કોરોનાવાયરસે આપણને ઘા તો ખૂબ આપ્યા છે પણ સાથે જ તેણે આપણને ઘણું બધુ શીખવ્યું પણ છે. અર્થાત મુશ્કેલીઓનો સામનો કરવો, કંઈક નવું વિચારવું અને પછી તેને ઈમ્પ્લીમેન્ટ કર્યા પછી મુકામ સુધી લઈ જવું. આ બધુ કોરોના કાળમાં થયું છે. અનેક લોકો તેમાં સફળ થયા છે. એવી જ કહાની છે ઉત્તરપ્રદેશના અલીગઢના રહેવાસી વિકલ કુલશ્રેષ્ઠની.
વિકલ અત્યારે નોઈડા અને તેની આસપાસના વિસ્તારોમાં ડોર ટુ ડોર શાકભાજી અને રાશન પહોંચાડવાનું ઓનલાઈન સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે. દરરોજ તેમની પાસે લગભગ 100 ઓર્ડર આવી રહ્યા છે. તેનાથી દર મહિને 4થી 5 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે.
વિકલે હોસ્પિટલિટીમાં માસ્ટર્સ કર્યુ છે. તેમની પાસે જમાવેલો ટ્રાવેલ એન્ડ ટુરિઝમનો બિઝનેસ હતો. બે દાયકાથી તેઓ આ ફિલ્ડમાં કામ કરી રહ્યા હતા, પરંતુ ગત વર્ષે જ્યારે કોરોનાના કારણે લોકડાઉન લાગ્યું તો તેમનું કામ બંધ થઈ ગયું. થોડા દિવસો સુધી તેમણે આ વધારે ગંભીરતાથી ન લીધું. તેમને લાગ્યું ટૂંક સમયમાં બધુ ઠીક થઈ જશે પણ જ્યારે લોકડાઉન વધવા લાગ્યું તો તેમને આગળની ચિંતા સતાવવા લાગી.
એક બિઝનેસ બંધ તો બીજો શરૂ
તેના પછી વિકલે અલગ-અલગ આઈડિયા વિશે વિચારવાનું શરૂ કર્યુ. તેમણે થોડો સમય લીધો અને દરેક પ્રકારના સેક્ટર અને તેમાં નવું શું થઈ શકે તેના વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યુ. આ દરમિયાન તેમણે અનુભવ્યું કે કોરોના કાળમાં અનેક લોકોને આવશ્યક ચીજો મળી રહી નથી. કોઈની પાસે રાશન નથી તો અનેક લોકો એવા પણ જેમને શાકભાજી મળતા નથી. એવામાં આ સેક્ટરમાં કંઈ કામ શરૂ કરી શકાય તેમ છે. જુલાઈ 2020માં વિકલે ફાર્મર્સ ફેમિલી નામથી એક કંપની રજિસ્ટર કરી અને પોતાનું કામ શરૂ કર્યુ.
47 વર્ષના વિકલ કહે છે કે મેં ક્યારેય ખેતી તો કરી નહોતી પણ મને તેના પ્રત્યે લગાવ રહ્યો છે. ખાલી સમયમાં ગામડાઓમાં જતો હતો ત્યારે ખેતરે પણ જતો હતો. જે લોકો ખેતી કરતા હતા તેમના કામને સમજતો હતો. તેમની સાથે ચર્ચા કરતો હતો. તેથી મને લાગ્યું કે આ કામ ઘણું મુશ્કેલ નથી. શાકભાજી અને રાશનનો સામાન તો ગામડાઓમાંથી મળી જશે.
તેના પછી વિકલે પોતાની એક નાની ટીમ બનાવી. કેટલાક ગામના ખેડૂતો સાથે ટાઈઅપ કર્યુ. કેટલાક મહિલા સમૂહો સાથે વાત કરી જેઓ ખુદ અલગ-અલગ પ્રોડક્ટ તૈયાર કરતા હતા. પછી ખુદની વેબસાઈટ બનાવી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. અને કામ કરવાનું શરૂ કરી દીધું.
