ભાસ્કર એક્સપ્લેનર:વન નેશન-વન હેલ્થકાર્ડની તૈયારી; કઈ રીતે બનશે તમારું કાર્ડ, શું થશે ફાયદો અને કયા ડોક્યુમેન્ટ્સની આવશ્યકતા છે?

એક વર્ષ પહેલા

વન નેશન-વન રેશનકાર્ડ, વન નેશન-વન ટેક્સ પછી હવે વન નેશન-વન હેલ્થકાર્ડની તૈયારી છે. કેન્દ્ર સરકાર આ જ મહિને નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને દેશભરમાં લોન્ચ કરી શકે છે. હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ યોજના આંદામાન-નિકોબાર, ચંડીગઢ, દાદરા અને નગર-હવેલી, દમણ-દીવ, લદાખ અને લક્ષદ્વીપમાં ચાલી રહી છે.

15 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત કરી હતી.

આવો સમજીએ, હેલ્થકાર્ડ શું છે? કઈ રીતે કામ કરે છે? તમે કઈ રીતે બનાવી શકશો? કયા ડોક્યુમેન્ટ્સની આવશ્યકતા રહેશે? અને આ કાર્ડથી તમને શું ફાયદો થવાનો છે...

શું છે હેલ્થ આઈડી કાર્ડ?
અત્યારે તમે ડોક્ટર પાસે જાઓ છો તો પોતાની સાથે રિપોર્ટ્સની એક ફાઈલ લઈને જાઓ છો. આ ફાઈલમાં તમારા જૂના ટેસ્ટ રિપોર્ટ્સ હોય છે. હેલ્થ આઈડીકાર્ડને આ ફાઈલનું ડિજિટલ સ્વરૂપ સમજો. તમારે પોતાના આધારકાર્ડની જેમ 14 પોઈન્ટ્સનું યુનિક આઈડી આપવામાં આવશે. આ જ આઈડીમાં તમારો સમગ્ર હેલ્થ રેકોર્ડ હશે. આ રેકોર્ડ સેન્ટ્રલ સર્વર સાથે જોડવામાં આવશે. ફરીવાર તમે ગમે ત્યારે સારવાર માટે જશો તો તમારે અગાઉના રિપોર્ટ્સ બતાવ્યા વિના આ કાર્ડ બતાવવાનું રહેશે. ડોક્ટર આ કાર્ડથી જ તમારો મેડિકલ હિસ્ટ્રી જાણીને તમારી સારવાર કરી શકશે.

હેલ્થકાર્ડ કઈ રીતે બનશે?

  • https://healthid.ndhm.gov.in/register યોજના શરૂ થયા પછી તમે આ વેબસાઈટ પર જઈને તમારૂં હેલ્થ આઈડી ખુદ પણ બનાવી શકો છો.
  • ગૂગલ પ્લે સ્ટોર પર NDHM હેલ્થ રેકોર્ડ એપ પણ ઉપલબ્ધ છે. તમે આ એપ દ્વારા પણ હેલ્થ આઈડી માટે રજિસ્ટ્રેશન કરી શકો છો.
  • આ ઉપરાંત સરકારી-ખાનગી હોસ્પિટલ, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાઈમરી હેલ્થ સેન્ટર અને કોમન સર્વિસ સેન્ટર પર પણ કાર્ડ બનશે.

કયા ડોક્યુમેન્ટ્સની જરૂર રહેશે?
માત્ર બે ચીજો જરૂરી છે-આધારકાર્ડ અને મોબાઈલ નંબર. આ ઉપરાંત નામ, જન્મનું વર્ષ, લિંગ, સરનામું જેવી સામાન્ય જાણકારી ભરવાની રહેશે. તમારે કોઈપણ ડોક્યુમેન્ટ ઓફલાઈન સબમિટ કરવાની આવશ્યકતા નથી. સમગ્ર પ્રોસેસ ઓનલાઈન થશે.

