ભાસ્કર એક્સપ્લેનરજેને નાલાયક કહ્યા તે હવે CBI ચીફ:ડીકે શિવકુમાર CMની રેસમાં પાછળ રહ્યા એની પાછળ આ છ કારણ જવાબદાર

11 દિવસ પહેલાલેખક: નીરજ સિંહ
  • કૉપી લિંક

'અમારો એક સંયુક્ત પરિવાર છે, અમારી સંખ્યા 135 છે. હું અહીં કોઈને તોડવા નથી માગતો. એ મને પસંદ કરે કે ન કરે, હું એક જવાબદાર શખસ છું. હું પીઠમાં છરી નહીં મારું અને નહીં બ્લેકમેઇલ કરું.'

આ નિવેદન કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અને સીએમ પદના દાવેદાર ડીકે શિવકુમારનું છે. તેમણે આ વાત ત્યારે કરી જ્યારે મુખ્યમંત્રીપદ માટે ચર્ચા ચાલી રહી હતી. જોકે પાર્ટી અને કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરવા છતાં ડીકે શિવકુમારને નહીં, પરંતુ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું એ 6 કારણ, જે ડીકે શિવકુમાર અને સીએમપદના રસ્તામાં આડી આવી ગઈ...

1. કર્ણાટકના DGP સાથે ઝઘડો, જે હવે CBI ચીફ છે

14 માર્ચ 2023ની વાત છે. શિવકુમારે પત્રકારોને કહ્યું- કર્ણાટકના ડીજીપી નાલાયક છે અને આ પદને લાયક નથી. ત્રણ વર્ષ વીતી ગયાં અને હજુ કેટલા દિવસ ભાજપના કાર્યકર બનીને રહેશે? અમે ચૂંટણીપંચને તેમની ડ્યૂટી અને આચરણ અંગે પત્ર પણ લખ્યો છે. તેની સામે એફઆઈઆર થવી જોઈએ. શિવકુમારે કહ્યું હતું કે જો ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર બનશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બરાબર 2 મહિના પછી એટલે કે 14મી મેના રોજ કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી. પરિણામના એક દિવસ પછી કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદને સીબીઆઈના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી પણ નિમણૂક સમિતિમાં હતા. તેમણે સૂદના નામનો વિરોધ કર્યો હતો.

ઘણા રાજકીય વિશ્લેષકો પ્રવીણ સૂદની નિમણૂકને ડીકે શિવકુમાર સાથે જોડીને જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જો ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બનશે તો સીબીઆઈ ફરી એકવાર અપ્રમાણસર સંપત્તિ કેસમાં તપાસ ઝડપી કરી શકે છે. નવા સીબીઆઈ ચીફ આમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

જો સીબીઆઈ અને ઈડી જેવી એજન્સીઓ સીએમ બનતાંની સાથે જ તેમની પૂછપરછ કરે અથવા ધરપકડ કરે તો કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ જશે અને સરકાર પણ મુશ્કેલીમાં મુકાઈ જશે. આનાથી મેસેજ જશે કે કોંગ્રેસે એક ભ્રષ્ટ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવ્યો છે. ડીકે શિવકુમારને મુખ્યમંત્રી ન બનાવવા પાછળ આ એક મોટું કારણ હોઈ શકે છે.

કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદ હિમાચલ પ્રદેશના કાંગડાના રહેવાસી છે. IIT દિલ્હીથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BTech કર્યું છે. 1986માં તેઓ 22 વર્ષની ઉંમરે IPS બન્યા.
કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદ હિમાચલ પ્રદેશના કાંગડાના રહેવાસી છે. IIT દિલ્હીથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BTech કર્યું છે. 1986માં તેઓ 22 વર્ષની ઉંમરે IPS બન્યા.

