ભાસ્કર એક્સપ્લેનર:કઈ વેક્સિન સૌથી સારી- કોવિશિલ્ડ, કોવેક્સિન કે સ્પુતનિક V? જાણો તેના વિશે બધુ જ

રવિન્દ્ર ભજનીએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • આ ત્રણેય વેક્સિન કોરોનાના ગંભીર લક્ષણોથી બચાવે છે અને મૃત્યુ રોકવામાં 100% ઈફેક્ટિવ છે
 • વેક્સિનના બે ડોઝ લેવાથી શરીરમાં એટલા એન્ટિબોડી બની ગયા હોય છે કે કોરોના ઇન્ફેક્શન થવા પર તેની સામે લડી શકે છે

કોરોનાની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. તેને કાબુમાં કરવા માટે વહેલી તકે તમામ લોકોને વેક્સિનેટ કરવાની દિશામાં 1મેથી 18+ને વેક્સિન આપવાની શરૂઆત થઈ ચૂકી છે. ઘણા રાજ્યોમાં ડોઝના અભાવે તે આગામી 1-2 દિવસમાં શરૂ થશે. જે વેક્સિન અવેલેબલ છે અથવા જેના ઓપ્શન છે તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. તેવામાં એ ચર્ચાએ વેગ પકડ્યો છે કે કોવિશિલ્ડ, કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-Vમાંથી કઈ બેસ્ટ છે?

રિપોર્ટ પ્રમાણે આ ત્રણેય વેક્સિન ભારતમાં કોરોના વિરુદ્ધ રસીકરણ અભિયાનમાં સામેલ થશે. કોવિશિલ્ડ અને કોવેક્સિનનો ઉપયોગ 16 જાન્યુઆરીએથી થઈ રહ્યો છે. સારી વાત એ છે કે આ ત્રણેય વેક્સિન કોરોનાના ગંભીર લક્ષણોથી બચાવે છે અને મૃત્યુ રોકવામાં 100% ઈફેક્ટિવ છે. આ જ કારણે દુનિયાભરના વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે જે પણ વેક્સિન અવેલેબલ હોય તે લઈ લેવી જોઈએ. તમારો જીવ બચાવવા માટે તે જરૂરી છે. તો પણ ત્રણેય વેક્સન અંગે તમારી પાસે માહિતી હોય તે જરૂરી છે.

ત્રણેય વેક્સિનમાંથી કઈ વેક્સિન બેસ્ટ છે?

 • ત્રણેય વેક્સિન સારી છે. જે પણ અવેલેબલ હોય તે લઈ લો. ભારતમાં કોરોના વાઈરસ રસીકરણ અભિયાનમાં 16 જાન્યુઆરીથી જ કોવેક્સિન અને કોવિશિલ્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. કોવેક્સિન સંપૂર્ણ રીતે ભારતમાં વિકસિત થઈ રહી છે. કોવિશિલ્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાએ મળી ડેવલપ કરી છે. તેને પુણેની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા બનાવી રહી છે.
 • તો 1 મેથી કોરોના વિરુદ્ધના યુદ્ધમાં ભારત પહોંચેલી રશિયાની વેક્સિન સ્પુતનિક-Vને મોસ્કોની ગામાલેયા ઈન્સ્ટિટ્યુટે રશિયન ડેવલપમેન્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે મળી બનાવી છે. ભારતમાં હૈદરાબાદની ડૉ. રેડ્ડી લેબોરેટરીની નજર હેઠળ 6 કંપનીઓ તેનું પ્રોડક્શન શરૂ કરશે. શરૂઆતમાં 1.25 કરોડ ડોઝ ઈમ્પોર્ટ થવાના છે.
 • આ ત્રણેય વેક્સિનમાં કેટલીક અસમાનતા પણ છે અને લાભ પણ. તે પરસ્પર તેમને એકબીજાથી અલગ બનાવે છે. કોવિશિલ્ડ દુનિયાની સૌથી લોકપ્રિય વેક્સિનમાંથી એક છે. તેનો ઉપયોગ મોટા ભાગના દેશમાં થઈ રહ્યો છે. WHOએ પણ તેના ઉપયોગ માટે મંજૂરી આપી છે. કોવેક્સિન હાલ ભારતમાં ઉપયોગમાં લેવાઈ રહી છે. તે મ્યુટન્ટ સ્ટ્રેન્સ વિરુદ્ધ સૌથી પ્રભાવી અને અસરદાર વેક્સિન સાબિત થઈ રહી છે. આ રીતે સ્પુતનિક-Vને પણ ભારત સહિત 60થી વધારે દેશોએ મંજૂરી આપી છે.

