ભાસ્કર એક્સપ્લેનર:શું ફેસબુક પર કરવામાં આવેલા કેસની પાછળનું એક કારણ ટ્રમ્પ પણ છે? એક્સપર્ટ કેમ કહી રહ્યા છે કે ઝકરબર્ગને હરાવવો મુશ્કેલ છે?

એક વર્ષ પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (FTC) અને 40થી વધારે રાજ્યોએ ફેસબુક પર કેસ કર્યો છે. માર્ક ઝકરબર્ગની કંપની પર કોમ્પિટિશનનો અંત કરવાનો આરોપ છે. કેસ દાખલ કરનારા લોકોએ કંપનીને બે ભાગમાં વહેંચવાની અપીલ કરી છે, પરંતુ અમેરિકાના કન્ઝ્યુમર એડવોકેટ્સનું માનવું છે કે ફેસબુકની વિરુદ્ધ કરવામાં આવેલો કેસ નબલો છે. નિષ્ણાતોનું કહેવું છે કે FTC અને રાજ્યોના અટર્ની જર્નલ્સ માટે આરોપને સાબિત કરવો મુશ્કેલ છે, કેમ કે જે એન્ટીટ્રસ્ટ કાયદા અંતર્ગત ફેસબુક પર કેસ કરવામાં આવ્યો છે એ જટિલ છે.

છેવટે ફેસબુક પર આરોપ શું છે? આ આરોપો પર કંપનીનું શું કહેવું છે? આ કેસ કેટલો સમય લંબાઈ શકે છે? આ આક્ષેપો રાજકીય પ્રેરિત હોવાનું કેમ કહેવામાં આવી રહ્યું છે? આરોપ સાબિત કરવા કેમ મુશ્કેલ હશે? જો આરોપ સાબિત થઈ ગયા તો શું થશે? આવો, બધું જાણીએ...

ફેસબુક પર શું આરોપ છે?

  • ફેસબુક પર સૌથી મોટો આરોપ એ છે એને એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સ્ટ્રેટેજિકલી ખરીદ્યાં છે જે ભવિષ્યમાં પડકાર આપી શકે છે. એના માટે તેણે આ પ્લેટફોર્મ્સને વધતાં પહેલાં જ વધારે કિંમત આપીને ખરીદી લીધાં, જેમ કે 2012માં ફેસબુકે ઈન્સ્ટાગ્રામને 5 હજાર 332 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. જ્યારે એ સમયે ઈન્સ્ટાગ્રામમાં કોઈ આવક થઈ ન હતી અને એ માત્ર 30 કર્મચારીની કંપની હતી. એવી જ રીતે કંપનીએ 2014માં વ્હોટ્સએપને 1.65 લાખ કરોડ રૂપિયા ખરીદી લીધું.
  • FTCએ તેની ફરિયાદમાં એ પણ આરોપ લગાવ્યો કે ફેસબુકે નાની અને નવી કંપનીઓ એટલા માટે ખરીદી કે જેથી યુઝર્સ માટે ફેસબુકને વધારે એટ્રેક્ટિવ રાખી શકાય અને અન્ય કોઈ કોમ્પિટિટર ન રહી શકે.

આરોપો પર કંપનીનું શું કહેવું છે?
ફેસબુકનું કહેવું છે કે FTC અને રાજ્યોના એન્ટીટ્રસ્ટ કેસને હાલ રિવ્યૂ કરાઈ રહ્યો છે. કેસ દાખલ થયા પછી માર્ક ઝકરબર્ગે એક મેમો જાહેર કરી કંપનીના કર્મચારીઓને કહ્યું હતું કે આ તમામ આરોપ ખોટા છે. મેમોમાં કર્મચારીઓના કેસ વિશે ઓપનલી ડિસ્કશન ન કરવા માટે કહ્યું હતું.

આરોપોને રાજકીય પ્રેરિત શા માટે કહેવામાં આવે છે?

