ભાસ્કર એક્સપ્લેનર:હવે કોરોના અને ફ્લૂનો ડબલ એટેક, નામ છે ફ્લોરોના; જાણો કેમ છે એ ખતરનાક? શું છે લક્ષણો

22 દિવસ પહેલાલેખક: અભિષેક પાંડે
  • કૉપી લિંક

કોરોનાના વધતા કહેર વચ્ચે વધુ એક ચિંતા વધારનારા સમાચાર આવ્યા છે. દુનિયામાં પ્રથમવાર કોરોના અને ફ્લુના વાયરસનો માનવીના શરીર પર એકસાથે એટેક કરવાનો કેસ સામે આવ્યો છે. આ કોરોના અને ઈન્ફ્લુએન્ઝઆના ડબલ ઈન્ફેક્શનને ‘ફ્લોરોના(Florona) કહેવામાં આવી રહ્યું છે. એવું મનાય છે કે એક નવા ઈન્ફેક્શન ‘ફ્લોરોના’માં એક જ દર્દીમાં કોરોના અને ઈન્ફ્લુએન્ઝા બંનેના વાયરસ જોવા મળ્યા છે.

ચાલો જાણીએ કે શું છે ફ્લોરોના? શા માટે ફ્લુ અને કોરોનાનું ડબલ ઈન્ફેક્શન છે ખતરનાક? દુનિયામાં ક્યાં મળે છે ફ્લોરોનાનો પ્રથમ કેસ?

શું છે ફ્લોરોના?
રિપોર્ટ્સ અનુસાર, ઈન્ફ્લુએન્ઝા અને કોરોનાના ડબલ ઈન્ફેક્શનનો દુનિયાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. સીધા શબ્દોમાં કહીએ તો એ એક જ દર્દીમાં કોરોના અને ફ્લુ એટલે કે શરદીના ડબલ ઈન્ફેક્શનનો કેસ છે.

કોરોના અને ફ્લુના આ ડબલ ઈન્ફેક્શનને ‘ફ્લોરોના‘ (Florona) કહેવાય છે. એટલે કે એક જ સમયમાં ફ્લુ+કોરોનાનું ડબલ ઈન્ફેક્શન ‘ફ્લોરોના’ છે.

આ માનવીના શરીરમાં એક જ સમયે ફ્લુ અને કોરોના બંનેના વાયરસના પ્રવેશથી થતું ડબલ ઈન્ફેક્શન છે.

ક્યાં મળ્યો દુનિયાનો પ્રથમ ફ્લોરોના કેસ?
દુનિયાનો પ્રથમ ફ્લોરોના કેસ હાલમાં જ ઈઝરાયેલમાં સામે આવ્યો છે. તેની જાણકારી આરબ ન્યૂઝે આપી છે. ફ્લોરોનાના પ્રથમ કેસ એક પ્રેગનન્ટ મહિલામાં મળ્યો છે, જે રાબિન મેડિકલ સેન્ટરમાં એક બાળકને જન્મ આપવા માટે એડમિટ થઈ હતી.

ઈઝરાયેલના ન્યુઝ પેપર Yedioth Ahronoth અનુસાર, જે મહિલામાં ફ્લોરોનાનો કેસ સામે આવ્યો, એ વેક્સિનેટેડ નહોતી.

અરબ ન્યૂઝે ફ્લોરોનાના પ્રથમ કેસની જાણકારી આપતા ટ્વીટ કર્યુ, ‘ઈઝરાયેલે ફ્લોરોના ડિસિઝનો પ્રથમ કેસ નોંધાવ્યો, કોવિડ-19 અને ઈન્ફ્લુએન્ઝાનું બેવડું ઈન્ફેક્શન.’

શું નવો વેરિયન્ટ છે ફ્લોરોના?
સૌપ્રથમ તો એ જાણી લો કે ફ્લોરોના કોરોનાનો નવો વેરિયન્ટ નથી. આ એક જ સમયે ફ્લૂ અને કોરોનાથી થનારૂં ડબલ ઈન્ફેક્શન છે. ઈઝરાયેલમાં દુનિયાનો પ્રથમ ફ્લોરોના કેસ મળ્યો છે.