શું બાળકોનું પણ હેલ્થકાર્ડ બનશે?
હા. બાળકો માટે પણ સમાન પ્રોસેસથી આઈડીકાર્ડ બનશે.

કાર્ડથી તમને શું ફાયદા થશે?

  • કાર્ડમાં તમારી હેલ્થ સાથે સંકળાયેલી સમગ્ર જાણકારી ડિજિટલ ફોર્મેટમાં નોંધાતી રહેશે. એટલે કે તમારી સમગ્ર મેડિકલ હિસ્ટ્રી કાર્ડમાં રહેશે. તમે જ્યારે પણ હોસ્પિટલમાં ઈલાજ કરાવવા જશો તો તમને જૂના તમામ રેકોર્ડ ત્યાં જ ડિજિટલ ફોર્મેટમાં જ મળી જશે.
  • ડોક્ટર્સ પાસે તમારું જૂની બીમારી, ટ્રીટમેન્ટ હિસ્ટ્રી, કઈ દવાઓથી તમને એલર્જી છે, આ પ્રકારની સમગ્ર જાણકારી હશે. એનાથી ડોક્ટરોને સારવાર કરવામાં ઘણી મદદ મળશે.
  • તમારે મેડિકલ રેકોર્ડ જોઈને જ અનેક ચીજો ડોક્ટરને ખ્યાલ આવી જશે. એવામાં નવી તપાસમાં લાગનારો સમય અને પૈસા બચશે.

કાર્ડમાં નવી જાણકારીઓ કઈ રીતે એન્ટર થશે?

પ્રથમવાર જ્યારે તમે કાર્ડ બનાવડાવશો તો તમારે તમારા મેડિકલ રેકોર્ડ્સ ખુદ જ અપડેટ કરવાના રહેશે. કાર્ડ બન્યા પછી આગળના તમામ રિપોર્ટ્સ આપોઆપ અપલોડ થતા રહેશે.

તમે સારવાર માટે જઈને પોતાનો હેલ્થ આઈડી નંબર આપશો તો તમારી વર્તમાન સારવારની જાણકારી પણ આપોઆપ સામેલ થઈ જશે.

શું એક જ કાર્ડ સમગ્ર દેશમાં કામ કરશે?
બિલકુલ. તમારે માત્ર એક જ કાર્ડ બનાવવાનું રહેશે. સર્વર દ્વારા આ કાર્ડ સમગ્ર દેશની હોસ્પિટલો સાથે લિન્ક કરી દેવાશે. તમે દેશની કોઈપણ હોસ્પિટલમાં ઈલાજ કરાવશો તો એક જ આઈડી તમારે બતાવવાનું રહેશે.

શું કાર્ડમાં તમારો ડેટા સુરક્ષિત હશે?
NDHMની વેબસાઈટ પર જણાવાયું છે કે તમારા ડેટાને ઈન્ક્રિપ્શન સાથે સેન્ટ્રલ નેટવર્ક પર સ્ટોર કરવામાં આવશે. એના માટે તમારી સહમતી પણ લેવામાં આવશે.

આ સાથે જ જ્યારે તમે ડોક્ટર પાસે ઈલાજ માટે જશો તો ડોક્ટર પણ ડાયરેક્ટ તમારા ડેટાને જોઈ નહીં શકે. પ્રથમ તમારા મોબાઈલ પર OTP આવશે. આ OTPને એન્ટર કર્યા પછી જ ડોક્ટર તમારી ડિટેઈલ જોઈ શકશે. ડોક્ટર આ ડેટાને કોપી અને એડિટ નહીં કરી શકે.

શું તમામ માટે હેલ્થકાર્ડ બનાવવાનું જરૂરી હશે?
ના. અત્યારે આ અનિવાર્ય નથી. તમે ઈચ્છો તો બનાવડાવો, ના ઈચ્છો તો નહીં.