2. શિવકુમાર પર મની લોન્ડરિંગ, ટેક્સ ચોરી સહિત 19થી વધારે આક્ષેપ

8 કરોડથી વધુના મની લોન્ડરિંગ કેસમાં EDએ ચાર્જશીટ રજૂ કરી છે. એ જ સમયે સીબીઆઈ અપ્રમાણસર સંપત્તિના કેસની પણ તપાસ કરી રહી છે. 2017માં શિવકુમાર અને તેના સહયોગીઓ પર 300 કરોડ રૂપિયાથી વધુનો આવકવેરા ચોરી કરવાનો આરોપ હતો.

EDએ શિવકુમાર પર આરોપ મૂક્યો છે કે તેઓ મંત્રી હતા ત્યારે મોટે પાયે તેમણે ગેરકાયદે અને બિનહિસાબી કેશ ભેગી કરી હતી. ડીકે શિવકુમાર 1999-2004 સુધી એસએમ કૃષ્ણ સરકારમાં શહેરી વિકાસ મંત્રી હતા. 2013માં તેઓ સિદ્ધારમૈયા સરકારમાં ઊર્જામંત્રી હતા.

2017માં શરૂ થયેલી આવકવેરાની તપાસમાં શિવકુમાર પર એજ્યુકેશન ટ્રસ્ટ અને રિયલ એસ્ટેટ બિઝનેસ દ્વારા બિનહિસાબી અને ગેરકાયદે નાણાં છુપાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગે ઓગસ્ટ 2017માં ડીકે શિવકુમાર સાથે જોડાયેલી લગભગ 70 જગ્યા પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મળેલા પુરાવાના આધારે સીબીઆઈએ ઓક્ટોબર 2020માં શિવકુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.

2017માં બેંગલુરુમાં કોંગ્રેસનેતા ડીકે શિવકુમારના ઘરે દરોડા પાડી રહેલી CBI ટીમ.
2017માં બેંગલુરુમાં કોંગ્રેસનેતા ડીકે શિવકુમારના ઘરે દરોડા પાડી રહેલી CBI ટીમ.

સીબીઆઈએ આરોપ મૂક્યો હતો કે શિવકુમારે કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકારમાં ઊર્જામંત્રી તરીકે એપ્રિલ 2013થી એપ્રિલ 2018 દરમિયાન તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં અપ્રમાણસર રૂ. 74.93 કરોડની સંપત્તિ એકઠી કરી હતી.

શિવકુમારને સપ્ટેમ્બર 2019માં મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને એક મહિના પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 2020માં કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા.

શિવકુમારે આ વખતે વિધાનસભા ચૂંટણી માટેના તેમના નામાંકન પત્રમાં 1,214 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. એમાં આપવામાં આવેલી એફિડેવિટ મુજબ આ જાહેર કરેલી સંપત્તિનો મોટો હિસ્સો બેંગલુરુના એક મોલમાંથી આવે છે. ડીકે શિવકુમાર મુખ્યમંત્રી ન બની શક્યા એનું આ એક મુખ્ય કારણોમાંનું એક છે.

24 ઓક્ટોબર 2019એ દિલ્હીની તિહાર જેલથી છૂટીને મીડિયા સાથે વાત કરી રહેલા ડીકે શિવકુમાર.
24 ઓક્ટોબર 2019એ દિલ્હીની તિહાર જેલથી છૂટીને મીડિયા સાથે વાત કરી રહેલા ડીકે શિવકુમાર.

3. કર્ણાટકના 135માંથી 90 ધારાસભ્ય સિદ્ધારમૈયાની સાથે

રવિવારે વિધાનસભા પક્ષની બેઠકમાં તમામ ધારાસભ્યોને તેમના અભિપ્રાય પૂછવામાં આવ્યા હતા. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ માટે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ સુશીલ કુમાર શિંદે, કોંગ્રેસ મહાસચિવ જિતેન્દ્ર સિંહ અને પૂર્વ મહાસચિવ દીપક બાબરિયાને નિરીક્ષક તરીકે મોકલ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસના 135માંથી 90 ધારાસભ્ય સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવવાના પક્ષમાં છે. કર્ણાટકના રાજકીય વિશ્લેષકો કહે છે કે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી ન બનાવવાનો નિર્ણય જોખમી હશે.

