• Gujarati News
  • Dvb original
  • Explainer
  • More Than 600 Students Became Infected With Corona After Schools Opened Across The Country; Even After That Why Does The Expert Want You To Send The Children To School

ભાસ્કર એક્સપ્લેનર:દેશભરમાં સ્કૂલ ખુલ્યા પછી 600થી વધુ સ્ટુડન્ટ્સ કોરોનાથી ઈન્ફેક્ટ થયા; તેના પછી પણ એક્સપર્ટ શા માટે ઈચ્છે છે કે તમે બાળકોને સ્કૂલે મોકલો

3 મહિનો પહેલાલેખક: આબિદ ખાન
  • કૉપી લિંક

16 મહિના સુધી બંધ રહ્યા પછી હવે દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કૂલો ખુલી ગઈ છે કે ખુલી રહી છે. મોટાભાગના રાજ્યોએ નક્કી કર્યુ કે સિનિયર ક્લાસીસને પ્રથમ ખોલવામાં આવે, પછી નાના વર્ગો શરૂ કરવામાં આવશે. સ્ટુડન્ટ્સ માટે કોવિડ પ્રોટોકોલનું પાલન પણ ફરજિયાત કરાયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા બે સપ્તાહમાં સમગ્ર દેશમાં 600થી વધુ બાળકો કોવિડ-19થી ઈન્ફેક્ટ થયા છે. ગત સપ્તાહે જ પંજાબ, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં 100થી વધુ બાળકો ઈન્ફેક્ટ મળ્યા છે. તેના અગાઉ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ બાળકોના ઈન્ફેક્ટ થવાના સમાચારો આવી રહ્યા હતા. હિમાચલ પ્રદેશમાં તો સ્કૂલોને 22 ઓગસ્ટ સુધી બંધ કરી દેવાઈ છે. પંજાબ સરકારે પણ રોજ 10 હજાર સ્ટુડન્ટ્સનો RT-PCR ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે. કોરોનાથી ડરવું કે અભ્યાસનું નુકસાન થવા દેવું, આ દ્વિધા પેરેન્ટ્સને સતાવી રહી છે. બાળકોને સ્કૂલે મોકલવામાં ઈન્ફેક્શનનું જોખમ છે અને મોકલવામાં અભ્યાસના નુકસાનનો ડર.

આવો જાણીએ કયા રાજ્યોમાં સ્કૂલો ખુલી ચૂકી છે? ક્યાં સ્ટુડન્ટ્સના કોરોનાથી સંક્રમિત થવાના કેસો સામે આવ્યા છે? શું બાળકોને સ્કૂલે મોકલવા સુરક્ષિત છે? અને બાળકોને સ્કૂલે મોકલવા અંગે એક્સપર્ટ્સ શું કહે છે?

ક્યાં-ક્યાં સ્કૂલો ખુલી ચૂકી છે?
દેશના લગભગ અડધા રાજ્યોમાં સ્કૂલો ખુલી ચૂકી છે. મોટાભાગના રાજ્યોમાં માત્ર 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને જ કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને સ્કૂલે બોલાવવામાં આવે છે. પંજાબમાં જ તમામ ક્લાસિસ માટે સ્કૂલો ખૂલી છે. 1 સપ્ટેમ્બરથી તેલંગણા, આસામ, રાજસ્થાન અને તમિલનાડુમાં પણ સ્કૂલ ખોલવાની તૈયારી છે.

મોટા રાજ્યોએ ક્યારે અને કેવી રીતે ખોલી સ્કૂલ?
રાજસ્થાનઃ રાજ્ય સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ, કોલેજ અને કોચિંગ સેન્ટર ખોલવાની અનુમતિ આપી છે. 9થી 12 ધોરણ સુધી સ્કૂલ, કોલેજ અને કોચિંગ સેન્ટર 50% ક્ષમતા સાથે ઓફલાઈન ક્લાસ શરૂ કરી શકશે. ધો. 1થી 8 સુધીના બાળકોના ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. આ દરમિયાન ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ રહેશે અને કોરોના સંક્રમિત મળવા પર 10 દિવસ ક્લાસિસ બંધ રાખવા પડશે.

મધ્યપ્રદેશઃ રાજ્ય સરકારે 5 ઓગસ્ટથી ધો. 9 અને ધો. 10ના સ્ટુડન્ટ્સ માટે સ્કૂલો ખોલી છે. હાલ સપ્તાહમાં માત્ર 2 દિવસ જ બાળકોએ સ્કૂલે જવાનું રહેશે. 26 જુલાઈથી ધો. 11 અને 12ના સ્ટુડન્ટ્સ માટે સ્કૂલો ખુલી હતી. ધો.11 અને ધો. 12ના સ્ટુ઼ડન્ટ્સને 2 બેચમાં વહેંચીને દરેક બેચમાં અલગ અલગ દિવસે સ્કૂલે બોલાવવામાં આવે છે.