આ વેક્સિન કેવી રીતે ડેવલપ થઈ?

 • કોવેક્સિનને પારંપરિક ઈનએક્ટિવેટેડ પ્લેટફોર્મ પર ડેવલપ કરાઈ છે. અર્થાત તેમાં ડેડ વાઈરસ શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. તેનાથી એન્ટિબોડી રિસ્પોન્સ બને છે અને શરીર વાઈરસની ઓળખ અને તેનાથી લડવા માટે એન્ટિબોડી બનાવે છે.
 • કોવિશિલ્ડ એક વાઈરલ વેક્ટર વેક્સિન છે. તેમાં ચિમ્પાન્ઝીમાં મળી આવતા એડેનોવાઈરસ ChAD0x1નો ઉપયોગ કરી કોરોના વાઈરસ જેવો જ સ્પાઈક પ્રોટીન બનાવાયો છે. તે શરીરમાં જઈને કોરોના વિરુદ્ધ પ્રોટેક્શન આપે છે.
 • સ્પુતનિક-V પણ એક વાઈરલ વેક્ટર વેક્સિન છે. તેને 1 નહિ બલકે 2 વાઈરસથી ડેવલપ કરવામાં આવી છે. તેના બંને ડોઝ અલગ અલગ છે. જ્યારે કોવેક્સિન અને કોવિશિલ્ડના બંને ડોઝ એકકસરખા છે.
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝને હૈદરાબાદમાં સ્પુતનિક-Vના 1.5 લાખ ડોઝનો પ્રથમ કન્સાઈનમેન્ટ શનિવારે મળ્યો. મેના અંત સુધી 30 લાખ ડોઝ આવી જશે.
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝને હૈદરાબાદમાં સ્પુતનિક-Vના 1.5 લાખ ડોઝનો પ્રથમ કન્સાઈનમેન્ટ શનિવારે મળ્યો. મેના અંત સુધી 30 લાખ ડોઝ આવી જશે.

કેટલા ડોઝ કેટલા અઠવાડિયાંના અંતરે લેવા પડશે?

 • ત્રણેય વેક્સિનના બંને ડોઝ લેવાના છે. અર્થાત ઈમ્યુન રિસ્પોન્સ માટે 2 ડોઝ લેવા પડશે. આ વેક્સિન ઈન્ટ્રામસ્ક્યુલર છે. અર્થાત તેને ખભા પાસે હાથ પર ઈન્જેક્ટ કરવામાં આવે છે.
 • કોવાક્સિનના બે ડોઝ 4થી 6 અઠવાડિયાંના અંતરે આપવામાં આવે છે. કોવિશિલ્ડના બે ડોઝ 6-8 અઠવાડિયાંના અંતરે આપવામાં આવી રહ્યા છે. તેમજ, સ્પુતનિક Vના બે ડોઝ વચ્ચે ત્રણ અઠવાડિયાં એટલે કે 21 દિવસનું અંતર રાખવામાં આવી રહ્યું છે.
 • શરૂઆતમાં ભારતમાં કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 4-6 અઠવાડિયાંનું અંતર રાખવામાં આવતું હતું. પરંતુ ટ્રાયલ્સમાં બહાર આવ્યું છે કે, કોવિશિલ્ડનો બીજો ડોઝ આપવામાં જેટલું અંતર રાખવામાં આવે છે તેની ઇફેક્ટિવનેસ એટલી જ વધી જાય છે.
 • આ ત્રણેય વેકિસન ભારતના મેડિકલ સેટઅપ માટે યોગ્ય છે. તેને 2થી 8 ડિગ્રી સેલ્શિયસ તાપમાને સંગ્રહિત કરી શકાય છે. તેની તુલનામાં ફાઇઝર અને મોડર્નાની mRNA (મેસેન્જર આરએનએ) વેક્સિનને સ્ટોર કરવા માટે -70 ડિગ્રી સેલ્શિયસ જરૂરી હોય છે.

આ વેક્સિન કેટલી ઇફેક્ટિવ છે?

