ભાસ્કર એક્સપ્લેનરકેજરીવાલને દિલ્હી પરત મળી શકશે?:રાજ્યસભામાં પલટી શકે છે મોદી સરકારનો વટહુકમ, વિપક્ષને એક કરી રહ્યા છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હીમાં અધિકારીઓનાં ટ્રાન્સફર-પોસ્ટિંગના મુદ્દે મોદી સરકાર અને કેજરીવાલ સરકાર એકબીજાના હાથ મરડવામાં વ્યસ્ત છે. 11 મેના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે નિર્ણય કર્યો કે દિલ્હીના અધિકારીઓ કોની વાત સાંભળશે. એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જાહેર વ્યવસ્થા, પોલીસ અને જમીન સિવાય અન્ય તમામ બાબતોમાં લેફ્ટનન્ટ ગવર્નર દિલ્હી સરકારની સલાહ અને સહયોગથી જ કામ કરશે. મતલબ કે દિલ્હીની બોસ કેજરીવાલ સરકાર છે.

માત્ર 8 દિવસ પછી કેન્દ્ર સરકાર એક વટહુકમ લાવી, જેમાં સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પલટી દેવામાં આવ્યો, એટલે કે દિલ્હીના બોસ ફરી લેફ્ટનન્ટ ગવર્નર બન્યા. હવે અરવિંદ કેજરીવાલ સરકાર આ વટહુકમ કાયદો ન બને એ માટે વિપક્ષના મોટા નેતાઓને મળી રહ્યા છે.

ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે એવો કયો વટહુકમ છે જેના દ્વારા કેન્દ્રએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો? હવે કેન્દ્રના વટહુકમને રોકવા માટે કેજરીવાલ કઈ 2 રીત અપનાવી રહ્યા છે?

સૌથી પહેલા જાણી લો શું છે સમગ્ર મામલો...
2015માં દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે અધિકારોની લડાઈ હાઈકોર્ટ સુધી પહોંચી હતી. 2016માં હાઈકોર્ટે આ મામલે રાજ્યપાલની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ પછી AAP સરકારે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.

5 સભ્યની બંધારણીય બેન્ચે જુલાઈ 2016માં AAP સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સીએમ દિલ્હીના કાર્યકારી વડા છે. લેફ્ટનન્ટ ગવર્નર મંત્રી પરિષદની સલાહ અને સહાય વિના સ્વતંત્ર રીતે કાર્ય કરી શકતા નથી.

આ સાથે સુપ્રીમ કોર્ટે અધિકારીઓ પર નિયંત્રણ જેવી કેટલીક બાબતોને સુનાવણી માટે બે સભ્યની નિયમિત બેંચને મોકલી હતી. આ બેન્ચના ચુકાદામાં બંને જજનો અભિપ્રાય અલગ-અલગ હતો.

ન્યાયાધીશો વચ્ચે મતભેદ થયા બાદ મામલો 3 સભ્યની બેંચ પાસે ગયો. તેણે કેન્દ્રની માગ પર ગયા વર્ષે જુલાઈમાં એને બંધારણીય બેંચને મોકલ્યો હતો. બંધારણીય બેન્ચે જાન્યુઆરીમાં પાંચ દિવસ સુધી આ મામલાની સુનાવણી કરી હતી અને 18 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

હવે 11 મેના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને અધિકારીઓ પર નિયંત્રણનો અધિકાર આપ્યો છે. એ પણ કહ્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર સરકારની સલાહ પર જ કામ કરશે. હવે આ નિર્ણયને કેન્દ્ર દ્વારા વટહુકમ દ્વારા રદ કરવામાં આવ્યો છે.

