ભાસ્કર એક્સપ્લેનરજેમ્સ મારેપની કહાની, જેઓ મોદીને પગે લાગ્યા:પાપુઆ ન્યૂ ગિનીને અશ્વેત ખ્રિસ્તીઓનો સૌથી ધનિક દેશ બનાવવા માગે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરનારી વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નથી, પરંતુ પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારેપ છે. રાજધાની પોર્ટ મોરેસ્બી એરપોર્ટ પર પીએમ મોદી પહોંચ્યા કે તરત જ ત્યાં ઊભેલા જેમ્સ મારેપ પહેલા મોદીને ભેડ્યા અને પછી તેમના ચરણ સ્પર્શ કર્યા. આના પર મોદીએ તેમની પીઠ થપથપાવીને તેમને ફરી ભેટ્યા.

જેણે પણ આ ક્ષણ જોઈ તે પીએમ જેમ્સ મારેપની નમ્રતાની પ્રશંસા કરી રહ્યા છે. ભાસ્કર એક્સપ્લેનરમાં મોદીને ચરણ સ્પર્શ કરનાર જેમ્સ મારેપની કહાની જાણીશું. આ સાથે અમે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતીય વડાપ્રધાનની આ મુલાકાતનું મહત્ત્વ પણ જાણીશું.

જેમ્સ મારેપ દેશના સૌથી મોટા આદિવાસી સમુદાય 'હુલી'માંથી આવે છે

જેમ્સ મારેપનો જન્મ 24 એપ્રિલ 1971ના રોજ હેલા પ્રાંતના તારીમાં થયો હતો, એટલે કે તેઓ હવે 52 વર્ષના છે. મારેપ દેશના સૌથી મોટા આદિવાસી સમુદાય હુલીના છે. મારેપના પિતા પાદરી હતા.

મારેપના લગ્ન રશેલ સાથે થયા છે, જે મૂળ પૂર્વ સેપિક પ્રાંતની છે. બંનેને છ બાળક છે.

PNG હાઇલેન્ડ્સમાં મિંજ પ્રાથમિક શાળા અને કબીયુફા એડવેન્ટિસ્ટ માધ્યમિક શાળામાં હાજરી આપી. મારેપ 1993માં યુનિવર્સિટી ઓફ પાપુઆ ન્યૂ ગિનીમાંથી સ્નાતક થયા. આ પછી પીએનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ રિસર્ચ, તારી શાખાના પ્રભારી અધિકારી બન્યા.

તેમણે વર્ષ 2000માં પર્યાવરણ વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. આ પછી તેઓ કર્મચારી પ્રબંધન વિભાગમાં કાર્યકારી સહાયક સચિવ હતા.

ભૂતપૂર્વ વડાપ્રધાન પીટર ઓ'નીલ સાથે જેમ્સ મારેપ.
ભૂતપૂર્વ વડાપ્રધાન પીટર ઓ'નીલ સાથે જેમ્સ મારેપ.

રાજકારણમાં પ્રવેશઃ હિંસાને કારણે પ્રથમ ચૂંટણી રદ

મારેપનો રાજકારણમાં પ્રવેશ 2002માં થયો હતો. તેઓ પીપલ્સ પ્રોગ્રેસ પાર્ટી, એટલે કે પીપીપી તરફથી તારી પોરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે મોટે પાયે હિંસાને કારણે સધર્ન હાઇલેન્ડ પ્રાંતમાં ચૂંટણીઓ રદ કરવામાં આવી હતી.

2003માં પેટાચૂંટણી યોજાઈ હતી, પરંતુ તેમના સમર્થકોએ રિટર્નિંગ ઓફિસરને માર માર્યો હતો. એને કારણે મારેપ ચૂંટણી હારી ગયા. તેમણે આ પરિણામને કોર્ટમાં પણ પડકાર્યું હતું, પરંતુ તેમની પ્રારંભિક અરજી અને ત્યાર બાદની અપીલ બંને ફગાવી દેવામાં આવી હતી.

મારેપ 2007માં બીજી ટર્મ માટે ચૂંટણી લડ્યા હતા. આ દરમિયાન તેઓ વર્તમાન સાંસદ ટોમ ટોમિયાપેને હરાવીને નેશનલ એલાયન્સ પાર્ટીમાંથી સાંસદ બન્યા હતા. વડાપ્રધાન માઈકલ સોમારે મારેપને મહત્ત્વની સંસદીય જવાબદારી સોંપી હતી.

2008માં માત્ર 37 વર્ષની ઉંમરે મારેપ વડાપ્રધાન સર માઈકલ સોમારેની સરકારમાં શિક્ષણમંત્રી બન્યા. જોકે ત્રણ વર્ષ બાદ જ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2012માં મારેપ નેશનલ એલાયન્સ પાર્ટી છોડીને વડાપ્રધાન પીટર ઓ'નીલની પીપલ્સ નેશનલ કોંગ્રેસમાં જોડાયા. 2012માં ઓ'નીલે તેમને નાણામંત્રી બનાવ્યા.