ઈઝરાયેલના ડોક્ટરો કહે છે કે છેલ્લા કેટલાક સપ્તાહોમાં ઈઝરાયેલમાં ઈન્ફ્લુએન્ઝા કે ફ્લુ (શરદી)ના કેસો ઝડપથી વધી રહ્યા છે અને તેથી ફ્લોરોના પર સ્ટડી કરવામાં આવી રહ્યો છે.

કૈરો યુનિવર્સિટી હોસ્પિટલના ડોક્ટર નહલા અબ્દેલ વહાબે ઈઝરાયેલના મીડિયાને જણાવ્યું કે ‘ફ્લોરોના’ ઈમ્યુન સિસ્ટમના એક મોટા બ્રેકડાઉન એટલે કે ઈમ્યુનિટીમાં એક મોટા અભાવનો સંકેત હોઈ શકે છે કેમકે તેમાં એક જ સમયે બે વાયરસ માનવ શરીરમાં પ્રવેશ કરી રહ્યા છે.

શા માટે ખતરનાક હોઈ શકે છે ફ્લોરોના?
માયોક્લિનીકના અનુસાર, કોરોના અને ફ્લુ એક સાથે ગંભીર જટિલતાઓ પેદા કરી શકે છે. એક્સપર્ટ્સના અનુસાર, કોરોના અને ફ્લુ બંનેના ડબલ એટેકથી ગંભીર બીમારીનું જોખમ વધુ હોય છે કેમકે તે ઝડપથી ફેલાઈ શકે છે.

બંને વાયરસ મળીને શરીર પર કહેર વરસાવી શકે છે અને તેનાથી અનેક ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. આ જ કારણ છે કે ફ્લોરોના હોવો ખતરનાક સાબિત થઈ શકે છે.

ફ્લોરોના થવાથી દર્દીને ન્યુમોનિયા, શ્વાસ લેવામાં મુશ્કેલી, ઓર્ગન ફેઈલ્યોર, હાર્ટ એટેક, હૃદય કે મસ્તિષ્કમાં સોજો, સ્ટ્રોક જેવી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. ફ્લોરોનાથી સ્થિતિ વધુ ગંભીર થવાથી વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.

કેવી રીતે ફેલાય છે ફ્લોરોના?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુસાર, ‘એક જ સમયમાં ફ્લુ અને કોરોના બંને બીમારીઓ થવી સંભવ છે.’ માયોક્લિનિક અનુસાર, જે વાયરસોના કારણે કોરોના અને ફ્લુ થાય છે, તે એક જ રીતે ફેલાય છે.

આ બંને વાઇરસ નજીકના સંપર્ક (છ ફૂટ કે બે મીટરની અંદર)માં આવનારા લોકોમાં ફેલાય છે. આ બંને વાયરસ વાત કરવાથી, છીંકવાથી કે ખાંસીથી નીકળતા શ્વાસના ટીપાં કે એરોસોલથી ફેલાય છે. આ ડ્રોપલેટ્સ શ્વાસ લેવાથી મોં કે નાક દ્વારા શરીરના અંદર પહોંચી જાય છે.

આ વાઇરસ ત્યારે પણ ફેલાઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ આ બંનેમાંથી કોઈ વાઇરસવાળી સપાટીને સ્પર્શે છે અને પછી પોતાના મોં, નાક કે આંખને સ્પર્શે છે.

કયા છે ફ્લોરોનાનાં સામાન્ય લક્ષણ અને કેવી રીતે થાય છે તપાસ?
એક તરફ જ્યાં ફ્લુ(શરદી)ના લક્ષણ સામાન્ય રીતે ત્રણથી ચાર દિવસમાં પ્રકટ થાય છે તો કોરોનાના લક્ષણ પ્રકટ થવામાં બેથી 14 દિવસ સુધીનો સમય લાગે છે.

