ભાસ્કર એક્સપ્લેનર:ભારતમાં હાવી છે કોરોના વાયરસની ડેલ્ટા વેવ;અભ્યાસમાં દાવો- વેક્સિન જીવન બચાવી શકે છે, પણ સંક્રમણ અટકાવી શકતી નથી

એક વર્ષ પહેલા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRના નવા અભ્યાસમાં શુક્રવારે વધુ એક નવી હકીકત સામે આવી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વેક્સિનના બે ડોઝ લગાવ્યા બાદ પણ ઈન્ફેક્શન થઈ રહ્યું છે. એનું કારણ કોવિડ-19નો ડેલ્ટા વેરિયન્ટ છે, એટલે કે વેક્સિનના બે ડોઝ લગાવ્યા બાદ પણ જોખમ ઘટ્યું નથી.

આ અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો છે. ખાસ કરીને બીજી લહેર નબળી પડતાં જ અનેક રાજ્યોમાં અનલોક થવા લાગ્યું છે. જનજીવન સામાન્ય થવા લાગ્યું છે, પણ છેલ્લાં કેટલાંક સપ્તાહમાં હિલ સ્ટેશનોથી જે તસવીરો સામે આવી રહી છે એમાં હજારોની સંખ્યામાં લોકો માર્ગો પર ઊતરી આવ્યા હતા. એ પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગ તો ભુલાઈ ગયેલું જોવા મળ્યું. આ સ્થિતિને ધ્યાનમાં રાખી મેડિકલ એસોસિયેશનથી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સક્રિય થવું પડ્યું છે. તેમણે લોકોને સલાહ આપી છે કે કોરોનાની લહેર નબળી પડી છે, ખતમ થઈ નથી. જો સાવચેતી દાખવવામાં નહીં આવે તો ત્રીજી લહેર ટૂંક સમયમાં આવી શકે છે અને સ્થિતિ વધારે ખરાબ થવા લાગશે.

ICMRના અભ્યાસથી એ બાબત સાબિત થઈ ગઈ છે કે વેક્સિન ફક્ત જીવ બચાવશે, પણ ઈન્ફેક્શન થવાનું જોખમ ટળ્યું નથી. આ અંગે વેક્સિનેશન બાદ પણ શા માટે સાવચેતી રાખવી જરૂરી છે એ અંગે અમે મુંબઈના ડો.ભરેશ દેઢિયા (હેડ ક્રિટિકલ કેર, પીડી હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર, ખાર ફેસિલિટી) અને ડો.સુનીલ જૈન (હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ ઈમર્જન્સી મેડિસિન, જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર) પાસેથી માહિતી મેળવી હતી.

સૌથી પહેલા વાત કરીએ, ICMRના અભ્યાસ વિશે.....

 • આ સ્ટડી માટે 17 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે જોડાયેલાં 677 ક્લિનિકલ સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યાં. આ નમૂના એવા લોકોના હતા કે જે વેક્સિનના એક અથવા બે ડોઝ લઈ ચૂક્યા હતા અને ત્યાર બાદ પણ તેમને ઈન્ફેક્શન થયું. આ રીતે ઈન્ફેક્શનને બ્રેકથ્રુ ઈન્ફેક્શન કહે છે.
 • 677 પૈકી 86 ટકા કેસમાં ડેલ્ટા વેરિયન્ટની પૃષ્ટિ થઈ છે. 85 દર્દી પ્રથમ ડોઝ બાદ ઈન્ફેક્ટ થયા. જ્યારે 592 લોકો બીજા ડોઝ બાદ સંક્રમિત થયા. સારી વાત એ રહી કે ફક્ત 9.8 ટકા કેસમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને ફક્ત ત્રણ લોકોનાં જ મોત થયાં.
 • આ સાથે એ બાબત સ્પષ્ટ છે કે વેક્સિનનો એક ડોઝ લાગ્યો હોય કે બે ડોઝ, તે તમને મોત થવાથી બચાવી લે છે, પણ ઈન્ફેક્શનથી બચાવી શકતી નથી. એનાથી તમારી આજુબાજુના લોકો, ખાસ કરીને બાળકોને સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે, કારણ કે તેમને અત્યારસુધી વેક્સિન લગાવવાની શરૂઆત થઈ નથી.

શું ડેલ્ટા વેરિયન્ટ સામે વેક્સિન અસરકારક છે કે નહીં?

