ભાસ્કર એક્સપ્લેનર:મલેરિયાથી થતા મોત ઘટાડશે મોસ્કિરિક્સ; માત્ર 30% એફિકસીવાળી આ વેક્સિનને શા માટે ગણાવાય છે ચમત્કારિક, જાણો બધુ

8 દિવસ પહેલા
 • કૉપી લિંક

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ બુધવારે જીવલેણ મલેરિયા વિરુદ્ધ વેક્સિનને મંજૂરી આપી દીધી છે. આ વેક્સિન પી. ફાલ્સિપેરમ વિરુદ્ધ કારગત છે, જેને દુનિયાભરમાં સૌથી ખતરનાક મલેરિયા પેરેસાઈટ માનવામાં આવે છે. આ દુનિયાની પ્રથમ મલેરિયા વેક્સિન છે, જેણે ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને યુરોપીયન મેડિસિન એજન્સી (EMA) પાસેથી પણ પોઝિટિવ સાયન્ટિફિક ઓપિનિયન પ્રાપ્ત કર્યો છે.

આ સમયે સમગ્ર દુનિયા કોવિડ-19 મહામારીનો સામનો કરી રહી છે. તેની વિરુદ્ધ આવેલી વેક્સિનની ઈફેક્ટિવનેસ 95% સુધી ગણાવાઈ છે. એવામાં મલેરિયાની વેક્સિન માત્ર 30% ઈફેક્ટિવ છે. તેના પછી પણ તેને ગેમચેન્જર ગણાવવામાં આવે છે. એવું કેમ? આ વેક્સિન શું છે? તે કોણે બનાવી છે? આ મલેરિયાની વિરુદ્ધ યુદ્ધમાં કઈ રીતે હથિયાર સાબિત થશે? આવો જાણીએ.

શું છે મોસ્કિરિક્સ?

 • મોસ્કિરિક્સ (Mosquirix કે RTS,S/ASO1 કે RTS.S)ને મંજૂરી આપી દેવાઈ છે. આ દુનિયાની પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર મલેરિયા વેક્સિન છે. તેણે આફ્રિકામાં બાળકો પર થયેલી ટ્રાયલમાં જીવલેણ ગંભીર મલેરિયાને નબળો પાડવામાં મોટી સફળતા મેળવી છે.
 • યુરોપીયન મેડિસીન એજન્સી (EMA)ના અનુસાર મોસ્કિરિક્સ વેક્સિન 6થી 17 મહિનાના બાળકોને ચાર ડોઝમાં આપવામાં આવે છે. આ મલેરિયાની વિરુદ્ધ પ્રોટેક્શન આપે છે. આ સાથે જ હેપેટાઈટીસ B વાયરસની સાથે ઈન્ફેક્શનને લિવર સુધી પહોંચાડવાથી પણ રોકે છે. EMAએ ચેતવણી આપી છે કે વેક્સિનનો ઉપયોગ માત્ર આ જ ઉદ્દેશ માટે કરવામાં આવે.
 • આ વેક્સિન ગ્લેક્સોસ્મિથક્લાઈન (GSK)એ 1987માં વિકસિત કરી હતી. તેના પછી તેને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. મોસ્કિરિક્સના ચાર ડોઝ આપવા પડે છે અને પ્રોટેક્શન થોડા મહિનામાં બેકાર થઈ જાય છે. તેના પછી પણ વિજ્ઞાનીઓને લાગે છે કે આ વેક્સિન આફ્રિકામાં મલેરિયા વિરુદ્ધ અસરકારક બની શકે છે.
 • 2019 પછી મોસ્કિરિક્સના 23 લાખ ડોઝ ઘાના, કેન્યા, માલાવીમાં બાળકોને આપવામાં આવ્યા. આ પાયલટ પ્રોગ્રામને WHOએ કોઓર્ડિનેટ કર્યો. આ વિસ્તારોમાં મલેરિયાના કારણે અંડર-5 મોર્ટિલિટી રેટ ખૂબ વધુ છે.

મોસ્કિરિક્સનો ઉપયોગ કઈ રીતે કરાશે?

 • મોસ્કિરિક્સને 0.5 મિલી ઈન્જેક્શન દ્વારા જાંઘ અથવા ખભાના સ્નાયુમાં લગાવાય છે. બાળકોને ત્રણ ઈન્જેક્શન એક મહિનાના અંતરમાં આપવામાં આવે છે. ચોથું ઈન્જેક્શન ત્રીજાના 18 મહિના પછી લગાવાય છે. મોસ્કિરિક્સ માત્ર પ્રિસ્ક્રિપ્શનથી લગાવી શકાય છે.

