ભાસ્કર એક્સપ્લેનર:આ 7 કારણોથી યુક્રેનને 1 મહિના પછી પણ જીતી ન શક્યું રશિયા, યુક્રેનને ઓછું આંકીને પુતિને કરી ભૂલ?

10 મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે
 • કૉપી લિંક
યુક્રેનની સેનાના વળતા જવાબમાં નષ્ટ થયેલી રશિયન ટેન્ક. - Divya Bhaskar
યુક્રેનની સેનાના વળતા જવાબમાં નષ્ટ થયેલી રશિયન ટેન્ક.

યુક્રેન વિરુદ્ધ લડાઈ શરૂ થવાના એક મહિના પછી પણ રશિયા અત્યાર સુધી આ યુદ્ધને જીતી શક્યું નથી. શરૂમાં માનવામાં આવતું હતું કે રશિયન સેના થોડા જ દિવસોમાં યુદ્ધ જીતી લેશે, પરંતુ આ યુદ્ધ એક મહિનાથી વધુ ચાલવા છતાં હાલ રશિયા વિજેતા બનવાની સ્થિતિમાં નથી. યુક્રેન વિરુદ્ધ જેમ જેમ યુદ્ધ લાંબુ થતું જાય છે, તેમ તેમ રશિયન સેનાની ક્ષમતા અને રણનીતિ બંને વિશએ સવાલો ઉઠવા લાગ્યા છે.

એવામાં ચાલો સમજીએ કે આખરે શું છે રશિયા યુક્રેનમાં એક મહિના પછી પણ યુદ્ધ ન જીતી શકવાનું કારણ? શું છે એ 7 મુખ્ય કારણો, જેનાથી રશિયા સામે અડગ છે યુક્રેન?

સમાચારમાં આગળ વધતા પહેલા ચાલો આ પોલમાં સામેલ થઈએઃ

1. રશિયાનો સેના પર ઓછો ખર્ચ
​​​​​​​
રશિયા ભલે દુનિયાના સુપરપાવરમાં સામેલ છે, પરંતુ સંરક્ષણ પર ખર્ચ કરવાના મામલે તે અમેરિકા, ચીન અને ભારતથી પણ પાછળ છે. સંરક્ષણ પર ઓછા ખર્ચનો મતલબ છે કે સેનાના આધુનિકીકરણમાં ઘટાડો.

 • સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ એટલે કે SIPRIના રિપોર્ટ અનુસાર, 2021માં દુનિયામાં સૌથી વધુ સંરક્ષણ બજેટ અમેરિકાનું હતું, જેણે 2021માં સેના પર 778 બિલિયન ડોલર ખર્ચ કર્યા.
 • બીજા નંબર પર ચીન રહ્યું, જેણે સેના પર 253 અબજ ડોલર ખર્ચ કર્યા. ત્રીજા નંબર પર ભારત રહ્યું, જેણે સેના પર 72.9 અબજ ડોલર ખર્ચ કર્યા.
 • જ્યારે સેના પર ખર્ચના મામલે રશિયા ચોથા નંબર પર રહ્યું અને એ દરમિયાન તેણે પોતાની સેના પર 61.7 અબજ ડોલર ખર્ચ કર્યા.
 • રશિયાની સુપરપાવરની ઈમેજને જોતા તેણે પોતાના માટે પોતાની સેના પર ખર્ચ વધુ વધારવાની આવશ્યકતા છે, જેનાથી તે યુક્રેન જેવા યુદ્ધની સ્થિતિમાં નબળું ન પડે.

2. યુક્રેન સામે આકાશી યુદ્ધમાં જીતી શકી નથી રશિયન એરફોર્સ
​​​​​​​​​​​​​​
યુદ્ધ શરૂ થવાના એક મહિના પછી પણ રશિયન એરોસ્પેસ ફોર્સિસ, જેને VKS કહે છે, યુક્રેનના આકાશ પર એર સુપરિયોરિટી એટલે કે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી શકી નથી. એર સુપરિયોરિટીનો અર્થ થાય છે-કોઈ દેશના હવાઈ વિસ્તાર પર એ પ્રકારનું પ્રભુત્વ સ્થાપિત કરવું, જેમાં વિરોધી સેનાના પ્રતિકારની સંભાવના નહીંવત્ રહે.

આમ તો રશિયાએ છેલ્લા દાયકામાં પોતાની હવાઈ ક્ષમતા વધારવા માટે દુનિયાના સૌથી ઉત્તમ ફાઈટર પ્લેનમાં સામેલ સુખોઈ-30, સુખોઈ-35 અને સુખોઈ-34 જેવા ફાઈટર પ્લેન માટે અબજો ડોલર નાખ્યા છે. પરંતુ સવાલ એ છે કે આકાશ પર તેમ છતાં રશિયન સેના પોતાનું પ્રભુત્વ કેમ જમાવી શકી નથી?

