અત્યાર સુધી સેનાના જવાનોને વીરતા માટે મેડલ મળ્યા હોય એવા અનેક કિસ્સા છે, પરંતુ શું તમને ખબર છે કે, 2020માં એક ઉંદરને બહાદુરી માટે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. હા, તમે એકદમ સાચું વાંચી રહ્યાં છો. મગાવા નામના ઉંદરે પોતાની સૂંઘવાની ક્ષમતાથી હજારો લોકોના જીવ બચાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
મગાવાને કોણે ટ્રેનિંગ આપી?
ઉંદરોને લેન્ડમાઈન શોધવાની ટ્રેનિંગ આપનારી બેલ્જિયમની APOPO સંસ્થાએ મગાવાને એવા ટ્રેઈન કર્યા કે, તેમની સૂંઘવાની ક્ષમતાથી લેન્ડમાઈન્સ અને જીવતા બોમ્બ શોધી કાઢ્યા હતા. દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ કંબોડિયામાં જતા પહેલાં મગાવાએ એક વર્ષની તાલીમ લીધી હતી. પછી જ્યારે તેને સર્વિસમાં મોકલવામાં આવ્યો ત્યારે તેમણે કમાલ કરી બતાવી હતી. પોતાની સૂંઘવાની ક્ષમતાથી 71 લેન્ડમાઈન અને 38 જીવતા બોમ્બ વિશે હેન્ડલરને માહિતી આપી અને હજારો લોકોના જીવ બચાવી લીધા હતા.
મગાવા 5 વર્ષ સર્વિસમાં રહ્યો
મગાવાનું વજન 1.2 કિલોગ્રામ હતું અને તે 70 સેન્ટિમીટર લાંબો હતો. મગાવા ઘણી અન્ય ઉંદરોની પ્રજાતિઓ કરતા ઘણો મોટો અને સમજદાર હતો. મગાવા માત્ર 2 વર્ષનો હતો ત્યારે તેને કંબોડિયા લાવવામાં આવ્યો હતો. 5 વર્ષ સર્વિસમાં રહ્યો. જેમાં 1.4 લાખ ચોરસ મીટરથી વધુ જમીનનો એટલે કે, અંદાજે 20 ફૂટબોલ મેદાન જેટલી જમીનમાં ફર્યો અને જ્યાં જ્યાં લેન્ડમાઈન કે બોમ્બ મળ્યા તે તમામ માહિતી તેના હેન્ડલરને આપી હતી.
લેન્ડમાઈનને કેવી રીતે શોધતો?
મગાવા આફ્રિકન નસલનો એક ઉંદર છે. તે એટલો ભારે પણ નથી કે તેના વજનથી લેન્ડમાઇન બ્લાસ્ટ થઈ જાય. લેન્ડમાઇનના કેમિકલની ગંધને ઓળખીને તે તેના હેન્ડલરને એ વાતનો સંકેત આપતો. ત્યાર પછી લેન્ડમાઇનને સાવચેતીથી બહાર કઢાતી હતી.
'હીરોરેટ' 8ની ઉંમરે મૃત્યુ પામ્યો
આજીવન લોકોના જીવ બચાવનાર બહાદુર મગાવાનું 2022માં 8 વર્ષની વયે મૃત્યુ થયું હતું. 77 વર્ષના લાંબા ઈતિહાસમાં પ્રથમ વખત બ્રિટનની ચેરિટી સંસ્થા PDSAએ 2020માં એક ઉંદરને ફરજ પ્રત્યેની નિષ્ઠા માટે ગોલ્ડમેડલ એનાયત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.