ભાસ્કર એક્સપ્લેનર:IPL 2022: કરોડોની બોલી લગાવનારા શખસને જાણો; ટોપ-10 માર્કી ખેલાડી; કયા ટોપ ખેલાડી સામેથી હટ્યા

6 મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે
 • કૉપી લિંક

આઈપીએલ 2022ની હરાજીનો મંચ તૈયાર થઈ ચૂક્યો છે. 10 ટીમ 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં 600 ખેલાડી પર બોલી લગાવી રહી છે. આ વખતે બે નવી ટીમ આવવાથી આઈપીએલની હરાજી વધુ રસપ્રદ થઈ ગઈ છે. આ બે દિવસમાં ખેલાડીઓ પર કરોડો રૂપિયાની હરાજી કરાવનારા ઑક્શનર હશે હ્યુજ એડમિડ્સ.

ચાલો, જાણીએ આઈપીએલ 2022 હરાજી સાથે સંકળાયેલાં રોમાંચક તથ્યો. કોણ છે અબજો રૂપિયાની હરાજી કરાવી ચૂકેલા ઑક્શનર હ્યુજ એડમિડ્સ? કયા ટોપ ખેલાડી નહીં હોય હરાજીનો હિસ્સો?

કોણ હોય છે આઈપીએલ હરાજીકર્તા?

 • આઈપીએલ હરાજીમાં ખેલાડીઓ પર બોલી લગાવનારા કે હરાજી પ્રોસેસનું સંચાલન કરનારા શખસને હરાજીકર્તા કે ઑક્શનીર કહે છે.
 • હરાજીકર્તા જ હરાજી દરમિયાન દરેક ખેલાડીનું નામ, એનો રોલ, તેની બેઝ પ્રાઈસ જેવી ચીજો જણાવે છે.
 • જ્યારે ટીમો ખેલાડી પર બોલી લગાવે છે તો જેમ-જેમ ખેલાડીની કિંમત વધતી જાય છે, હરાજીકર્તા તેને એનાઉન્સ કરતા જાય છે.
 • આખરે સૌથી ઊંચી બોલી લાગવા પર હરાજીકર્તા હેમરને ડેસ્ક પર પટકીને અને સોલ્ડ કહેતા એ ખેલાડી ટીમને વેચતા, આમ હરાતી પ્રોસેસ પૂરી કરે છે.

આઈપીએલ હરાજીકર્તા હ્યુજ એડમિડ્સને જાણો

 • 2008માં આઈપીએલની શરૂઆતથી લઈને 2018 સુધી આ ટી20 લીગની હરાજીની જવાબદારી રિચર્ડ મેડલીએ નિભાવી હતી.
 • 2019થી આ ભૂમિકા નિભાવી રહ્યા છે બ્રિટનના હ્યુજ એડમિડ્સ. હ્યુજ એડમિડ્સ ઈન્ટરનેશનલ ફાઈન આર્ટ, ક્લાસિક કાર અને ચેરિટી ઑક્શનર રહ્યા છે.
 • એક પ્રોફેશનલ ઑક્શનર તરીકે તેઓ અત્યારસુધીમાં 2.7 અબજ પાઉન્ડની કિંમતવાળા 3 લાખથી વધુ સામાનની હરાજી કરાવી ચૂક્યા છે.
 • પોતાની 36 વર્ષના કરિયરમાં એડમિડ્સે દુનિયાભરમાં 2500થી વધુ હરાજી કરાવી છે.
 • એડમિડ્સ ચેરિટી હરાજી માટે દુબઈ, હોંગકોંગ, કાસાબ્લાન્કા, ન્યૂયોર્ક, મુંબઈ, મોન્ટે કાર્લો, લોસ એન્જલસ અને ટોક્યો સહિત 30થી વધુ શહેરોની મુલાકાત લઈ ચૂક્યા છે.
 • એડમિડ્સ આઈપીએલની હરાજી અગાઉ પેઈન્ટિંગથી લઈને આર્ટ અને ફિલ્મો સુધીની હરાજી કરાવી ચૂક્યા છે.
 • તેઓ બ્રિટનના રાજકુમારી માર્ગારેટ અને એક્ટ્રેસ એલિઝાબેથ ટેલરની ચીજોની પણ હરાજી કરાવી ચૂક્યા છે.

પ્રથમ દિવસે કેટલા ખેલાડીઓની લાગશે બોલી?
આઈપીએલ 2022 હરાજીના પ્રથમ દિવસે એટલે કે 12 ફેબ્રુઆરીએ 161 ખેલાડીની બોલી લાગશે. બીજા દિવસે એક્સલરેટેડ બિડિંગ કે ઝડપથી થનારી હરાજી પ્રક્રિયા થશે.

એક્સલરેટેડ હરાજી પ્રોસેસમાં અનસોલ્ડ રહેલા ખેલાડીઓની ટીમોની રુચિ પર ફરીથી હરાજીમાં લાવવામાં આવે છે અને તેમના નામ પર ઝડપથી બોલી લાગે છે.

મર્કી ખેલાડી કોણ-કોણ છે?
આઈપીએલ 2022 હરાજીમાં કુલ 10 ખેલાડીને મર્કી ખેલાડી બનાવાયા છે. એમાં ભારતના ચાર ખેલાડી- રવિ અશ્વિન, શ્રેયસ અય્યર, શિખર ધવન અને મોહમ્મદ શમી સામેલ છે.

