ભાસ્કર એક્સપ્લેનરસુશીલા દીદીએ વેશ બદલીને ભગત સિંહને બચાવ્યા:એસેમ્બ્લી પર બોમ્બ ફેંકવાનો પ્લાન બનાવ્યો, લગ્નનું 10 તોલા સોનું ક્રાંતિકારીઓને આપી દીધું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક બહાદુર છોકરી જેને ભગતસિંહ ક્રાંતિકારી દીદી કહેતા હતા. એક છોકરી જે 14 વર્ષની ઉંમરે મહાત્મા ગાંધીનું ભાષણ સાંભળવા ગઈ અને એટલી પ્રભાવિત થઈ કે તેણે પોતાની સોનાની વીંટી દાનમાં આપી દીધી.

જ્યારે પિતાએ ક્રાંતિકારી બનવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે છોકરીએ તેનું ઘર છોડી દીધું. જ્યારે દેશભક્તો સામે પૈસાની અછત હતી ત્યારે આ છોકરીએ તેની માતા પાસેથી 10 તોલા સોનું લઈને દાનમાં આપી દીધું. આ સોનું માતાએ તેના લગ્ન માટે રાખ્યું હતું. આ છોકરીનું નામ સુશીલા હતું.

5 માર્ચ, 1905માં સુશીલાનો જન્મ દત્તોચુહડ નામના ગામમાં થયો હતો. હવે આ ગામ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છે.

આજે ભાસ્કર એક્સપ્લેનરમાં સત્યદેવ વિદ્યાલંકારના પુસ્તક 'દીદી સુશીલા મોહન' મારફત ક્રાંતિકારી દીદીની આખી કહાની જાણીએ...

કટ્ટર રાષ્ટ્રવાદી પરિવારમાં જન્મી હતી સુશીલા
સુશીલાનો જન્મ કટ્ટર રાષ્ટ્રવાદી અને આર્ય સમાજ પરિવારમાં થયો હતો. તેમના પિતા કરમચંદ વ્યવસાયે સેનામાં ડૉક્ટર હતા. કરમચંદ 1927માં સેનામાંથી નિવૃત્ત થયા.

આ પછી, તેમની નિઃસ્વાર્થ સામાજિક સેવાને જોઈને, અંગ્રેજોએ તેમને 'રાય સાહેબ'ના બિરુદથી સન્માનિત કરવાની ઓફર કરી, જેને કરમચંદે નકારી કાઢી. દીકરી સુશીલા થોડી મોટી થઈ ત્યારે કરમચંદે તેને ડીએવી સ્કૂલમાં એડમિશન અપાવ્યું. તે સમયે ડીએવી શાળા રાષ્ટ્રવાદી શિક્ષણનું કેન્દ્ર ગણાતી.

સુશીલા મોહન પર લખાયેલા એ જ પુસ્તકની આ તસવીર છે, જેને ટાંકીને આ સ્ટોરી લખવામાં આવી છે.
સુશીલા મોહન પર લખાયેલા એ જ પુસ્તકની આ તસવીર છે, જેને ટાંકીને આ સ્ટોરી લખવામાં આવી છે.

14 વર્ષની ઉંમરમાં મહાત્મા ગાંધીની વાતો સાંભળીને ક્રાંતિકારી બની
1919માં સુશીલા 14 વર્ષની હતી. 13 એપ્રિલે અમૃતસરના જલિયાવાલા બાગમાં 5 હજારથી વધુ લોકો એકઠા થયા હતા. આ લોકો અંગ્રેજોએ બનાવેલો કાળો કાયદો રોલેટ એક્ટનો વિરોધ કરી રહ્યા હતા. અંગ્રેજોએ આ કાયદો રાષ્ટ્રવાદી ચળવળને કચડી નાખવા માટે બનાવ્યો હતો.

તેથી જ જલિયાવાલા બાગમાં એકઠાં થયેલાં ટોળાં પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કર્યો. અમૃતસરના ડેપ્યુટી કમિશનરની ઓફિસે જણાવ્યું કે આ ઘટનામાં 400થી વધુ લોકો નિર્દયતાથી માર્યા ગયા. તે જ સમયે, 2,000 થી વધુ ઘાયલ થયા હતા. આ ઘટનાએ સુશીલાને અંદરથી હચમચાવી નાંખી.

આ ઘટના બાદ સમગ્ર દેશમાં અંગ્રેજો વિરુદ્ધ આંદોલન શરૂ થઈ ગયું. ગુજરાનવાલામાં (હાલ પાકિસ્તાનમાં) ગુસ્સે ભરાયેલા ટોળાંએ રેલવે સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. જવાબમાં બ્રિટિશ સેનાએ શહેર પર હવામાંથી બોમ્બમારો કર્યો.