મોસ્કિરિક્સ કઈ રીતે કામ કરે છે?

 • EMAના વિજ્ઞાનીઓના અનુસાર મોસ્કિરિક્સને એક્ટિવ સબસ્ટેન્સ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ પેરેસાઈટની સપાટી પર મળી આવતા પ્રોટીનથી બનેલો છે. જ્યારે કોઈ બાળકને આ ઈન્જેક્શન લાગે છે તો તેની ઈમ્યુન સિસ્ટમ પેરેસાઈટથી ‘ફોરેન’ પ્રોટીનની ઓળખ કરીને તેની વિરુદ્ધ એન્ટીબોડી બનાવી લે છે.

મોસ્કિરિક્સ કેટલી ઈફેક્ટિવ છે?

 • વેક્સિનની ઈફેક્ટિવનેસ મલેરિયાના ગંભીર કેસોથી બચાવવામાં માત્ર 30% છે. એ ધ્યાન રાખવું પડશે કે મલેરિયા વિરુદ્ધ આ એકમાત્ર અપ્રુવ્ડ વેક્સિન છે. યુરોપીયન યુનિયનના ડ્રગ રેગ્યુલેટરે તેને 2015માં મંજૂરી આપી હતી. એમ પણ કહ્યું હતું કે તેના જોખમ કરતાં ફાયદા વધુ છે. WHOએ પણ કહ્યું કે વેક્સિનની સાઈડ ઈફેક્ટ ખૂબ ઓછી થાય છે, પરંતુ ક્યારેક ક્યારેક તાવ સાથે હંગામી આંચકી આવી શકે છે.

મોસ્કિરિક્સ કઈ રીતે મલેરિયાને ફેલાવાથી રોકી શકશે?

 • ઈમ્પિરિયલ કોલેજ ઓફ લંડનના ઈન્ફેક્શિયસ ડિસિઝના પ્રમુખ આજરા ઘનીએ કહ્યું કે ઈફેક્ટિવનેસને જોઈએ અને આ મલેરિયા વેક્સિન આફ્રિકામાં 30% અસર પણ જોઈએ તો 80 લાખ ઓછા કેસ આવશે અને 40 હજાર બાળકોના જીવ બચાવી શકાશે. આ મહત્વપૂર્ણ છે.
 • ઘનીએ કહ્યું કે જે લોકો મલેરિયાથી પ્રભાવિત દેશોમાં રહેતા નથી, તેમણે 30% ઘટાડો વધુ અસરકારક ન લાગી રહી હોય પરંતુ જે લોકો આ વિસ્તારોમાં રહે છે તેમના માટે મલેરિયા સૌથી મોટી સમસ્યા છે. 30% તેમના હિસાબે મોટો આંકડો છે અને આ અનેક બાળકોનો જીવ બચાવશે.

અત્યાર સુધી મલેરિયાની વેક્સિન શા માટે બની શકી નહોતી?

 • કોવિડ-19 મહામારી સામે લડવામાં સૌથી ઝડપથી વેક્સિન બની છે. એક વર્ષથી પણ ઓછા સમયમાં અનેક વેક્સિન ઈફેક્ટિવ સાબિત થઈ છે. તેણે મહામારી રોકવામાં મદદ પણ કરી છે. એવામાં એ સવાલ ઉઠી શકે છે કે મલેરિયાની વેક્સિનમાં આટલા વર્ષો કેમ લાગ્યા.
 • વાસ્તવમાં, એક મોટું કારણ એ છે કે કોવિડ-19 માટે WHO સહિત દુનિયાભરના ડ્રગ રેગ્યુલેટર્સે અનેક નિયમો બદલ્યા. કોવિડ-19 અગાઉ 1970ના દાયકામાં મમ્સની વેક્સિન સૌથી ઝડપથી બની હતી, જેણે વિકસિત થવામાં લગભગ 4 વર્ષ લાગ્યા હતા. નહીંતર, અન્ય વેક્સિન માટે 10-15 વર્ષ સામાન્ય જ રહ્યા છે.
 • જ્યાં સુધી મલેરિયાની વેક્સિનનો સવાલ છે તો પ્રયાસ 80 વર્ષથી ચાલી રહ્યા હતા. જે વેક્સિનને અત્યારે WHOએ મંજૂરી આપી છે, તે પણ 1987માં બની ગઈ હતી. મુશ્કેલી એ છે કે આ એક પેરેસાઈટથી થનારી બીમારી છે. આ પેરેસાઈટના પ્રજનન માટે જરૂરી ગમીટોસાઈટ પણ લોહીમાં રિલિઝ કરે છે.
 • જીવનના દરેક તબક્કામાં પેરેસાઈટની સપાટી પર લાગેલું પ્રોટીન બદલી જાય છે. આ કારણથી આ શરીરની ઈમ્યુન સિસ્ટમથી બચીને રહે છે. વેક્સિન સામાન્ય રીતે આ પ્રોટીનને ટારગેટ કરવા જ બનાવવામાં આવે છે અને આથી અત્યાર સુધીમાં તેમાં સફળતા મળી શકી નથી.