  • ફ્લુ અને કોરોના બંનેના સામાન્ય લક્ષણો લગભગ એક જેવા હોય છે, જેમકે બંનેમાં ખાંસી, શરદી, તાવ અને નાક વહેવા જેવા લક્ષણ હોય છે. એટલે કે ફ્લોરોનાના શરૂઆતના સામાન્ય લક્ષણોમાં પણ ખાંસી, શરદી, તાવ જ હોય છે.
  • જ્યારે ફ્લોરોનાના ગંભીર લક્ષણોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવામાં વધુ મુશ્કેલી, હાર્ટના સ્નાયુમાં સોજો, સ્ટ્રોક, હાર્ટ એટેકનું જોખમ વગેરે સામેલ છે.
  • આ બંને વાયરસમાં તફાવતનો ખ્યાલ દર્દીના સેમ્પલના ટેસ્ટિંગ પછી જ આવે છે.
  • ફ્લુની તપાસ માટે PCR ટેસ્ટ કરવામાં આવે છે, જ્યાં વાયરસનો ટેસ્ટ થાય છે. ફ્લુ અને કોરોનાની તપાસ માટે અલગ-અલગ PCR ટેસ્ટ કરવામાં આવે છે.
  • ફ્લુ અને કોરોના વાયરસના જિનોટાઈપ્સ અલગ હોય છે. આ બંનેમાં તફાવત માત્ર લેબ ટેસ્ટ દ્વારા જ કરી શકાય છે.

કઈ રીતે કરી શકાય છે ફોલોરોનાથી બચાવ?
WHOના અનુસાર, ફ્લોરોનાના સિરિયસ જોખમથી બચવા, એટલે કે હોસ્પિટલાઈઝેશનનું જોખમ ઓછું કરવા અને કોરોના અને ઈન્ફ્લુએન્ઝાની ગંભીરતાને રોકવાનો સૌથી અસરકારક ઉપાય ઈન્ફ્લુએન્ઝા વેક્સિન અને કોવિડ-19 બંનેની વેક્સિન લગાવવી એ છે.

આ સાથે જ WHO લોકોને તેનાથી બચવા માટે રોકવાના ઉપાયોનું પાલન કરવાની પણ સલાહ આપે છે. આ ઉપાયોમાં લોકોને ઓછામાં ઓછું એક મીટર અંતર રાખવા, જો અંતર રાખવું શક્ય ન હોય તો સારી રીતે ફિટ થનારા માસ્કનો ઉપયોગ કરવો, ભીડવાળી અને ખરાબ વેન્ટિલેશનવાળી જગ્યાથી દૂર રહેવું, હવાદાર રૂમમાં રહેવું અને પોતાના હાથને સતત ધોવા વગેરે સામેલ છે.

ડેલ્મિક્રોન પછી હવે ફ્લોરોનાએ વધાર્યુ દુનિયાનું ટેન્શન
ફ્લોરોના અગાઉ કોરોનાના વેરિએન્ટ્સ ઓમિક્રોન અને ડેલ્ટાની સાથે ઈન્ફેક્શનથી ડેલ્મિક્રોન ઈન્ફેક્શનની વાત પણ સામે આવી ચૂકી છે. હવે ફ્લોરોનાનું આગમન એક નવા સંકટ સમાન છે.

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે દુનિયાભરમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. અમેરિકા, યુરોપ પછી હવે ભારતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવા સમયમાં કોરોના અને ફ્લુનું ડબલ ઈન્ફેક્શન ફ્લોરોના અને ડેલ્મિક્રોન જેવી ચીજો દુનિયા માટે કોઈ રીતે સારા સમાચાર નથી.

ઈઝરાયેલ કે જ્યાં ફ્લોરોનાનો પ્રથમ કેસ મળ્યો છે, ત્યાં પણ કોરોના કેસો સતત વધી રહ્યા છે અને ડેઈલી કોરોના કેસો 5 હજારને પાર કરી ગયા છે. ઓમિક્રોનનો સામનો કરવા માટે ઈઝરાયેલ નબળી ઈમ્યુન સિસ્ટમવાળા લોકોને અગાઉથી જ કોરોના વેક્સિનનો ચોથો ડોઝ લગાવવાની શરૂઆત કરી ચૂક્યું છે.