ભાસ્કર એક્સપ્લેનરઓઈલ વેચવામાં ભારતે સાઉદીને છોડ્યું પાછળ:યુરોપને દરરોજ 5 કરોડ લિટર ઓઈલ વેચ્યું; વર્ષમાં કઈ રીતે થયો ફેરફાર

13 દિવસ પહેલાલેખક: અનુરાગ આનંદ
  • કૉપી લિંક

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વિશ્વમાં ભારતની ભૂમિકા બદલાઈ ગઈ છે. 2022માં ચીન પછી ભારત ઓઈલ ખરીદવાના મામલે બીજા ક્રમે હતું. હવે એક વર્ષ બાદ ભારતે યુરોપને ઓઈલ વેચવાના મામલે સાઉદી અરેબિયાને પાછળ છોડી દીધું છે. ભારત દરરોજ 3.5 લાખ બેરલથી વધુ એટલે કે લગભગ 5.5 કરોડ લિટર ઓઈલ યુરોપમાં નિકાસ કરે છે.

હવે સવાલ એ થાય છે કે ભારત આટલું ઓઈલ ક્યાંથી લાવે છે? માત્ર એક વર્ષમાં આટલો મોટો ફેરફાર કેવી રીતે થયો? ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું સમગ્ર કહાની...

ફેબ્રુઆરી 2022થી શરૂ થયેલી આ કહાનીના 3 તબક્કા છે...

તબક્કો-1: ભારત તેની જરૂરિયાતના 60% ક્રૂડ ઓઈલ આરબ દેશો પાસેથી ખરીદતું હતું.

24 ફેબ્રુઆરી 2022ના રોજ, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું. જેના કારણે માર્ચ 2022માં ક્રૂડ ઓઈલની કિંમત વધીને 140 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. ત્યારપછી અમેરિકાએ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલની કિંમત ઘટાડવા માટે પોતાની ક્રૂડ તિજોરી ખોલવાની જાહેરાત કરી હતી. તે સમયે ભારત તેની જરૂરિયાતના 60% ક્રૂડ ઓઈલ ગલ્ફ દેશો પાસેથી ખરીદતું હતું અને માત્ર 2% ક્રૂડ ઓઈલ રશિયામાંથી આવતું હતું.

તબક્કો-2: અમેરિકા અને યુરોપે રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર નિયંત્રણો લાદ્યા

માર્ચ 2022માં અમેરિકા અને યુરોપે રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ ભારતે આ પ્રતિબંધોની અવગણના કરી. એપ્રિલ 2022થી, રશિયાએ ભારતને આંતરરાષ્ટ્રીય બજાર કરતાં પણ ઓછા ભાવે ઓઈલ વેચવાનું શરૂ કર્યું.

2021-22ના આખા વર્ષમાં ભારતે રશિયા પાસેથી 18 હજાર કરોડ રૂપિયાનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. જ્યારે 2022-23ના પ્રથમ 6 મહિનામાં ભારતે રશિયા પાસેથી 89 હજાર કરોડ રૂપિયાનું ક્રૂડ ઓઈલ ખરીદી લીધું.

અમેરિકા અને યુરોપિયન દેશોએ પણ ભારત રશિયા પાસેથી ઓઈલ ન ખરીદી શકે એ માટે દબાણ બનાવ્યું. વિશ્વના શક્તિશાળી દેશોના સંગઠન G-7એ રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર પ્રાઇસ કેપ લગાવી છે. આમ છતાં ભારતે ઓઈલની ખરીદી ચાલુ રાખી.

તબક્કો-3: ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ લઈને રિફાઈન્ડ કર્યુ, પછી યુરોપને વેચ્યું
રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે યુરોપિયન દેશોએ તેની પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે યુરોપમાં ઓઈલની અછત સર્જાઈ હતી. આ કારણે, પશ્ચિમી દેશો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે અન્ય દેશો તરફ વળ્યા. ભારતે તેનો ખૂબ જ સારો ફાયદો ઉઠાવ્યો.

'ધ સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર' અનુસાર એપ્રિલ 2022 પછી યુરોપિયન દેશોએ ચીન અને ભારત પાસેથી ઓઈલની ખરીદીમાં ભારે વધારો કર્યો છે.

એકંદરે, ભારતે આ સમયગાળા દરમિયાન સાઉદી અરેબિયાએ યુરોપને વેચેલું તેના કરતાં વધુ શુદ્ધ ઓઈલ યુરોપને મોકલ્યું હતું.

યુદ્ધ શરૂ થયું તે પહેલાં યુરોપ ભારત પાસેથી દરરોજ 1.54 લાખ બેરલ રિફાઇન્ડ ઓઈલ ખરીદતું હતું. યુદ્ધ શરૂ થયા બાદ આ આંકડો વધીને 2 લાખ બેરલ પ્રતિ દિવસ અને મે 2023માં વધીને 3.60 લાખ બેરલ પ્રતિ દિવસ થયો હતો.

ખુદ ઓઈલ ખરીદનાર ભારત આટલું મોટું નિકાસકાર કઈ રીતે બન્યું?
ભારત અને ચીન જેવા દેશો અન્ય દેશો પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે અને તેને રિફાઈન કરે છે. ભારતમાં ઓઈલ શુદ્ધિકરણ ખૂબ સસ્તું છે. રિલાયન્સ, BPCL અને IOCL જેવી મોટી કંપનીઓ ઓઇલ રિફાઇનિંગનું કામ કરે છે.

ચીન, ભારત, સિંગાપોર અને UAE જેવા દેશોને 'લોન્ડ્રોમેટ કન્ટ્રીઝ' કહેવામાં આવે છે. 'લોન્ડ્રોમેટ' એટલે વોશિંગ મશીન, એટલે કે ઓઈલની ગંદકી સાફ કરનારા દેશો. પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ રશિયાથી ચીન, ભારત, સિંગાપોર, UAE અને તુર્કીમાં ઓઈલની આયાત 140% વધી છે.

યુરોપને ઓઈલ વેચવાથી ભારતને કેટલો ફાયદો થઈ રહ્યો છે?
આઇઆઇએફએલ સિક્યોરિટીઝમાં કોમોડિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તા માને છે કે ભારત વિશ્વના સૌથી મોટા ઓઇલ રિફાઇનિંગ દેશોમાં સામેલ છે. હાલમાં, યુરોપિયન દેશોને ઓઈલ વેચીને, ભારત 3 રીતે લાભ લઈ રહ્યું છે...

1. ભારતની રિફાઈનરીની ક્ષમતા તેની સ્થાનિક માંગ કરતાં વધુ છે. આવી સ્થિતિમાં ભારતીય રિફાઈનરી કંપનીઓ યુરોપને ઓઈલ વેચીને મોટો નફો કમાઈ રહી છે.

2. ભારત પાસે એક મહિનાથી વધુ સમય માટે ઓઈલ અનામત રાખવાની ક્ષમતા નથી. આવી સ્થિતિમાં ભારતીય રિફાઇનરીઓને રશિયાથી યુરોપમાં ઝડપથી ક્રૂડ ઓઇલ સપ્લાય કરવાની ફરજ પડી છે. જેના કારણે નફો પણ વધી રહ્યો છે.

3. ઓછી કિંમતે ક્રૂડ ઓઈલની ઉપલબ્ધતાને કારણે ભારતીય કંપનીઓનું રિફાઈનિંગ માર્જિન પણ વધ્યું છે.

ઓછી કિંમત હોવા છતાં રશિયા પાસેથી ઓઈલ ખરીદવું ભારત માટે કેમ મોંઘું છે? રશિયા દરરોજ 10.7 મિલિયન બેરલ કરતાં વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. ફેબ્રુઆરી 2022 પહેલાં આમાંથી અડધાથી વધુ જથ્થો યુરોપ જતો હતો.

આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે રશિયા 2022 સુધીમાં યુરોપની ઓઈલ અને ગેસની અડધોઅડધ જરૂરિયાતોને પૂર્ણ કરતું હતું, તો પછી ભારતે તેના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગીદાર રશિયા પાસેથી માત્ર 2% ઓઈલ કેમ ખરીદ્યું.

ઊર્જા નિષ્ણાત નરેન્દ્ર તનેજા સમજાવે છે કે તેનો જવાબ રશિયાની ભૂગોળમાં રહેલો છે. ત્રણ કારણોસર ભારત માટે રશિયા પાસેથી ઓઈલ ખરીદવું મુશ્કેલ છે…

1. રશિયામાં જ્યાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન થાય છે, તે પૂર્વીય ક્ષેત્રથી થોડે દૂર છે. ત્યાંથી ઓઈલ લાવવું એ મોંઘો સોદો છે.

2. ઉત્તરીય વિસ્તારો આર્કટિક પ્રદેશની નજીક છે. આવી સ્થિતિમાં, અહીં મોટાભાગે બરફ જામી રહે છે, જેના કારણે ભારતમાં ઓઈલ લાવવામાં મુશ્કેલી આવે છે.

3. રશિયાથી ભારતમાં ઓઈલ લાવવાનો ત્રીજો રસ્તો બ્લેક સી થઈને છે, જે યુક્રેન પર રશિયાના હુમલા બાદ બંધ થઈ ગયો છે.

નરેન્દ્ર તનેજા જણાવે છે કે રશિયાની સૌથી મોટી ઓઈલ કંપની રોસનેફ ગુજરાતના જામનગરમાં પોતાની રિફાઈનરી ધરાવે છે. ફેબ્રુઆરી 2022 પહેલાં રોસનેફ કંપની ભારતમાંથી માત્ર 2% ઓઈલ ખરીદતી હતી. એકંદરે, ભારત રશિયા પાસેથી ઓછું ઓઈલ લે છે કારણ કે તેને અન્ય સ્થળોએથી મેળવવું સરળ છે.

ખાડી દેશોમાંથી માત્ર ત્રણ દિવસમાં દરિયાઈ માર્ગે ભારતમાં ક્રૂડ ઓઈલ લાવી શકાય છે. આ સિવાય ટ્રાન્સપોર્ટનું ભાડું પણ ઓછું છે.