ભાસ્કર એક્સપ્લેનર:ઓમિક્રોન તમામને એકવાર જરૂર બનાવશે શિકાર, 100 ટેસ્ટમાં 25 નીકળશે પોઝિટિવ; જાણો ક્યારે અટકશે કહેર

17 દિવસ પહેલાલેખક: અભિષેક પાંડે
 • કૉપી લિંક

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે દુનિયાભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ડેલ્ટાની તુલનામાં 70 ગણા વધુ ચેપી ઓમિક્રોન ઝડપથી દુનિયાના અનેક દેશોમાં ડોમિનન્ટ વેરિએન્ટ બનતો જઈ રહ્યો છે. અમેરિકા અને યુરોપમાં ઓમિક્રોનના કારણે નવા કોરોના કેસોના રેકોર્ડ બની રહ્યા છે. જો કે ઓમિક્રોનથી અત્યાર સુધી ડેલ્ટાના મુકાબલે ઓછી ગંભીર બીમારી થઈ રહી છે. પરંતુ એક્સપર્ટ આ નવા વેરિએન્ટને હળવાશથી ન લેવાની ચેતવણી આપી રહ્યા છે.

એવામાં એ સમજવું જરૂરી છે કે આવનારા કેટલાક સપ્તાહો અને મહિનાઓમાં દુનિયા અને ભારતમાં શું હશે કોરોનાની સ્થિતિ? શું વધુ ખરાબ હશે સ્થિતિ કે સ્થિતિમાં થશે સુધારો? ચાલો જાણીએ...

ઓમિક્રોન ઝડપથી બની રહ્યો છે ડોમિનન્ટ વેરિએન્ટ
કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી સમગ્ર દુનિયામાં પોતાના પગ ફેલાવી ચૂક્યો છે અને બે મહિનાથી પણ ઓછા સમયમાં એ દુનિયાના 100થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

 • એક્સપર્ટ્સ માને છે કે આવનારા કેટલાક દિવસો કે સપ્તાહોમાં ઓમિક્રોન જ ડોમિનન્ટ વેરિએન્ટ બની જશે.
 • અમેરિકાની મેસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં ઈન્ટરનેશનલ ઈન્ફેક્શિયસ ડિસિઝના ડાયરેક્ટર અને એમડી ડોક્ટર એડવર્ડ રેયાન કહે છે કે અમેરિકાના ન્યુ ઈંગ્લેન્ડ વિસ્તારમાં લગભગ 100 ટકા કેસ હવે ઓમિક્રોનના છે અને ડેલ્ટા વેરિએન્ટ ત્યાંથી લગભગ ખતમ થઈ ચૂક્યો છે.
 • જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી બ્રિટનમાં કોરોનાના નવા કેસોમાંથી લગભગ 96% અને અમેરિકા અને ફ્રાંસમાં 80%થી વધુ કેસો માટે ઓમિક્રોન જવાબદાર હતો.
 • સાઉથ આફ્રિકા જ્યાં પ્રથમવાર ઓમિક્રોન મળ્યો હતો, ત્યાં પણ 93%થી વધુ કેસો હવે આ જ વેરિેએન્ટના છે.
 • ભારતમાં પણ ડિસેમ્બર અંત સુધીમાં નવા કેસોમાંથી લગભગ 35% ઓમિક્રોનના હતા. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી 40% નવા કેસો માટે ઓમિક્રોન જવાબદાર હતો.
 • દિલ્હી, મુંબઈ, કોલકાતા જેવા મહાનગરોમાં તો કોરોનાના નવા કેસોમાં લગભગ 74% ઓમિક્રોનનાં છે.

કોરોનાની નવી લહેરની પીક ક્યારે આવશે?
વિશેષજ્ઞોનો અંદાજ છે કે ભારતમાં કોરોનાની નવી લહેરની પીક ફેબ્રુઆરીમાં આવવાની સંભાવના છે.

અગાઉ આઈઆઈટી-કાનપુર અને હવે હાલમાં જ આઈઆઈટી-મદ્રાસ દ્વારા પોતાના સ્ટડીમાં 1થી 15 ફેબ્રુઆરી દરમિયાન દેશમાં નવી લહેરની પીક આવવાની સંભાવના વ્યક્ત કરી છે.

