ચિનૂકમાં ફ્યુલ લીક, અમેરિકામાં ઉડ્ડયન પર પ્રતિબંધ:2019માં ઈન્ડિયન એરફોર્સમાં સામેલ થયું, એનાથી થરથરે છે ચીન; શું કરશે ભારત

એક મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે
  • કૉપી લિંક

માર્ચ 2019ઃ ભારતને ચિનૂક હેલિકોપ્ટર્સની પ્રથમ ખેપ મળી.

માર્ચ 2020માં બોઈંગ કંપનીએ ઈન્ડિયન એરફોર્સને 15 ચિનૂક હેલિકોપ્ટર્સની ડિલિવરી પૂરી કરી.

ઓગસ્ટ 2022ઃ અમેરિકાએ ચિનૂક હેલિકોપ્ટર્સના પોતાના સમગ્ર કાફલાને ઉડ્ડયન કરતાં રોકી દીધો છે.

આ ટાઈમલાઈન સાથે ભારત અને અમેરિકાનું ઊંડું જોડાણ છે. વાસ્તવમાં અમેરિકાએ ચિનૂક હેલિકોપ્ટર્સનું ઉડ્યન રોક્યું છે, એને અમેરિકી કંપની બોઇંગ બનાવે છે. ભારતે બોઇંગ પાસેથી આ હેલિકોપ્ટર્સ ખરીદ્યા છે.

આ એક્સપ્લેનરમાં જાણીએ કે આખરે શું છે ચિનૂક હેલિકોપ્ટર, અમેરિકાએ કેમ એના પર લગાવ્યો પ્રતિબંધ, હવે ભારતના ચિનૂક હેલિકોપ્ટર્સનું શું થશે...

શા માટે અમેરિકાએ ચિનૂક હેલિકોપ્ટર પર પ્રતિબંધ મૂક્યો?
યુએસ આર્મીએ એના CH-47 ચિનૂક હેલિકોપ્ટરના સમગ્ર કાફલાને ઊડવા પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકી સેનાનું કહેવું છે કે કેટલાંક ચિનૂક હેલિકોપ્ટરમાં ઇંધણ લીક થવાને કારણે આગ લાગવાના કિસ્સાઓ હતા. એ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

યુએસ આર્મીના પ્રવક્તા સિન્થિયા સ્મિથનું કહેવું છે કે સેનાએ લીકનું કારણ નક્કી કરી લીધું છે. એને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાંક હેલિકોપ્ટરને સમારકામની જરૂર હોતી નથી, તેથી તેઓ ટૂંક સમયમાં ફ્લાઇટ પર પાછાં આવી શકે છે.

ચિનૂક હેલિકોપ્ટરના એન્જિનમાં લાગેલી આગમાં કોઈનું મૃત્યુ કે ઈજા થઈ નથી. સાવચેતી રૂપે, અમેરિકાએ તેના સમગ્ર કાફલાને ઉડ્ડયન પર પ્રતિબંધ મૂક્યો છે.

નિષ્ણાતોના મતે અમેરિકા ચિનૂકની સમસ્યાનો ઉકેલ જસદીથી શોધે એ જરૂરી છે. ચિનૂકની ગેરહાજરી યુએસ સૈન્ય માટે લોજિસ્ટિકલ પડકારો ઊભા કરી શકે છે.

યુએસમાં હાલમાં 400 ચિનૂક્સ છે. જોકે કેટલાં ચિનૂક હેલિકોપ્ટરમાં આગ લાગી એ સ્પષ્ટ નથી.
યુએસમાં હાલમાં 400 ચિનૂક્સ છે. જોકે કેટલાં ચિનૂક હેલિકોપ્ટરમાં આગ લાગી એ સ્પષ્ટ નથી.

ચિનૂક હેલિકોપ્ટર શું છે?

