ભાસ્કર એક્સપ્લેનર:આજે તામિલનાડુ-પુડુચેરી પર ત્રાટકશે ‘નિવાર’; તે શા માટે આવી રહ્યું છે અને તોફાન આવ્યા પછી શું થશે?

2 વર્ષ પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
 • કૉપી લિંક

બંગાળની ખાડીને સ્પર્શતા તામિલનાડુ અને પુડુચેરીના સમુદ્રી તટો પર આજે બપોરે સાઈક્લોન ‘નિવાર’ ટકરાશે. આ દરમિયાન 100થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આજે તામિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી છે અને રેડ એલર્ટ જારી કર્યુ છે.

એવામાં એ જાણવું જરૂરી છે કે સાઈક્લોન નિવાર શા માટે આવી રહ્યું છે? સરકારોની કેવી તૈયારીઓ છે? નિવારના આવ્યા પછી શું-શું થઈ શકે છે? આવો જાણીએ...

સાઈક્લોન નિવાર ક્યારે આવશે?
સાઈક્લોન નિવાર આવવાની અસર તામિલનાડુ અને પુડુચેરીમાં દેખાવા લાગી છે. ત્યાં અત્યારથી સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર, ચક્રવાત નિવાર બુધવારે સાંજે 5 વાગ્યા આસપાસ તામિલનાડુ અને પુડુચેરીના તટ પર ટકરાઈ શકે છે.

સાઈક્લોન નિવાર શા માટે આવી રહ્યું છે?
આ અંગે હવામાન વિભાગના પૂર્વ ડિરેક્ટર જનરલ કે જે રમેશ કહે છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી બંગાળની ખાડીમાં સાઈક્લોન સિઝન રહે છે. તેમાં પણ ઓક્ટોબર અને નવેમ્બરમાં કોર એક્ટિવિટી રહે છે. આ કારણથી આ મહિનાઓમાં સાઈક્લોન આવવાની આશંકા વધુ રહે છે. ભારતમાં વર્ષભરમાં બે વાર મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બરમાં ચક્રવાત બનવાની સંભાવના સૌથી વધુ રહે છે. મે-જૂનમાં આપણે ત્યાં અમ્ફાન અને નિસર્ગ તોફાનો આવ્યા હતા.

સાઈક્લોન નિવાર આવવાથી શું થશે?
બને છે એવું કે તોફાનમાં જે પવન ફૂંકાય છે, તે બે દિશામાં ફૂંકાય છે. પ્રથમ ક્લોકવાઈઝ અને બીજો એન્ટી ક્લોકવાઈઝ. કે જે રમેશ કહે છે કે પુડુચેરી અને તામિલનાડુની આસપાસ હવા ઉપરની તરફ એન્ટી ક્લોકવાઈઝ ડિરેક્શનમાં રહે છે. આ કારણથી તોફાનનું જે કેન્દ્ર છે, તેના ઉપરની તરફથી હવા તટ તરફ આવે છે.

આના કારણે સુસવાટા મારતો પવન ફૂંકાય છે અને સમુદ્રનું પાણી તટ તરફ જાય છે. કે જે રમેશ કહે છે કે સમુદ્રનું પાણી તટ તરફ આવવાથી પાણી અંદર ઘૂસવાની આશંકા છે. તટની આસપાસ જે નીચાણવાળા વિસ્તારો હોય છે, ત્યાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તોફાનની અસરથી 27 નવેમ્બર સુધી તામિલનાડુમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ મેપ સોમવારે હવામાન વિભાગે જારી કર્યો. તેના દ્વારા તોફાનની દિશા દર્શાવાઈ છે.
આ મેપ સોમવારે હવામાન વિભાગે જારી કર્યો. તેના દ્વારા તોફાનની દિશા દર્શાવાઈ છે.

સરકારો શું કરી રહી છે?
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તામિલનાડુના સીએમ ઈ પલાનીસામી અને પુડુચેરીના સીએમ નારાયણસામી સાથે વાત કરી અને ચક્રવાત નિવારનો સામનો કરવાની તૈયારીઓની જાણકારી મેળવી હતી. આ સાથે તેમણે બંને રાજ્યોને તમામ પ્રકારની મદદનો ભરોસો આપ્યો હતો.

 • સરકારે તામિલનાડુ અને પુડુચેરીમાં એનડીઆરએફની 30 ટીમો ઉતારી છે. તેમાંથી 18 ટીમો પુડુચેરી અને 12 ટીમો તામિલનાડુમાં તહેનાત રહેશે. એનડીઆરએફની એક ટીમમાં 35થી 45 જવાનો હોય છે.
 • તટની આસપાસ નીચલા વિસ્તારોમાં રહેનારા લોકોને રિલીફ સેન્ટરમાં પહોંચાડી દેવાયા છે. તામિલનાડુના સીએમ પલાનીસામીએ જણાવ્યું હતું કે રિલીફ સેન્ટરમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. અગાઉથી જ માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરી લેવાઈ છે.

સાઈક્લોન શું હોય છે?
ભારત અને દુનિયાભરના તટિય વિસ્તાર હંમેશા ચક્રવાતો સામે ઝઝૂમતા રહે છે. તટીય વિસ્તારો એટલે કે એવા વિસ્તારો કે જે સમુદ્રના કિનારે હોય. ચક્રવાતને અલગ અલગ જગ્યાના હિસાબે અલગ અલગ નામથી ઓળખ આપવામાં આવે છે. સાઈક્લોન, હરિકેન અને ટાઈફૂન, આ ત્રણેય ચક્રવાતી તોફાન હોય છે. ઉત્તરીય એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર-પૂર્વ પ્રશાંતમાં આવતા તોફાનોને હરિકેન કહેવામાં આવે છે.