  • ડોનાલ્ડ ટ્ર્મ્પ પ્રશાસન સિલિકોન વેલીની ઘણી કંપનીઓથી નારાજ છે. ટ્રમ્પ વિરુદ્ધ જ્યારે મહાભિયોગ લાવવામાં આવ્યો ત્યારે ઘણા રિપબ્લિકન સાંસદોએ આ કંપનીઓ પર પક્ષપાતપૂર્ણ વ્યવહાર અપનાવાનો આરોપ લગાવ્યો હતો.
  • ટ્રમ્પે જ્યારે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી નિષ્પક્ષ થવા પર સવાલો ઉઠાવતાં પોસ્ટ કર્યું હતું કે ફેસબુકે તેના પર ડિસ્ક્લેમર લગાવ્યું છે. એને પણ ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ મનાય છે.

આરોપ સાબિત કરવો કેટલો મુશ્કેલ?

  • એક્સપર્ટ્સનું કહેવું છે કે કેસ દાખલ કરનારા માટે આ પ્રૂફ કરવું મુશ્કેલ થશે કે ફેસબુકે ઈન્સ્ટ્રાગ્રામ, વ્હોટ્સએપ ન ખરીદ્યું હોત તો આજે સોશિયલ મીડિયા માર્કેટ વધારે સારું હોત અને સોશિયલ મીડિયા માર્કેટના કન્ઝ્યુમર્સને વધારે સારી સર્વિસ મળી રહી છે.
  • બીજું એ કે જે રેગ્યુલેટર્સે વર્ષો પહેલાં થયેલું મર્જર સાચું જણાવ્યું હતું, તેમને એ સાબિત કરવું મુશ્કેલ બનશે કે તેમણે પોતાનો વિચાર શા માટે બદલ્યો. અમેરિકન એન્ટીટ્રસ્ટ ઇન્સ્ટિટ્યૂટની પ્રેસિડેન્ટ ડાયના મોસે ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે ફેસબુક સામે જે કેસ થયો છે એમાં જે પ્રકારના પુરાવા મળ્યા છે એની સાથે આક્ષેપોને સાબિત કરવા ખૂબ મુશ્કેલ બનશે.

જો આરોપો સાબિત થઈ ગયા તો શું થશે?

  • જો ફેસબુક પરના આક્ષેપો સાબિત થઈ ગયા તો કંપનીના બે ભાગ પડી જશે. ફેસબુક અલગ અને ઇન્સ્ટાગ્રામ-વ્હોટ્સએપને જોડતી એક અલગ કંપની બનશે. જો આ બે નફાકારક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ હાથમાંથી નીકળી જાય તો ફેસબુકની લોન્ગટર્મ વેલ્યુ સમાપ્ત થઈ જશે.
  • વેડબશ સિક્યોરિટીઝના એનાલિસ્ટ ડેન ઇવ્સનું કહેવું છે કે ફેસબુકનું ભંગાણ રોકાણકારો માટે ખરાબ સમાચાર હશે, કારણ કે મર્જર પછી ડિવિડન્ડ આવવાનું હજી થોડા સમય પહેલાં જ શરૂ થયું હતું.
  • ફેસબુક ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ દ્વારા આ વર્ષે ઇ-કોમર્સની ફેમસ વેબસાઇટ બનવા માગે છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા વર્ષ 2019માં દોઢ લાખ કરોડની કમાણી થઈ હતી. આવું થવાથી ફેસબુકનો રેવન્યુ ગ્રોથ અટકી જશે.

આ કેસ કેટલો સમય લંબાઈ શકે છે?
એન્ટીટ્રસ્ટ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ કેસને પૂરો થવામાં એક વર્ષ અથવા એનાથી વધારે સમય પણ લાગી શકે છે તેમજ ઝકરબર્ગ દ્વારા જે મેમો જારી કરવામાં આવ્યો છે એમાં તેમણે કહ્યું છે કે એક એવી લડાઈનું આ પહેલું પગલું છે, જે ઘણાં વર્ષો સુધી ચાલશે.