ભાસ્કર એક્સપ્લેનર:માત્ર મંજૂરીની છે રાહ, ભારત પણ કોરોના વેક્સિન લગાવવા માટે થઈ રહ્યું છે તૈયાર; જાણો કેવી રીતે?

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નેશનલથી બ્લોક સ્તર સુધી વેક્સિનેશનની પ્રક્રિયા નક્કી થઈ ચૂકી છે.
 • વેક્સિનના કોલ્ડ ચેઇન પોઈન્ટથી સીધી જ જોડાયેલી રહેશે વેક્સિનેશન સાઇટ
 • Co-WIN જેવા ટેક્નિકલ પ્લેટફોર્મની વેક્સિનેશનમાં લઈશું મદદ

બ્રિટન, અમેરિકા સહિત અનેક દેશોમાં કોરોના વાઇરસથી બચાવ માટે વેક્સિનેશન અભિયાન શરૂ થઈ ગયું છે. મોટા ભાગના દેશોમાં ફાઈઝર અને બાયોએન્ટેકે બનાવેલી mRNA વેક્સિનનો જ ઉપયોગ થઈ રહ્યો છે. ત્યાંથી મળેલો બોધપાઠ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ની ગાઇડલાઈન્સને ફોલો કરતાં ભારત સરકારે પણ વેક્સિનેશનની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. નેશનલથી લઈને બ્લોક લેવલ સુધી પ્લાન તૈયાર કરી લીધો છે. અનેક સ્તરે જરૂરી ટ્રેનિંગ પણ શરૂ થઈ ગઈ છે.

સૌપ્રથમ અત્યારે વેક્સિન અંગે સ્થિતિ શું છે?
વેક્સિનને લઈને છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતમાં પણ ઝડપથી કામ થયું છે. આ સમયે ફાઈઝરની સાથે જ સ્વદેશી વેક્સિન-કોવેક્સિન બનાવી રહેલી ભારત બાયોટેક અને બ્રિટિશ કંપની એસ્ટ્રાજેનેકાની સાથે મળીને કામ કરી રહેલી સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)એ પણ ભારતમાં પોતાની વેક્સિન માટે ઈમર્જન્સી અપ્રૂવલ માગી છે.

ગત સપ્તાહે રેગ્યુલેટરની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની બેઠક પણ યોજાઈ હતી. તેમાં તેણે ત્રણેય કંપનીઓ પાસેથી કંઈક ને કંઈક ડેટા માગ્યો છે. આશા છે કે એસઆઈઆઈ 10 દિવસમાં એ જરૂરી ડેટા રેગ્યુલેટરને સોંપી દેશે. એનાથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં આ વેક્સિનને ઈમર્જન્સી અપ્રૂવલ મળી શકે છે, બાકી વેક્સિનને મંજૂરીમાં વિલંબ સંભવ છે.

વેક્સિનની અપ્રૂવલ પછી શું થશે?

 • આ સમયે ત્રણ વેક્સિને ઈમર્જન્સી અપ્રૂવલ માગી છે. તેમાંથી કોઈને પણ અપ્રૂવલ મળશે તો વેક્સિનેશનની પ્રક્રિયામાં ઝડપ આવશે. સરકારે જે પ્લાન બનાવ્યો છે એના હિસાબે નેશનલથી બ્લોક લેવલ સુધી પ્રક્રિયા નક્કી કરી દેવાઈ છે.
 • આ સાથે સરકારે એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે-કોવિડ-19 વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક (Co-WIN). કેન્દ્ર સરકારના નિર્દેશ પર રાજ્યોએ તેમાં હેલ્થવર્કર્સનો ડેટા અપલોડ કરવાનું શરૂ કરી દીધું છે. તેમાં સેલ્ફ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પણ હશે.
 • 50 વર્ષથી વધુના લોકોની ઓળખ માટે લોકસભા અને વિધાનસભા ચૂંટણીની મતદાર યાદીઓની મદદ લેવામાં આવી રહી છે. એની સાથે જ જો કોઈ વ્યક્તિ 50 વર્ષથી ઓછી વયની છે, પણ હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે તો તે સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે.