આ ઉપરાંત વિદેશી ખેલાડીઓમાં ટ્રેન્ટ બોલ્ટ, પેટ કમિન્સ, ક્વિન્ટન ડી કૉક, ફાફ ડુ પ્લેસિસ, કગિસો રબાડા, ડેવિડ વોર્નર છે.

મર્કી સેટ સામાન્ય રીતે મુખ્ય ખેલાડીઓની એક ખાસ કેટેગરી હોય છે, જેનો વારો હરાજીમાં સૌ પહેલા આવે છે.

કયા ખેલાડીની કેવી રીતે લાગશે બોલી?
હરાજી માટે ખેલાડીઓને તેમની ખાસિયત અનુસાર અલગ-અલગ સેટમાં વહેંચવામાં આવે છે. શરૂઆત ટોપ-10 મર્કી ખેલાડીઓની સાથે થાય છે. હરાજી માટે માર્કી સહિત ખેલાડીઓના કુલ 62 સેટ હોય છે.

મર્કી ખેલાડીઓ પછી કેપ્ડ ખેલાડીઓની તેમની વિશેષતા અનુસાર, જેમ કે બેટર, ઓલરાઉન્ડર, વિકેટકીપર બેટિંગ, ઝડપી બોલર અને સ્પિન બોલર તરીકે બોલી લાગે છે, પછી અનકેપ્ડ ખેલાડીઓનો વારો આવે છે.

ગેલ, સ્ટોક્સ, સ્ટાર્ક જેવા સ્ટાર ખેલાડી કેમ હરાજીમાં નથી જોવા મળતા?

 • આ વખતની આઈપીએલની હરાજીમાં અનેક સ્ટાર ખેલાડીઓ નજરે નહીં પડે. ઈન્ટરનેશનલ ક્રિકેટના ચર્ચિત ખેલાડી રહેલા આ ચહેરા આઈપીએલમાં પણ પોતાની છાપ છોડી ચૂક્યા છે.
 • તેમાં ક્રિસ ગેલ, બેન સ્ટોક્સ, મિશેલ સ્ટાર્ક, ઝે રિચર્ડસન, કાઈલ જેમિસન, સેમ કરન, ટોમ કરન, ડેન ક્રિશ્ચિયન, જો રૂટ, ક્રિસ વોક્સ, ટોમ બેન્ટન અને મેટ હેનરી સામેલ છે.
 • તેમાંથી મોટા ભાગના ખેલાડીઓએ વર્કલોડ મેનેજમેન્ટ અને કોરોનાને જોતાં આઈપીએલ બબલથી લાગતા થાક અને ટૂર્નામેન્ટ અગાઉ ક્વોરેન્ટીન જેવાં કારણથી પોતાનાં નામ પરત લીધાં છે.
 • જ્યારે સ્ટાર્ક અને સ્ટોક્સે ઈન્ટરનેશનલ મેચને કારણે આઈપીએલમાંથી પોતાનાં નામ પરત લીધાં છે. સેમ કરન અને ટોમ કરન ઈજાગ્રસ્ત છે, જ્યારે ગેલે તેનું કારણ જાહેર કર્યું નથી.

હરાજીમાં સાઇલન્ટ ટાઈ-બ્રેકર શું છે?

 • હરાજી દરમિયાન જો કોઈ ટીમ કોઈ ખેલાડી પર બોલી લગાવે છે, પણ તેનું પર્સ ખાલી થઈ જાય છે તો સાઇલન્ટ ટાઈ-બ્રેકરનો નિયમ આવે છે.
 • આઈપીએલ હરાજીમાં સાઇલન્ટ ટાઈ-બ્રેકર નિયમ 2010થી છે, જોકે અત્યારસુધી એનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
 • આ નિયમ ત્યારે પ્રભાવી હોય છે, જ્યારે કોઈ ટીમ કોઈ ખેલાડી પર બોલી લગાવે છે, પરંતુ તેના પૈસા પૂરા થઈ જાય છે અને તેની બોલી કોઈ બીજી ટીમને સમાન હોય છે.
 • એના પછી બંને ટીમોએ લેખિતમાં જણાવવાનું હોય છે કે તેઓ ખેલાડી પર કેટલા પૈસા ખર્ચ કરવા માગે છે, જે ટીમની બોલી વધુ હોય છે તેને ખેલાડી મળી જાય છે.
 • સાઇલન્ટ બોલીની રકમ અલગ હોય છે, જે ટીમોએ બીસીસીઆઈને આપવાની હોય છે અને એ તેમના પર્સમાંથી કપાતી નથી.
 • ટાઈ-બ્રેક હરાજીમાં પૈસાની કોઈ મર્યાદા હોતી નથી. આ નિયમ હરાજીના અંતમાં જ લાગુ થઈ શકે છે.
 • જો બંને ટીમોની સાઇલન્ટ હરાજી સમાન હોય છે તો હરાજી પ્રક્રિયા ત્યાં સુધી જારી રહે છે, જ્યાં સુધી બેમાંથી કોઈ એક ટીમની રકમ વધુ ન થઈ જાય.