 • જ્યારે વાત ઇફેક્ટિવનેસની આવે છે તો આ ત્રણેય વેક્સિન બહુ ઇફેક્ટિવ હોય છે. ત્રણેય WHOના ધોરણોને પૂર્ણ કરે છે. હજી પણ ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી ડેટા આવી રહ્યો છે અને આ વેક્સિનની અસર વિશેના અભ્યાસ ચાલુ છે.
 • ગયા વર્ષે નવેમ્બરમાં કોવિશિલ્ડના ટ્રાયલ્સ પૂરા થઈ ગયા હતા. તેની એફિકેસી એટલે કે ઇફેક્ટિવનેસ રેટ 70% છે, જે ડોઝનો તફાવત વધારવામાં આવે ત્યારે વધે છે. આ વેક્સિન ગંભીર લક્ષણોને તો અટકાવે જ છે પણ સાથે રિકવરી સમય પણ ઘટાડે છે.
 • કોવેક્સિનના ટ્રાયલ પણ આ જ વર્ષે થયા હતા. એપ્રિલમાં આવેલા બીજા વચગાળાના પરિણામોમાં તે 78% ઇફેક્ટિવ સાબિત થઈ છે. ખાસ વાત એ છે કે આ વેક્સિન ગંભીર લક્ષણોને રોકવામાં અને મૃત્યુ ટાળવા માટે 100% ઇફેક્ટિવ છે.
 • સ્પુતનિક V એ આ સ્કેલ પર ભારતની સૌથી અસરકારક રસી છે. મોડર્ના અને ફાઇઝરની mRNA વેક્સિન જ 90% વધુ ઇફેક્ટિવ સાબિત થઈ છે. ત્યારબાદ સ્પુતનિક V સૌથી વધુ ઇફેક્ટિવ 91.6% રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 માર્ચે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ ફોટો 8 એપ્રિલનો છે જ્યારે તેમણે બીજો ડોઝ લીધો હતો. તેમણે ડોઝ ત્યારે લીધો જ્યારે કોવેક્સિનના ટ્રાયલ્સના આંકડા સામે નહોતા આવ્યા અને તેની અસર પર શંકા હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 માર્ચે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આ ફોટો 8 એપ્રિલનો છે જ્યારે તેમણે બીજો ડોઝ લીધો હતો. તેમણે ડોઝ ત્યારે લીધો જ્યારે કોવેક્સિનના ટ્રાયલ્સના આંકડા સામે નહોતા આવ્યા અને તેની અસર પર શંકા હતી.

આ વેક્સિનની કિંમત અને ઉપલબ્ધતાની શું સ્થિતિ છે?

 • કોવેક્સિન અને કોવિશિલ્ડ ટૂંક સમયમાં ખુલ્લા બજારમાં ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારો પણ અહીંથી ખરીદીને તેનો ઉપયોગ કરી શકશે. તેમજ, સ્પુતનિક V ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થવાના સંકેત છે.
 • સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રાજ્ય સરકારો માટે કોવિશિલ્ડના એક ડોઝની કિંમત 300 રૂપિયા અને ખાનગી હોસ્પિટલો માટે 600 રૂપિયા નક્કી કર્યા છે. તેમજ, કોવેક્સિન થોડી મોંઘી છે. તે રાજ્ય સરકારોને 400 રૂપિયામાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ડોઝ દીઠ 1,200 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
 • તો બીજી તરફ સ્પુતનિક V ડેવલપ કરવામાં મદદ કરનારા RDIFના પ્રમુખ દિમિત્રેવના જણાવ્યા પ્રમાણે, આ વેક્સિન 10 ડોલર એટલે કે 700 રૂપિયામાં મળશે. હાલ તેને રાજ્ય સરકારો અને પ્રાઈવેટ હોસ્પિટલને કઈ કિંમતે આપશે તે વિશે કોઈ ચોખવટ કરી નથી.
 • જો કે, આ વેક્સિન માટે તમારા ખિસ્સામાંથી કેટલા રૂપિયા જશે તે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિ સાથે તમારા નિર્ણય પર નિર્ભર કરશે કે તે પ્રાઇવેટમાંથી રસી લેવા માગો છો કે પછી સરકાર પાસેથી. અત્યાર સુધી 24 રાજ્યો જાહેર કરી ચૂક્યા છે કે તેઓ 18+ નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપશે.

નવા વેરિઅન્ટ પર આ વેક્સિન કેટલી અસરકારક છે?
કોરોના વાઈરસના ઘણા નવા મ્યુટન્ટ સ્ટ્રેન્સ ઘણા દેશોમાં છે. યુકે, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રીકન સ્ટ્રેન સાથે જ ડબલ મ્યુટન્ટ અને ટ્રિપલ મ્યુટન્ટ સ્ટ્રેન ઘણા દેશોમાં મળ્યા છે. આ મ્યુટન્ટે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. અત્યાર સુધી એક વાત જ સાબિત થઇ છે કે કોવેક્સિન આ દરેક વેરિઅન્ટ વિરુદ્ધ અસરકારક છે.