અમેરિકન એક્સપર્ટ ડો. એડવર્ડ રેયાનના અનુસાર, અમેરિકામાં કોરોનાની પીક જાન્યુઆરી અંત સુધી આવી શકે છે અને ફેબ્રુઆરીમાં કેસ ઘટવાના શરૂ થઈ જશે અને માર્ચ સુધી જીવન ફરી સામાન્ય થવાની સંભાવના છે.

20-25% સુધી પહોંચી શકે છે પોઝિટિવિટી રેટ?
આરોગ્ય મંત્રાલયના અનુસાર, 9 જાન્યુઆરી સુધી દેશનો ડેઈલી પોઝિટિવિટી રેટ 10.21% અને વીકલી પોઝિટિવિટી રેટ 6.77% થઈ ગયો છે. આવનારા દિવસોમાં તે વધુ ઝડપથી વધવાની આશંકા છે.

દેશની R વેલ્યુ પણ વધીને 4 થઈ ગઈ છે એટલે કે અત્યારે એક સંક્રમિત વ્યક્તિ 4 લોકોને સંક્રમિત કરી શકે છે. બીજી લહેર દરમિયાન દેશની R વેલ્યુ 1.9 હતી.

અમેરિકન એક્સપર્ટ ડો. એડવર્ડ રેયાનના પ્રમાણે અનેક દેશોમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 20%-25% સુધી પહોંચવાની આશંકા છે.

શું હોય છે પોઝિટિવિટી રેટ?
સરળ શબ્દોમાં કહીએ તો પોઝિટિવિટી રેટ કોરોના વાયરસના ફેલાવાનું ઈન્ડિકેટર હોય છે. પોઝિટિવિટી રેટ વધવાનો અર્થ છે કે કુલ કોરોના ટેસ્ટમાંથી પોઝિટિવ આવનારા કેસોની સંખ્યા વધી રહી છે. પોઝિટિવિટી રેટ વધવાનો અર્થ એ છે કે કુલ કરાયેલા કોરોના ટેસ્ટમાંથી પોઝિટિવ મળતા લોકોની સંખ્યા વધી રહી છે.

પોઝિટિવિટી રેટની ટકાવારી એ વાતનો સંકેત હોય છે કે જે દેશ કે વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે, ત્યાં ઈન્ફેક્શન કેટલું ફેલાયું છે.

સૌને થશે ઓમિક્રોન, ત્યારે બનશે હર્ડ ઈમ્યુનિટી?
ઓમિક્રોન અંગે એક સંભાવના એવી પણ વ્યક્ત થઈ રહી છે કે આ કોરોનાના અંતની શરૂઆત હોઈ શકે છે. જો કે વિશેષજ્ઞો માને છે કે જેટલી ઝડપથી આ ફેલાઈ રહ્યો છે તેનાથી કોઈનું પણ બચવું મુશ્કેલ છે અને એકવાર સૌ ઓમિક્રોનથી સંક્રમિત થવાની આશંકા છે. એવું થશે પછી જ આ વેરિએન્ટ વિરુદ્ધ હર્ડ ઈમ્યુનિટી વિકસિત થઈ શકશે.

 • અમેરિકન એક્સપર્ટ ડો. એડવર્ડ રેયાન કહે છે કે ઓમિક્રોનથી બચવાનો માર્ગ જ નથી અને એ એકવાર બધાને થશે, ત્યારે તેની વિરુદ્ધ હર્ડ ઈમ્યુનિટી વિકસિત થશે.
 • ઓમિક્રોન જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે, એવામાં તેનાથી દુનિયામાં હર્ડ ઈમ્યુનિટી જલદી વિકસિત થવાની સંભાવના છે.
 • હર્ડ ઈમ્યુનિટી એક એવી સ્થિતિ હોય છે, જેમાં લગભગ સમગ્ર વસતીમાં વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી વિકસિત થઈ જાય છે. એવું અગાઉ કે વર્તમાન ઈન્ફેક્શન કે વેક્સિનેશનના કારણે બની શકે છે.
 • અમેરિકાના ટેનેસી સ્થિત વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીના ડો. વિલિયમ શેફનર માને છે કે જો 2022માં ઓમિક્રોન પછી વધુ વેરિએન્ટ નહીં આવે તો એ કોરોનાનો અંત કે એન્ડેમિક તરફ આગળ વધવાની શરૂઆત હોઈ શકે છે.