એવો કયો વટહુકમ છે, જેણે સુપ્રીમ કોર્ટના આદેશને ઊલટાવી દીધો?
ભારતમાં કાયદા સંસદ દ્વારા જ બનાવી શકાય છે. સામાન્ય રીતે સંસદના વર્ષમાં માત્ર 3 સત્રો જ હોય ​​છે, પરંતુ કોઈપણ સમયે કાયદાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. અહીં વટહુકમની ભૂમિકા આવે છે. જો સરકારને કોઈ વિષય પર તાત્કાલિક કાયદો બનાવવાની જરૂર હોય અને સંસદ ચાલતી ન હોય તો વટહુકમ લાવી શકાય છે.

ભારતીય બંધારણની કલમ 123માં વટહુકમનો ઉલ્લેખ છે. રાષ્ટ્રપતિ પાસે કેન્દ્રીય કેબિનેટની સલાહ પર વટહુકમ બહાર પાડવાની સત્તા છે. આ વટહુકમો સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા જેટલા જ શક્તિશાળી છે. વટહુકમ સાથે એક શરત જોડાયેલી છે. વટહુકમ જારી થયાના 6 મહિનાની અંદર સંસદ દ્વારા એને પસાર કરાવવો જરૂરી છે.

વટહુકમ દ્વારા બનાવેલો કાયદો ગમે ત્યારે પાછો ખેંચી શકાય છે. વટહુકમ દ્વારા સરકાર એવો કોઈ કાયદો બનાવી શકતી નથી, જે લોકોના મૂળભૂત અધિકારો છીનવી લે. કેન્દ્રની જેમ જ રાજ્યોમાં રાજ્યપાલના આદેશથી વટહુકમ બહાર પાડી શકાય છે.

દિલ્હીમાં અધિકારીઓનાં ટ્રાન્સફર-પોસ્ટિંગના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો કેજરીવાલ સરકારના પક્ષમાં હતો. આવી સ્થિતિમાં કાયદામાં સુધારો કરીને અથવા નવો કાયદો બનાવીને જ એને ઊલટાવી શકાય એવું શક્ય હતું. હવે સંસદનું કામકાજ નથી, આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને આ કાયદાને હટાવી દીધો. હવે 6 મહિનામાં સંસદનાં બંને ગૃહોમાં આ વટહુકમ પસાર કરવો જરૂરી છે.

કેન્દ્રીય વટહુકમને રોકવા માટે કેજરીવાલ અપનાવી રહ્યા છે 2 રસ્તા...

1. વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં અધિકારીઓનાં ટ્રાન્સફર-પોસ્ટિંગના મામલામાં કેન્દ્ર સરકારે વટહુકમ લાવીને સીધો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ દેશની સૌથી મોટી અદાલતનું અપમાન છે અને તેની સત્તાને પડકાર છે. આ વટહુકમ અલોકતાંત્રિક અને દેશની સંઘીય વ્યવસ્થા માટે જોખમી છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકાર વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

હવે અહીં તમારા મનમાં પ્રશ્ન ઊભો થતો હશે કે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે અને શું રાષ્ટ્રપતિના આદેશને કોર્ટમાં પડકારી શકાય?

એનો જવાબ 1970ના આરસી કૂપર વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા કેસના નિર્ણયમાં જોવા મળે છે. આ કેસમાં ચુકાદો આપતાં કોર્ટે કહ્યું હતું કે રાષ્ટ્રપતિના નિર્ણયને પડકારી શકાય છે. આ કિસ્સામાં મુખ્ય ન્યાયાધીશને બંધારણીય બેંચની રચના કરવી કે નહીં એ નક્કી કરવાનો અધિકાર છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે કાયદાકીય રીતે કેજરીવાલ આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે.

2. સંસદમાં આ વટહુકમ પસાર થતો અટકાવવો
સંસદનાં બંને ગૃહો દ્વારા 6 મહિનામાં વટહુકમ પસાર કરવો જરૂરી છે. લોકસભામાં ભાજપ અને તેના ગઠબંધન સહયોગીઓ પાસે બહુમતી છે. આ વટહુકમ અહીં સહેલાઈથી પસાર થઈ જશે, પરંતુ રાજ્યસભામાં આ વટહુકમ પસાર કરાવવો મુશ્કેલ બનશે.

