19 મે 2023. 5 દિવસની મેરેથોન બેઠકો બાદ કર્ણાટકના સીએમપદ માટે સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ માટે ડીકે શિવકુમારનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પછી ડીકેએ એક ઈન્ટરવ્યૂ આપ્યો. પત્રકારે પૂછ્યું- શું કર્ણાટકમાં 5 વર્ષ ચાલશે આ સરકાર, શું સીએમપદને લઈને સિદ્ધારમૈયા સાથે થશે વિવાદ? આના પર ડીકે હળવા સ્મિત સાથે કહે છે - કર્ણાટકમાં 5 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર ચાલશે. સિદ્ધારમૈયા 5 વર્ષ સુધી સીએમ હતા ત્યારે તેમણે કશું કહ્યું ન હતું. ડીકેએ મિટિંગમાં શું થયું એ જણાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો.
ડીકે શિવકુમારના ઈશારાથી એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે કર્ણાટકમાં અઢી વર્ષના સીએમ પર વાત થઈ રહી છે. આ પછી આવેલા કેટલાક મીડિયા અહેવાલોએ પણ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વારાફરતી સીએમ બનવાની ચર્ચાને વેગ આપ્યો હતો.
કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સત્તાની વહેંચણીની વાસ્તવિક ફોર્મ્યુલા જાણીતી નથી, પરંતુ તાજેતરના સંકેતો પરથી એ ચોક્કસપણે સમજી શકાય છે. ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે કર્ણાટકમાં કેમ સિદ્ધારમૈયા પૂરાં 5 વર્ષ મુખ્યમંત્રી રહેશે...
સંકેત-1 : કોંગ્રેસના મોટા નેતાઓનાં નિવેદનો
કેસી વેણુગોપાલઃ 18 મેના રોજ બપોરે 12:30 વાગ્યે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને કર્ણાટકના પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ સીએમ પદ માટે નામની જાહેરાત કરી હતી.
વેણુગોપાલે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ તમામ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો છે કે સિદ્ધારમૈયાને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. ડીકે શિવકુમાર કર્ણાટકના એકમાત્ર ડેપ્યુટી સીએમ હશે. ડીકે 2024ની લોકસભા ચૂંટણી સુધી કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે.
કર્ણાટકમાં અઢી વર્ષ સુધી સત્તા વહેંચણીની ફોર્મ્યુલાના પ્રશ્ન પર કેસી વેણુગોપાલે કહ્યું હતું કે પાવર શેરિંગ ફોર્મ્યુલાનો મતલબ કર્ણાટકના લોકો સાથે શેર કરવો. જોકે ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ હાઈકમાન્ડે ડીકે શિવકુમારને કહ્યું હતું કે કર્ણાટકમાં તેમની સંમતિ વિના કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. ભલે સિદ્ધારમૈયાને સીએમ બનાવવામાં આવે, પરંતુ તેમણે દરેક નિર્ણયમાં ડેપ્યુટી સીએમની સંમતિ લેવી પડશે. આ સાથે ડીકેને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તમારી પસંદગીના ધારાસભ્યોને તેઓ ઈચ્છે તેવો પોર્ટફોલિયો આપવામાં આવશે. સિદ્ધારમૈયા અઢી વર્ષ સુધી સીએમ રહેશે, પછી તેમને સીએમ બનાવવામાં આવશે.
એમબી પાટીલ: કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમબી પાટીલે સોમવારે કહ્યું હકું કે સિદ્ધારમૈયા પાંચ વર્ષ માટે કર્ણાટકના મુખ્યમંત્રી રહેશે. જો સત્તાની વહેંચણી અંગે સમજૂતી થઈ હોત તો વરિષ્ઠ નેતાઓએ જાણ કરી હોત. 30 મહિનાના પાવર શેરિંગનો કોઈ પ્રસ્તાવ નથી. જો આવો કરાર હોત તો કેસી વેણુગોપાલે અમને જણાવ્યું હોત.
મીડિયા રિપોર્ટઃ સન્ડે ગાર્ડિયને 21 મેના રોજ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે અઢી વર્ષ માટે સીએમ બનવા માટે કોઈ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે. આ જનતાનો આદેશ છે. ચૂંટાયેલા ધારાસભ્યોએ સિદ્ધારમૈયામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તે ઉદાર વ્યક્તિ છે. તેઓ ભારતીય રાજકારણમાં મિસ્ટર ક્લીન છે. તેમની સામે કોઈ આરોપ નથી, ભ્રષ્ટાચારનો કોઈ કેસ નથી. ભત્રીજાવાદનો પણ કોઈ આરોપ નથી. તેઓ ભારતીય રાજકારણના બરાક ઓબામા છે.
સંકેત-2: સોદાબાજીમાં શિવકુમારના ભાગે ઘણુંબધું
રાજકીય વૈજ્ઞાનિક અને સેફોલોજિસ્ટ સંદીપ શાસ્ત્રી કહે છે કે ડીકે શિવકુમારનો સીએમપદ માટેનો દાવો પહેલેથી જ અપેક્ષિત હતો.
શિવકુમાર સત્તાના વધારે હિસ્સા માટે જબરી સોદાબાજી કરી રહ્યા હતા. તે તેમને મળી ગયું છે. આને હું 1+1+1 કહું છું, એટલે કે ડેપ્યુટી સીએમ, મંત્રીઓનો પોર્ટફોલિયો પસંદ કરવો અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ તરીકે ચાલુ રહેવું, એટલે કે ડીકે શિવકુમારને જે જોઈતું હતું એ બધુ મળી ગયું છે. આવી સ્થિતિમાં સત્તાની વહેંચણી જેવી કોઈ વાત નથી.
