ભાસ્કર એક્સપ્લેનર2000ની નોટ બંધ થશે?:છેલ્લાં ત્રણ વર્ષથી નવી નોટ કેમ નથી છાપી? ATMમાં 500ની જ નોટ કેમ? કંઈક નવું થવાના આ છે 5 સંકેત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી લાગુ થઈ અને જે-તે સમયે ચાલતી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ થઈ ગઈ હતી. એ સમયે વિકલ્પરૂપે 2000 રૂપિયાની નવી ચલણી નોટ લાવવામાં આવી. હવે આટલાં વર્ષો બાદ દેશભરમાં ફરી એકવાર બે હજારની ચલણી નોટને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે, શંકાઓ ઊઠી રહી છે કે ક્યાંક 2 હજાર રૂપિયાની ગુલાબી નોટ બંધ ન થઈ જાય. આ સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં ભાજપના જ રાજ્યસભાના સાંસદ સુશીલ મોદી છે, જેમણે રાજ્યસભાને સંબોધન કરતાં અનેક તર્ક આપતાં કહ્યું, 'સરકારને હવે 2000 રૂપિયાની ચલણી નોટ બંધ કરી દેવી જોઈએ'. આજકાલ હાલત એવી છે કે 2000ની નોટ મળવી ખરેખર મુશ્કેલ થઈ ગઈ છે. લોકો 2000ની ચલણી નોટને શંકાની નજરે જોવા લાગ્યા છે. તો આવું કેમ થઈ રહ્યું છે? શું બે હજારની નોટ અંગે કોઈ મોટો નિર્ણય થવા જઈ રહ્યો છે? આ 5 મુદ્દામાં મોટા સંકેતને સમજો.

3 વર્ષથી 2 હજારની નોટ નથી છપાઈ

સમાચાર એજન્સી IANS દ્વારા એક RTI મારફત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી કેટલીક જાણકારી માગવામાં આવી હતી, જેના જવાબમાં ખુલાસો થયો છે કે નાણાકીય વર્ષ 2016-2017માં 2 હજારની સાડાત્રણ અબજ નંગ નોટ છાપવામાં આવી હતી, જેની સરખામણીએ 2017-18માં માત્ર 11 કરોડ 15 લાખ નંગ નોટ છાપી. નાણાકીય વર્ષ 2018-19માં તો આ આંકડો એકદમ નીચે જતો રહ્યો અને 2000 રૂપિયાની ફક્ત 4 કરોડ 66 લાખ 90 હજાર નોટ છાપવામાં આવી હતી. સૌથી નોંધવા જેવી વાત માર્ચ 2019 પછી જોવા મળી. નાણાકીય વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2000 રૂપિયાની એકપણ નવી નોટ છાપવામાં આવી નથી.

ભાજપના સાંસદે શંકા વ્યક્ત કરી

2000 રૂપિયાની ગુલાબી નોટ ગુમ થઈ ગઈ હોવાનું સામાન્ય લોકો જ નહીં, ભાજપ સાંસદ પણ સંસદમાં કહી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ સુશીલ મોદીએ ગૃહમાં જ સરકાર સમક્ષ માગણી કરી દીધી કે 2000 રૂપિયાની ચલણી નોટ બંધ કરી દેવામાં આવે. તેમણે આ નિર્ણય પાછળના તર્ક પણ રજૂ કરતા કહ્યું, મોટી રકમની ચલણી નોટને કારણે કાળું નાણું સંગ્રહ કરવાની સંભાવના વધી જાય છે. 2000 રૂપિયાની નોટનો ઉપયોગ આતંકવાદ, ભ્રષ્ટાચાર, ડ્રગ્સના વેપારમાં થઈ રહ્યો છે. સુશીલ મોદીએ વિકસિત દેશોના અર્થતંત્રનાં પણ ઉદાહરણ આપ્યા. તેમણે કહ્યું, અમેરિકા, ચીન, જર્મની, જાપાન જેવા દેશો પાસે 100થી મોટું કોઈ ચલણ નથી.

ATMમાં 2 હજારની નોટ નથી મળતી

છેલ્લા ઘણા સમયથી લોકો એવી ફરિયાદ કરી રહ્યા છે કે ATMમાં 2 હજારની નોટ નથી મળતી. ઘણા ATMમાં સ્ક્રીન પર જ લખેલું આવે છે કે 500ની જ નોટ મળશે. આ કારણે પણ લોકોમાં શંકા વધી ગઈ છે.

નકલી નોટનું પ્રમાણ વધ્યું
2000 રૂપિયાની નકલી નોટ મળવાના આંકડા પણ એકદમ ચોંકાવનારા છે. વર્ષ 2016ના અંતમાં 2000ની ચલણી નોટ બજારમાં આવી. એ જ વર્ષે 2272 નંગ, 2000 રૂપિયાની નકલી નોટ ઝડપાઈ. વર્ષ 2017માં 74 હજાર 898, 2018માં 54 હજાર 776, 2019માં 90 હજાર 566 નંગ 2000 રૂપિયાની નકલી નોટ મળી હતી. વર્ષ 2020માં આ ગ્રાફ એકદમ વધી ગયો અને 2 લાખ 44 હજાર 834 નંગ 2000ની નકલી નોટ ઝડપાઈ.

જ્યાં કાળું નાણું મળ્યું ત્યાં 2000ની નોટ
નોટબંધી અંગે સરકારે કારણ આપ્યું હતું કે કાળાં નાણાં પર અંકુશ આવશે, પણ છેલ્લાં ચારથી પાંચ વર્ષમાં જ્યાં પણ ઈડી અને ઈન્કમટેક્સની રેડ થઈ, ત્યાંથી થેલા ભરી-ભરીને 2 હજારની નોટ મળી. સુશીલ મોદીએ તેમના ભાષણમાં આવી સંગ્રહખોરી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

ભાજપને ખૂબ અનુશાસિત પાર્ટી માનવામાં આવે છે, એટલે સુશીલ મોદી પોતાની રીતે જ સીધા રાજ્યસભામાં ઊભા રહીને 2000ની નોટ બંધ કરી દેવાની સરકારને અપીલ કરે, તો આ અસામાન્ય વાતના સંકેત ઘણા બધા હોઈ શકે, કારણ કે કેટલાક સમય પહેલાં જ સુશીલ મોદીએ સાંસદોને કેન્દ્રીય વિદ્યાલયમાં મળતો અનામત કોટા સમાપ્ત કરવાની માગ સંસદમાં ઉઠાવી હતી. ત્યાર બાદ જ કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો માટેનો આ કોટા સમાપ્ત કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...