ગુજરાતઃ રાજ્યમાં 15 જુલાઈથી ધો. 12ના સ્ટુડન્ટ્સ માટે ઓફલાઈન ક્લાસિસ શરૂ કરાયા હતા. 26 જુલાઈથી ધો. 9થી ધો. 11 સુધીના સ્ટુડન્ટ્સ માટે પણ સ્કૂલો ખુલી છે. હાલ માત્ર 50% સ્ટુડન્ટ્સ ઓફલાઈન ક્લાસિસ એટેન્ડ કરી શકે છે. કોલેજ અને ટેકનિકલ ઈન્સ્ટીટ્યુટ્સ પણ 50% કેપેસિટી સાથે શરૂ થઈ ચૂકી છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં 17 ઓગસ્ટથી ધો. 5થી ધો. 12 સુધીની સ્કૂલો ખોલવાની ઘોષણા રાજ્ય સરકારે કરી હતી, પરંતુ એક્સપર્ટ કમિટીની સલાહ પછી નિર્ણય ટાળી દેવાયો છે. મહારાષ્ટ્રમાં 15 જુલાઈથી ધો. 8થી 12 સુધીની લગભગ 5900 સ્કૂલોમાં ઓફલાઈન ક્લાસિસ શરૂ કરી દેવાયા છે. આ તમામ સ્કૂલો ગ્રામીણ વિસ્તારોમાં છે જ્યાં કોરોનાના નવા કેસો આવતા નથી.

હરિયાણાઃ દેશમાં સૌપ્રથમ હરિયાણામાં જ સ્કૂલો ખુલી છે. હરિયાણામાં 16 જુલાઈથી ધો. 9થી 12 સુધીની સ્કૂલ ખોલી દેવાઈ છે. સરકારે ધો. 5 સુધીની સ્કૂલો ખોલવા માટે અધિકારીઓને એક રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે. આ રિપોર્ટના આધારે બાકીના વર્ગ શરૂ કરવાનો નિર્ણય લેવાશે.

પંજાબઃ 26 જુલાઈથી પંજાબમાં ધો. 10 અને 12ના સ્ટુડન્ટ્સ માટે સ્કૂલો ખુલી હતી. 2 ઓગસ્ટથી સરકારે વ્યાપ વધારતા તમામ સ્ટુડન્ટ્સ માટે ઓફલાઈન ક્લાસિસ શરૂ કરી દેવાયા છે. બાળકોના સ્કૂલો આવવા માટે પેરેન્ટ્સની સહમતિ જરૂરી છે. જે બાળકો સ્કૂલે આવવા ઈચ્છતા નથી તેમના માટે ઓનલાઈન ક્લાસિસ પણ ચાલતા રહેશે.

હિમાચલ પ્રદેશઃ રાજ્યમાં 2 ઓગસ્ટથી ધો. 9થી 12 સુધીની સ્કૂલો ખોલી હતી. કોરોનાના કેસ વધવા લાગ્યા તો 22 ઓગસ્ટ સુધી સ્કૂલોને ફરી બંધ કરી દેવામાં આવી. 22 ઓગસ્ટ પછી નક્કી થશે કે કયા બાળકોએ ક્યારે સ્કૂલે જવાનું છે.

બિહારઃ રાજ્યમાં 16 ઓગસ્ટથી ધો. 1થી 8 સુધીના ક્લાસને 50% કેપેસિટી સાથે શરૂ કરાયા છે. 7 ઓગસ્ટથી ધો. 9થી 12 સુધીના ક્લાસિસ પણ ઓફલાઈન ચાલી રહ્યા છે. સોશિયલ ડિસન્ટન્સિંગનું પાલન કરવામાં આવે છે. બાળકોએ ઘરે બનેલું લંચ બોક્સ જ લાવવાનું રહેશે. બસમાં પણ એસી બંધ રહેશે, અને વેન્ટિલેશન માટે બારીઓ ખુલી રહેશે. રોજ 2 વખત બસનું સેનેટાઈઝેશન થશે.

ઉત્તરપ્રદેશઃ 16 ઓગસ્ટથી રાજ્યમાં ધો. 9થી 12 સુધીની સ્કૂલો ખુલી ગઈ છે. 23 ઓગસ્ટથી ધો. 6થી 8 અને 1 સપ્ટેમ્બરથી ધો. 1થી 5 સુધીની સ્કૂલોને ખોલવાની તૈયારી છે. સ્કૂલોને કહેવાયું છે કે 18 વર્ષથી વધુ વયના સ્ટુડન્ટ્સને વેક્સિનેટ કરો. સ્કૂલોમાં વેક્સિનેશન કેમ્પ યોજાશે.

દિલ્હીઃ દિલ્હી સરકારે ધો. 10 અને 12ના સ્ટુડન્ટ્સને બોર્ડ પરીક્ષાઓના કાઉન્સેલિંગ અને પ્રેક્ટિકલ માટે સ્કૂલોમાં જવાની અનુમતિ આપી છે. જો કે પેરેન્ટ્સની લેખિત સહમતિ ડજરૂરી છે. સ્ટુડન્ટ્સને પુસ્તકો અને સ્ટેશનરી કોઈની સાથે શેર કરવાના નથી. આ સાથે જ સ્કૂલોમાં સેનેટાઈઝેશન અને થર્મલ સ્કેનિંગ કરવું પણ જરૂરી છે.

