R વેલ્યુ વધારે હોય તો ચિંતાજનક:કોરોના મામલે 5 રાજ્યમાં 1થી વધુ થઈ R વેલ્યુ; હકીકતે 1 થી નીચે હોવી જોઈએ, જાણો એ આપણા માટે શા માટે ચિંતાજનક

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે હવે વધુ એક જોખમ ઘેરાવા લાગ્યું છે. દેશની કોરોનાની R વેલ્યુ ચિંતાજનક 1ની આસપાસ છે. 2 ડિસેમ્બર સુધીના આંકડા દર્શાવે છે કે દેશની R વેલ્યુ 0.95 છે. ચિંતાજનક વાત એ છે કે તેલંગાણા, ઓડિશા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક અને મિઝોરમમાં R વેલ્યુ 1થી વધુ થઈ ગઈ છે. કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો શરૂ થવા માટે R વેલ્યુ 1થી ઓછી હોવી જરૂરી છે.

સમજીએ, દેશનાં કયાં રાજ્યોમાં R વેલ્યુ વધી રહી છે? R વેલ્યુ સાથે જોડાયેલા તાજેતરના આંકડા શું કહે છે? એનું વધવું આપણા માટે કેટલું ચિંતાજનક છે? બીજી લહેર દરમિયાન દેશની R વેલ્યુ શું હતી? આખરે R વેલ્યુ હોય છે શું? અને એ 1થી ઓછી હોય એ કેટલું જરૂરી છે...

સૌપ્રથમ સમજીએ R વેલ્યુ સાથે સંકળાયેલા આંકડા શું છે?
R વેલ્યુને લઈને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સીઝના 2 ડિસેમ્બર સુધીના આંકડા જણાવે છે કે દેશની R વેલ્યુ 0.95 છે. તેલંગાણા, ઓડિશા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક અને મિઝોરમમાં R વેલ્યુ હજુ પણ 1થી ઉપર છે.

દેશમાં મિઝોરમમાં R વેલ્યુ સૌથી વધુ છે. સતત 3 સપ્તાહથી મિઝોરમની R વેલ્યુ 1થી વધુ રહેલી છે. જોકે 16 નવેમ્બરે મિઝોરમની R વેલ્યુ 1.14 હતી ,જે ઘટીને 1.11 પર આવી ગઈ છે. કર્ણાટકમાં એક સપ્તાહ દરમિયાન R વેલ્યુ 0.94થી વધીને 1.09 થઈ ગઈ છે. તેલંગાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને તામિલનાડુની R વેલ્યુ પણ વધી છે. જોકે વધુ કેસ આવવા છતાં કેરળની R વેલ્યુ 0.88 છે.

મોટાં શહેરોની સ્થિતિ પણ જાણી લઈએ
11 નવેમ્બર પછીથી જ મુંબઈ અને પુણેની R વેલ્યુ 1થી વધુ છે. આંકડા જારી થયાનાં 2 સપ્તાહ અગાઉ સુધી પુણેની R વેલ્યુ 1.13 છે. એક સપ્તાહમાં મુંબઈની R વેલ્યુ પણ 1.02થી વધીને 1.09 થઈ ગઈ છે. ચેન્નઈ અને કોલકાતાની R વેલ્યુમાં ઘટાડો આવ્યો છે.

ભયાનક બીજી લહેર દરમિયાન દેશની R વેલ્યુ શું હતું?
બીજી લહેરની શરૂઆત દરમિયાન 9 માર્ચ અને 21 એપ્રિલ દરમિયાન R વેલ્યુ 1.37 હતી. આ કારણથી એ દરમિયાન કેસ ઝડપથી વધી રહ્યા હતા અને બીજી લહેર પોતાની પીક તરફ આગળ વધી રહી હતી. 24 એપ્રિલથી 1 મે વચ્ચે R વેલ્યુ 1.18 હતી અને પછી 29 એપ્રિલથી 7 મે દરમિયાન 1.10 રહી. એ પછીથી R વેલ્યુ સતત ઓછી થતી ગઈ, જે કારણથી કેસ પણ ઓછા થતા ગયા.

આખરે R વેલ્યુ શું હોય છે?
R વેલ્યુ એટલે કે રિપ્રોડક્શન વેલ્યુ. એ જણાવે છે કે કોરોનાથી ઈન્ફેક્ટેડ એક વ્યક્તિથી કેટલા લોકો ઈન્ફેક્ટ થઈ રહ્યા છે અથવા થઈ શકે છે. જો R વેલ્યુ 1થી વધુ છે તો એનો અર્થ છે કે કેસ વધી રહ્યા છે અને જો 1થી ઓછી થઈ રહી છે તો એ કેસો ઘટી રહ્યા છે.

આને આમ પણ સમજી શકીએ કે જો 100 વ્યક્તિ ઈન્ફેક્ટેડ છે અને તેઓ 100 લોકોને ઈન્ફેક્ટ કરે છે તો R વેલ્યુ 1 હશે, પરંતુ જો તેઓ 80 લોકોને ઈન્ફેક્ટ કરી શકે છે તો આ R વેલ્યુ 0.80 હશે.

R વેલ્યુ વધવી આપણા માટે કેટલી ચિંતાજનક?
R વેલ્યુનો સીધો સંબંધ કેસ વધવા કે ઓછા થવાની ઝડપ સાથે છે. જો R વેલ્યુ વધી રહી છે તો એનો મતલબ છે કે કેસો પણ વધશે અને ઓછી થઈ રહી છે તો કેસ પણ ઓછા થશે. કેસ ઓછા થવા માટે જરૂરી છે કે R વેલ્યુ 1થી ઓછી હોય. દેશની R વેલ્યુ અત્યારે ભલે 1થી ઓછી હોય, પણ અનેક રાજ્યોમાં એ 1થી વધુ છે જે આપણા માટે ચિંતાની વાત છે.

R વેલ્યુ શા માટે 1થી ઓછી હોવી જોઈએ?
નવા કેસોની ઝડપ રોકવા માટે જરૂરી છે કે R વેલ્યુ 1થી ઓછી હોય. R વેલ્યુ 1થી વધુ હોય તો એ દર્શાવે છે કે એક સંક્રમિત વ્યક્તિ એકથી વધુ લોકોને સંક્રમિત કરી રહી છે. એનાથી ધીમે ધીમે નવા કેસોની ઝડપ વધવા લાગે છે.

શું કોઈ મહામારીના જોખમને માત્ર R વેલ્યુથી જ માપી શકાય છે?
કોઈ મહામારી કેટલી ગંભીર છે, એને માપવા માટે 3 માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે-R વેલ્યુ, કેસોની સંખ્યા અને સિવિરિટી એટલે કે ગંભીરતા. R વેલ્યુ અમે જણાવી ચૂક્યા છીએ. આ સાથે જ કેટલા દર્દી મળી રહ્યા છે અને કુલ દર્દીઓમાંથી કેટલા દર્દીઓમાં ગંભીર લક્ષણો જોવા મળી રહ્યાં છે. એ આધારે કોઈ મહામારીના જોખમને માપવામાં આવે છે.