ભાસ્કર એક્સપ્લેનર:દેશમાં R વેલ્યૂ વધીને 1.22 થઈ, પ્રથમવાર દિલ્હી-મુંબઈમાં એ 2થી પણ વધુ; શું આ ત્રીજી લહેરની શરૂઆત છે?

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી-મુંબઈની R વેલ્યૂ વધીને 2થી વધુ થઈ ગઈ છે. મહામારીની શરૂઆત પછી આવું પ્રથમવાર થઈ રહ્યું છે જેમાં આ બે મહાનગરોની R વેલ્યૂ 2થી વધુ થઈ છે. આ સાથએ જ દેશમાં અનેક મહિનાઓ સુધી 1થી ઓછી રહેલી R વેલ્યૂ હવે વધીને 1.22 થઈ ગઈ છે. R વેલ્યૂનું વધુ હોવું એ વાતનો સંકેત છે કે કોરોના કેસો હવે વધવા લાગ્યા છે. કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો શરૂ થવા માટે R વેલ્યૂ 1થી ઓછી હોવી જરૂરી છે, પરંતુ હાલમાં તે વધુ હોવી આપણા માટે ચિંતાની વાત છે.

સમજીએ, R વેલ્યૂ સાથે જોડાયેલા તાજેતરના આંકડા શું કહે છે? એનું વધવું આપણા માટે કેટલું ચિંતાજનક છે? બીજી લહેર દરમિયાન દેશની R વેલ્યૂ શું હતી? આખરે R વેલ્યૂ હોય છે શું? અને તેનું 1થી ઓછું હોવું તેના માટે કેટલું જરૂરી છે...

R વેલ્યૂ સાથે સંકળાયેલા તાજેતરના આંકડા શું છે?

R વેલ્યૂને લઈને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેથેમેટિકલ સાયન્સીઝના આંકડા દર્શાવે છે કે દેશની R વેલ્યૂ 1.22 છે. ચિંતાની વાત એ છે કે દિલ્હી અને મુંબઈમાં 2થી પણ વધુ થઈ ગઈ છે. દિલ્હીની R વેલ્યૂ 2.54 છે અને મુંબઈની 2.01. પૂણે, બેંગલુરુ, કોલકાતા અને ચેન્નઈ જેવા મોટા શહેરોની R વેલ્યૂ પણ 1થી વધુ છે.

શું આ ત્રીજી લહેરની શરૂઆતનો સંકેત છે?
એવું માની શકાય. વાસ્તવમાં, R વેલ્યૂનો સીધો સંબંધ કેસો વધવા કે ઘટવા સાથે છે. જો R વેલ્યૂ વધી રહી છે તો તેનો અર્થ એ છે કે કેસો પણ વધશે અને ઓછી છે તો કેસો પણ ઓછા થશે. કેસ ઓછા હોવ માટે જરૂરી છે કે R વેલ્યૂ 1થી ઓછી હોય. દિલ્હી-મુંબઈમાં આ 2થી પણ વધુ થઈ ગઈ છે તો દેશની R વેલ્યૂ પણ 1થી વધુ જ છે જે આપણા માટે ચિંતાની વાત છે.

જ્યાં R વેલ્યૂ વધુ છે ત્યાં કઈ રીતે વધી રહ્યા છે કેસ?

  • ગુરુવારે દિલ્હીમાં 1313 નવા કોરોના કેસ મળ્યા જે બુધવારના કેસોથી 42% વધુ છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 1.29% થઈ ગયો છે, જે છેલ્લા 6 મહિનાઓમાં સૌથી વધુ છે.
  • મહારાષ્ટ્રમાં ગુરુવારે 5368 નવા કોરોના કેસ મળ્યા, જેમાંથી 3671 માત્ર મુંબઈમાં મળ્યા છે. બુધવારે મુંબઈમાં 2510 કેસ મળ્યા હતા. એટલે કે એક દિવસમાં જ નવા કેસો 46% વધી ગયા છે. મુંબઈમાં છેલ્લા એક સપ્તાહમાં નવા કેસો લગભગ 5 ગણા વધી ગયા છે.
  • કર્ણાટકમાં ગુરુવારે 707 નવા કેસો મળ્યા છે જેમાંથી 565 માત્ર બેંગલુરુમાં મળ્યા. બુધવારે કર્ણાટકમાં કોરોનાથી થયેલા 6 મોતમાંથી 4 બેંગલુરુમાં જ થયા.