ઉત્તર-પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવતા તોફાનોને ટાઈફૂન કહે છે. દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં આવતા તોફાનોને સાઈક્લોન કહે છે. ભારતમાં ચક્રવાતી તોફાન દક્ષિણ પ્રશાંત અને હિન્દ મહાસાગરમાંથી જ આવે છે, તેથી તેમને સાઈક્લોન કહે છે.

ચક્રવાતી તોફાન શા માટે આવે છે?

 • આપણે ભૂગોળમાં ભણ્યા છીએ કે પૃથ્વીના વાયુમંડળમાં હવા હોય છે. જે રીતે જમીનની ઉપર હવા હોય છે, આ જ રીતે સમુદ્રની ઉપર પણ હવા હોય છે. હવા હંમેશા હાઈપ્રેશરથી લો પ્રેશરવાળા ક્ષેત્ર તરફ જાય છે. હવા જ્યારે ગરમ થાય છે તો હળવી થઈ જાય છે અને ઉપર જવા લાગે છે.
 • જ્યારે સમુદ્રનું પાણી ગરમ હોય છે તો તેની ઉપર રહેલી હવા પણ ગરમ થઈને ઉપર જવા લાગે છે. તેનાથી અહીં લો પ્રેશરનું ક્ષેત્ર સર્જાય છે. આસપાસ રહેલી ઠંડી હવા આ લો પ્રેશરવાળા ક્ષેત્રને ભરવા માટે એ તરફ જવા લાગે છે.
 • આપણે એ પણ વાંચ્યું છે કે પૃથ્વી પોતાની ધરી પર ઘૂમે છે. આ કારણથી હવા સીધી ન આવીને ઘૂમવા લાગે છે અને ચક્કર લગાવતી લો પ્રેશરવાળા ક્ષેત્ર તરફ જાય છે. તેને જ ચક્રવાત કહે છે.
 • સરળ શબ્દોમાં કહીએ તો ચક્રવાત ઝડપથી ઘૂમતી હવા હોય છે. જ્યારે હવા ગરમ થઈને ઉપર જાય છે તો તેમાં ભેજ પણ હોય છે. તેથી ચક્રવાતમાં સુસવાટા મારતા પવનની સાથે વરસાદ પણ પડે છે. ચક્રવાત જ્યારે ઘૂમતા રહીને સમુદ્ર તટ સાથે ટકરાય છે તો નબળું પડવા લાગે છે. એવું એટલા માટે બને છે કે જમીન પર હવાનું દબાણ ઉચ્ચ હોય છે.
 • અગાઉ ચક્રવાતી તોફાન ક્યારેક ક્યારેક અને ગરમીના સમયમાં આવતા હતા. પરંતુ ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે તે દર વર્ષે શિયાળામાં પણ આવે છે. કેમકે ઠંડીના દિવસો હવે ઓછા થતા જાય છે.

કેટલા ભારતીયોને દર વર્ષે આ તોફાનોથી જોખમ રહેલું હોય છે?
ડિઝાસ્ટર મેનેજમેન્ટના રિપોર્ટ અનુસાર, ભારતની તટીય સીમા એટલે કે કોસ્ટલાઈનની લંબાઈ 8493.85 કિમી છે. તટીય સીમા પૂર્વ તટ પર પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડુચેરીને સ્પર્શે છે. જ્યારે પશ્ચિમી તટ પર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને દમણ-દિવ પર લાગે છે. આ ઉપરાંત આંદામાન-નિકોબાર બંગાળની ખાડી અને લક્ષદ્વીપ અરબી સમુદ્રમાં છે. આ સ્થળોએ ભારતની અડધી વસતી રહે છે. દેશની કુલ વસતી 128 કરોડ છે, જેમાંથી 60 કરોડથી વધુની વસતી આ રાજ્યોમાં રહે છે.

કઈ રીતે રખાય છે સાઈક્લોનના નામ?

 • સાઈક્લોનના નામ આપવાનું એટલાન્ટિક સાગરની આસપાસના દેશોએ 1953માં શરૂ કર્યુ. 2004માં યુએનની એજન્સી વર્લ્ડ મેટિરિયોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)એ નવી સિસ્ટમ બનાવી કે જે વિસ્તારમાં ચક્રવાતી તોફાન સર્જાય ત્યાં આસપાસના દેશ જ તેને નામ આપે છે.
 • તેના પછી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, માલદિવ, મ્યાંમાર, ઓમાન, શ્રીલંકા અને થાઈલેન્ડને મેળવીને કુલ 8 દેશોએ એક મીટિંગમાં ભાગ લીધો અને દરેક દેશે ચક્રવાતી તોફાન માટે 8 નામ સૂચવ્યા. આ રીતે આ 8 દેશોએ 64 નામોની એક યાદી આપી.
 • ભારત તરફથી અગ્નિ, આકાશ, બીજલી, જળ, લહેર, મેઘ, સાગર અને વાયુ સૂચવવામાં આવ્યા. આ વર્ષે જૂનમાં મહારાષ્ટ્રથી જે નિસર્ગ તોફાન ટકરાયું હતું, તેનું નામ બાંગ્લાદેશે આપ્યું હતું. જ્યારે વર્ષની શરૂઆતમાં બંગાળમાં જે અમ્ફાન તોફાન આવ્યું તે થાઈલેન્ડે નામ આપ્યું હતું. અત્યારે જે નિવાર આવી રહ્યું છે એ નામ ઈરાને આપેલું છે.
અન્ય સમાચારો પણ છે...