કુરુબા અને મુસ્લિમ સમુદાયો કર્ણાટકમાં ફેલાયેલા છે અને પાર્ટીના ઘણા ધારાસભ્યો તેમની બેઠકો માટે સિદ્ધારમૈયાની લોકપ્રિયતા પર આધાર રાખે છે. આ જ કારણ છે કે સિદ્ધારમૈયાને વધુ ધારાસભ્યોનું સમર્થન મળી રહ્યું છે.

રવિવારે બેંગલુરુમાં કોંગ્રેસી ધારાસભ્ય દળની બેઠક દરમિયાન કોંગ્રેસનેતા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર.
રવિવારે બેંગલુરુમાં કોંગ્રેસી ધારાસભ્ય દળની બેઠક દરમિયાન કોંગ્રેસનેતા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર.

4. સિદ્ધારમૈયાના સક્રિય રાજકારણનો છેલ્લો તબક્કો

કર્ણાટકમાં હાલમાં બે મોટા નેતા બીએસ યેદિયુરપ્પા અને સિદ્ધારમૈયા છે. યેદિયુરપ્પા સક્રિય રાજકારણમાં નથી. આવી સ્થિતિમાં સિદ્ધારમૈયા એકમાત્ર રાજ્યના કદાવર નેતા બચ્યા છે. 1983માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા.

સિદ્ધારમૈયાનો વહીવટી અનુભવ તેમની તરફેણમાં બીજો મજબૂત મુદ્દો છે. તેમણે મુખ્યમંત્રી તરીકેનો સંપૂર્ણ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. બે વખત ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. કર્ણાટકના નાણામંત્રી તરીકે 13 વખત બજેટ રજૂ કર્યું છે.

સિદ્ધારમૈયાની સૌથી મહત્ત્વની બાબત તેમની સ્વચ્છ છબિ છે. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી, જે રાજકારણમાં બહુ જ ઓછું જોવા મળે છે. સ્વચ્છ છબિ તેમના નેતૃત્વને વિશ્વસનીયતા આપે છે અને મતદારોમાં તેમની અપીલને મજબૂત બનાવે છે. એક સફળ પ્રશાસક તરીકેનો તેમનો ટ્રેક રેકોર્ડ તેમને મુખ્યમંત્રીપદ માટે સૌથી સફળ દાવેદાર બનાવે છે. ડીકે શિવકુમારના સીએમ બનવાના માર્ગમાં આ બાબત અવરોધ બની ગઈ.

5. સિદ્ધારમૈયાનો સમુદાય

સિદ્ધારમૈયા કુરુબા સમુદાયના છે. કર્ણાટકમાં લિંગાયત અને વોક્કાલિગા પછી કુરુબા ત્રીજો સૌથી મોટો સમુદાય છે. તેઓ કોંગ્રેસના સોશિયલ એન્જિનિયરિંગમાં પણ ફિટ બેસે છે. અહિંદા મારફત સિદ્ધારમૈયાએ લઘુમતી, ઓબીસી અને દલિતોને કોંગ્રેસ સાથે જોડ્યા છે.

અહિેદા નેતા તરીકે તેઓ સામાજિક ન્યાયની વાત કરે છે. 'અહિંદા' લઘુમતી, ઓબીસી અને દલિતોને એક કરે છે.

કર્ણાટકમાં ઓબીસી વસતિ 20% છે. આમાં એકલા કુરુબાનો હિસ્સો 7% છે. મુસ્લિમ વસતિ 16% છે, SC-ST વસતિ 25%થી વધુ છે. મતલબ જો આપણે માત્ર કુરુબા, SC-ST અને મુસ્લિમોની વાત કરીએ તો ત્રણેય સમુદાયો લગભગ 48% છે.