  • ચિનૂક્સ હેવી-લિફ્ટ, મલ્ટી-રોલ હેલિકોપ્ટર છે. એનો ઉપયોગ સૈનિકો, આર્ટિલરી, સાધનો અને બળતણ વહન કરવા અને આપત્તિ બચાવ કામગીરીમાં પણ થાય છે.
  • ચિનૂક્સનો ઉપયોગ નિયમિત અને વિશેષ સૈન્ય દળો દ્વારા કરવામાં આવે છે. તેઓ લશ્કરી કામગીરીમાં ઘણા હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે.
  • એનું નામ અમેરિકાના ઓરેગોન અને વોશિંગ્ટન રાજ્યના ચિનૂક મૂળના લોકોના નામ પરથી રાખવામાં આવ્યું છે.
  • એને અમેરિકન કંપની બોઇંગે બનાવ્યું છે. એનું એન્જિન હનીવેલ ઇન્ટરનેશનલ ઇન્ક દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યું છે.
  • ચિનૂકને વિશ્વનું સૌથી ઝડપી લશ્કરી હેલિકોપ્ટર માનવામાં આવે છે, જેની મહત્તમ ઝડપ 315 કિલોમીટર પ્રતિ કલાક છે.
  • શરૂઆતમાં ચિનૂક 36 મુસાફરને લઈ જવા માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ વિયેતનામ યુદ્ધ દરમિયાન 147 લોકોને એક ચિનૂક પર લાવવામાં આવ્યા હતા.
  • હવે ચિનૂક લગભગ 50 લોકો અને 10 ટન એટલે કે લગભગ 10 હજાર કિલો વજન વહન કરી શકે છે.
  • બોઇંગના જણાવ્યા અનુસાર ભારત, અમેરિકા સહિત વિશ્વના 19થી વધુ દેશો ચિનૂકનો ઉપયોગ કરી રહ્યા છે. યુએસ અને યુકે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ચિનૂક દેશો છે.

ચિનૂક હેલિકોપ્ટર યુએસ સેના માટે શા માટે ખાસ છે?
બે એન્જિનવાળાં ચિનૂક હેલિકોપ્ટર છેલ્લાં 60 વર્ષથી યુએસ આર્મીના હેલિકોપ્ટર કાફલાનો મુખ્ય ભાગ છે. એને વિયેતનામ યુદ્ધ દરમિયાન 1962માં યુએસ આર્મીમાં સામેલ કરવામાં આવ્યું હતું. અમેરિકાએ એને ઇરાક, અફઘાનિસ્તાન અને ગલ્ફ દેશ સહિત એની લગભગ તમામ મોટી સૈન્ય કાર્યવાહીમાં સામેલ કર્યું હતું. ત્યારથી એ ઘણું અપગ્રેડ કરવામાં આવ્યું છે.

ચિનૂક બનાવનારી કંપનીએ શું કહ્યું?
ચિનૂક બનાવનારી બોઈંગ કંપનીએ હજુ સુધી આ મામલે કંઈ કહ્યું નથી. બીજી તરફ, હનીવેલ ઈન્ટરનેશનલ ઈન્ક., જે ચિનૂક એન્જિન બનાવે છે, તેણે કહ્યું હતું કે ઓ-રિંગ્સ તરીકે ઓળખાતા એન્જિનના કેટલાક ઘટકો ડિઝાઈનની વિશિષ્ટતાઓને પૂર્ણ કરતા નથી. એ આ માટે જવાબદાર નથી. જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે તેઓ ક્યાં બનાવવામાં આવ્યાં છે, કોણે ઇન્સ્ટોલ કર્યું?

ભારતીય સેનાએ ચિનૂક હેલિકોપ્ટર ક્યારે ખરીદ્યા?
સપ્ટેમ્બર 2015માં ભારતે US પાસેથી 15 ચિનૂક અને 22 અપાચે હેલિકોપ્ટરની ખરીદી માટે $3 બિલિયન અથવા લગભગ રૂ. 24,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતને 2019માં CH-47F હેલિકોપ્ટરનો પહેલો માલ મળ્યો હતો. માર્ચ 2020માં બોઇંગે ચિનૂક હેલિકોપ્ટરની ડિલિવરી પૂર્ણ કરી. ભારત પાસે કુલ 15 ચિનૂક હેલિકોપ્ટર છે.

ચંદીગઢમાં એક સમારોહમાં માર્ચ 2019માં એને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. એનું એક યુનિટ ચંદીગઢમાં છે, જ્યારે એક યુનિટ આસામમાં મોહનબારી એરબેઝ પર છે.

તોપ જેવાં હથિયારો પણ ચિનૂક હેલિકોપ્ટરથી હજારો ફૂટની ઊંચાઈ સુધી સરળતાથી લઈ જઈ શકાય છે.
તોપ જેવાં હથિયારો પણ ચિનૂક હેલિકોપ્ટરથી હજારો ફૂટની ઊંચાઈ સુધી સરળતાથી લઈ જઈ શકાય છે.