વેક્સિનને 30થી વધુ વર્ષ કેમ લાગ્યા?

 • GSKની વેક્સિન પણ લાંબા સમય સુધી ટ્રાયલ્સમાં ફસાયેલી રહી હતી. વર્ષ 2004માં ધ લાન્સેટમાં છપાયેલા સ્ટડી કહે છે કે 1-4 વર્ષના 2000 બાળકોમાં મોઝામ્બિકમાં જ્યારે ટ્રાયલ કરવામાં આવી તો વેક્સિનેશનના 6 મહિના પછી ઈન્ફેક્શન 57% ઓછું થઈ ગયું હતું. ધીમે-ધીમે એ બેઅસર થવા લાગી.
 • વર્ષ 2009-2011 વચ્ચે 7 આફ્રિકન દેશોમાં ટ્રાયલ કરવામાં આવી તો 6-12 સપ્તાહના બાળકોમાં પ્રથમ ડોઝ પછી કોઈ સુરક્ષા જોવા મળી નથી. જો કે, પ્રથમ ડોઝ 17-25 મહિનાની વયમાં આપવાથી તેમાં 40% ઈન્ફેક્શન અને 30% ગંભીર ઈન્ફેક્શન ઓછું જોવા મળ્યું.
 • રિસર્ચ જારી રહ્યું અને વર્ષ 2019માં WHOએ ઘાના, કેન્યા અને માલાવીમાં એક પયલટ પ્રોગ્રામ શરૂ કર્યો જેમાં 8 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવામાં આવી. તેના પરિણામોના આધારે WHOએ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. 23 લાખથી વધુ ડોઝ આપ્યા પછી ઘાતક કેસોમાં 30%નો ઘટાડો જોવા મળ્યો છે.

શું આફ્રિકામાં કોરોનાથી ખતરનાક છે મલેરિયા?

 • હા. મલેરિયા આફ્રિકા માટે કોવિડ-19થી પણ વધુ ખતરનાક સાબિત થયું છે. WHOનું અનુમાન છે કે 2019માં 3.86 લાખ લોકોનાં મોત આ પેરેસાઈટના ઈન્ફેક્શનના કારણે થયા છે. તેની તુલનામાં કોવિડ-19ના કારણથી 18 મહિનામાં માત્ર 2.12 લાખ લોકોનાં મોત થયા છે. WHOનું કહેવું છે કે મલેરિયાના 94% કેસ અને મોત આફ્રિકામાં થાય છે. જે મહાદ્વિપ પર 1.3 અબજ લોકો રહે છે.

અત્યાર સુધી કેટલા દેશ મલેરિયાને ખતમ કરી ચૂક્યા છે?

 • દુનિયાભરમાં એવા દેશોની સંખ્યા વધી રહી છે જેમણે મલેરિયાને ખૂબ ઘટાડી દીધો અથવા તો ખતમની સ્થિતિમાં લાવી દીધો છે. 2000માં માત્ર છ દેશ મલેરિયા મુક્ત હતા, જે 2019માં વધીને 27 દેશ થઈ ચૂક્યા છે. અહીં 100થી પણ ઓછા સ્થાનિક કેસ સામે આવ્યા છે.
 • જે દેશ સતત ત્રણ વર્ષ સુધી ઝીરો મલેરિયા કેસ રિપોર્ટ કરે છે, તેમને WHO પાસેથી મલેરિયા એલિમિનેશન (ઉન્મૂલન)નું સર્ટિફિકેટ મળે છે. છેલ્લા બે દાયકામાં 11 દેશોએ WHO પાસેથી આ સર્ટિફિકેટ હાંસલ કર્યા છે. યુએઈ (2007), મોરોક્કો (2010), તુર્કમેનિસ્તાન (2010), આર્મેનિયા (2011), કિર્ગીસ્તાન (2016), પેરાગ્વે (2018), ઉઝબેકિસ્તાન (2018), અલ્જિરિયા (2019), આર્જેન્ટિના (2019) અને અલ-સાલ્વાડોર (2021).
અન્ય સમાચારો પણ છે...