આજથી તમામ ફોર-વ્હીલર વાહનોમાં ટોલ ચૂકવવા માટે ફાસ્ટેગ લગાવવું જરૂરી બનશે. દેશના કોઈપણ નેશનલ હાઈવેના ટોલ પ્લાઝાને ક્રોસ કરતી વખતે એની જરૂર પડશે. વારંવાર ટાળ્યા પછી આખરે એને આજથી લાગુ કરી દેવાયો છે. ફાસ્ટેગ શું છે, કઈ રીતે કામ કરશે, આપ એને કઈ રીતે લગાવી શકો છો, આવો જાણીએ...
ફાસ્ટેગ શું છે?
ફાસ્ટેગ એક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, જે એક સ્ટિકર તરીકે હોય છે. એ તમારે તમારી કાર કે વાહનના વિન્ડશીલ્ડ પર લગાવવાનું હોય છે. આ ફાસ્ટેગ રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિટિફિકેશન (RFID) ટેક્નોલોજી અનુસાર કામ કરે છે. દરેક ફાસ્ટેગ સંબંધિત વાહનના રજિસ્ટ્રેશન સાથે સંકળાયેલું હોય છે. એને લગાવ્યા પછી તમારે ટોલ પ્લાઝા પર અટકીને ટોલ ફીના પૈસા રોકડમાં આપવા પડશે નહીં.
આ કામ કેવી રીતે કરે છે?
જ્યારે તમે ટોલ પ્લાઝાથી પસાર થશો તો ટોલ પ્લાઝા પર લાગેલું ફાસ્ટેગ રીડર તમારા ફાસ્ટેગના બારકોડને રીડ કરશે. એ પછી ટોલ ફી તમારા બેન્ક અકાઉન્ટથી કપાઈ જશે. એ ચાલુ થયા પછી ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાંબી કતારો નહીં લાગે. આ ફાસ્ટેગ અત્યારે દ્વિચક્રી વાહનો માટે નથી. RFID નેશનલ પેમેન્ટસ કોઓપરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ બનાવ્યું છે.
ફાસ્ટેગ ક્યાંથી ખરીદી શકો છો?દેશના કોઈપણ ટોલ પ્લાઝાથી તમે ફાસ્ટેગ ખરીદી શકો છો. આ ઉપરાંત એક્સિસ બેન્ક, ICICI બેન્ક, HDFC બેન્ક, એસબીઆઈ, કોટક બેંકની બ્રાન્ચમાંથી પણ તમે એ ખરીદી શકો છો. પેટીએમ, એમેઝોન, ગૂગલ પે જેવા ઓનલાઈન પ્લેટફોર્મથી પણ તમે એ ખરીદી શકો છો. એમાંથી મોટા ભાગના ડિસ્કાઉન્ટ સહિત અલગ અલગ પ્રકારની ઓફર પણ આપે છે. ફાસ્ટેગ ખરીદતી વખતે તમારી પાસે ID પ્રૂફ અને ગાડીનું રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ હોવાં જરૂરી છે.
માય ફાસ્ટેગ એપથી જાણી શકો છો તમારા ફાસ્ટેગનું સ્ટેટસ
11 ફેબ્રુઆરીએ માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું કે અનેક લોકોના ફાસ્ટેગની વેલિડિટી સમાપ્ત થઈ જવાને કારણે ફાસ્ટેગ લાઈનમાં વાહનોની કતાર જામે છે. ક્યારેક ફાસ્ટેગ વિનાનાં વાહનો ફાસ્ટેગ લેનમાં આવી જવાથી પણ વાહનોની લાઈન લાગી જાય છે તો તમે તેની સાથે સંકળાયેલી દરેક જાણકારી માય ફાસ્ટેગ નામની UPI એપ પર જોઈ શકો છો.
તેને નેશનલ હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડે તૈયાર કરી છે. આ એપ તમારી ગાડીના ફાસ્ટેગનું સ્ટેટસ પણ જણાવે છે. આ સાથે જ તમે તમારા ફાસ્ટેગ અકાઉન્ટને આ એપથી લિન્ક કરીને પેમેન્ટ પણ કરી શકો છો. તમે ઈચ્છો તો પોતાના બેન્ક અકાઉન્ટને આ એપ સાથે લિન્ક કરી શકો છો. આનાથી જ્યારે પણ તમે કોઈ ટોલ પ્લાઝાથી પસાર થાઓ તો ટોલ ટેક્સ તમારા અકાઉન્ટમાંથી કપાઈ જશે.