ચીનની સરહદને અડીને આવેલા પર્વતીય વિસ્તારોને એરલિફ્ટ કરવામાં ચિનૂકની મહત્વપૂર્ણ ભૂમિકા છે
લદાખ અને સિયાચીન ગ્લેશિયર જેવા વિસ્તારોમાં એરલિફ્ટ કામગીરી માટે ચિનૂક હેલિકોપ્ટર સૌથી મહત્ત્વપૂર્ણ લશ્કરી સાધન તરીકે ઊભરી આવ્યાં છે. એના આગમન સાથે ભારતીય સેનાની અત્યંત ઊંચાઈ પર અને ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં કામ કરવાની ક્ષમતામાં વધારો થયો છે.

આ હેલિકોપ્ટર હિમાલયની ખીણો જેવા મુશ્કેલ વિસ્તારોમાં M777 હોવિત્ઝર જેવી બંદૂકો પણ ઝડપથી પહોંચાડી શકે છે. ખાસ કરીને ચીનની સરહદે આવેલા પર્વતીય વિસ્તારોમાં. ઉપરાંત એ 10 હજાર કિલો વજન વહન કરી શકે છે. અગાઉ ભારતીય વાયુસેના આ કામ માટે રશિયન Mi-26 હેલિકોપ્ટર પર નિર્ભર હતી.

ચિનૂક ઉત્તર-પૂર્વમાં બોર્ડર રોડ પ્રોજેક્ટ્સમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં પણ ખૂબ મદદરૂપ સાબિત થયાં છે. ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરે આ વર્ષે એપ્રિલમાં ભારતમાં સૌથી લાંબી નોન-સ્ટોપ હેલિકોપ્ટર ઉડાનનો રેકોર્ડ બનાવ્યો હતો. ચંદીગઢ અને જોરહાટ વચ્ચેના ઓપરેશન ટ્રેનિંગ ટાસ્ક દરમિયાન ચિનૂકે 7.5 કલાકમાં 1910 કિમી ઉડાન ભરી હતી.

અમેરિકાના પ્રતિબંધ બાદ પણ ભારતીય વાયુસેના ચિનૂક ઉડાવશે
31 ઓગસ્ટે જારી કરાયેલા એક નિવેદનમાં ભારતીય વાયુસેનાએ કહ્યું- 'ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટર પહેલાંની જેમ જ ઉડાન ભરી રહ્યાં છે... તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. અમને જે જાણવા મળ્યું એ છે કે કેટલાંક હેલિકોપ્ટરના એન્જિનમાં આગ લાગવાની ઘટનાઓને પગલે યુએસએ તેના ચિનૂક કાફલાની ફ્લાઇટને સ્થગિત કરી દીધી છે. આ હેલિકોપ્ટરને ઓવરહોલિંગ અને વધુ જાળવણી માટે મોકલવામાં આવ્યાં છે.

રિટાયર્ડ એર વાઈસ માર્શલ મનમોહન બહાદુરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું- 'ભારતીય વાયુસેના હજુ પણ ચિનૂક ઉડાવી રહી છે, આનો અર્થ એ થયો કે જે ટેક્નિકલ સમસ્યાઓ અમેરિકન હેલિકોપ્ટરને અસર કરી રહી છે એ સમસ્યા ભારતીય હેલિકોપ્ટરની નથી. જોકે એ નિશ્ચિત છે કે ભારતીય વાયુસેના આ હેલિકોપ્ટરના નિર્માતા સાથે વાત કરશે અને અમેરિકન હેલિકોપ્ટરના સુધારા પર નજર રાખશે.

અમેરિકાના રિપોર્ટ બાદ સુરક્ષાનાં કારણોસર ચિનૂકને હટાવવા પડ્યાં તો શું થશે?
નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય વાયુસેના માટે ચિનૂકને પાછું ખેંચવું એ કોઈ મોટો મુદ્દો નથી, કારણ કે તેની પાસે રશિયન Mi-17s હેલિકોપ્ટર્સનો મોટો કાફલો છે, જે ચિનૂકથી ઓછા ઊતરે એમ નથી.

તમે સંપૂર્ણ સમાચાર વાંચી લીધા છે, તો ચાલો પોલમાં સામેલ થઈએ: