ભાસ્કર એક્સપ્લેનર:યુરોપ-કેરળમાં બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને ફરીથી થઈ રહ્યો છે કોરોના, શું આ આપણા માટે જોખમનો સંકેત છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેરળમાં કોરોનાના બ્રેકથ્રુ ઈન્ફેક્શનના કેસો સતત વધી રહ્યા છે. દરરોજ આવી રહેલા કુલ કેસોમાંથી લગભગ 40% કેસો એવા છે, જે બ્રેકથ્રુ ઈન્ફેક્શનના છે. બ્રેકથ્રુ ઈન્ફેક્શન એટલે કે વેક્સિનના બંને ડોઝ લીધા પછી પણ કોરોનાથી સંક્રમિત થવું.

જે રીતે કેરળમાં બ્રેકથ્રુ કેસો વધી રહ્યા છે એ રીતે યુરોપના પણ અનેક દેશો નવા કેસોથી પરેશાન છે. યુરોપમાં કોરોનાના નવા કેસો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આપણા માટે આ ચિંતાજનક બાબત એટલા માટે છે કે ભારતમાં કોરોનાની શરૂઆત કેરળથી જ થઈ હતી અને હવે ત્યાં વેક્સિનેટ લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. આ સાથે જ બાકીનાં રાજ્યોમાં પણ કોરોનાનાં બ્રેકથ્રુ કેસો વધે છે તો શક્ય છે કે તમારે વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ લેવો પડે.

સમજીએ કેરળમાં કઈ રીતે વધી રહ્યા છે બ્રેકથ્રુ કેસો? યુરોપમાં કોરોના કઈ રીતે રેકોર્ડ તોડી રહ્યો છે? શું યુરોપ અને કેરળના વધતા કેસો તમારા માટે ચિંતાજનક છે? અને અંતમાં સમજીશું કે બ્રેકથ્રુ ઈન્ફેક્શન હોય છે શું?

કેરળમાં કઈ રીતે વધી રહ્યા છે બ્રેકથ્રુ કેસો?
કેરળમાં કોરોના કેસોની ગતિ જરૂર ઓછી થઈ છે, પરંતુ અત્યારે પણ સમગ્ર દેશમાં સૌથી વધુ કેસો કેરળમાં જ આવી રહ્યા છે. કેરળમાં ગત એક સપ્તાહથી દરરોજ સરેરાશ 6600 નવા કેસો આવી રહ્યા છે. ચિંતાજનક વાત એ છે કે કુલ કેસોમાં લગભગ 40% કેસો બ્રેકથ્રુ ઈન્ફેક્શનના છે. જ્યારે રાજ્યની 95% વસતિને વેક્સિનનો સિંગલ ડોઝ તો 60%ને બંને ડોઝ લાગી ચૂક્યા છે.

યુરોપમાં કઈ રીતે વધી રહ્યા છે કોરોનાનાં કેસ?
યુરોપમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના 20 લાખથી વધુ નવા કેસો મળ્યા છે. આ એક સપ્તાહમાં મળેલા અત્યારસુધીના સૌથી વધુ કેસો છે. હાલ કોરોનાને કારણે થઈ રહેલાં કુલ મોતમાંથી લગભગ અડધાં મોત યુરોપિયન દેશોમાં જ થઈ રહ્યાં છે. આ સાથે જ કુલ કેસોના 60% કેસો યુરોપમાં આવી રહ્યા છે. ચિંતાજનક વાત એ છે કે કેસો એ દેશોમાં પણ વધી રહ્યા છે, જ્યાં અડધાથી વધુ વસતિ સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે, આથી અનેક દેશ પોતાના નાગરિકોને બૂસ્ટર ડોઝ પણ આપી રહ્યા છે.

  • જર્મનીમાં 10 નવેમ્બરે 51 હજાર નવા કેસો મળ્યા છે, આ અત્યારસુધીમાં એક દિવસમાં મળેલા સૌથી વધુ કેસો છે, જ્યારે જર્મનીની 67% વસતિ સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે.
  • આ રીતે બ્રિટનમાં પણ દરરોજ સરેરાશ 37 હજાર નવા કેસો આવી રહ્યા છે, જ્યારે બ્રિટનની 68% વસતિ સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે.

કોરોનાનો સામનો કરવા માટે કેરળ સરકાર દ્વારા બનાવાયેલા એક્સપર્ટ ગ્રુપના ડોક્ટર અનીશ ટીએએસએ પણ કેરળ સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે મહામારી વિજ્ઞાનની દૃષ્ટિએ કેરળ અને યુરોપમાં અનેક સમાનતાઓ છે. ત્યાં જો કેસો વધી રહ્યા છે, તો આશંકા છે કે કેરળમાં પણ કેસો વધી શકે છે.

શું યુરોપ અને કેરળના કોરોના કેસોમાં કોઈ કનેક્શન છે?

  • જૂન 2021માં યુરોપ અને કેરળમાં નવા કેસોનો ટ્રેન્ડ એક જેવો હતો. 15 જૂન સુધી યુરોપમાં દરરોજ લગભગ 38 હજાર સરેરાશ કોરોના કેસો આવી રહ્યા હતા, જે જુલાઈ સુધી દોઢ લાખ સુધી પહોંચી ગયા હતા. આ રીતે જૂનના અંતિમ સપ્તાહમાં કેરળમાં 11 હજાર આસપાસ નવા કેસો આવી રહ્યા હતા, જે જુલાઈના અંત સુધીમાં વધીને 21 હજાર સુધી પહોંચી ગયા હતા.
  • ગત વર્ષે જુલાઈમાં યુરોપ અને કેરળમાં એકસાથે કોરોનાનાં કેસો ગતિ પકડવા લાગ્યા હતા, જે ઓક્ટોબર સુધી પીક પર પહોંચી ગયા. આ દરમિયાન યુરોપ અને કેરળ બંને સ્થળે નવા કેસોનો ટ્રેન્ડ લગભગ એક જેવો હતો.
  • કેરળ અને યુરોપમાં માર્ચ 2021નાં અંતથી કોરોના કેસો વધવા લાગ્યા. કેરળમાં મે સુધીમાં નવા કેસો પીક પર પહોંચી ગયા હતા. જોકે યુરોપમાં નવા કેસોની પીક એપ્રિલમાં જ આવી ગઈ હતી.

યુરોપનો કોરોના ટ્રેન્ડ તમારા માટે કેમ ચિંતાજનક છે?
ભારતમાં વેક્સિનેશનનો દર યુરોપિયન દેશોના મુકાબલે ઘણો ઓછો છે. ભારતની 26% વસતિ જ સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ છે, જ્યારે યુરોપની અડધાથી વધુ વસતિ સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ચૂકી છે. યુરોપના અનેક દેશોમાં ફુલી વેક્સિનેટેડ લોકોની વસતિ 75%થી પણ વધુ છે.

મહામારી વિશેષજ્ઞ ડોક્ટર ચંદ્રકાંત લહારિયાના અનુસાર, ભારતમાં યુરોપની જેમ કેસો વધવાની સંભાવના ઘણી ઓછી છે, કેમકે બંને સ્થળે વાતાવરણ ખૂબ અલગ છે. યુરોપિયન દેશોમાં ઠંડી ખૂબ આકરી હોય છે. આ કારણથી એ લોકો બંધ એન્વાયર્નમેન્ટમાં રહે છે. ત્યાં સામાન્ય રીતે ફ્લૂ પણ ઠંડીની મોસમમાં જ ફેલાય છે, કેમ કે યુરોપમાં અત્યારે શિયાળો શરૂ થઈ રહ્યો છે તેથી ત્યાં કેસો ઝડપ પકડવા લાગ્યા છે. આ સાથે જ આ દેશોમાં લોકોની બેદરકારી પણ વધી છે. લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા નથી. જો ભારતમાં પણ લોકો આ પ્રકારની બેદરકારી રાખે તો ભારતમાં પણ કેસો વધી શકે છે.

કેરળમાં બ્રેકથ્રુ ઈન્ફેક્શન વધી રહ્યું છે, એ શું હોય છે?
બ્રેકથ્રુ ઈન્ફેક્શનનો અર્થ સંપૂર્ણપણે વેક્સિનેટ થયા પછી પણ ઈન્ફેક્ટ થવું, એટલે કે તમે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છતાં તમને ફરીથી કોરોના થઈ જાય. આ પ્રકારના ઈન્ફેક્શનને બ્રેકથ્રુ ઈન્ફેક્શન કહેવામાં આવે છે.