 • એક્સપર્ટ્સના અનુસાર, પુતિનને લાગ્યું હતું કે યુક્રેનની વિરુદ્ધ યુદ્ધ જીતવા માટે રશિયન એરફોર્સની આવશ્યકતા જ નહીં રહે. આ સાથે જ રશિયા ઈચ્છતું નથી કે તેના વિમાનો અને પાયલટ્સને વધુ નુકસાન પહોંચે.
 • રશિયન વાયુસેનાના અપૂરતા ઉપયોગે યુક્રેન એરફોર્સ અને એર ડિફેન્સને તુર્કીમાં બનેલા TB-2 જેવા ડ્રોનની મદદથી જોરદાર જવાબી કાર્યવાહીનો મોકો આપ્યો. આનાથી યુક્રેને અનેક રશિયન મિસાઈલ લોન્ચર અને ટેન્કો તોડી પાડી.
 • એવું મનાય છે કે રશિયન એરફોર્સની પાસે પ્રિસિશન ગાઈડેડ મ્યુનિશન (PGM) એટલે કે હવામાંથી છોડી શકાય એવા બોમ્બ કે ગ્રેનેડ્સની અછત છે. રશિયાએ આ હથિયારોને મોટી માત્રામાં સીરિયાના ગૃહ યુદ્ધમાં બશર અલ-અસદની મદદ માટે આપ્યા, જેનાથી તેની પાસે તેની અછત થઈ છે.
 • જાણકારોના મતે રશિયન પાયલટ્સને પોતાના હરીફોની તુલનામાં દર વર્ષે ઉડ્ડયન માટે ઓછા કલાકો મળે છે, એ જ કારણ છે કે રશિયન એરફોર્સ કાગળો પર જેટલી મજબૂત છે, યુદ્ધના મેદાનમાં એટલી મજબૂત લડાઈ લડી શકતી નથી.

3. રશિયાની યોજના અને સેનાની ટ્રેનિંગમાં ખામી
યુક્રેનની વિરુદ્ધ યુદ્ધ શરૂ થયા પછીથી જ રશિયન સેના માટે એક સૌથી મોટો મુદ્દો તેની યોજનાઓમાં ખામી તરીકે સામે આવ્યો છે.

 • એક્સપર્ટ્સ માને છે કે રશિયન સેનાને યુદ્ધ શરૂ થયા પછી પણ એ જણાવાયું નહોતું કે તેમને જવાનું ક્યાં છે અને તેથી પ્રથમ મોકો મળતા જ તેઓ સરેન્ડર કરી રહ્યા છે.
 • વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર, યુક્રેનની વિરુદ્ધ લડાઈના પ્રથમ બે સપ્તાહોમાં રશિયાના 5-6 હજાર સૈનિકો માર્યા ગયા- એટલે કે લગભગ 400 સૈનિકો દરરોજ.
 • 1945 પછીથી દુનિયામાં ક્યાંય પણ રશિયન સેનાને એટલું નુકસાન થયું નથી. અફઘાનિસ્તાન સાથે સોવિયેત રશિયાના યુદ્ધ દરમિયાન પણ દરરોજ સરેરાશ 5 રશિયન સૈનિકોનાં જ મોત થયા હતા.
 • ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, યુક્રેનની વિરુદ્ધ યુદ્ધના એક મહિનાની અંદર 7000થી વધુ સૈનિકો માર્યા ગયા છે. આ સંખ્યા અમેરિકાના ઈરાક અને અફઘાનિસ્તાનની સાથે લગભગ બે દાયકા દરમિયાન લડાઈમાં માર્યા ગયા તેના સૈનિકોની કુલ સંખ્યાથી પણ વધુ છે.
 • રશિયન સેના પાસે બટાલિયન ટેક્ટિકલ ગ્રૂપ (BTG)ના નામથી ફેમસ એક ખાસ સૈનિક ગ્રૂપ છે. દરેક BTGમાં 600-800 સૈનિકો હોય છે, જે એર ડિફેન્સ, તોપખાના, એન્જિનિયરો અને લોજિસ્ટિક્સથી સજ્જ હોય છે. BTG એવું ગ્રૂપ છે, જે દુશ્મન સાથે કોઈપણ વિસ્તારમાં ટક્કર લઈ શકે છે.
 • રિપોર્ટ્સ અનુસાર, રશિયન સેનામાં 170 BTG છે, જેમાંથી યુક્રેન યુદ્ધમાં ઉતારવામાં આવ્યા છે પરંતુ BTGની આક્રમકતાનો ફાયદો રશિયન સેના ઉઠાવી શકી નથી.
 • યુદ્ધના પ્રારંભિક દિવસોમાં BTGના સૈનિકોને યુક્રેનમાં પ્રવેશના માર્ગો, રણનીતિના ઉદ્દેશ, મિશનના લક્ષ્ય અને સૈનિકોની જવાબદારીઓ જેવી યોજનાઓ વિશે જણાવાયું નહોતું.
 • રશિયન સેના લાંબા યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર જ નહોતી અને લાંબા યુદ્ધ માટે સપ્લાઈ લાઈનની યોગ્ય વ્યવસ્થા વિના જ રશિયન સૈનિકો એક સાથે અનેક મોરચા પર ફસાઈ ગયા.