એનું કારણ એ છે કે એનડીએ (ભાજપ અને તેના સાથીપક્ષો) પાસે રાજ્યસભામાં બહુમતી કરતાં 8 સભ્યો ઓછા છે. આવી સ્થિતિમાં તેમને અન્ય પક્ષોની મદદની જરૂર પડશે. વિપક્ષી એકતા દ્વારા કેજરીવાલ કોઈપણ ભોગે રાજ્યસભામાં આ વટહુકમને રોકવા માગે છે.

રાજ્યસભામાં કુલ સભ્યોની સંખ્યા 245 છે, જેમાં એનડીએના કુલ 110 સભ્ય છે. હાલમાં 2 નામાંકિત સભ્યોની બેઠકો ખાલી છે. આ વટહુકમ પર મતદાન પહેલાં ભાજપ આ બેઠકો ભરી દે એવી સંભાવના છે. આ રીતે NDAના રાજ્યસભામાં 112 સભ્ય હશે. આ રીતે રાજ્યસભામાં અસરકારક સંખ્યાબળ 238 થઈ જશે. આ મુજબ રાજ્યસભામાં બહુમત માટે 120 સભ્યના સમર્થનની જરૂર પડશે.

એનડીએને 8 સભ્ય ઓછા પડશે, એટલે કે આ વટહુકમ પસાર કરવા માટે તેના સિવાય અન્ય પક્ષોના સમર્થનની પણ જરૂર પડશે. એવી સંભાવના છે કે ભાજપ આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડી અને ઓડિશાના સીએમ નવીન પટનાયકનું સમર્થન માગે છે.

કેજરીવાલ તેને 2024ની સેમી-ફાઇનલ કેમ કહી રહ્યા છે?

સુપ્રીમ કોર્ટે દિલ્હીની ચૂંટાયેલી સરકારને તમામ મહત્ત્વની સત્તા આપી હતી. 8મા દિવસે કેન્દ્રએ વટહુકમ લાવીને દિલ્હી સરકારને પંગુ કરી દીધી અને તમામ મહત્ત્વની સત્તાઓ લેફ્ટનન્ટ ગવર્નરને આપી દીધી. ભાજપ આ વટહુકમને બિલની જેમ ગૃહમાં લાવશે. જો એ સમયે તમામ વિરોધપક્ષો એક થાય તો આ વટહુકમને કાયદો બનતાં અટકાવી શકાય. એક રીતે જોઈએ તો 2024ની ચૂંટણી પહેલાં વિપક્ષી પાર્ટીઓ માટે આ સેમી-ફાઈનલ સમાન છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે બિહારના સીએમ નીતીશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે મુલાકાત કર્યા બાદ આ વાત કહી છે. કેજરીવાલ આવું એટલા માટે કહી રહ્યા છે, કારણ કે લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષી પાર્ટીઓ એક થાય છે કે નહીં આ એની પરીક્ષા છે.

હાલની સ્થિતિ એ છે કે આમ આદમી પાર્ટીને લઈને ઘણા વિરોધપક્ષોનું સ્ટેન્ડ સ્પષ્ટ નથી. વટહુકમને લઈને નીતીશ કુમાર અને તેજસ્વી યાદવે કેજરીવાલનું સમર્થન કર્યું છે. તેઓ ભૂતકાળમાં નવીન પટનાયક, મમતા બેનર્જી અને રાહુલ ગાંધીને મળી ચૂક્યા છે. જોકે નવીન પટનાયક પણ ભાજપ કરતાં વધુ મોટા નથી. ​​​​​​​આવી સ્થિતિમાં કેજરીવાલને આ મામલે તેમનું સમર્થન મળે છે કે નહીં એ જોવું રસપ્રદ રહેશે.