 • વેક્સિન ગંભીર અને જીવલેણ ઈન્ફ્કેશનથી બચાવી લેશે. કોવિશીલ્ડની કોવિડ-19 વેરિયન્ટ અંગે ઓવરઓલ ઈફેક્ટિવનેસ 70-90 ટકા છે, જ્યારે કોવેક્સિને પણ ફેઝ-3 ટ્રાયલ્સમાં 78 ટકાની ઈફેક્ટિવનેસ દેખાડી છે. સ્પુતનિક-વી ની ઈફેક્ટિવનેસ પણ 90 ટકા રહી છે, એટલે કે એ સ્પષ્ટ છે કે ગંભીર ઈન્ફેક્શનથી વેક્સિન બચાવી લેશે. પણ માઈલ્ડ અથવા એસિમ્પ્ટોમેટિક ઈન્ફેક્શન થવાનું જોખમ યથાવત્ રહે છે.
 • ICMRના નવા અભ્યાસમાં સ્પષ્ટ છે કે ડેલ્ટા વેરિયન્ટ હોય કે આલ્ફા-બીટા કે કપ્પા વેરિયન્ટ, વેક્સિનની અસર મર્યાદિત છે. અભ્યાસ પ્રમાણે 677માંથી ફક્ત ત્રણ લોકો (0.4%)નાં મોત થયાં અને 67 લોકો (9.8%)ને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સ્પષ્ટ છે કે વેક્સિન લગાવ્યા બાદ પણ જે લોકોને ઈન્ફેક્શન થયું એ 10 પૈકી નવ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી.
 • અભ્યાસમાં સામેલ સેમ્પલ્સમાં SARS-CoV-2ના બે નવા ડેલ્ટા વેરિયન્ટ AY.1 અને AY.2ની ઓળખ થઈ છે. ડેલ્ટા AY.1 અને AY.2 વેરિયન્ટ્સમાં સ્પાઈક પ્રોટીનમાં k417N મ્યૂટેશન મળ્યા છે. જ્યારે વેક્સિનથી તૈયાર થયેલી એન્ટિબોડીને છેતરીને વાયરસને મદદ કરે છે. આ રીતે વાયરસ વધારે શક્તિશાળી થઈ જાય છે.
 • અભ્યાસ પ્રમાણે 86.09% કેસ ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2)ને લીધે આવ્યા. જ્યારે ઉત્તર ભારતમાં મળેલા મોટા ભાગના બ્રેકથ્રુ ઈન્ફેક્શનને લીધે આલ્ફા વેરિએન્ટ બન્યો છે. ભારતના દક્ષિણ, પશ્ચિમ, પૂર્વી અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં બ્રેકથ્રુ ઈન્ફેક્શનને લીધે ડેલ્ટા અને પછી કપ્પા વેરિયન્ટ રહ્યા છે.

તો શું વેક્સિન લગાવ્યા બાદ પણ ઘરમાં બેસવાનું છે?

 • બિલકુલ નહીં. પણ ભીડવાળા વિસ્તારોમાં ત્યારે જ જાવું જોઈએ કે જ્યારે ખૂબ જ જરૂરી હોય. પ્રયત્ન કરો કે જ્યારે પણ ઘરેથી બહાર નીકળી રહ્યા હોવ તો માસ્ક ચોક્કસ પહેરવું. ભીડવાળી જગ્યામાં ડબલ માસ્ક જ તમને ઈન્ફેક્શનથી બચાવવામાં અસરકારક છે.
 • અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન પ્રમાણે વેક્સિનના બે ડોઝ લગાવી ચૂકેલા લોકોની દૈનિક પ્રવૃત્તિઓમાં માસ્ક વગર સામેલ થઈ શકો છો, પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ડેલ્ટા વેરિયન્ટના વધતા કેસ બાદ માસ્ક પહેરવાની સલાહ આપી છે. ત્યાર બાદ જ 19 જુલાઈથી અનલોક થઈ રહેલા બ્રિટનમાં પણ વેક્સિનેટેડ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
 • ભારતમાં વાયરસના નવા વેરિયન્ટ પર નજર રાખી રહેલી ઈંસાકોગ (INSACOG)ના તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 9 જુલાઈ સુધી દેશમાં એક્ટિવ કેસમાં ઓછામાં ઓછા 88 ટકા કેસ ડેલ્ટા વેરિયન્ટ્સના છે, એટલે કે ભારતમાં અત્યારે નવા સામે આવી રહેલા દરેક દસ પૈકી આશરે નવ કેસમાં ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર છે. ICMRના અભ્યાસ બાદ આ બાબત સ્પષ્ટ છે કે ડેલ્ટા વેરિયન્ટથી થતા ઈન્ફેક્શનથી બચાવવામાં વેક્સિન પણ ઘણી અસરકારક નથી.

શું તમે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો?

 • આ માટે કોઈ જ પ્રતિબંધ નથી. તમે સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ ગયા છો તો તમારે ખૂબ જ ઓછું જોખમ રહેશે. પ્રથમ ડોઝ કંઈક હસ્તક પ્રોટેક્શન આપે છે, પણ બીજો ડોઝ તમારી ઈમ્યુનિટીને અનેક ગણી વધારી દે છે. એ તમને કોરોના વાયરસના ગંભીર ઈન્ફેક્શનથી કંઈક હસ્તક પ્રોટેક્શન આપે છે.

ત્રીજી લહેરથી બચવા માટે શું કરવું જરૂરી છે?

 • ત્રીજી લહેર તો આવવાની જ છે, પણ એનું સ્વરૂપ શું હશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. જે લોકોએ વેક્સિન લગાવી નથી તેમણે જલદીથી વેક્સિનેશન કરાવવું જોઈએ. માસ્ક પહેરવાની ટેવ રાખવી જોઈએ. હાઈજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. એનાથી આપણે ત્રીજી લહેરની ઓછી અસર રાખી શકીશું.
 • જો આપણે આ માટે સફળ રહીએ છીએ તો વર્ષ 1918માં જે પ્રકારે સ્પેનિશ ફ્લૂની જેમ બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેર નબળી રહેશે. આ મહામારીનો અંત આવી જશે. કોવિડ-19 ત્યાર બાદ ફ્લૂ જેવા ઈન્ફેક્શન તૈયાર કરશે. વાર્ષિક કોવિડ વેક્સિન બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે.
 • આ ઉપરાંત જે દર્દીઓને કેન્સર અથવા અન્ય ગંભીર બીમારીઓ છે તેમણે બિલકુલ બેદરકારી દાખવવી જોઈએ નહીં. આ રીતે લોકોની ઈમ્યુનિટી નબળી પડી જાય છે. આ કારણથી પણ તેમને ગંભીર ઈન્ફેક્શન અથવા મોતનું જોખમ વેક્સિન બાદ પણ યથાવત રહે છે. વેક્સિન લગાવ્યા બાદ પણ તેમને સંપૂર્ણપણે સુરક્ષા મળતી નથી.