ભાસ્કર એક્સપ્લેનર:આપણું CoWIN હવે થયું દુનિયાનું; 50 દેશે દર્શાવી ભારતના કોરોના વેક્સિનેશન પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની ઈચ્છા, જાણો એના વિશે બધું જ

6 મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિન ગ્લોબલ કોન્ક્લેવને સંબોધિત કર્યું. આ કોન્ક્લેવમાં વડાપ્રધાને કોવિન પોર્ટલ અને એપને ઓપન સોર્સ કરવાનું એલાન કર્યું, એટલે કે આ સોફ્ટવેર દુનિયાના બાકી દેશો પણ ફ્રીમાં ઉપયોગ કરી શકશે. દુનિયાભરમાં હેલ્થ અને ટેકનોલોજી એક્સપર્ટ્સે આ કોન્ક્લેવમાં ભાગ લીધો.

કોન્ક્લેવના અગાઉ જ નેશનલ હેલ્થ ઓથોરિટીના CEO ડોક્ટર આરએસ શર્માએ કહ્યું હતું કે કેનેડા, મેક્સિકો, પનામા, પેરુ, અજરબેજાન, નાઇજીરિયા, યુગાન્ડા, વિયેતનામ, ઈરાક, ડોમિનિકન રિપબ્લિક, યુક્રેન, યુએઈ સહિત લગભગ 50 દેશોએ કોવિન પ્લેટફોર્મ માટે પોતાની રુચિ દર્શાવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોવિન એપમાં અનેક ફેરફાર થયા છે, જેનાથી તમને અનેક નવી સુવિધાઓ મળશે. આખરે કોવિન શું છે? એની શું ખાસિયત છે? સામાન્ય લોકો માટે એમાં શું છે? એના દ્વારા તમે શું-શું કરી શકો છો? નવા ફેરફારોથી શું બદલાશે? આવો જાણીએ...

શું છે CoWIN?
દેશમાં વેક્સિનેશન માટે એક મેનેજમેન્ટ સિસ્ટમ છે. એમાં તમને વેક્સિન માટે રજિસ્ટ્રેશનથી લઈને વેક્સિન મુકાવ્યા પછી સર્ટિફિકેટ પણ મળે છે. એની સાથે જ તમે કોવિન ડેશબોર્ડ પર એ જોઈ શકો છો કે કયા શહેર, રાજ્યમાં કેટલું વેક્સિનેશન થયું છે. ક્યાં વેક્સિન લગાવવા માટે કેટલાં રજિસ્ટ્રેશન થયાં છે. અત્યારસુધી કયા દિવસે કેટલા વેક્સિન ડોઝ લગાવાયા છે.

એની ખાસિયત શું છે?
ટેક્નિકલ ભાષામાં કહીએ તો આ સરકારનું ઈલેક્ટ્રોનિક વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્કનું અપગ્રેડેડ વર્ઝન છે. તેનું ફુલ ફોર્મ ‘કોવિડ વેક્સિન ઈન્ટેલિજન્સ વર્ક’ છે. એને કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરીમાં ત્યારે લોન્ચ કરાયું હતું જ્યારે કોરોના સંક્રમણ વિરુદ્ધ વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઈ રહ્યું હતું.

આના દ્વારા વેક્સિનેશન પ્રોગ્રામને આસાનીથી મોનિટર કરી શકાય છે. કોવિન એક ક્લાઉડ બેઝ્ડ એપ છે. આ એપ સરકારને આ મહાઅભિયાનમાં કોઓર્ડિનેશનમાં જ મદદ નથી કરતું, પણ એ વેક્સિનેશન અભિયાનનો રિયલ ટાઈમ ડેટા પણ ઉપલબ્ધ કરાવે છે. એટલું જ નહીં, વેક્સિનેશન અભિયાનમાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે કોવિનની એક અલગ એપ પણ છે.

કોવિન દ્વારા સામાન્ય યુઝર શું-શું કરી શકે છે?
આનાથી સામાન્ય યુઝર વેક્સિન લગાવવા માટે સ્લોટ બુક કરી શકે છે. વેક્સિનના બંને ડોઝ લાગ્યા પછી વેક્સિનેશન સર્ટિફિકેટ પણ અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. સર્ટિફિકેટમાં કોઈ ભૂલ હોય તો તેને એડિટ કરી શકાય છે. પાસપોર્ટને વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે લિન્ક કરી શકાય છે.

કોવિનમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શું છે?
કોવિન પોર્ટલ કે એપ પર સ્લોટ બુક કરવા માટે પ્રથમ તમારે પોતાના મોબાઈલ નંબરને વેરિફાઈ કરવાનો રહેશે. મોબાઈલ નંબર વેરિફાઈ થયા પછી તમારે કોઈ વેલિડ આઈડી નંબર (આધાર, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે)થી ખુદને રજિસ્ટર કરવાના રહેશે.
તમે ઈચ્છો તો પોતાના નંબર પર પરિવારના ત્રણ અન્ય લોકોનું પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. એના પછી તમે કોવિન પોર્ટલ પર વેક્સિનેશન સેન્ટર સર્ચ કરી શકો છો. એ માટે તમે તમારો પિન કોડ કે રાજ્ય અને શહેર પસંદ કરીને પોતાની આસપાસનાં સેન્ટર્સ અને ત્યાં રહેલા વેક્સિનના સ્લોટ જાણી શકો છો.