આ સમયે મહાત્મા ગાંધી ગુજરાનવાલા પહોંચ્યા હતા. તેમની જાહેર સભામાં હજારો લોકો એકઠા થયા હતા. આવી જ એક જાહેરસભામાં સુશીલા પણ ગાંધીને સાંભળવા પહોંચી હતી. ગાંધીજીએ અહીંના લોકોને સ્વતંત્રતા ચળવળને મજબૂત કરવા વિદેશી કપડાંનો બહિષ્કાર કરવા અને ખાદી પહેરવાની અપીલ કરી હતી. ગાંધીજીનું ભાષણ સાંભળીને સુશીલા એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેણે તે જ સમયે દેશને પોતાની સોનાની વીંટી દાનમાં આપી દીધી.

પિતાએ ક્રાંતિકારી બનવા ના પાડી તો ઘર છોડી દીધું
હવે સુશીલાએ સંપૂર્ણપણે સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું હતું. તેણે રાષ્ટ્રવાદી ભાવનાઓને ફેલાવવા માટે કવિતાઓ અને ગીતો લખવાનું શરૂ કર્યું. એક દિવસ રાષ્ટ્રવાદી નેતા ચિત્તરંજન દાસ તેમની શાળામાં આવ્યા. જ્યારે સુશીલાએ કવિતા સંભળાવાનું શરૂ કર્યું, ત્યારે ચિત્તરંજન દાસ અને ત્યાં બેઠેલા લોકોની આંખોમાં આંસુ આવી ગયા.

એ જ રીતે, લાલા લજપત રાયની ધરપકડ પછી તેમના દ્વારા અંગ્રેજો વિરુદ્ધ લખાયેલી કવિતા આખા પંજાબમાં વહેંચવામાં આવી હતી.

સુશીલા હવે પોતાની કવિતા દ્વારા લોકોમાં દેશભક્તિના અંગારા સળગાવી રહી હતી. તેની અસર તેના પિતાની નોકરી પર પણ પડી રહી હતી.

એક દિવસ સુશીલાના પિતાએ તેને કહ્યું કે તેની નોકરી પર અસર થાય તેવું કંઈપણ ન લખ. તેમણે સુશીલાને ખુલ્લેઆમ સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવવાની મનાઈ કરી. સુશીલાએ પિતાની આ સલાહ સ્વીકારવાની ના પાડી. તેણે કહ્યું કે દેશની આઝાદીના મિશનને છોડવાને બદલે તે ઘર છોડવાનું પસંદ કરશે. આ પછી, સુશીલ આગામી બે વર્ષ સુધી તેના ઘરે પાછી ન ફરી.

આ તસવીર ભારત છોડો આંદોલનની છે, જેમાં સુશીલા દીદીએ પણ ભાગ લીધો હતો.
આ તસવીર ભારત છોડો આંદોલનની છે, જેમાં સુશીલા દીદીએ પણ ભાગ લીધો હતો.

દેશભક્તોને ફાંસીની વાત સાંભળીને સુશીલા પરીક્ષા હોલમાં બેભાન બની ગઈ
1925ની વાત છે. ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામેના યુદ્ધને વધુ ઉગ્ર બનાવવાનું નક્કી કર્યું. આ માટે તેમની પાસે હથિયાર નહોતા. આવી સ્થિતિમાં ક્રાંતિકારીઓએ શસ્ત્રો ખરીદવા માટે બ્રિટિશ સરકારની તિજોરી લૂંટવાની યોજના બનાવી.

9 ઓગસ્ટની રાત્રે શાહજહાંપુરથી લખનૌ જતી ટ્રેનને રોકીને 8000 રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને અંજામ આપવા માટે જર્મનીમાં બનેલી 4 માઉઝર પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઈતિહાસમાં આ ઘટના કાકોરી ઘટના તરીકે ઓળખાય છે. આ માટે 4 ક્રાંતિકારીઓ રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક, રોશન સિંહ અને રાજિન્દર લાહિરી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

સુશીલા પરીક્ષા આપી રહી હતી તે જ દિવસે ચારેયને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. સુશીલાને આ વાતની જાણ થતાં જ તે પરીક્ષા ખંડમાં જ બેહોશ થઈ ગઈ.

જ્યારે સુશીલાએ ભગતસિંહને અંગ્રેજોથી બચાવ્યા
સુશીલા દીદીએ કોલકાતામાં શિક્ષિકા તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અહીં રહેતી વખતે પણ તે ક્રાંતિકારીઓને સતત મદદ કરતી હતી. 30 ઓક્ટોબર 1928ના રોજ લાલા લજપત રાય લાહોરમાં સાયમન કમિશન સામે વિરોધ કરી રહ્યા હતા.

