એટલું તો તમે જાણતા જ હશો કે બાઈક, ગાડી ચલાવવા કે પ્લેન ઉડાડવા માટે લાઇસન્સ જોઈએ, પણ શું તમને ખબર છે કે કાયદા મુજબ તો પતંગ ઉડાડવા માટે પણ લાઇસન્સ લેવું પડે. વાત ચાઈનીઝ દોરીની નથી, સામાન્ય પતંગ અને દોરીની જ છે. તમે વિચારશો કે વળી આ શું નવું લઈ આવ્યા, પરંતુ પતંગ ઉડાડવા માટે લાઇસન્સ લેવાનો કાયદો નવી વાત નથી. 90 વર્ષ પહેલાં અંગ્રેજ હકૂમત એક કાયદો લાવી હતી, જેનું નામ છે ઈન્ડિયન એરક્રાફ્ટ એક્ટ 1934.
પતંગ ઉડાડવા લાઇસન્સ લેવાનો કાયદો કેમ લોકોને ગૂંચવે છે?
ઈન્ડિયન એરક્રાફ્ટ એક્ટ 1934ની કલમ 2 મુજબ, 'એરક્રાફ્ટ એટલે એવું મશીન, જે વાતાવરણમાં રહેલી હવાને કારણે ઊડી શકે.' કાયદામાં એ પણ લખ્યું છે કે 'હવામાં સ્થિર કે ઊડી રહેલા ફુગ્ગા એરશિપ, પતંગ, ગ્લાઈડર અને ફ્લાઇંગ મશીનને પણ એરક્રાફ્ટ ગણવામાં આવે.' જાણકારોના મતે અંગ્રેજોને શંકા હતી કે ક્રાંતિકારીઓ પતંગ અને ફુગ્ગાના માધ્યમથી એકબીજાને સંદેશો મોકલી શકે છે. ક્રાંતિકારીઓને જેલના સળિયા પાછળ નાખવા માટે અંગ્રેજો દ્વારા આ કાયદો લાવવામાં આવ્યો હતો.
પતંગ ચગાવવાની સજા કેટલી?
કાયદામાં સૌથી મહત્ત્વની વાત કલમ 11માં લખી છે. એરક્રાફ્ટની વ્યાખ્યામાં સામેલ વસ્તુને એવી રીતે ઉડાડો, જેનાથી ધરતી કે આકાશની કોઈ સંપત્તિને નુકસાન થાય, કોઈ માટે જીવલેણ બને તો ગુનો ગણાશે. વરિષ્ઠ વકીલ એ.કે. જૈનના મતે, જે-તે સમયે કાયદાના ભંગ બદલ 6 મહિનાની સજા અને 1 હજાર રૂપિયાનો દંડ હતો. વર્ષ 2008માં આ કાયદામાં સંશોધન કરવામાં આવ્યું. હવે, બે વર્ષ કેદ અથવા 10 લાખ રૂપિયાનો દંડ કે બન્ને થઈ શકે છે. જોકે કાયદાની કલમ 2 અંતર્ગત હજુ કોઈને પણ સજા થઈ નથી.
હવે જાણો એક મજાની વાત
જાન્યુઆરી 2018માં દેશની પ્રતિષ્ઠિત લૉ કોલેજના વિદ્યાર્થીઓએ એક ઝુંબેશ શરૂ કરી.
પતંગ તો બહાનું હતું, હકીકતમાં આ કારણે માગ્યા હતા લાયસન્સ?
કુલ 224 વિદ્યાર્થી અને સેન્ટર ફોર સિવિલ સોસાયટીએ તત્કાલીન કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી અશોક ગજપતિ રાજુ અને DGCAને પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે માગ કરી હતી કે 'અમારે 14 જાન્યુઆરીએ પતંગ અને 26મી જાન્યુઆરીએ ફુગ્ગા ઉડાડવા છે. અમે કાયદાનું પાલન કરનારા નાગરિકો છીએ, પરંતુ જો લાઇસન્સ વગર અમે ઉજવણી કરીશું તો કાયદાનો ભંગ થશે, એટલે અમને પતંગ ચગાવવા અને ફુગ્ગા ઉડાડવા માટે લાઇસન્સ આપો. જો તમે અમને લાઇસન્સ નથી આપી શકતા તો કાયદામાં સુધારો કરીને એરક્રાફ્ટની વ્યાખ્યા બદલી નાખવામાં આવે. વિદ્યાર્થીઓની આ માગે જે-તે સમયે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરનારા વિદ્યાર્થીઓનો મત હતો કે આવી માગ કરીને અમે બિનજરૂરી કાયદાનો મુદ્દો સરકાર સમક્ષ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નહીં તો પોલીસ ઈચ્છે તેને પતંગ ઉડાડવાના ગુનામાં જેલમાં ધકેલી દે.
પતંગોત્સવની મંજૂરી ક્યાંથી લેવી પડે છે?
જોકે આજે પણ મોટા સ્તર પર પતંગોત્સવનું આયોજન થાય, બલૂન ફેસ્ટિવલ, હોટ એર બલૂન અને ગ્લાઈડર માટે સ્થાનિક પોલીસ અને DGCA મંજૂરી આપે છે, પરંતુ કોઈ સામાન્ય નાગરિક પતંગ ઉડાડે તો સરકાર તરફથી કોઈ રોક-ટોક નથી.
મોદી સરકારે કયા 1200 કાયદા રદ કર્યા હતા?
વર્ષ 2014થી મોદી સરકારના કાર્યકાળના શરૂઆતનાં 3 વર્ષમાં 1200થી વધુ જૂના કાયદા રદ કરવામાં આવ્યા હતા, જે હાલના સમયમાં પ્રાસંગિક નહોતા રહ્યા. ઈન્ડિયન એરક્રાફ્ટ એક્ટ 1934માં અત્યારસુધીમાં ઘણા સુધારા થઈ ચૂક્યા છે, જેની કેટલીક કલમો આજના સમય માટે ખૂબ જરૂરી છે, એટલે કાયદાને એક ઝાટકે રદ તો ન કરી શકાય, પરંતુ એકમાં એરક્રાફ્ટની વ્યાખ્યા બદલવાની કોઈએ જરૂર સમજી નથી. જો વ્યાખ્યામાં થોડોક ફેરફાર કરવામાં આવે તો કાયદાકીય રીતે પતંગ ઉડાડવા માટે લાઇસન્સ લેવું જરૂરી નહીં રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.