​​​​​​​4. લોજિસ્ટિક્સ અને સપ્લાઈ લાઈન​​​​​​​
યુક્રેનની સેનાએ આ યુદ્ધમાં સૌથી વધુ નિશાન રશિયાની લોજિસ્ટિક્સ અને સપ્લાઈ લાઈનને બનાવી છે. આ કારણથી પણ યુદ્ધમાં હાવિ થવામાં રશિયાને ખાસ્સી મુશ્કેલીઓ સામે આવી છે.

 • રિપોર્ટ્સ અનુસાર, યુક્રેન 60 રશિયન ફ્યુલ ટેન્કો નષ્ટ કરી ચૂક્યું છે અને તેણે ખૂબ જ વ્યૂહાત્મક રીતે રશિયાની લોજિસ્ટિક્સ સપ્લાઈ ચેઈન પર હુમલો કર્યો છે. તેનાથી રશિયા પોતાના સૈનિકોને એ ઝડપથી મદદ પહોંચાડી રહ્યું નથી, જેટલી યુદ્ધમાં હાવિ થવા માટે જરૂરી છે.
 • એક્સપર્ટ્સના અનુસાર, આ જ કારણ છે કે કીવમાં રશિયન ટેન્કોનો લાંબો કાફલો હોવા છતાં રશિયા રાજધાની પર કબજો કરી શક્યું નથી. કેમકે તેની મોટાભાગની ટેન્કોમાં ઈંધણ જ નહોતું.
 • લોજિસ્ટિક્સ કે રસદનો સેનાના મામલે અર્થ સેનાઓ માટે ઈંધણ અને હથિયાર વગેરે પહોંચાડવા અને ટ્રાન્સપોર્ટ વગેરેની વ્યવસ્થા કરવાનો છે.
 • સપ્લાઈ લાઈન મિલિટરી સપ્લાઈ વાહનોની એક મોટી લાઈન હોય છે, જે સામાન્ય રીતે કાફલા તરીકે ચાલે છે. સપ્લાઈ લાઈન દ્વારા સૈનિકો માટે ભોજન, મેડિકલ સપ્લાઈ અને દારૂગોળો લઈ જાય છે.
 • દેશની બહાર યુદ્ધ કરી રહેલા સૈનિકો માટે સપ્લાઈ લાઈન મહત્વપૂર્ણ હોય છે અને તે ખતમ થવા પર સેના યુદ્ધમાં ટકી શકતી નથી. આથી દુશ્મન સેના સૌપ્રથમ સપ્લાઈ લાઈનને નિશાન બનાવે છે.

5. પુતિને યુક્રેનને ઓછું આંક્યુ?
અનેક જાણકારોના મતે પોતાનાથી 30 ગણા નાના દેશને લેઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો અંદાજ ખોટો સાબિત થયો.

 • પુતિનને એ વાતનો અંદાજ પણ નહોતો કે તેમના સૈનિકોને યુક્રેનની સેના તરફથી આટલી જોરદાર ટક્કર મળશે.
 • પુતિનનું માનવું હતું કે તેમની સેના થોડા જ કલાકો કે દિવસોમાં યુક્રેન પર કબજો કરી લેશે પરંતુ એક મહિના પછી પણ ટૂંક સમયમાં એવું બનવાના આસાર નથી.
 • પુતિનને આશા હતી કે યુદ્ધ શરૂ થવા પર યુક્રેનમાં 80 લાખની રશિયન મૂળના લોકોની વસતીના કારણે રશિયન સૈનિકોનું યુક્રેનમાં સ્વાગત થશે અને આ જ કારણથી ખાર્કીવ અને ઓડેશા જેવા શહેર સૌપ્રથમ સમર્પણ કરી દેશે. પરંતુ તેનાથી ઉલટું યુક્રેનના લોકોએ રશિયાના હુમલાનો ભરપૂર વિરોધ કર્યો.