સંકેત-3: કોંગ્રેસમાં સત્તા વહેંચણીની ફોર્મ્યુલાનો કોઈ ઈતિહાસ નથી
જો જોવામાં આવે તો અત્યારસુધી કોંગ્રેસના ઈતિહાસમાં રોટેશનલ મુખ્યમંત્રી બનાવવાની કોઈ પરંપરા નથી. જોકે ગઠબંધન સરકારમાં એક વખત આવું બન્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન સરકારની રચના દરમિયાન પાવર શેરિંગ ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી. આ ફોર્મ્યુલા હેઠળ નવેમ્બર 2005માં ગુલામનબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા.
સંકેત-4: પાવર શેરિંગ ફોર્મ્યુલા એ ડોક્યુમેન્ટેડ થીમ નથી
2018માં જ્યારે કોંગ્રેસે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાનોની નિમણૂક કરી ત્યારે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું નહોતું. એ સમયે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ હતા. આ ચૂંટણીઓ પછી પણ ત્રણેય રાજ્યમાં સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવ્યા હતા.
રાજસ્થાનમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. અશોક ગેહલોતને મુખ્યમંત્રી અને સચિન પાઇલટને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સચિન રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે.
એ જ સમયે મીડિયાનાં ઘણાં વર્તુળોમાં આ સમાચાર પણ ફેલાયા હતા કે બાદમાં સચિનને સીએમ બનાવવામાં આવશે. આ અંગે ગેહલોત અને સચિન વચ્ચે અનેક વિવાદો થયા હતા. જુલાઈ 2020માં સચિન પાઇલટે ગેહલોત સામે મોરચો ખોલ્યો અને કોંગ્રેસના 18 ધારાસભ્યો સાથે ગુરુગ્રામની એક હોટલમાં પહોંચ્યા. જોકે ઓગસ્ટમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ સચિન પાઇલટ સાથે વાત કરીને તેમને મનાવી લીધા હતા. ગત વર્ષે કોંગ્રેસ-અધ્યક્ષની ચૂંટણી પહેલાં એવી ચર્ચા હતી કે કોંગ્રેસ હાઈકમાન્ડ આ પદ પર ગેહલોતને જોવા માગે છે. આ સાથે જ સચિનને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચા થઈ હતી. જોકે ગેહલોત સહમત ન થયા અને કોંગ્રેસ હાઈકમાન્ડે પીછેહઠ કરવી પડી.
છત્તીસગઢમાં ભૂપેન્દ્ર સિંહ બઘેલની સાથે ટીએસ સિંહદેવ મુખ્યમંત્રીપદના દાવેદાર હતા. ટીએસ સિંહદેવ મેનિફેસ્ટો તૈયારી સમિતિના વડા પણ હતા.
રાજ્યમાં કોંગ્રેસની જીત બાદ સીએમપદનો નિર્ણય રાહુલ ગાંધીએ લીધો હતો. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે અઢી વર્ષની ફોર્મ્યુલા પર સહમતી બની છે. જોકે બાદમાં ટીએસ સિંહદેવને સીએમ બનાવવામાં આવ્યા નહોતા. ટીએસ.સિંહદેવની નારાજગી પણ અનેક પ્રસંગોએ સામે આવી છે.
નિષ્કર્ષ: 2024ની લોકસભા ચૂંટણી પછી મુખ્યમંત્રીનો મુદ્દો ફરી ગરમ થઈ શકે છે
આ સંકેતો પરથી સ્પષ્ટ છે કે સિદ્ધારમૈયા કર્ણાટકમાં પાંચ વર્ષ સુધી સીએમ રહેશે. જોકે 2024ની લોકસભાની ચૂંટણી બાદ આ મુદ્દો ફરી એકવાર ઊકળે એવી પૂરી સંભાવના છે. ભૂતપૂર્વ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ત્યાગરાજ શર્માનું કહેવું છે કે સિદ્ધારમૈયા અને શિવકુમાર વચ્ચે સીએમપદની લડાઈ ગમે ત્યારે ભડકી શકે છે. આ ક્યારે થશે એની આગાહી કરવી મુશ્કેલ છે. એ થોડીવાર માટે શાંત રહેશે, પરંતુ એ એક ઊકળતો ચરુ છે. એ ગમે ત્યારે ભડકી શકે છે. જો 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ નહીં કરે તો સિદ્ધારમૈયા અને શિવકુમાર બંને હાર માટે એકબીજાને જવાબદાર ઠેરવશે.
જાણકારોનું કહેવું છે કે સિદ્ધારમૈયાને પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવાની જાહેરાતથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. કેબિનેટની રચના અને પોર્ટફોલિયોની વહેંચણી સાથે સમસ્યાઓનો બીજો રાઉન્ડ શરૂ થશે. દરેક સમુદાય કેબિનેટમાં તેનો હિસ્સો ઇચ્છશે અને દરેક જણ ખુશ રહે એ સુનિશ્ચિત કરવું કોઈપણ સરકાર માટે શક્ય બનશે નહીં.
માગણી અટકશે નહીં અને બંને પક્ષો વધુ ને વધુ મેળવવાનો પ્રયાસ કરશે એમ મુદ્દાઓ સળગતા રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.