કોવિશિલ્ડ અને સ્પુતનિક Vને લઈને હજુ સુધી આવો કોઈ દાવો કે પછી સ્ટડી સામે આવી નથી. એ પછી એક્સપર્ટનું માનવું છે કે, આપણે પાસે જે પણ અવેલેબલ છે, તે વેક્સિનના ડોઝ લેવા જરૂરી છે. આ રીતે તમે નવા મ્યુટન્ટ સ્ટ્રેન્સ અને વેરિઅન્ટને ફેલાતો રોકી શકશો.

ભારતમાં કોવિશિલ્ડ બનાવી રહેલી SII (સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા)એ જ્યારે પ્રથમ વખત વેક્સિન બહાર કાઢી તો કંપનીના CEO અદાર પૂનાવાલાએ તેની સાથે ફોટો પડાવ્યો હતો.
ભારતમાં કોવિશિલ્ડ બનાવી રહેલી SII (સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા)એ જ્યારે પ્રથમ વખત વેક્સિન બહાર કાઢી તો કંપનીના CEO અદાર પૂનાવાલાએ તેની સાથે ફોટો પડાવ્યો હતો.

આ વેક્સિનની સાઈડ ઈફેક્ટ શું છે?
ત્રણેય વેક્સિનની સાઈડ ઈફેક્ટ એક જેવી છે. ઈન્જેક્શનની જગ્યાએ દુખાવો, સોજો સામાન્ય વાત છે. આ સાથે માઈલ્ડ તાવ, માઈલ્સ શરદી-ઉધરસ, માથાનો દુખાવો અને હાથ-પગનો દુખાવો પણ થઇ શકે છે. ડૉક્ટરના સંપર્કમાં રહેવું અને સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ.

કયા લોકોએ કઈ વેક્સિન ના લેવી જોઈએ અને કેમ?
જે લોકોને કોઈ પણ ખાદ્ય પદાર્થ કે દવાની એલર્જી છે, તેમણે વેક્સિન ના લેવી જોઈએ. ડૉક્ટરની સલાહ પછી જ નિર્ણય લેવો જોઈએ. પ્રથમ ડોઝ લીધા પછી કોઈ તકલીફ થાય તો બીજો ડોઝ લેતા પહેલાં થોડી રાહ જોવી. ડૉક્ટર સાથે વાત કરવી, પછી જ નક્કી કરવું.

જે લોકોને મોનોક્લોનલ એન્ટિબોડી કે પ્લાઝ્મા થેરપી આપવામાં આવી છે, તેમણે હાલ વેક્સિન ના લેવી જોઈએ. જે લોકોમાં પ્લેટલેટ્સ ઓછા છે કે સ્ટેરોઈડની સારવાર લીધી હોય તેમને વેક્સિન લીધા પછી ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવી રહેલી મહિલાઓને વેક્સિન લેવાની ના પાડવામાં આવી છે. જે લોકોમાં કોરોનાનાં લક્ષણો છે અને સંપૂર્ણ રીતે રિકવર થયા નથી તેમને પણ થોડા સમય પછી વેક્સિન લેવાની સલાહ આપવામાં આવી છે.

આ વેક્સિનની અસર કેટલા દિવસ સુધી રહેશે?
ખબર નથી. આ બધી વેક્સિન ઘણા ઓછા સમયમાં બની છે. આ કેટલા દિવસ અસરકારક રહેશે તેના ટ્રાયલ્સ થયા નથી. આ કારણે કહેવું મુશ્કેલ છે કે કેટલા સમય સુધી તેની અસર રહેશે. તેમ છતાં અમુક એક્સપર્ટનો દાવો છે કે કોરોના વિરુદ્ધ બનેલા એન્ટિબોડી ઓછામાં ઓછા 9 થી 12 મહિના સુધી ઈફેક્ટિવ રહેશે. ફાઈઝરની વેક્સિન લીધી હોય તેમને વર્ષમાં ત્રીજો ડોઝ લેવાની જરૂર પડી શકે છે. હાલ માત્ર એટલી જ જાણકારી છે કે આ વેક્સિન અત્યારના સંકટથી દૂર રાખવામાં અસરકારક છે.

અને છેલ્લે...
સારી વાત એ છે કે, ત્રણેય વેક્સિન કોરોનાના ગંભીર લક્ષણો અને મૃત્યુ રોકવામાં પૂરી રીતે સક્ષમ છે. બે ડોઝ લેવાથી શરીરમાં એટલા એન્ટિબોડી બની ગયા હોય છે કે કોરોના ઇન્ફેક્શન થવા પર તેની સામે લડી શકે છે. જો બે ડોઝ લીધા પછી પણ સંક્રમિત થશો તો સામાન્ય શરદી-ઉધરસ થશે અને ઓછા દિવસમાં સ્વસ્થ થઇ જશો.