તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:સીરો સર્વેએ દૂર કરી ચિંતા! બાળકો માટે ઘાતક નહીં હોય કોરોનાની ત્રીજી લહેર; જાણો સીરો સર્વે વિશે બધું

3 મહિનો પહેલાલેખક: આબિદ ખાન

દેશમાં કોરોનાની બીજી લહેરની પીક આવી ચૂકી છે. રોજ ધીમે ધીમે કોરોનાના નવા કેસ અને મોતના આંકડા ઘટતા જાય છે. સરકાર હવે ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારીમાં છે. આશંકા છે કે ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરશે.

આ અંગે જાણકારી મેળવવા દિલ્હી એઈમ્સે 4 રાજ્યોમાં 700 બાળકો પર સીરો સર્વે કર્યો, જેનાં પરિણામો રાહતરૂપ આવ્યાં છે. સીરો સર્વેમાં બાળકોમાં પણ લગભગ પુખ્તોને સમાન જ સીરોપોઝિટિવિટી મળી છે, એટલે કે બાળકો પણ કોરોનાથી પુખ્તોની જેમ જ સંક્રમિત થયા છે અને તેમના શરીરમાં એન્ટિબોડી બન્યા છે.

આવો જાણીએ કે સીરો સર્વે શું હોય છે, કઈ રીતે થાય છે અને કોવિડ-19ને સમજવામાં કેટલો મદદરૂપ છે...

હાલમાં જ થયેલા સીરો સર્વેનાં પરિણામો શું કહે છે?
દિલ્હી એઈમ્સે WHO સાથે મળીને 5 સ્થળોએ 15 માર્ચથી 10 જૂન સુધી સીરો સર્વે કર્યો. અગરતલા, દિલ્હી (અર્બન અને રૂરલ), ભુવનેશ્વર અને ગોરખપુરમાં 4509 લોકો પર કરાયેલા આ સર્વેમાં 700 બાળકો પણ સામેલ હતાં. દેશમાં આ પ્રથમ સીરો સર્વે હતો, જેમાં બાળકોને પણ સામેલ કરવામાં આવ્યાં. સર્વેમાં સામેલ બાળકોમાં 55.7% સીરોપોઝિટિવિટી જોવા મળી, જ્યારે પુખ્તોમાં 63.5%. એનો અર્થ એ થયો કે કોરોનાથી બાળકો પણ લગભગ પુખ્તોને સમાન જ સંક્રમિત થયાં છે અને મોટા ભાગનાં બાળકોમાં એન્ટિબોડી જોવા મળી, એટલે કે દેશમાં જો કોરોનાની ત્રીજી લહેર આવે તો બાળકો માટે એટલી ઘાતક નહીં હોય જેટલી આશંકા વ્યક્ત થઈ રહી છે.

સીરો સર્વે હોય છે શું?
સીરો સર્વે સેરોલોજી ટેસ્ટથી થાય છે. એમાં બ્લડ સેમ્પલ લઈને ટેસ્ટ થાય છે. કોઈ ખાસ ઈન્ફેક્શન વિરુદ્ધ બનેલા એન્ટિબોડીની તપાસ થાય છે. જ્યારે પણ કોઈ વાયરસ તમારા શરીરમાં આવે છે તો શરીરની ઈમ્યુન સિસ્ટમ એ વાયરસ વિરુદ્ધ એન્ટિબોડી બનાવે છે. આ એન્ટિબોડી લગભગ એક મહિના સુધી તમારા બ્લડમાં રહે છે. આમ જો તમારા શરીરમાં એન્ટિબોડી બન્યા છે તો એનો અર્થ એ છે કે હાલમાં જ તમે વાયરસથી ઈન્ફેક્ટ થયા હતા.

સીરો સર્વે કેવી રીતે કરવામાં આવે છે?
સીરો સર્વે માટે રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે. ગત વર્ષે દેશમાં પ્રથમ સીરો સર્વે થયો હતો, ત્યારે દેશને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો હતો. પ્રથમ હિસ્સામાં એ શહેરો અને જિલ્લાઓ હતા જેમાં ઈન્ફેક્શન રેટ સૌથી વધુ હતો. આ શહેરોમાં 5 કન્ટેન્મેન્ટ ઝોન પસંદ કરવામાં આવ્યા. દરેક કન્ટેન્મેન્ટ ઝોનમાંથી 10-10 લોકોનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

બીજા હિસ્સામાં લગભગ 60 જિલ્લા કે શહેર પસંદ કરવામાં આવ્યાં, જેમને કોરોનાના કન્ફર્મ કેસના આધારે લો, મીડિયમ અને હાઈ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા. આ તમામ સ્થળેથી 10 કન્ટેન્મેન્ટ ઝોનમાંથી સેમ્પલ લેવામાં આવ્યાં, એટલે કે કોશિશ હોય છે કે દેશના મોટા ભાગના હિસ્સાઓમાંથી અલગ-અલગ વયજૂથના લોકોનાં સેમ્પલ લેવામાં આવે, જેથી યોગ્ય અને સચોટ આંકડા મળી શકે.

સીરો સર્વે કેટલો જરૂરી છે?
કોરોના મહામારી સમગ્ર ચિકિત્સાજગત માટે નવી છે. એના વિશે વિજ્ઞાનીઓ અને ડોક્ટરોની પાસે અગાઉથી કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. આથી મહામારી સાથે સંકળાયેલા સવાલોનો જવાબ મેળવવા માટે સીરો સર્વે કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં બીમારીથી લડવાની રણનીતિ તૈયાર કરી શકાય. સીરો સર્વે દ્વારા વિજ્ઞાનીઓ અને ડોક્ટરો આ સવાલોના જવાબ જાણવાની કોશિશ કરે છે.

  • જે લોકોમાં એન્ટિબોડી બન્યા છે એ ઈન્ફેક્શન રોકવા દીવાલ જેવું કામ કરે છે. એને હર્ડ ઈમ્યુનિટી કહે છે. સીરો સર્વેથી તેની ભાળ મેળવવામાં મદદ મળે છે.
  • સીરો સર્વેથી ખ્યાલ આવે છે કે દેશની કેટલા ટકા વસતિમાં એન્ટિબોડી છે. વિશેષજ્ઞોના હિસાબે જ્યારે 60-70% વસતિમાં એન્ટિબોડી ડેવલપ થઈ જશે, ત્યારે હર્ડ ઈમ્યુનિટી બની જશે.
  • દેશમાં કયા વિસ્તારોમાં અને કઈ વયના લોકોમાં ઈન્ફેક્શન વધુ છે? કેટલા લોકો કોરોનાથી ઈન્ફેક્ટ થયા અને ઈન્ફેક્ટેડ લોકોમાં એન્ટિબોડી ક્યાં સુધી રહેશે?

અત્યારસુધીમાં દેશમાં કેટલા સીરો સર્વે થયા અને એમાં શું પરિણામો મળ્યાં?
ICMRએ દેશમાં પ્રથમ સીરો સર્વે મે 2020માં કર્યો હતો. એ પછી 2 વધુ સીરો સર્વે કરવામાં આવ્યા. અંતિમ સીરો સર્વે 17 ડિસેમ્બર 2020થી 8 જાન્યુઆરી 2021 વચ્ચે થયો હતો. આ સર્વેનાં પરિણામોમાં જાણવા મળ્યું હતું કે દેશની 21.5% વસતિ કોરોનાથી સંક્રમિત થઈ ચૂકી છે. હજુ પણ 79% લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ છે.

સમગ્ર દેશમાં રેન્ડમ સેમ્પલિંગના આધારે 28589 લોકો વચ્ચે આ સર્વે કરાયો હતો. પ્રથમ સીરો સર્વેમાં 18 વર્ષથી વધુ વયના લોકોને જ સામેલ કરવામાં આવ્યા હતા. એ પછી બંને સર્વેમાં 10 વર્ષથી વધુ વયનાં બાળકો પણ સામેલ હતાં. અલગ-અલગ શહેરો અને રાજ્યોએ પોતાના સ્તરે પણ સીરો સર્વે કર્યા છે.

શું ભારતમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત કરવા લાયક વસતિમાં એન્ટિબોડી હાજર છે?
હર્ડ ઈમ્યુનિટી 2 રીતે પ્રાપ્ત થઈ શકે છે. પ્રથમ રીત એ છે કે વધુમાં વધુ વસતિને વેક્સિનેટ કરવામાં આવે. બીજી રીત એ છે કે વસતિનો મોટો હિસ્સો વાયરસથી ઈન્ફેક્ટ થઈને એન્ટિબોડી ડેવલપ કરે. આ બંને પેરામીટર પર જુઓ તો હાલ ભારતમાં હર્ડ ઈમ્યુનિટી ઘણી દૂર છે.

દેશમાં લગભગ 25 કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. આ કુલ વસતિના માત્ર 15% છે. બીજી તરફ, સીરો સર્વેમાં 21% વસતિમાં જ એન્ટિબોડી થવાને સમર્થન મળ્યું છે. કોરોનાની બીજી લહેરમાં આ આંકડો વધ્યો જરૂર હશે, પરંતુ શું આ હર્ડ ઈમ્યુનિટી સુધી પહોંચી શક્યો છે? તેની જાણકારી ચોથા સીરો સર્વેથી જ મળશે.

ચોથો સીરો સર્વે ક્યારે કરવામાં આવી શકે છે?
ICMRએ ચોથા સીરો સર્વે માટે દેશભરના 21 રાજ્યમાંથી 70 જિલ્લા પસંદ કર્યા છે. 16 જૂનથી આસામના કામરૂપ, ઉદલગુડી અને કાર્બી જિલ્લામાં ચોથો સીરો સર્વે શરૂ કરી દેવાયો છે. આની સાથે જ ઓડિશાના પણ ત્રણ જિલ્લામાં સીરો સર્વેનું કામ જારી છે. કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ ફેલાવાની આશંકા વચ્ચે આ સર્વેમાં 6 વર્ષથી મોટાં બાળકોને પણ સામેલ કરવામાં આવશે. એ અગાઉ થયેલા સર્વેમાં માત્ર 10 વર્ષથી વધુ વયનાં બાળકો જ સામેલ કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણ ફેલાવાના મામલાઓને ધ્યાનમાં રાખીને ચોથા સીરો સર્વેનું ફોકસ ગ્રામીણ ક્ષેત્રો પર વધુ હશે.

સીરો સર્વેથી શું ખ્યાલ આવતો નથી?
સીરો સર્વેથી એ તો ખ્યાલ આવી શકે છે કે કેટલા લોકોના શરીરમાં એન્ટિબોડી છે, પરંતુ શું આ એ વાયરસ સામે લડવામાં સક્ષમ છે. એનો ખ્યાલ મેળવી શકાતો નથી. દરેક માણસનું ઈમ્યુનિટી લેવલ અલગ-અલગ હોય છે, તેથી એમ ન કહી શકાય કે જે લોકોમાં પણ એન્ટિબોડી છે તેઓ પણ કોરોનાની વિરુદ્ધ ઈમ્યુન પણ છે.

આ સાથે જ હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે કેટલા ટકા વસતિમાં એન્ટિબોડી હોવા જરૂરી છે, એનો પણ સચોટ આંકડો વિજ્ઞાનીઓ પાસે નથી. સીરો સર્વેથી કેટલા ટકા વસતિમાં એન્ટિબોડી છે, એ તો જાણી શકાય છે પરંતુ શું આ હર્ડ ઈમ્યુનિટી મેળવવા માટે પૂરતું છે એ જાણી શકાતું નથી.