વેક્સિન સર્ટિફિકેટમાં જો કોઈ જાણકારી ખોટી હોય તો શું તેને સુધારી શકાય છે?
કોવિન એપ અને પોર્ટલથી તમે વેક્સિનેશનનું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો. જ્યાં પણ વેક્સિનેશનનું પ્રૂફ બતાવવાની જરૂર હોય ત્યાં તમે આ સર્ટિફિકેટ બતાવી શકો છો. જો તમારા વેક્સિનેશનમાં નામ, વય, જેન્ડર જેવી કોઈ જાણકારી ખોટી લખાઈ છે તો કોવિનથી તમે તેને સુધારી શકો છો. જો આ સર્ટિફિકેટ તમારી પાસે છે તો મુસાફરી દરમિયાન તમને કોઈ પરેશાની નહીં થાય.

પાસપોર્ટની સાથે વેક્સિન સર્ટિફિકેટને પણ લિન્ક કરી શકાય છે?
કોવિન પોર્ટલ પર જઈને તમે સરળતાથી વેક્સિન સર્ટિફિકેટને પોતાના પાસપોર્ટની સાથે લિન્ક કરી શકો છો. એનાથી મુસાફરી દરમિયાન કોઈ પરેશાની ન થાય. જો તમારી પાસે પાસપોર્ટની ડિટેલ અને વેક્સિન સર્ટિફિકેટની ડિટેઈલ મેચ ન કરતી હોય તો તમે વેક્સિન સર્ટિફિકેટની ડિટેઈલ એડિટ કરી શકો છો. એના માટે તમારે કોવિન પોર્ટલના સપોર્ટ ઓપ્શન પર જવું પડશે. અહીં તમને સર્ટિફિકેટ કરેક્શનનો ઓપ્શન મળશે.

જો મારો પ્રથમ ડોઝ એક મોબાઈલ નંબરથી રજિસ્ટર થયો હોય, બીજો ડોઝ બીજા નંબરથી તો શું મુશ્કેલી આવશે?
એવા લોકો પણ છે, જેમણે વેક્સિનના બે ડોઝ લગાવવા માટે બે અલગ અલગ મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એેને કારણે તેમને બે અલગ-અલગ વેક્સિન સર્ટિફિકેટ જારી થઈ રહ્યા છે. તેઓ ઈચ્છે તો પોતાનાં બંને સર્ટિફિકેટને કોવિન પોર્ટલ પર જઈને એક નંબર પર મર્જ કરી શકે છે. એના માટે તમારે પોર્ટલના રેઝ એન ઈશ્યૂ ઓપ્શન પર જવું પડશે. ત્યાં જઈને મર્જ મલ્ટીપલ ફર્સ્ટ ડોઝ પ્રોવિઝિનલ સર્ટિફિકેટ ઓપ્શનને સિલેક્ટ કરવાનો રહેશે. એના પછી તમે તમામ સ્ટેપ્સને ફોલો કરીને ફાઈનલ વેક્સિનેશન સર્ટિફિકેટ મેળવી શકો છો.

જો વેક્સિન લગાવ્યા પછી કોઈ સાઇડ ઇફેક્ટ હોય તો ક્યાંથી મદદ મળશે?
વેક્સિનેશ પછી જો તમને કોઈ સાઈડ ઈફેક્ટ હોય તો તમે સરકારના હેલ્પલાઈન નંબર +91-11-23978046(ટોલ ફ્રી-1075) પર સંપર્ક કરી શકો છો. ટેક્નિકલ હેલ્પ માટે તમે 0120-4473222 નંબર પર સંપર્ક કરી શકો છો. તમે ઈચ્છો તો support@cowin.gov.in પર મેલ પણ કરી શકો છો. તેની સાથે જ તમે જે સેન્ટરથી વેક્સિન લગાવડાવી હતી ત્યાં જઈને પણ સલાહ લઈ શકો છો.

નકલી વેક્સિન લગાવાયાની ફરિયાદો પણ આવી રહી છે, મારું વેક્સિનેશન બરાબર છે કે ખોટું કેવી રીતે ખબર પડશે?
તમને મળેલું વેક્સિન સર્ટિફિકેટ સાચું છે કે નકલી એ પણ તમે કોવિનથી જાણી શકો છો. એના માટે તમારે કોવિનના પ્લેટફોર્મ્સ ઓપ્શન પર જવાનું રહેશે. એમાં તમને વેરિફાઈ સર્ટિફિકેટ ઓપ્શન મળશે. વેરિફાઈ સર્ટિફિકેટ પર ક્લિક કરવાથી ક્યુઆર કોડ સ્કેન કરવાનો ઓપ્શન આવશે. એને ક્લિક કરીને તમારા ડિવાઈસના કેમેરાની સામે તમને સર્ટિફિકેટ પર બનેલો ક્યુઆર કોડ બતાવવાનો રહેશે. એવું કરવાની સાથે જ તમારી સિસ્ટમ પર તમારી ડિટેલ આવી જશે. જો સર્ટિફિકેટ નકલી છે તો “Certificate Invalid” લખેલું દર્શાવશે.