.
નલિયા કરતાં ભુજનું તાપમાન વધુ કેમ?
હવામાન વિભાગે નલિયા અને ભુજની તુલના કરી સ્થિતિને વધુ સ્પષ્ટ બનાવી. 100 કિલોમીટર કરતાં પણ ઓછા અંતરે આવેલાં બન્ને શહેરના તાપમાનમાં સામાન્ય રીતે 5 ડીગ્રી સેલ્સિયસનો ફેર રહે છે. કારણ છે ભૌગોલિક સ્થિતિ, વસતિ, બાંધકામ.
તાપમાન નોંધવાનાં કેન્દ્ર કેટલાં?
કચ્છમાંથી મુખ્યત્વે નલિયા ઉપરાંત ભુજ અને કંડલામાં હવામાન વિભાગે તાપમાન નોંધવાની વ્યવસ્થા ગોઠવી છે. એટલે કદાચ નલિયા કરતાં આસપાસના વિસ્તારમાં ઓછું તાપમાન હોય તોપણ નોંધાય નહીં, પરંતુ આવું થવાની સંભાવના ઓછી જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.