R વેલ્યૂ હોય છે શું?
R વેલ્યૂ એટલે કે રિપ્રોડક્શન વેલ્યૂ. એ દર્શાવે છે કે કોરોનાથી ઈન્ફેક્ટેડ એક વ્યક્તિથી કેટલા લોકો ઈન્ફેક્ટ થઈ રહ્યા છે કે થઈ શકે છે. જો R વેલ્યૂ 1થી વધુ છે તો તેનો અર્થ છે કે કોરોનાથી ઈન્ફેક્ટેડ એક વ્યક્તિ 1થી વધુ લોકોને ઈન્ફેક્ટ કરી રહી છે. એટલે કે લાંબા સમય સુધી R વેલ્યૂ 1થી વધુ રહે તો કેસો વધશે.

આને આમ પણ સમજી શકીએ છીએ જો 100 વ્યક્તિ ઈન્ફેક્ટેડ છે અને તેઓ 100 લોકોને ઈન્ફેક્ટ કરે છે તો R વેલ્યૂ 1 હશે. પરંતુ જો તેઓ 80 લોકોને ઈન્ફેક્ટ કરી શકે છે તો આ R વેલ્યૂ 0.80 હશે.

બીજી લહેર દરમિયાન દેશની R વેલ્યૂ શું હતી?
બીજી લહેરની શરૂઆત દરમિયાન 9 માર્ચ અને 21 એપ્રિલ વચ્ચે R વેલ્યૂ 1.37 હતી. આ કારણથી આ દરમિયાન કેસ ઝડપથી વધી રહ્યા હતા અને બીજી લહેર પોતાની પીક તરફ વધી રહી હતી. 24 એપ્રિલથી 1 મે વચ્ચે R વેલ્યૂ 1.18 હતી અને પછી 29 એપ્રિલથી 7 મે વચ્ચે 1.10 રહી ગઈ. તેના પછી R વેલ્યૂ સતત ઓછી થતી ગઈ. જે કારણથી કેસો પણ ઓછા થતા ગયા. ઓમિક્રોન આવ્યા પછી ફરીવાર R વેલ્યૂ પણ વધવા લાગી છે.

R વેલ્યૂનું વધવું આપણા માટે કેટલું ચિંતાજનક?
R વેલ્યૂનો સીધે સીધો સંબંધ કેસો વધવા કે ઓછા થવાની ગતિ સાથે છે જો R વેલ્યૂ વધી રહી છે તો તેનો અર્થ એ છે કે કેસો પણ વધશે અને ઓછી થઈ રહી છે તો કેસો પણ ઓછા થશે. કેસો ઓછા થવા માટે જરૂરી છે કે R વેલ્યૂ 1થી ઓછી હોય. હાલ જ્યારે R વેલ્યૂ વધુ છે ત્યાં કેસો પણ વધવા લાગ્યા છે. પ્રથમ અને બીજી લહેર દરમિયાન પણ કંઈક એવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

શું કોઈ મહામારીના જોખમને માત્ર R વેલ્યૂથી જ માપવામાં આવે છે?
કોઈ મહામારી કેટલી ગંભીર છે, એ માપવા માટે 3 માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે - R વેલ્યૂ, કેસોની સંખ્યા અને સિવિરિટી એટલે કે ગંભીરતા. R વેલ્યૂ અમે જણાવી ચૂક્યા છીએ. આ સાથે જ કેટલા દર્દી મળી રહ્યા છે અને કુલ દર્દીઓમાંથી કેટલા દર્દીઓમાં ગંભીર લક્ષણ જોવા મળી રહ્યા છે. એના આધારે કોઈ મહામારીના જોખમને માપવામાં આવે છે.