ભાસ્કર એક્સપ્લેનર:ઉત્તરપ્રદેશનાં 9 શહેરમાંથી પસાર થશે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે, લખનૌથી ગાઝીપુર સુધીના આ રસ્તા પર રોજ 20 હજાર વાહનો દોડશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 નવેમ્બરે પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઇનૉગ્યુરેશન કરશે. આ સાથે જ ઉત્તરપ્રદેશના પૂર્વ હિસ્સાની રાજધાની લખનઉ સાથે કનેક્ટિવિટી સારી થઈ જશે. લગભગ 341 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ-વે લખનઉથી શરૂ થઈને ગાઝીપુરમાં સમાપ્ત થશે.

આ એક્સપ્રેસ-વે બનવાથી કયાં શહેરોને ફાયદો થશે? આ કેટલા સમયમાં બનીને તૈયાર થયો છે? કેટલો ખર્ચ આવ્યો છે? આવનારી ચૂંટણી પર એની કેટલી ઈમ્પેક્ટ પડશે? આવો જાણીએ...

સૌપ્રથમ જાણી લો કે એક્સપ્રેસ-વે હોય છે શું?
એક્સપ્રેસ-વે પર ચઢવા અને ઊતરવા માટે લિમિટેડ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ હોય છે. જ્યારે હાઈવે પર ચાર રસ્તા અને રેડ લાઈટ પણ હોય છે. એક્સપ્રેસ-વે પર ચઢવા કે એના પરથી ઊતરવા માટે તમને એક ઢાળ મળે છે. એક્સપ્રેસ-વેને સિગ્નલ-ફ્રી બનાવવા માટે ઓવરપાસ અને અંડરપાસનો ઉપયોગ થાય છે. આ છથી 14 લેન સુધીના હોય છે. આ કારણથી ટ્રાફિક સ્પીડ ખૂબ વધુ હોય છે.

કયાં શહેરોમાંથી પસાર થશે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે?
આ એક્સપ્રેસ-વે ઉત્તરપ્રદેશનાં 9 શહેરમાંથી પસાર થશે. એમાં લખનઉ, બારાબંકી, અયોધ્યા, આંબેડકરનગર, સુલતાનપુર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર સામેલ છે. આ એક્સપ્રેસ-વેને કારણે વારાણસી, ગોરખપુર, પ્રયાગરાજ જેવા જિલ્લાઓને પણ ફાયદો થશે.

યુપી સરકારનું અનુમાન છે કે આ એક્સપ્રેસ-વેના શરૂ થવા પર દરરોજ 15થી 20 હજાર વાહન એના પરથી પસાર થશે. ધીમે ધીમે આ સંખ્યા વધશે.

આને બનાવવામાં કેટલો ખર્ચ થયો છે?
આ પ્રોજેક્ટ યોગી સરકારની સૌથી મહત્ત્વકાંક્ષી પરિયોજનાઓમાં સામેલ છે. એનો કુલ ખર્ચ 22 હજાર 495 કરોડ રૂપિયા થયો છે. એમાં જમીન સંપાદનનો ખર્ચ પણ સામેલ છે. ઉત્તરપ્રદેશ એક્સપ્રેસ-વે ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)એ આ એક્સપ્રેસ-વે પર મુસાફરોની સુરક્ષા માટે સિક્યોરિટી એરેન્જમેન્ટ કરી છે. એમાં રખડતાં પશુઓને રોકવા માટે એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અને ફેન્સિંગ હશે. રસ્તામાં અલગ-અલગ સ્થળે ટીમો પણ તહેનાત હશે, જે એક્સપ્રેસ-વે પર આવનારાં પશુઓને પકડશે.

અકસ્માત થવા પર શું કોઈ રેસ્ક્યૂ સિસ્ટમ પણ હશે?
કોઈ ઈમર્જન્સી કે અકસ્માત થાય ત્યારે એમ્બ્યુલન્સ પણ હાજર રહેશે. એમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ લાગેલી હશે. તેની સાથે જ અલગ અલગ સ્થળે પેટ્રોલિંગ વાહન પણ તહેનાત હશે. આ એક્સપ્રેસ-વે પર ફાઈટર જેટ પણ લેન્ડ કરી શકે છે. સુલતાનપુરના કુડેભારમાં ત્રણ કિલોમીટર લાંબો રનવે બનાવવામાં આવ્યો છે. જે જરૂર પડ્યે ઉપયોગ કરી શકાશે.

હાલ સિક્સ લેન એક્સપ્રેસ-વેને જરૂર પડ્યે 8 લેન કરી શકાય છે. એ શરૂ થયા પછી 300 કિમીની સફર માત્ર સાડા ત્રણ કલાકમાં પૂરી કરી શકાશે. સરકારને આ એક્સપ્રેસ-વેથી દર વર્ષે 200 કરોડથી વધુની કમાણીની આશા છે.

શું આ યુપીનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે?
આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે અત્યારે યુપીનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે છે. આ 302 કિલોમીટર લાંબો છે. પૂર્વાંચલ એક્સપ્રેસ-વે શરૂ થવા પર રાજ્યનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે બની જશે. જે આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વેથી લગભગ 39 કિલોમીટર લાંબો હશે. જોકે આ રેકોર્ડ પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પાસે લાંબો સમય નહીં રહે. વાસ્તવમાં 2024 સુધીમાં મેરઠમાં પ્રયાગરાજ સુધી બની રહેલો ગંગા એક્સપ્રેસ-વે બનીને તૈયાર થઈ જશે, જે 594 કિલોમીટર લાંબો હશે.

અત્યારે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે કયો છે?
અત્યારે આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે દેશનો સૌથી લાંબો ઓપરેશનલ એક્સપ્રેસ-વે છે. દિલ્હી-દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વે, અમૃતસર-જામનગર એક્સપ્રેસ-વે જેવા અંડર કન્સ્ટ્રક્શન એક્સપ્રેસ-વે જ્યારે બનીને તૈયાર થશે તો એ 1 હજાર કિલોમીટરથી પણ લાંબા હશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેને તો સરકાર દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે ગણાવે છે. આશા છે કે 1380 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસ-વેનું કામ માર્ચ 2023 સુધીમાં પૂરૂં થઈ શકે છે. જોકે દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે આ વર્ષે જૂનમાં ચીનમાં શરૂ થઈ ચૂક્યો છે. તેની લંબાઈ 2800 કિલોમીટર છે. આ એક્સપ્રેસ-વે બીજિંગથી ઉરમચી વચ્ચે બનેલો છે.