ઓમિક્રોન ઉપરના શ્વસન અંગ પર કરે છે એટેક, તેથી વધુ ચેપી

ઓમિક્રોન અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ એટલે કે ગળા પર એટેક કરે છે, તેથી એ ઝડપથી ફેલાય છે. કોરોનાના અન્ય વેરિએન્ટ્સની તુલનામાં ઓમિક્રોન લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ જેમકે - ફેફસાંને ઓછી અસર કરે છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના તાજેતરના એક અભ્યાસમાં પણ ઓમિક્રોનથી ફેફસાંના કોષને ઓછી અસર થતી હોવાની વાત કરાઈ છે.

અગાઉથી બીમાર લોકો જ વધુ થઈ રહ્યા છે હોસ્પિટલમાં દાખલ
ઓમિક્રોનના કેસ ઝડપથી વધવા છતાં ડેલ્ટાની તુલનામાં તેનાથી હોસ્પિટલાઈઝેશન રેટ ઓછો છે.

 • બીબીસીના રિપોર્ટ અનુસાર, યુકેના એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા અને અન્ય વેરિએન્ટની તુલનામાં ઓમિક્રોનથી હોસ્પિટલાઈઝેશનનો દર 50%-70% ઓછો છે.
 • ભારતના હિસાબે પણ આ વાત ઘણાખરા અંશે સાચી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અનુસાર, દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાંથી માત્ર 1%-2% જ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે જે બીજી લહેરથી ઘણા ઓછા છે.
 • આ રિપોર્ટ અનુસાર, હોસ્પિટલમાં દાખલ થનારાઓમાં અગાઉથી બીમાર, 60+ વયના લોકો કે અનવેક્સિનેટેડ લોકો વધુ છે.
 • દિલ્હીમાં 8 જાન્યુઆરીએ 20 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા અને પોઝિટિવિટી રેટ વધીને 19% થઈ ગયો પરંતુ દિલ્હીમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં હોસ્પિટલાઈઝેશન રેટમાં ઘટાડો આવ્યો છે.
 • ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, 1 જાન્યુઆરીએ દિલ્હીનો હોસ્પિટલાઈઝેશન રેટ 6.6% હતો, જે 7 જાન્યુઆરીએ ઘટીને 4.81% રહ્યો. એટલે કે દિલ્હીમાં ભલે કોરોના કેસ વધી રહ્યા છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થનારાઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.

ઓમિક્રોનના મોટાભાગના સંક્રમિત હશે અસિમ્પ્ટોમેટિક?
દુનિયામાં આવી રહેલા ઓમિક્રોનના મોટાભાગના કેસો અસિમ્પ્ટોમેટિક છે. આરોગ્ય મંત્રાલયના અનુસાર દેશમાં ઓમિક્રોન કેસોમાંથી લગભગ 70% કેસો અસિમ્પ્ટોમેટિક છે.

દેશના ઓમિક્રોન કેસોમાંથી 90% એ લોકોમાં મળ્યા છે કે જેઓ વેક્સિનેટેડ છે. એટલે કે ઓમિક્રોનની વેક્સિનને થાપ આપવાની આશંકા પણ સાચી સાબિત થતી જોવા મળી રહી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, પ્રારંભિક સ્ટડી દર્શાવે છે કે ઓમિક્રોન ભલે ડેલ્ટા વેરિએન્ટથી વધુ ઝડપથી ફેલાય છે પરંતુ તેના લક્ષણો ઓછા ગંભીર છે અને મોટાભાગના કેસ અસિમ્પ્ટોમેટિક છે.