ફાસ્ટેગ કેટલાનું મળશે અને કેટલા સમય માટે વેલિડ હશે?
ફાસ્ટેગની કિંમત બે ચીજોથી નક્કી થાય છે. પ્રથમ તમારી ગાડી કઈ છે અને બીજું તમે એને ક્યાંથી ખરીદી રહ્યા છો. બેન્કોની ઓફરના હિસાબે પણ એની કિંમતમાં કંઈક ફેરફાર હશે. તમે જે બેન્કમાંથી ફાસ્ટેગ લો છો એ ઈસ્યુ ફી અને સિક્યોરિટી ડિપોઝિટ તરીકે કેટલા પૈસા વસૂલે છે, એનાથી પણ કિંમતમાં ફેરફાર જોવા મળે છે. જોકે અધિકારીઓના કહેવા પ્રમાણે, એની વન ટાઈમ ફી 200 રૂપિયા છે. રીઈસ્યુ કરવાની ફી 100 રૂપિયા અને રિફન્ડેબલ સિક્યોરિટી ડિપોઝિટ 200 રૂપિયા છે. એકવાર ખરીદવામાં આવેલું ફાસ્ટેગ સ્ટિકર પાંચ વર્ષ માટે વેલિડ ગણાશે. SBI જેવી બેંક અનલિમિટેડ વેલિડિટીનું ફાસ્ટેગ ઓફર કરે છે, જેમ કે જો તમે પેટીએમથી કાર માટે ફાસ્ટેગ ખરીદો છો તો તમારે એના માટે 500 રૂપિયા ખર્ચ કરવાના રહેશે.
બેન્કમાંથી ફાસ્ટેગ લેવું હોય તો આ ડોક્યુમેન્ટ લઈને આવો
બેંકમાંથી ફાસ્ટેગ લેવા માટે તમારે KYC ડોક્યુમેન્ટ, વાહનની RC, પાસપોર્ટ સાઈઝ ફોટો, પાન કાર્ડ, એડ્રેસ અને ID પ્રૂફની જરૂર પડશે. આપ ઈચ્છો તો તમારું લાઇસન્સ, ID અને એડ્રેસ પ્રૂફ તરીકે જમા કરાવી શકો છો. જો તમે તમારી બેન્કમાંથી ફાસ્ટેગ લો છો એટલે કે જે બેંકમાં તમારૂં અકાઉન્ટ છે ત્યાં તમારે માત્ર RC લાવવાની જરૂર પડશે.
દેશમાં અઢી કરોડ ફાસ્ટેગ યુઝર
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ 2019માં ફાસ્ટેગથી ટોલ લેવાની શરૂઆત કરી હતી. જાન્યુઆરી 2021 સુધીમાં દેશભરમાં 2.49 કરોડથી વધુ ફાસ્ટેગ યુઝર હતા. દેશના કુલ ટોલ કલેક્શનમાં ફાસ્ટેગની 80% હિસ્સેદારી છે. જાન્યુઆરીમાં ફાસ્ટેગ દ્વારા રોજ લગભગ 77 કરોડ રૂપિયાના ટોલ ટેક્સની વસૂલાત થઈ.
100% ફાસ્ટેગ હોવા પર દર વર્ષે 12 હજાર કરોડની બચત થશે
એક સ્ટડી પ્રમાણે, ટોલ પ્લાઝા પર 100% ટોલ કલેક્શન ફાસ્ટેગથી થાય તો વર્ષે લગભગ 12 હજાર કરોડ રૂપિયાની બચત થશે. નોઈડાના સ્ટાર્ટ અપ બુલ્સઆઈ ટેકનોલોજીએ 2019માં આ સ્ટડી કર્યો હતો. એમાં જણાવાયું હતું કે 35% પૈસા તો માત્ર પેટ્રોલ-ડીઝલની બચતના છે, જે ટોલ પ્લાઝા પર રાહ જોતી વખતે વાહનોમાં ખર્ચ થાય છે. બાકી 55% એને કારણે થનારી સમયની બચતને કારણે બચશે. આ ઉપરાંત ટોલ પ્લાઝા પર રાહ જોતી વખતે થતા કાર્બન ઉત્સર્જનને કારણે જે ખર્ચ થાય છે એમાં પણ લગભગ 10% પૈસાની બચત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.