Co-WIN પર સેલ્ફ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કેવી હશે?
સરકારે કોવિડ-19 વેક્સિનેશનને એડમિનિસ્ટર કરવા માટે જે એપ બનાવી છે, તેના પર આ રીતે સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકાશે...
(1) એપને ફ્રી ડાઉનલોડ કરવામાં આવશે. આ વેક્સિન ડેટા રેકોર્ડ કરવામાં મદદ કરશે.
(2) જો કોઈને વેક્સિન જોઈએ તો તે ખુદ પણ રજિસ્ટર કરાવી શકે છે.
(3) Co-WIN પ્લેટફોર્મ પર 5 મોડ્યુલ છે-એડમિનિસ્ટ્રેટર, રજિસ્ટ્રેશન, વેક્સિનેશન, બેનિફિશિયરી એક્નોલેજમેન્ટ અને રિપોર્ટ.
(4)એડમિનિસ્ટ્રેટર મોડ્યુલ વેક્સિનેશન સેશન કન્ડક્ટ કરનારા એડમિનિસ્ટ્રેટર્સ માટે છે. આ મોડ્યુલ દ્વારા તે સેશન ક્રિએટ કરી શકે છે અને એનાથી સંબંધિત વેક્સિનેટર અને મેનેજર્સને તહેનાત કરવામાં આવશે.
(5) રજિસ્ટ્રેશન મોડ્યુલ એ લોકો માટે હશે જેઓ પોતાનેને વેક્સિનેશન માટે રજિસ્ટર્ડ કરવા માગે છે. સર્વેયર્સ કે સ્થાનિક શાસન પણ ડેટા અપલોડ કરી શકે છે.
(6) વેક્સિનેશન મોડ્યુલમાં બેનિફિશિયરીની ડિટેઈલ્સ અને વેક્સિનેશન સ્ટેટસ અપડેટ થશે.
(7) બેનિફિશિયરી એક્નોલેજમેન્ટ મોડ્યુલ બેનિફિશિયરીને એસએમએસ મોકલશે અને વેક્સિનેશન પછી ક્યુઆર (મેટ્રિક્સ બારકોડ)-બેઝ્ડ સર્ટિફિકેટ્સ પણ જારી કરશે.
(8) રિપોર્ટ મોડ્યુલમાં રિપોર્ટ્સ તૈયાર થશે કે કેટલાં વેક્સિન સેશન આયોજિત કરવામાં આવ્યાં? કેટલા લોકોને વેક્સિન લગાવવામાં આવી? અને કેટલા લોકો ડ્રોપ આઉટ રહ્યા?

Co-WIN પર રજિસ્ટ્રેશન પછી શું થશે?

 • વેક્સિનેશનમાં આ પ્રક્રિયા સૌથી મહત્ત્વપૂર્ણ રહેવાની છે. Co-WIN પર રજિસ્ટ્રેશન કરાવનારાઓ પાસેથી કન્ફર્મેશન લેવાશે. તેમના રહેઠાણ, તેમના મોબાઈલ નંબર સહિતની અન્ય માહિતી પ્રાપ્ત કરવામાં આવશે, જેથી વેક્સિનેશન બૂથ સુધી તેમને લઈ જઈ શકાય.
 • ઘણી હદ સુધી વેક્સિનેશનની પ્રક્રિયા ચૂંટણીની જેમ રહેવાની છે. કેટલાંક રાજ્યોમાં તો પોલિંગ બૂથ કે મેદાનોમાં વેક્સિનેશનની તૈયારી થઈ રહી છે. આ જવાબદારી રાજ્યો અને જિલ્લાઓના અધિકારીઓની રહેશે. તે જ નક્કી કરશે કે વેક્સિનેશન બૂથ ક્યાં બનાવવામાં આવે.

