ભાસ્કર એક્સપ્લેનર:હાર્દિક પટેલ દ્વારા 1.5 કરોડની વસતિને સાધશે BJP, જાણો કેવી રીતે કોંગ્રેસને થઈ શકે છે 70 બેઠકનું નુકસાન

25 દિવસ પહેલાલેખક: નીરજ સિંહ
  • કૉપી લિંક

આખરે ગુજરાતના પ્રખ્યાત યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ગુરુવારે ભાજપમાં જોડાયા. 2019માં કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિકે આ વર્ષે 18 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન દ્વારા ભાજપને ઘણું નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ ફરી એકવાર પાટીદાર સમાજને રીઝવવા માટે હાર્દિક પર મોટો દાવ રમી રહ્યો છે. ગુજરાતમાં પાટીદારોની વસતિ 1.5 કરોડની નજીક હોવાનું માનવામાં આવે છે અને લગભગ 70 વિધાનસભા બેઠક પર તેમનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે.

આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે હાર્દિક પટેલના આગમનથી ભાજપને કેટલો ફાયદો થશે? શું 2017ની ચૂંટણીમાં હાર્દિકને કારણે ભાજપને નુકસાન થયું હતું? ગુજરાતની ચૂંટણીમાં પાટીદારોનું આટલું મહત્ત્વ કેમ?

આ પ્રશ્નોના જવાબો જાણતાં પહેલાં ચાલો એક પોલમાં ભાગ લઈએ...

2017ની વિધાનસભા ચૂંટણી સાથે હાર્દિકનું શું કનેક્શન હતું?
2015ની વાત છે. ગુજરાતમાં પાટીદાર સમાજ ઓબીસી અનામતની માગને લઈને અવાજ ઉઠાવી રહ્યો હતો. દરમિયાન એક યુવાન હાર્દિક પટેલે OBC અનામત મેળવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના કરી હતી. હાર્દિકના નેતૃત્વમાં પાટીદાર આંદોલન એટલું મજબૂત બન્યું કે તેની રેલીઓમાં લાખો લોકો આવવા લાગ્યા અને ગુજરાતમાં બે દાયકાથી વધુ સમયથી સત્તામાં રહેલી ભાજપને ચૂંટણી હારવાનો ડર હતો.

આ આંદોલનની અસર 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળી હતી. વિધાનસભા ચૂંટણીમાં BJP ચોક્કસપણે જીતી, પરંતુ પાર્ટીને પાછલી ચૂંટણી કરતાં 16 બેઠક ઓછી મળી અને માત્ર 99 બેઠકો જ જીતી શકી. બીજી તરફ, આ ચૂંટણીમાં હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપતાં કોંગ્રેસને ગત વખત કરતાં 16 બેઠકો વધુ મળી હતી. આ દરમિયાન કોંગ્રેસે 77 સીટ જીતી હતી. 3 દાયકામાં ગુજરાતમાં કોંગ્રેસનું આ સર્વશ્રેષ્ઠ ચૂંટણી પ્રદર્શન હતું.

હાર્દિકને આનું ઈનામ પણ મળ્યું. પટેલ માર્ચ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં જોડાયા હતા અને જુલાઈ 2020માં ગુજરાતમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જોકે બે વર્ષમાં તેમણે કોંગ્રેસ પર તેમની અવગણના કરવાનો અને મોટા નિર્ણયો લેવામાં તેમની સાથે સલાહ ન લેવાનો આરોપ લગાવતાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું.

હાર્દિકના આવવાથી ભાજપને કેટલો ફાયદો થશે?
ગુજરાતમાં પાટીદાર મતદારો 14% છે, જેમાં કડવા અને લેઉવા પટેલનો સમાવેશ થાય છે. પાટીદાર સમાજ 1984-85થી ભાજપની વફાદાર વોટ બેંક છે. આનું કારણ કોંગ્રેસના નેતા અને ગુજરાતના ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીની KHAM(ખામ) થિયરી હોવાનું માનવામાં આવે છે. સોલંકી માત્ર KHAM એટલે કે ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ જોડાણને કારણે 4 વખત મુખ્યમંત્રી બન્યા, જેને કારણે પાટીદારો કોંગ્રેસથી દૂર રહ્યા હતા.