સિદ્ધારમૈયા આ ત્રણ સમુદાયની રાજનીતિ કરે છે. આ કારણથી કોંગ્રેસમાં તેમનું કદ આ સમયે સૌથી મોટું છે. આ વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસને આ ત્રણ સમુદાયનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે, જેના કારણે તેને 135 બેઠક મળી છે.

આવી સ્થિતિમાં 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં સિદ્ધારમૈયાની અવગણના કરવી કોંગ્રેસને ભારે પડી શકે છે.

6. સિદ્ધારમૈયાની સામાજિક યોજનાઓને કારણે લોકો કનેક્ટ થાય છે

2013માં મુખ્યમંત્રીપદના શપથ લઈ રહેલા સિદ્ધારમૈયા.
2013માં મુખ્યમંત્રીપદના શપથ લઈ રહેલા સિદ્ધારમૈયા.

સિદ્ધારમૈયા 13 મે 2013ના રોજ પ્રથમ વખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા હતા. સિદ્ધારમૈયાએ તેમના કાર્યકાળ દરમિયાન ઘણી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી હતી.

અન્ન ભાગ્ય યોજના: અન્ન ભાગ્ય યોજના 10 જુલાઈ 2013ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેમાં બીપીએલ પરિવારોને એક રૂપિયાના દરે વધુમાં વધુ 30 કિલો ચોખા આપવામાં આવે છે. જો પરિવારમાં એક વ્યક્તિ હશે તો તેને દર મહિને 10 કિલો ચોખા આપવામાં આવશે, જેમાં પરિવારમાં 2 વ્યક્તિ હોય તો તેને 20 કિલો અને જો 3થી વધુ વ્યક્તિ હોય તો દર મહિને 30 કિલો ચોખા આપવામાં આવશે.

ક્ષીર ભાગ્ય યોજના: ક્ષીર ભાગ્ય યોજના 1 ઓગસ્ટ 2013ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1થી 10 સુધીના વિદ્યાર્થીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ 150 મિલી દૂધ આપવામાં આવે છે.
અનિલા ભાગ્ય યોજના: 21 ફેબ્રુઆરી 2018ના રોજ સિદ્ધારમૈયા સરકારે અનિલા ભાગ્ય યોજના લાગુ કરી. આ અંતર્ગત બીપીએલ પરિવારોને મફત એલપીજી કનેક્શન આપવામાં આવે છે.

લેપટોપ ભાગ્ય યોજના: 2017-18ના બજેટમાં સિદ્ધારમૈયાએ કોલેજના તમામ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવાની જાહેરાત કરી હતી.

આ સિવાય સિદ્ધારમૈયાએ ભૂખમરો, શિક્ષણ, સ્ત્રી અને બાળ મૃત્યુદર સાથે સંકળાયેલી યોજનાઓનો વિસ્તાર કર્યો, જેમાં તમામ જાતિઓ અને સમુદાયોના ગરીબોને અહિંદા ધોરણે આવરી લેવામાં આવ્યા.

મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તમામ બજેટમાં મહિલાઓના સશક્તીકરણ માટે એક યા બીજી રીતે કામ કર્યું હતું, જેમ કે સ્નાતક સુધીનું મફત શિક્ષણ, કોલેજના વિદ્યાર્થીઓ માટે લેપટોપ, પંચાયતોમાં મહિલાઓની ફરજિયાત હાજરી અને ગર્ભવતી થયા પછી 16 મહિના સુધી મહિલાઓ માટે પૌષ્ટિક આહાર. આ જ કારણ છે કે લગભગ તમામ એક્ઝિટ અને ઓપિનિયન પોલમાં સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી માટે પ્રથમ પસંદ દર્શાવવામાં આવ્યા છે. ABP-C વોટરના એક્ઝિટ પોલમાં 40.1% લોકોએ તેમને CMની પહેલી પસંદ ગણાવી હતી. બીજી તરફ ડીકે શિવકુમારને માત્ર 5% લોકોએ સીએમ પદ માટે પ્રથમ પસંદ ગણાવ્યા હતા. .........................