વેક્સિનેશન બૂથ પર એક વ્યક્તિને કેટલો સમય લાગી જશે?

 • Co-WIN પર રજિસ્ટ્રેશનના આધારે વેક્સિનેશન થશે. સ્પષ્ટ છે કે જો તમને કોઈ નક્કી દિવસ પર વેક્સિન લગાવવાની છે તો તમને તેની માહિતી અગાઉથી જ આપી દેવાશે. સંપૂર્ણ પ્રક્રિયામાં એકથી બે કલાકનો સમય તો લાગી જ જશે.
 • વાસ્તવમાં વેક્સિન લગાવતાં પહેલાં Co-WIN પર રજિસ્ટ્રેશન જરૂરી છે. ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા પણ રહેશે નહીં. 100 લોકોને એક સેશનમાં વેક્સિનેટ કરવા માટે વેક્સિનેશન બૂથ કે સાઈટ પર પાંચ લોકોનો સ્ટાફ હશે.
 • વેક્સિન લગાવ્યા પછી 30 મિનિટ સુધી તેમનું મોનિટરિંગ કરાશે, જેથી કોઈ સાઈડ ઈફેક્ટ આવે તો તત્કાળ એનો ઉપચાર કરી શકાય. એક વ્યક્તિને જ એક સમયે વેક્સિન લગાવાશે.
 • વેક્સિન લગાવ્યા પછી પણ Co-WIN દ્વારા એ વ્યક્તિનું ટ્રેકિંગ થશે, જેથી કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન ન રહે. એનાથી એ શહેરમાં ઉપલબ્ધ વેક્સિન જ લગાવી શકાશે.
 • જો બૂથ પર વેઈટિંગ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમમાં પૂરતાં લોજિસ્ટિક્સ અને જગ્યા ઉપલબ્ધ છે અને સાથે જ ભીડને મેનેજ કરી શકાય છે તો એક વધુ વેક્સિનેટર ઓફિસર ત્યાં સામેલ કરી શકાય છે. તેનાથી 200 લોકોને આવરી લઈ શકાશે.

વેક્સિનેશનને લઈને કેવા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે?

 • આ મામલે ઝડપથી કામ થઈ રહ્યું છે. કેન્દ્રએ રાજ્યોને વેક્સિનના સ્ટોરેજ અને હેન્ડલિંગ માટે જરૂરી ઉપકરણ મોકલવાનું શરૂ કરી દીધું છે. 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્ટેટ સ્ટીયરિંગ કમિટીઓ અને સ્ટેટ ટાસ્કફોર્સની બેઠકો યોજાઈ ગઈ છે. 633 જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ટાસ્કફોર્સની બેઠકો પણ થઈ ગઈ છે.
 • મેડિકલ ઓફિસર્સ, વેક્સિનેટર ઓફિસર્સ, અલ્ટરનેટ વેક્સિનેટર ઓફિસર્સ, કોલ્ડ ચેઈન હેન્ડલર્સ, સુપરવાઈઝર્સ, ડેટા મેનેજર્સ, આશા કો-ઓર્ડિનેટર્સ માટે ટ્રેનિંગ મોડ્યુલ બની ચૂક્યા છે. તેમની વર્ચ્યુઅલ/ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને સાથે જ ફિઝિકલ ટ્રેનિંગ પણ શરૂ થઈ ગઈ છે. નેશનલ અને સ્ટેટ ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ વર્કશોપ્સ પૂરા થઈ ચૂક્યા છે.
 • વેક્સિનને વેક્સિન-કેરિયરમાં રખાશે. વેક્સિનેશન સેન્ટર પર જ્યાં સુધી કોઈ વ્યક્તિ વેક્સિન લગાવવા આવતી નથી ત્યાં સુધી એ કેરિયરનું ઢાંકણું બંધ રહેશે. વેક્સિન વાયલ મોનિટર્સ (વીવીએમ) અને વેક્સિન-19 વેક્સિન પર એક્સપાયરી ડેટ નહીં હોય.