તે જ સમયે અંગ્રેજ અધિકારી સાન્ડર્સ અને કેટલાક પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા. સાન્ડર્સના આદેશ પર પોલીસે લાલા લજપત રાયની છાતી પર નિર્દયતાથી લાકડીઓ મારી.

17 નવેમ્બરના રોજ લજપત રાયનું અવસાન થયું. આના એક મહિના પછી 17 ડિસેમ્બરે દેશભક્તોએ બ્રિટિશ પોલીસ અધિકારી સાન્ડર્સને રસ્તાની વચ્ચે ગોળી મારી દીધી. આ કેસમાં રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અંગ્રેજ અધિકારીઓ તેમને પકડવા તેમની પાછળ પડ્યા હતા.

ભગતસિંહ છુપાવાની જગ્યા શોધી રહ્યા હતા. તે કોઈક રીતે કોલકાતા પહોંચવામાં સફળ રહ્યા. અહીં સુશીલા પોતાનો વેશ બદલાવીને ભગતસિંહને લાંબા સમય સુધી બચાવતી રહી. ભગતસિંહ સુશીલાને પોતાની મોટી બહેન માનતા હતા. તે તેને દીદી કહીને બોલાવતા હતા.

આ તસવીર કાકોરીની ઘટનાની છે, જ્યારે દેશભક્તોએ ટ્રેન રોકીને હથિયાર માટે પૈસા લૂંટ્યા હતા. (સાંકેતિક તસવીર)
આ તસવીર કાકોરીની ઘટનાની છે, જ્યારે દેશભક્તોએ ટ્રેન રોકીને હથિયાર માટે પૈસા લૂંટ્યા હતા. (સાંકેતિક તસવીર)

સુશીલા અને ભગત સિંહે સેન્ટ્રલ એસેમ્બ્લી પર બોમ્બ ફેંકવાનો પ્લાન બનાવ્યો
ભગતસિંહને તેના ઘરે છુપાવીને સુશીલા વધુ બે ક્રાંતિકારીઓ ભગવતી ચરણ અને તેની પત્ની દુર્ગા દેવી વોહરાને મળી. આ તમામ લોકોએ સાથે મળીને આઝાદીની લડત માટે લોકોને એક કરવાનું શરૂ કર્યું. આ સાથે આગળનું આયોજન, દાન એકત્રિત કરવાની અને ગુપ્ત માહિતી લાવવાની જવાબદારી પણ તેમના ખભા પર હતી.

સુશીલાની મદદથી ભગતસિંહ અને તેમના સાથીઓએ છુપાઈને તેમના હવે પછીના પ્લાન પર કામ કરવાનું શરૂ કર્યું. 8 એપ્રિલ 1929ના રોજ ભગત સિંહ અને બટુકેશ્વર દત્તને સેન્ટ્રલ એસેમ્બલી પર બોમ્બમારો કરવા મોકલવાની યોજના બનાવવામાં આવી હતી. ભગતસિંહ તેમના મિશન પર જતા પહેલાં સુશીલાને મળવા પણ ગયા હતા.

જોકે, ઘટનાને અંજામ આપ્યા બાદ આ કેસમાં ભગતસિંહની ધરપકડ કરવામાં આવી હતી. અંગ્રેજોએ આ બનાવમાં ભગતસિંહ અને તેમના સાથીઓ સામે ષડયંત્રનો કેસ શરૂ કર્યો. હવે સુશીલા દીદી તેમને બચાવવા માટે દાન એકત્રિત કરવા કોલકાતા પહોંચ્યા.

ભવાનીપુરમાં એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોને 'ભગતસિંહ ડિફેન્સ ફંડ' માટે રૂપિયાનું દાન કરવાની અપીલ કરવામાં આવી હતી. સુશીલાએ નોકરી છોડી દીધી અને ક્રાંતિકારી પક્ષને પૂરો સમય આપવા લાગી.

અંગ્રેજોની આંખમાં ખટકતી હતી સુશીલા દીદી
અંગ્રેજ અધિકારીઓની નજરમાં હવે સુશીલા ખટકવા લાગી હતી. દરમિયાન સ્વતંત્રતાની લડતના સાથીદાર વકીલ શ્યામ મોહનને સુશીલા દિલ દઈ બેઠી.

1 જાન્યુઆરી, 1933ના રોજ અલગ-અલગ જાતિના હોવા છતાં બંનેએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે સુશીલામાંથી સુશીલા મોહન બની. તેમણે સાથે મળીને તેમના મિશનને આગળ ધપાવ્યું.