ભ્રષ્ટાચારના આક્ષેપો થયા, રાજીનામું પણ આપવું પડ્યું

આ દરમિયાન મારેપ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. ભ્રષ્ટાચારવિરોધી સંસ્થાએ વડાપ્રધાન અને મારેપ સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. મારેપે ઘણી ટીકા બાદ 11 એપ્રિલ 2019ના રોજ નાણામંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું.

પૂર્વ વડાપ્રધાન પીટર ઓ'નીલ સાથે જેમ્સ મારેપ.
પૂર્વ વડાપ્રધાન પીટર ઓ'નીલ સાથે જેમ્સ મારેપ.

મારેપે 29 એપ્રિલે પીપલ્સ નેશનલ કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપ્યું હતું. મારેપ પંગુ પછી પાર્ટીમાં જોડાયા. મે 2012માં વડાપ્રધાન ઓ'નીલે પણ રાજીનામું આપ્યું હતું. આ દરમિયાન દેશમાં મોટી રાજકીય ઘટનાઓ સામે આવી. મારેપ 26 સાંસદ સાથે વડાપ્રધાન પદના મુખ્ય દાવેદાર તરીકે ઊભરી આવ્યા હતા. આ તમામ 26 સાંસદ વિરોધ પક્ષમાંથી પીપલ્સ નેશનલ કોંગ્રેસમાં પરત ફર્યા હતા.

આ પછી નવા વડાપ્રધાનની પસંદગી માટે મતદાન થયું હતું. આમાં મારેપને 101 વોટ મળ્યા, જ્યારે તેમના હરીફ મેકેરે મોરૌતાને માત્ર 8 વોટ મળ્યા.

વડાપ્રધાન બન્યા પછી મારેપે કહ્યું હતું કે તે 10 વર્ષમાં પાપુઆ ન્યૂ ગિનીને 'વિશ્વનો સૌથી ધનિક અશ્વેત ખ્રિસ્તી દેશ' બનાવશે. ગયા વર્ષની સંસદીય ચૂંટણીમાં મારેપની પાર્ટીએ 36 બેઠક જીતી હતી. જોકે નાના પક્ષો અને અપક્ષ સાંસદોના સમર્થનથી ગઠબંધન સરકારની રચના કરવામાં આવી હતી. મારેપ ફરી એકવાર સંસદમાં બિનહરીફ વડાપ્રધાન તરીકે ચૂંટાયા.

PM મોદીની પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાત શા માટે મહત્ત્વની છે?

વડાપ્રધાન મોદી પેસિફિક ટાપુ દેશોના નેતાઓ સાથે યોજાનારી ફોરમ ફોર ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કો-ઓપરેશન સમિટ એટલે કે FIPICમાં ભાગ લેવા માટે પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા, ​​​​​​​જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડનની સાથે 14 પેસિફિક ટાપુ દેશોના નેતાઓ ભાગ લેવાના હતા. જોકે બાઈડને સામાજિક કારણોસર હાજરી આપી ન હતી.

આ ટાપુ રાષ્ટ્રોમાં ફિજી, પાપુઆ ન્યૂ ગિની, ટોંગા, તુવાલુ, કિરીબાતી, માર્શલ ટાપુઓ, સમોઆ, વનુઆતુ, નિયુ, માઇક્રોનેશિયા, કૂક ટાપુઓ, પલાઉ, નૌરુ અને સોલોમન ટાપુઓનો સમાવેશ થાય છે.

ચીન 1980ના દાયકાથી આ ક્ષેત્ર સાથે આર્થિક રીતે જોડાયેલું છે. હવે તેના સંબંધો સુરક્ષા કેન્દ્રિત બની ગયા છે. ​​​​​​​પાપુઆ ન્યૂ ગિનીમાં ચીનનો વધતો પ્રભાવ સુરક્ષાની દૃષ્ટિએ સમગ્ર ઈન્ડો પેસિફિક ક્ષેત્ર માટે ઘાતક સાબિત થઈ શકે છે. ચીને તેના 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ' હેઠળ અહીં રોકાણ કર્યું છે. PNG સોનું, તાંબા જેવાં સમૃદ્ધ સંસાધનો ધરાવતો દેશ છે. ચીને આના પર નજર રાખી છે. ચીન સાથે ફ્રી ટ્રેડ ડીલ પણ કરવામાં આવી છે, જે બંને દેશની નિકટતા દર્શાવે છે.

PNGના ચીન તરફ વધતા ઝુકાવએ ક્વાડ એટલે કે ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસ માટે એલાર્મ છે. PNG ઑસ્ટ્રેલિયાની નજીક ખૂબ વ્યૂહાત્મક સ્થાન છે. જો ચીન અહીં મજબૂત બનશે તો ઓસ્ટ્રેલિયા માટે ખતરો વધી જશે અને આખરે તે ક્વાડ માટે ખતરનાક સાબિત થશે. ​​​​​​​અહેવાલો અનુસાર, ક્વાડ દેશોએ લાંબા સમયથી PNGને અવગણ્યું છે, જેણે આખરે ચીનને એક આધાર આપ્યો. અમેરિકા ચીનના પ્રભાવથી સૌથી વધુ ચિંતિત છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીની આ મુલાકાત આ ક્ષેત્રમાં સંબંધો વધારવાનો પ્રયાસ છે.