2015માં હાર્દિક પટેલના નેતૃત્વમાં થયેલા પાટીદાર આંદોલન બાદથી ભાજપ પટેલ વોટ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. આવી સ્થિતિમાં હાર્દિક પટેલના આગમનથી ભાજપ 2017ની વિધાનસભા ચૂંટણીમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી શકે છે, કારણ કે નારાજગી છતાં પાટીદાર સમાજનો મોટો વર્ગ ભાજપ સાથે જોડાયેલો રહ્યો છે. આવી સ્થિતિમાં હાર્દિકના આગમનથી ભાજપથી દૂર રહી ગયેલા પાટીદારો ફરી એકવાર પાર્ટીમાં જોડાશે એવું માનવામાં આવી રહ્યું છે.

ઘણા નિષ્ણાતો કહે છે કે હાર્દિકના આગમનથી ભાજપને નરેશ પટેલના પ્રભાવને નાથવામાં પણ મદદ મળશે. નરેશ પટેલ રાજકોટના વેપારી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય એવી શક્યતા છે.

આ જ કારણ છે કે ભાજપ પાટીદારોને પણ રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. 1.5 કરોડની વસતિ સાથે 182 વિધાનસભા બેઠકોમાંથી 70 પર પાટીદારોનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં અનેક મુખ્યમંત્રીઓ પાટીદાર સમાજમાંથી આવ્યા છે, જેમાં ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.

AAPનો મુકાબલો કરવા અને સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવામાં હાર્દિક કેટલો મદદરૂપ થશે?
ભાજપનું નેતૃત્વ પણ હાર્દિકને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)નો સામનો કરવા માટેના હથિયાર તરીકે જુએ છે, સાથે જ પાર્ટી હાર્દિકને પ્રભાવશાળી નેતા તરીકે જોઈ રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ માટે હાર્દિકને પાર્ટીમાં સામેલ કરવાનો આ યોગ્ય સમય છે. આ દ્વારા ભાજપ માધવસિંહ સોલંકીના 1985માં 149 બેઠક જીતવાનો રેકોર્ડ તોડીને સૌરાષ્ટ્રમાં મોટી અસર કરવા માગે છે. એ જ સમયે આમ આદમી પાર્ટી રાજ્યમાં વધી રહેલા પગપેસારાને નિષ્ફળ બનાવવાની યોજના બનાવી રહી છે.

ગુજરાતનું સૌરાષ્ટ્ર 1995થી ભાજપનો ગઢ રહ્યું છે, જોકે પાટીદાર આંદોલન સાથે પાણીની અછત અને કૃષિ સંકટને કારણે ભાજપને અહીં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઘણું સહન કરવું પડ્યું હતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 47 બેઠકમાંથી કોંગ્રેસે 28 બેઠક જીતી હતી, જ્યારે BJP માત્ર 19 બેઠક જીતી શકી હતી. એ જ સમયે 2012ની ચૂંટણીમાં ભાજપે અહીં 30 બેઠક જીતી હતી.

આ વખતે હાર્દિકને લાવવાનો ભાજપનો પ્લાન 2012ના પરિણામનું પુનરાવર્તન કરવાનો છે, જેમાં સૌરાષ્ટ્રમાં BJPએ 30 બેઠક જીતી હતી. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારો મોટી સંખ્યામાં છે, આથી કોંગ્રેસ અને ભાજપ બંને ઉદ્યોગપતિ નરેશ પટેલને પક્ષમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. નરેશ શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે. ખોડલધામ ટ્રસ્ટ એ રાજકોટના લેઉઆ પટેલ સમાજની મહત્ત્વની સંસ્થા છે.