તે જ સમયે સુશીલા દીદીએ ભગતસિંહને પત્ર લખ્યો હતો. આ પત્ર રાષ્ટ્રવાદી અખબાર 'સ્વતંત્ર ભારત'ના હાથમાં આવ્યો, ત્યારબાદ અખબારે આ પત્ર પ્રકાશિત કર્યો. અખબારના સંપાદક ભાગવત વિરુદ્ધ તેને પ્રકાશિત કરીને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા બદલ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો.

આ સાથે તેને 10,000નો દંડ અને છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં સુશીલા દીદી વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

ક્રાંતિકારી સુશીલા, જેને ભગત સિંહ દીદી કહેતા હતા.
ક્રાંતિકારી સુશીલા, જેને ભગત સિંહ દીદી કહેતા હતા.

ચંદ્રશેખર આઝાદની શહીદી અને ભગત સિંહને ફાંસી પછી સંભાળી કમાન
27 ફેબ્રુઆરી 1931ના રોજ ચંદ્રશેખર આઝાદ શહીદ થયા અને 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપ્યા બાદ ક્રાંતિકારીઓનું નેતૃત્વ નબળું પડવા લાગ્યું. આ સમયે સુશીલા મોહને સ્વાતંત્ર્ય સંગ્રામની કમાન હાથમાં લીધી.

તેણે પોતાના સાથીઓ સાથે મળીને દિલ્હી અને લાહોરમાં સંગઠનને મજબૂત બનાવ્યું. પંજાબ સરકારના સચિવ સર હેનરી કિર્કની હત્યાની યોજના ઘડી હતી, જેમણે ભગતસિંહને ફાંસી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેનું કારણ એ હતું કે સુશીલા ભગતસિંહ સહિત 3 દેશભક્તોની શહાદતનો બદલો લેવા માગતી હતી.

આ મિશન 'લાહોર કિર્ક પ્લાન' તરીકે જાણીતું બન્યું. આને અંજામ આપવા માટે સુશીલા દીદી ધનવંતરી, સુખદેવ રાજ અને જગદીશ લાહોરમાં મળ્યા. ભૂલથી આ સમગ્ર પ્લાનિંગ લીક થઈ ગયું અને પોલીસે જગદીશને લાહોરના શાલીમાર બાગ પાસે એન્કાઉન્ટરમાં મારી નાખ્યો. જ્યારે સુખદેવ રાજની ધરપકડ કરવામાં આવી હતી.

થોડા દિવસો પછી સુશીલા દીદીની પણ ધરપકડ કરવામાં આવી અને દિલ્હીના પોલીસ સ્ટેશનમાં કેદ કરવામાં આવી. જો કે પોલીસ સુશીલા દીદી વિરુદ્ધ પુરાવા એકત્ર કરી શકી ન હતી અને તેમને 24 કલાકમાં દિલ્હી છોડવાના આદેશ સાથે મુક્ત કરવામાં આવી.

પતિ-પત્નીએ બંનેને છ મહિના જેલમાં જવું પડ્યું
1942ના આંદોલનમાં સુશીલા દીદીની સક્રિયતા જોઈને પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ વખતે સુશીલા સાથે તેના પતિની પણ ધરપકડ કરવામાં આવી હતી. પતિ શ્યામ મોહનને દિલ્હીમાં અને સુશીલા દીદીને લાહોરમાં રાખવામાં આવ્યા હતા. જો કે, આનાથી સુશીલાના જોશમાં જરાય ઘટાડો ન થયો. આખરે મહાન નાયકો અને નાયિકાઓની મહેનત રંગ લાવી અને વર્ષ 1947માં દેશને આઝાદી મળી.

આઝાદી પછી પણ ગુમનામ રહીને દેશની સેવા કરતી રહી સુશીલા
આઝાદી પછી પણ સુશીલાની અંદરથી દેશભક્તિની લાગણી ઓછી થઈ નથી. જોકે તેમણે દેશ માટે જે પણ કર્યું છે, તેમને સરકાર પાસેથી કોઈ પ્રકારની મદદ કે ઈનામની અપેક્ષા નહોતી.

આ જ કારણ છે કે સુશીલા દીદીએ જૂની દિલ્હીમાં ગુમનામ રહીને હેન્ડિક્રાફ્ટ સ્કૂલ શરૂ કરી. દલિત વસાહતોમાં રહેતી મહિલાઓને હસ્તકલાની તાલીમ પણ આપતી.

તે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય પણ હતા. 3 જાન્યુઆરી, 1963ના રોજ દેશની આ બહાદુર ક્રાંતિકારી દીકરીએ દુનિયાને અલવિદા કહી દીધું.

હવે જૂની દિલ્હીના ચાંદની ચોકમાં એક રોડનું નામ 'સુશીલા મોહન માર્ગ' રાખવામાં આવ્યું છે. જોકે, નવી પેઢીના બહુ ઓછા ભારતીયો આના વિશે જાણે છે.