ઓમિક્રોન માટે બૂસ્ટર ડોઝ કેટલો લાભદાયી?
ઓમિક્રોન વેરિએન્ટની હાલની વેક્સિનોને થાપ આપવાની આશંકા પછી બૂસ્ટર ડોઝ લગાવવાની માગ થવા લાગી છે.

 • દુનિયાના અનેક દેશ બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ પણ કરી ચૂક્યા છે. ભારતમાં પણ 10 જાન્યુઆરીથી 60+ વયના લોકોને પ્રિકૉશન કે ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
 • પરંતુ અનેક એક્સપર્ટ્સ માને છે કે કોરોનાના નવા વેરિએન્ટ માટે દર છ મહિનામાં બૂસ્ટર ડોઝ આપવો શક્ય નથી.
 • ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ હાલમાં જ કહ્યું છે કે દર ચારથી છ મહિનામાં સમગ્ર દુનિયાને વેક્સિનેટ ન કરી શકાય, એ ન તો દીર્ઘકાલિન છે અને ન તો તેને અફોર્ડ કરી શકાય તેમ છે.
 • સંશોધકોના કહેવા પ્રમાણે દરેકને બૂસ્ટર ડોઝ આપવાના બદલે માત્ર અતિસંવેદનશીલ લોકોને જ એ આપવો જોઈએ.
 • અમેરિકન એક્સપર્ટ ડો. એડવર્ડ રેયાન કહે છે કે જ્યાં સુધી આપણે લોકોને બૂસ્ટર ડોઝ આપીશું, એ પહેલા જ ઓમિક્રોનને કહેર ખતમ થઈ ચૂક્યો હશે.

રેપિડ ટેસ્ટથી ઓમિક્રોનને ડિટેક્ટ કરવાની સંભાવના ઓછી

કોરોના માટે કરાતા રેપિટે એન્ટીજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ ઓમિક્રોન સંક્રમણને શરૂઆતના દિવસોમાં પકડવામાં કારગત નથી.

અમેરિકન વિશેષજ્ઞ ડો. એડવર્ડ રેયાનના અનુસાર, જે લોકોમાં સિમ્પ્ટમ્સ છે તેમના માટે રેપિડ ટેસ્ટ 50-80% સુધી સેન્સિટિવ હોય છે જ્યારે અસિમ્પ્ટોમેટિક લોકો માટે એ માત્ર 30-60% જ સેન્સિટિવ છે.

શું કોન્ટ્રાક્ટ ટ્રેસિંગથી અટકશે ઓમિક્રોન?
ઓમિક્રોનને રોકવા માટે સરકારો તેનાથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકોને પણ ટ્રેસ કરી રહી છે જેથી તેને ફેલાતા રોકી શકાય.

ક્લોઝ કોન્ટેક્ટ તેને માનવામાં આવે છે, જ્યારે કોઈ વ્યક્તિ સંક્રમિત વ્યક્તિ સાથે ઘર જેવા સ્થાને ચાર કે તેનાથી વધુ કલાકો વિતાવે.

ઓમિક્રોનનું ડેલ્ટાની તુલનામાં 70 ગણી વધુ ઝડપથી ફેલાવાનું જોખમ રહે છે, એવામાં કોન્ટેક્ટ ટ્રેસિંગને ઓમિક્રોનને ફેલાતો રોકવામાં કારગત માનવામાં આવે છે.

જો કે આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા અસિમ્પ્ટોમેટિક લોકોના કોરોના ટેસ્ટિંગને જરૂરી ગણાવ્યું નથી.

શું હજુ પણ વર્ક ફ્રોમ હોમ છે સૌના માટે જરૂરી?
ભલે કોરોના કેસો ઝડપથી વધે એ દરમિયાન ફરી એકવાર વર્ક ફ્રોમ હોમનો સમય આવી શકે છે પરંતુ અમેરિકન એક્સપર્ટ ડો. એડવર્ડ રેયાન માને છે કે સૌના માટે તેની જરૂર નથી.

તેમના કહેવા પ્રમાણે માત્ર 85 વર્ષથી વધુ વયના લોકો અને નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે વર્ક ફ્રોમ હોમની આવશ્યકતા છે.