અફઘાનિસ્તાનમાં ફરી એકવાર તાલિબાનનું શાસન આવી ગયું છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને નાસી ગયા છે. સત્તા હસ્તાંતરણ લગભગ સંપન્ન થઈ ચૂક્યું છે. તેની સાથે જ એ લોકોના પ્રયાસોને ઊંડો આઘાત લાગ્યો છે, જેઓ છેલ્લાં 20 વર્ષથી દેશમાં લોકતંત્રની સ્થાપનાની કોશિશમાં લાગ્યા હતા. એમાં અમેરિકા, નાટો દેશોની સાથે ભારત પણ સામેલ છે. એક્સપર્ટ્સ કહે છે કે ભારત માટે આવનારો સમય ઘણો મુશ્કેલ બની શકે છે. અફઘાનિસ્તાનમાં ભારત પાસે જે રાજદ્વારી સરસાઈ હતી એ સમાપ્ત થઈ શકે છે. આ હલચલની અસર દુનિયાના જે દેશો પર સૌથી વધુ પડશે એમાં ભારત સામેલ છે.
ભારત-અફઘાનિસ્તાનના સંબંધો કઈ રીતે બદલાવાના છે? ભારતે અફઘાનિસ્તાનના વિકાસ પર જે ખર્ચ કર્યો છે એનું શું થશે? ચાબહાર પ્રોજેક્ટનું શું થશે? શું જૈશ અને લશ્કર જેવાં સંગઠન ભારતમાં ફરીથી માથું ઊંચકી શકે છે? આવો જાણીએ...
તાલિબાનના અફઘાનિસ્તાનની સત્તા પર હાવી થવાથી ભારત પર શું અસર પડશે?
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના કબીર તનેજા કહે છે, તાત્કાલિક રીતે જોઈએ તો ભારત પર આ પરિવર્તનની કોઈ ખાસ અસર પડવાની નથી. ભારત અત્યારે વેઈટ એન્ડ વૉચની સ્થિતિમાં છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં ભારતે એવું કોઈ નિવેદન જારી કર્યું નથી કે જે કોઈ એકના પક્ષમાં હોય કે વિરુદ્ધ હોય.
એટલે સુધી કે ભારતે અત્યારસુધી આ મુદ્દે વધુ કંઈ કહ્યું જ નથી. આવનારા સમયમાં ભારત તાલિબાન સાથે કેવા પ્રકારનો સંબંધ રાખવા માગશે એ પણ જોવાનું રહેશે. એનાથી જ ઘણુંબધું નક્કી થશે. પૂર્વ વિદેશ સચિવ વિવેક કાત્જુએ એક મીડિયા હાઉસને કહ્યું હતું કે અફઘાનિસ્તાનના મામલે ભારત અત્યારે મુશ્કેલ સ્થિતિમાં છે. એ વાસ્તવિક સ્થિતિ પર કોઈ અસર પાડી શકશે નહીં. 12 ઓગસ્ટે દોહામાં થયેલી બેઠકમાં પ્રત્યક્ષ રીતે કોઈ એક પક્ષમાં ન રહીને ભારત રાજદ્વારી રીતે હાંસિયામાં ધકેલાઈ ગયું છે.
કેટલાક અન્ય એક્સપર્ટ્સ કહે છે કે આવનારા સમયમાં ભારત ખુદને અફઘાનિસ્તાનમાં મુશ્કેલ સ્થિતિમાં જોઈ શકે છે. ભારતનો અમેરિકા સાથેનો ઘરોબો અને પોલિસી જજમેન્ટમાં રહેલી કેટલીક ત્રુટિઓ એનાં કારણ છે.
ભારતે અફઘાનિસ્તાનમાં છેલ્લાં 20 વર્ષમાં જે રોકાણ કર્યું એનું શું થશે?
કબીર તનેજા કહે છે, ભારતે અફઘાનિસ્તાનમાં જે કર્યું એ રોકાણ નહીં, પરંતુ મદદ હતી. આપણે જે 3 બિલિયન ડોલર ખર્ચ કર્યા એ કોઈ રિટર્ન માટે નહોતા, પરંતુ એ અફઘાનિસ્તાનના લોકો માટે હતા. એ મદદનું શું થશે એ કહેવું મુશ્કેલ છે. છેલ્લાં 20 વર્ષમાં ભારતે અફઘાનિસ્તાનમાં લગભગ 500 નાની-મોટી પરિયોજનાઓમાં પૈસા ખર્ચ કર્યા છે. એમાં સ્કૂલ, હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, બાળકોની હોસ્ટેલ અને પુલ સામેલ છે.