છત્તીસગઢઃ રાજ્યમાં 2 ઓગસ્ટથી ધો. 10 અને 12ના સ્ટુડન્ટ્સ માટે સ્કૂલો ખુલી ગઈ છે. હાલ માત્ર 50% કેપેસિટી સાથે જ સ્કૂલો ખુલી છે. અડધા અડધા સ્ટુડન્ટ્સને એક-એક દિવસ છોડીને સ્કૂલે આવવાનું રહેશે.

બાકી રાજ્યોની શી સ્થિતિ છે?

  • તેલંગણા, આસામ અને તમિલનાડુમાં 1 સપ્ટેમ્બરથી સિનિયર ક્લાસિસ માટે સ્કૂલો ખોલવામાં આવી શકે છે. ધો. 8થી 12 સુધીની સ્કૂલો ખોલી શકાય છે.
  • કર્ણાટકે કહ્યું છે કે ધો. 9થી 12 સુધીના સ્ટુડન્ટ્સ મટે ટૂંક સમયમાં જ સ્કૂલો ખોલવામાં આવશે. હાલ એ જિલ્લામાં સ્કૂલો ખૂલશે, જ્યાં પોઝિટિવિટી રેટ 2%થી ઓછો છે.
  • પશ્ચિમ બંગાળમાં સ્કૂલો હાલ બંધ જ રહેશે. દુર્ગાપૂજાની રજાઓ પછી સ્કૂલો ખોલવામાં આવી શકે છે.
  • કેરળે વધતા કેસોના કારણે સ્કૂલો અંગે કોઈ નિર્ણય લીધો નથી.
  • આંધ્રપ્રદેશમાં 16 ઓગસ્ટથી ધો. 12 માટે સ્કૂલો ખુલી ચૂકી છે.

શું બાળકોને સ્કૂલે મોકલવા સુરક્ષિત છે?

  • અમેરિકાની મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)એ એક સ્ટડીમાં જણાવ્યું છે કે સ્કૂલ અને કોલેજમાં હીટ, વેન્ટિલેશન અને એર કંડિશનીંગ (HVAC) સિસ્ટમથી ઈન્ફેક્શનનું જોખમ થઈ શકે છે. ક્લાસરૂમમાં વેન્ટિલેશન, હિટિંગ અને એર કંડિશનીંગ પર ધ્યાન આપવામાં આવે તો હવામાં રહેલા એરોસોલમાં વાયરસ વધુ સમય સુધી ટકી ન શકે. આ એરોસોલાના કારણે ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. ક્લાસરૂમમાં સારૂ વેન્ટિલેશન હોવાથી આ જોખમને ઓછું કરી શકાય છે.
  • 4 ઓગસ્ટના રોજ ધ લાન્સેટ ચાઈલ્ડ એન્ડ એડોલસન્ટ હેલ્થ જર્નલમાં છપાયેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે કોવિડ-19થી ઈન્ફેક્ટેડ બાળકો 6 દિવસમાં રિકવર થઈ જાય છે. તેમને લોંગ કોવિડ થવાનું જોખમ પણ ઘણું ઓછું છે. 20માંથી માત્ર 1 બાળકમાં 4 સપ્તાહથી વધુ સમય સુધી લક્ષણો દેખાયા છે. પરંતુ સારી વાત એ છે કે બાળકો 8 સપ્તાહમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ રહ્યા છે. 5થી 17 વર્ષ સુધીના 2.5 લાખ બાળકો પર આ સ્ટડી કરવામાં આવ્યો છે.

મહામારી વિશેષજ્ઞ ડોક્ટર ચંદ્રકાન્ત લહારિયાના અનુસાર...

  • ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હશે, એ વાતના કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પ્રથમ અને બીજી લહેરમાં પણ બાળકો ઓછા સંક્રમિત થયા છે. કુલ ગંભીર દર્દીઓમાં માત્ર 10થી 11% લોકો જ 18 વર્ષથી ઓછી વયના છે.
  • કોરોના વાયરસ ફેફસાંમાં રહેલા એસીઈ-2 નામના રિસેપ્ટર્સ સાથે જોડાય છે. બાળકોમાં આ રિસેપ્ટર્સ અંડર-ડેવલપ હોય છે. આ કારણથી બાળકોમાં ઈન્ફેક્શન થયા પછી પણ ગંભીર લક્ષણ હોતા નથી.
  • જે દેશોમાં ત્રીજી કે ચોથી લહેર આવી છે, ત્યાં પણ બાળકો વધુ પ્રભાવિત થયા નથી. નવા વેરિએન્ટ્સ પણ બાળકોને વધુ પ્રભાવિત કરતા નથી. એટલે કે તુલનાત્મક રીતે જોઈએ તો બાળકોને કોઈ જોખમ નથી.
અન્ય સમાચારો પણ છે...