માર્કેટ ડેવલપ કરવું સૌથી પડકારરૂપ કામ રહ્યું
વિકલ કહે છે કે કામ શરૂ કર્યા પછી સૌથી મુશ્કેલ ટાસ્ક રહ્યું માર્કેટમાં જગ્યા બનાવવાનું અને લોકોને એ સમજાવવું કે અમે સારી પ્રોડક્ટ પ્રોવાઈડ કરી રહ્યા છીએ. શરૂઆતમાં લોકોને વિશ્વાસ આવતો નહોતો તો કેટલાક લોકો એવા પણ મળ્યા કે જેમને પ્રોડક્ટ પસંદ આવ્યા પછી પણ તે બજારમાંથી લેવાનું જ પસંદ કરતા હતા પણ અમે સતત કોશિશ ચાલુ રાખી અને સફળ પણ થયા. અમે સોશિયલ મીડિયા પર કેમ્પેનિંગ કર્યુ. તેના પછી ખુદની વેબસાઈટ અને એપ લોન્ચ કરી. તેના પછી ઓર્ડર્સની સંખ્યા વધવા લાગી.
શું છે માર્કેટિંગ મોડેલ, કઈ રીતે કામ કરે છે?
અત્યારે વિકલ નોઈડા અને તેની આસપાસના વિસ્તારોમાં જ પોતાની પ્રોડક્ટની સપ્લાઈ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં તેઓ બીજા શહેરોમાં પણ તે શરૂ કરશે. તેની સાથે 28 લોકોની ટીમ કામ કરી રહી છે. તેઓ અત્યારે ત્રણ સ્ટેપ્સમાં કામ કરી રહ્યા છે. જે આ પ્રકારે છે...
વિકલ અત્યારે ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવી રહ્યા છે. તેની સાથે 400 જેટલા ખેડૂતો જોડાયેલા છે. તેઓ તેમના માટે શાકભાજી અને અનાજ ઉગાડે છે. ખેતરમાંથી પ્રોડક્ટ નીકળવાની સાથે જ વિકલ ગાડી ભરીને ત્યાંથી શાકભાજી અને અનાજ ઉઠાવી લાવે છે. તેની સાથે જ અનેક નાના ખેડૂતો પણ છે જેઓ પોતાની પ્રોડક્ટ વિકલને પહોંચાડે છે.
તેના પછી વિકલની ટીમ પ્રોડક્ટનો ક્વોલિટી ટેસ્ટ કરે છે, સાફસફાઈ કરે છે અને પછી તેનું અલગ-અલગ પ્રોડક્ટ અને વેરાઈટીના હિસાબે પેકેજિંગ કરવામાં આવે છે. જે પ્રોડક્ટ જલદી ખરાબ થાય એવી હોય તેના પેકેજિંગમાં ખાસ સાવધાની રાખવામાં આવે છે. તેમના માટે અલગ પ્રકારના પેકેટ્સ પણ ઉપયોગમાં લેવાય છે.
જ્યારે વિકલની ટીમ પેકેજિંગનું કામ કરી લે છે તો ડિસ્ટ્રીબ્યુશનનું કામ શરૂ થાય છે. તેના માટે તેમની ટીમ પ્રોડક્ટ અને લોકેશન વાઈઝ ઓર્ડરને અલગ અલગ કેટેગરીમાં વહેંચે છે અને પછી તેમના ઘરે સામાન પહોંચાડવામાં આવે છે, જ્યાંથી ઓર્ડર મળ્યો હોય છે. વિકલ જણાવે છે કે સોશિયલ મીડિયા કે અમારી વેબસાઈટ કે એપ પર જઈને કોઈપણ પોતાની મનપસંદ પ્રોડક્ટ માટે ઓર્ડર કરી શકે છે. અમારી ટીમ થોડા કલાકોમાં પ્રોડક્ટની સપ્લાઈ કરી દે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.