ભારતે અફઘાનિસ્તાનના સંસદ ભવન, સલમા બાંધ અને જરાંજ-દેલારામ હાઈવે જેવી પરિયોજનાઓમાં ઘણો ખર્ચ કર્યો છે. આ પ્રકારની મોટી મદદને તાલિબાન સંપૂર્ણપણે બરબાદ કરી દેશે એવું લાગતું નથી. આનાથી અલગ નાના સ્કેલ પર જે મદદ છે એના વિશે કંઈ કહી શકાય એમ નથી, પરંતુ આશા રાખી શકીએ છીએ કે આ તમામ તાલિબાનના આવ્યા પછી પણ અફઘાનિસ્તાનના લોકોના કામમાં આવશે. જ્યારે કેટલાક એક્સપર્ટ કહે છે કે તાલિબાનના સત્તામાં આવ્યા પછી અફઘાનિસ્તાનમાં ચીન અને પાકિસ્તાનની દખલ વધશે. આ બંને દેશો અફઘાનિસ્તાનમાં ભારતની દખલ જેટલી શક્ય હોય એટલી ઓછી કરવા માગશે.
તાલિબાનના સત્તામાં આવ્યા પછી ભારતનો ચાબહાર પ્રોજેક્ટ કેટલો પ્રાસંગિક રહી જશે?
ઈરાનનો ચાબહાર બંદર ભારતને અફઘાનિસ્તાન અને ઈરાનની સાથે મધ્ય એશિયન દેશો સાથે જોડે છે. ભારત આ પ્રોજેક્ટ દ્વારા અફઘાનિસ્તાનની સાથે ટ્રેડનો સીધો રસ્તો બનાવવા માગતું હતું. તનેજા કહે છે કે હવે આ પરિયોજનાઓનું ભવિષ્ય શું હશે એ કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ આવનારાં અનેક વર્ષો ભારત માટે સરળ નહીં હોય.
એક્સપર્ટ કહે છે કે આવનારા સમયમાં અફઘાનિસ્તાનથી કારોબાર કરાચી અને ગ્વાદર બંદર દ્વારા થઈ શકે છે. એવામાં ચાબહાર પર ભારતનું રોકાણ અવ્યવહારુ બની શકે છે.
શું તાલિબાનના આવવાથી જૈશ અને લશ્કર જેવાં સંગઠન ભારત ખાસ કરીને કાશ્મીરમાં ફરીથી એક્ટિવ થઈ શકે છે?
એ જોવાનું રહેશે કે મુલ્લા બરાદર અફઘાનિસ્તાનની સત્તામાં મહત્ત્વનું પદ મેળવે છે કે નહીં. બરાદર અનેક વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રહ્યો છે. તેને પાકિસ્તાનનો મજબૂત સપોર્ટ છે. એવામાં જૈશ અને લશ્કર જેવાં સંગઠન જો અફઘાનિસ્તાનમાં આવીને ટ્રેનિંગ કરવા ઈચ્છશે તો તેમના માટે ખૂબ મુશ્કેલ નહીં હોય. તાલિબાનના યોદ્ધાઓ પાસે અમેરિકા અને નાટો દેશોની સાથે યુદ્ધનો લાંબો અનુભવ છે એવામાં તેમને તેનો ફાયદો પણ થશે. આ તમામ સ્થિતિઓ ભારત માટે ગંભીર જોખમ સર્જી શકે છે. આવનારા સમયમાં તેનાં ગંભીર પરિણામો આવી શકે છે.
આ પડકારનો સામનો કરવા માટે ભારત પાસે શું વિકલ્પો છે?
ભારત પાસે વધુ વિકલ્પ નથી. ભારતને આગામી થોડાં સપ્તાહો કે મહિનાઓમાં એ નક્કી કરવાનું હશે કે તાલિબાનની સાથે કેવા સંબંધો ઈચ્છે છે. શું ભારત સીધા સંબંધો રાખશે કે સેમી ઓફિશિયલ રહેશે કે બેકડોર ડિપ્લોમસી ચાલશે. જોકે એ નક્કી થવામાં હજુ સમય લાગશે.
ક્યારે અને કેવી રીતે બન્યું તાલિબાન?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.