6. યુક્રેનના લોકોનું મનોબળ સેના અને રાષ્ટ્રપતિની રણનીતિ

 • રશિયન હુમલા પછીથી જ યુક્રેનમાં સૈનિકોની સાથે જ સામાન્ય લોકો પણ રશિયાનો શક્ય એટલો વિરોધ કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં યુક્રેનના નાગરિકોએ લડાઈ માટે હથિયારો પણ ઉઠાવી રહ્યા છે.
 • નેશનલ ગાર્ડ ઓફ યુક્રેનના અનુસાર, રશિયાના યુક્રેન પરના હુમલા પછીથી યુક્રેન સેનાની વોલિન્ટિયર બ્રાંચ સાથે લગભગ 1 લાખથી વધુ યુક્રેનના નાગરિકો જોડાયેલા છે.
 • યુદ્ધ શરૂ થયા પછી એક રશિયન ટેન્કની સામે ઊભેલા એક એકલા યુક્રેનના શખ્સની તસવીર સમગ્ર દુનિયામાં વાયરલ થઈ છે. આ તસવીર શક્તિશાળી રશિયાની સામે યુક્રેનના લોકોનાં મનોબળનો પુરાવો છે.
 • આ લડાઈમાં યુક્રેનની સેનાની રણનીતિની સાથે જ તેના મનોબળે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે, જેનો તેને ફાયદો પણ મળ્યો. ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, યુદ્ધમાં રશિયાની તુલનામાં યુક્રેનના 50% સૈનિકો જ માર્યા ગયા છે.
 • યુક્રેનના સૈનિકોએ હવાથી લઈને જમીન પરની લડાઈ સુધીમાં પોતાના સંસાધનોનો રશિયાની તુલનામાં સારો ઉપયોગ કર્યો છે.
 • લડાઈ શરૂ થતા પહેલા અને શરૂ થયા પછી સુધી, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી ખડકની જેમ અડગ નજરે પડ્યા છે. આ સાથે જ ઝેલેન્સ્કીએ ખૂબ સમજદારીથી પશ્ચિમ પાસેથી મદદ માગવાથી લઈને, દુનિયાને રશિયાની નિર્દયતા દર્શાવવામાં સફળ રહ્યા છે.

7. અમેરિકા, પશ્ચિમી દેશોની મદદ
​​​​​​​અમેરિકા, NATO અને યુરોપિયન દેશો ભલે લડાઈમાં સીધા યુક્રેનની મદદ ન કરી રહ્યા હોય પરંતુ હથિયારો અને આર્થિક સહાયતાથી પડદા પાછળથી યુક્રેનની મદદ કરી રહ્યા છે.

 • અમેરિકા યુક્રેનને 600 સ્ટિંગર મિસાઈલો અને 2600 જેવેલિન મિસાઈલો આપી ચૂક્યું છે. 17 માર્ચે અમેરિકાએ યુક્રેન માટે 800 મિલિયન ડોલરની વધુ સૈન્ય સહાયતાને મંજૂરી આપી છે.
 • આ સાથે જ અમેરિકાએ હાલમાં જ યુક્રેનને ઉડ્યા પછી મિસાઈલ બની જવામાં સક્ષમ કામાકેજ ડ્રોન્સ સપ્લાઈ કર્યા છે.
 • અમેરિકાએ યુક્રેનને યુદ્ધ શરૂ થતા પહેલા જાન્યુઆરીમાં જ NATO દેશો-એસ્ટોનિયા, લિથુઆનિયા અને લેટિવિયા દ્વારા હથિયારોની સપ્લાઈ કરાવી હતી.
 • સ્વીડન અને ફિનલેન્ડ જેવા તટસ્થ મનાતા દેશો પણ યુક્રેનને હથિયારો મોકલી રહ્યા છે. જર્મની પણ યુક્રેનને સ્ટિંગર અને ખભાના આધારે છોડી શકાતા રોકેટ મોકલી રહ્યું છે.
 • તુર્કી જેવા NATO દેશોએ યુક્રેનને TB-2 ડ્રોન આપ્યા છે, જેમની મદદથી યુક્રેને રશિયાની અનેક ટેન્કો અને એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી નાખી છે.
 • અમેરિકા સહિત NATO અને યુરોપિયન યુનિયનના લગભગ 20 દેશ યુક્રેનને હથિયારોની સપ્લાઈ કરી રહ્યા છે.